લેબલ કારકિર્દી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કારકિર્દી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

18 મે, 2015

સાત સૂરનો દર્દ નિવારક ડોઝ (Udaan 98)


સાત સૂરનો દર્દ નિવારક ડોઝ
બેઝ ગિટાર. ઍકોસ્ટિક ગિટાર. પર્કશન. સીન્થસાઇઝર. હૉસ્પિટલના એક ઓરડામાં. નર્સ. ડૉક્ટર્સ. આવ-જા કરતા લોકો. ડોકિયાં કરતા જાય.આ શું ખેલ માંડ્યો?હેડ ડૉક્ટરનો નિર્ણય હતો. એમનું હેડ ફરી ગયું. એમ તો કહેવાય નહીં. એકબીજા સામે છાનું હસી લેતા બધા. એક તો ન્યૂરોલૉજી ડિપાર્ટમૅન્ટ. મગજની દવા.બાયપોલર ડિસૉર્ડર. મલ્ટિપલ પર્સનાલિટી. ભૂલકણાપણું. એ તો હજીય ઠીક. અમુક પેશન્ટ્સ!બાંધી રાખો.બધી જાતના ઉપચાર કરો. ટ્રીટમૅન્ટ અવાર-નવાર બદલો. તોય નોંધપાત્ર ફરક નહીં. એમને આ છોકરડો. વાજાં વગાડીને સાજાં કરશે?ગુસપુસ ફુસફુસ ચાલુ હતી. આટલા વર્ષ અમે ભણ્યા. મહેનત કરી દાક્તર થયા. અમારું ગજું માપ દેખાડી દે. તો આ શું કરશે? એના વાળ વિખરાયેલા. પહેરવેશ વરણાગી. હાવભાવજુઓ. નથી લાગતો અહીંના પેશન્ટ્સ જેવો? બધાએ રોકી રાખેલું હાસ્ય. ઓરડાની બહાર સુધી છવાઇ ગયું. એક જૂનિયર ડૉક્ટરની કમેન્ટ પર બધા હસતા હતા. વૅલ, લેડીઝ ઍન્ડ જેન્ટલમૅન’!
હેડ સ્ટાફ રૂમમાં આવી ગયા. કેમ બધા ચૂપ થઇ ગયા?હસો, હસો. વાત ખરેખર ખુશ થવા જેવી છે. હેડ સાથે પેલો યુવક હતો. આ સંગીત છે. આપણી સાથે કામ કરશે. હવે દરેક કેસ એકવાર સંગીત રીફર કરશે.તો સર, શરૂઆત એકાદક્રિટિકલ કેસથી કરીએ’!એક સીનિયરે ડબકું મૂક્યું. નૉટ અ બૅડ થૉટ.હેડ ડૉક્ટરે સંમતિ આપી. તો સંગીત, રૅડી ટુ ગો’?‘રૅડી ટુ સ્ટે....સર’! થોડું હસીને સંગીત બોલ્યો.કેવો સ્માર્ટ જવાબ. ઝંકૃતિની આંખો ચમકી ગઇ.દમ છે, આ છોકરામાં. સામે જ છે એનો રૂમ.આપોએક કેસ એને.હેડ પેલા સિનિયરને કહી બહાર ગયા. સંગીત પણ એના રૂમમાં ગયો. આટલા વખતથી મને કોઇ રૂમ નથી. ને આને પહેલા જ દિવસે?હમણાં એનું સ્ટે ને ગો બધું નીકળી જશે. સીનિયર મનમાં જ બોલ્યો. પછી ઝંકૃતિ સામે જોઇને કીધું. માનુષનો કેસ બ્રીફ કરો એને.પણ સર માનુ.... મેં કીધું એમ કરો. હેડ શું કહીને ગયા, સાંભળ્યું? ક્રિટિકલ કેસ.
માનુષ. ઉંમર ૩૫. રીસર્ચ સાયન્ટિસ્ટ. ઇક્વેશન્સ. કૅલક્યુલેશન્સ. ઑબ્ઝર્વેશન્સ. માનસિક સંતુલન ખોઇ બેઠો. રાતરાતભર લૅબમાં બેસી રહેતો. એકસવારે આખી લૅબ વેરણ-છેરણ. એક પણ સાધન સાજું નહીં. પ્લૅટફૉર્મ નીચે સંતાઇને બેઠેલો. કબાટમાં. બારણું જોરથી પકડી રાખેલું. સાથીદારોએ મહા મુસીબતે બહાર કાઢ્યો. બંને હાથે ઇજાઓ. ચહેરો સૂઝેલો.સાવ સૂકલકડી. પણ ઝનૂન ચઢે ત્યારે. પ્રચંડ તાકાત આવી જાય.એને છૂટો મૂકાય નહીં. ઝંકૃતિ સંગીતને કેસની માહિતી આપતી હતી. ત્યાં બહાર લૉબીમાં હાકોટા પડકારા સંભળાયા. સંગીત જરા સંભાળીને. એને પકડવા દસ જણ ઓછા પડે. પાસે જવું જોખમ છે. જે કરવું હોય તે ડિસ્ટન્સથી કરજો. બૉય્ઝ પરાણે માનુષને તાણી લાવ્યા. બાંધી દીધો સાંકળોથી. આંખો કાઢીને માનુષ બધા સામે જોતો હતો.
બધા થોડીવાર માટે બહાર જશો? પ્લીઝ.... ઝંકૃતિને પણ સંગીતે રીક્વેસ્ટ કરી. આર યુ....? યસ, આઇ ઇન્સિસ્ટ ડૉક્ટર. બધા બહાર ગયા. ઇમર્જન્સી સારવાર. ઇન્જેક્શન્સ. તમામ તૈયારી રાખી.હવે તારાં તબલાં તૂટી જશે સંગીત માસ્તર. સિનિયર મનમાં રાજી થયો. બારણું બંધ કર્યું સંગીતે. બહાર લોકોના જીવ પડીકે બંધાયા. માનુષના સગા સંબંધીઓ પણ હાજર. નવી ટ્રીટમૅન્ટના સમાચાર એમને પણ મળેલા. ડૅડીને શું કરશે? નાની દીકરીએ ઝંકૃતિને પૂછ્યું. હીલ બી ફાઇન. ટૂંકો જવાબ આપી ઝંકૃતિએતેડી લીધી એને. ખંજરી. મંજીરાના અવાજો સંભળાયા. સૌનું ધ્યાનરૂમ તરફ.ઍકોસ્ટિક ગિટાર. બેઝ ગિટાર. સીન્થસાઇઝર. એક પછી એક ઇનસ્ટ્રુમેન્ટ સંભળાતુંહતું.સુંદર તરજ હતી. હમણાં તોફાન શરૂ. માનુષને તો અવાજના નામથી નફરત.નર્સે ઇન્જેક્શન તૈયાર કર્યું. બૉય દરવાજામાં ડુપ્લિકેટ ચાવી લગાવી તૈયાર. એક જ ચીસ. ને બધો સ્ટાફ અંદર.
એવું કંઇ જ થયું નહીં. મ્યૂઝિક વાગતુંરહ્યું. ધીમે ધીમે બીજા અવાજો બંધ. ખંજરી વાગતીરહી. અને બારણું ખૂલ્યું. સંગીત હતો. તો માનુષ? ઝંકૃતિ માનુષની દીકરી સાથે અંદર દોડી ગઇ. એક સ્ટૂલ પર. સાવ છૂટ્ટો બેઠેલોએ. ચહેરા ઉપર ધીમું સ્મીત. અનબિલિવેબલ.... હૉસ્પિટલના આખા સ્ટાફના ચહેરે એક જ ઍક્સપ્રેશન!ખંજરી માનુષ જ વગાડતો હતો.
દોસ્તો!મ્યૂઝિકોલૉજી. કૉગ્નિટિવ ન્યૂરોસાયન્સની શાખા. મ્યૂઝિક સાયકોલૉજી. મગજના વિવિધ વિભાગો. એમાં અવાજની અલગ અલગ ફ્રિક્વન્સી નોંધાય. એ પ્રમાણે સંગીતના સ્વર ગોઠવાય. કોઇ નવીતરજ બને. સાવ નૉન-રીસૅપ્ટિવ થયેલું મગજ. આ નવી તરજ સ્વીકારે. એક સંપર્ક ઊભો થાય. વ્યક્તિના મગજ સાથે. સંગીત માર્ગ તૈયાર કરે. પેશન્ટનું મગજ રીસ્પૉન્સ આપે. સાથે ઉપચાર ચાલે. પહેલા જેની અસર નહોતી. એ દવાઓ કામ આપે. માત્ર ન્યૂરોલૉજી નહીં. કોઇ પણ દર્દમાં. સાત સૂરોનો એક ડોઝ. પૉઝિટિવ અસર. સારવાર ઝડપી બને. અસાધ્ય લાગતા દર્દનો ઇલાજ. એ જ દવાઓમાં મળે.
બેશક, છે. પદ્ધતિસરના અભ્યાસક્રમો. સંખ્યાબંધ સફળ કેસ સ્ટડીઝપણ મળશે. ૧૮૫૭માં સ્થપાયેલી મુંબઇ યુનિવર્સિટીમાં. ડિપાર્ટમૅન્ટ ઑફ મ્યૂઝિકોલૉજી. ત્યાં એમ. એ. વિથ મ્યૂઝિકોલૉજી કરી શકાય. ભણવા જેવું તો આ છે, દોસ્તો!કરિયર તો આને કહેવાય. જે લોકોની લાઇફ બનાવે, હેંને!
ડૅડી....માનુષની દીકરી ક્યારે દોડીગઇ? ઝંકૃતિને પણ ખબર ન રહી. ડૅડીના ખોળામાં બેસી ગઇ. પિતા પુત્રીનું મિલન. પેલા સીનિયરને પણ વ્હાલું લાગ્યું. સાંકળ, બેડીઓની હવે એને જરૂર નહોતી. હંમેશ માટેબંધાઇ ગયેલો માનુષ. સાત સૂરની મજબૂત પકડમાં. કોઇ બીજું પણ બંધાઇ રહેલું.... સંગીત સાથે!
Viral Mehta

11 મે, 2015

તમે જોવાલાયક કરિયર વિષે જાણો છો? (Udaan 97)


તમે જોવાલાયક કરિયર વિષે જાણો છો?
બ્રહ્મપુત્ર નદીને કિનારે. પર્વતીય જંગલોનો વિસ્તાર. હાથી. વનરાજ. વાઘ. દીપડા. સસલાં. શિયાળ. તરેહ તરેહના પંખીઓ. અજબ ગજબની વનસ્પતિ. ફૂલો. દૂરથી જ જોતા રહેજો. અડ્યા તો ગયા કામથી. અહીં હવામાંય જાદૂ સંચરે. સર્વત્ર જાદૂનું સામ્રાજ્ય. કોઇ શિલા બની જાય. પથ્થર! ત્યાંને ત્યાં જ જડાઇ જાય. બડો માયાવી દેશ. કામરૂ દેશ. ત્યાં જનારા વૃદ્ધ તરવરતા જવાન બની જાય. ગબરુ જવાનિયા હવા થઇ જાય. ભલભલા ગુમ. અદ્રશ્ય! ત્યાં દૂર પેલું ઘર જોયું? એક છોકરી બહાર આવી. આવું રૂપ ભાળ્યું બીજે? શાની વળી વિશ્વસુંદરી સ્પર્ધાઓ. કોઇ વિસાત છે? જગતભરનાં જોબનિયાં પાણી ભરે. આ કામણગારા રૂપ આગળ. પહેલા જ કહી દઉં. ટીકી ટીકીને જોશો નહીં. આ તો કામરૂ દેશની કામણગારી. કોઇ કામણ કરી દીધું તો.... પોપટ બની જશો. ત્યાં જ કો­ઇ વૃક્ષ પર. માયાનો હિસ્સો બનીને. વસી જશો. પાછા ઘેર નહીં અવાય.
કેમ કંપન વ્યાપી ગયું? હકીકત કહું છું. આ છે, બ્લૅક મૅજિકની ભૂમિ. કાળો જાદૂ. એવું ખરેખર હોય? કરવી છે, ખાતરી? ના, ના કરવી છે? મહાગુરુ મત્સ્યેન્દ્રનાથ. એકવાર અહીં આવેલા. મહાપ્રતાપી યોગી. હવામાં દંડ વીંઝે. ધારે તે હાજર. ધારે તેને વશમાં કરે. એ પોતે જ વશ થઇ ગયા. કામરૂ સુંદરીના કામણમાં. જપ તપ વિસરી ગયા. અહીં જ વસી ગયા. બોલો કૉમન મૅન. અહીં તમારું શું ગજું? અહીંના લોકો જાતજાતની વિદ્યાઓ જાણે. જંતર. તંતર. મંતર. સાપ, વીંછી ઉતારે. વગર કોઇ દવાએ. ગારૂડી વિદ્યા શીખવા પહેલા લોકો કામરૂ દેશ આવતા. અહીંની એક ખાસ વનસ્પતિ. એનું પાન મોંમાં મૂકો તો હવામાં ઓગળી જાવ. અદ્રશ્ય થઇ જાવ. પાન મોંમાં રહે ત્યાં સુધી. ગજબ સ્થળ છે. આસામનું માયોંગ. હવે જો કે, આ વિદ્યાઓ, કળાઓ લુપ્ત થઇ. છતાં જોવા મળે. માયોંગ સેન્ટ્રલ મ્યૂઝિયમમાં. ત્યાં છે. વિચક્રાફ્ટ બ્લૅક મૅજિકનું પ્રદર્શન. પ્રાચીન ચમત્કારી આયુર્વેદિક ઔષધો. ભારતનું અને કદાચ દુનિયાનું એકમાત્ર. બ્લૅક મૅજિક મ્યૂઝિયમ. એના અસલ પુસ્તકો પણ ત્યાં જોવા મળે.
વૅક્સ મ્યૂઝિયમ વિશે સાંભળ્યું છે? એ નહીં યાર. ભારતમાં. એક સાક્ષાત્ દેવી. એમની નથણીનો હીરો. દર્શન કર્યા હોય, તેમને ખ્યાલ હશે. સહસ્ત્ર દીવાની જ્યોત ઝાંખી લાગે. એવું એનું તેજ. પરશુરામે સ્થાપેલી ૧૦૮ શક્તિપીઠમાંથી એક. દેવી કન્યાકુમારી. ભારતનો દક્ષિણ છેડો. ત્યાં દરિયા કિનારે છે, આ મ્યૂઝિયમ. ભારતનું પહેલું બે-વૉચ વૅક્સ મ્યૂઝિયમ. દેશ-વિદેશના તમામ ખ્યાતનામ લોકોની મીણની પ્રતિમાઓ અહીં છે. મહાત્મા ગાંધી. ઇંદિરા ગાંધી. મનમોહન સિંહ. એમ. એસ. શુબ્બલક્ષ્મી. શાહરૂખ. બચ્ચન. માઇકલ જૅક્સન. તમે નામ લો એ તમામ.
એક અજબ ગજબ મ્યૂઝિયમ અમદાવાદમાં પણ છે. ટૅક્સ્ટાઇલ મ્યૂઝિયમ. કલ્પના બહારની વાત. જુઓ તો જ ખબર પડે. માનવજાતિની સૌથી પહેલી સભ્યતા. વસ્ત્રો. પરિધાન. કાપડ. વણાટ. કારીગરી. કસબ. બેનમૂનથી કોઇ સારો શબ્દ છે? તો એનાથીય અનેક ગણું ઉત્તમ સંગ્રહાલય. તમને શું લાગે છે? એકાદ સાદા મકાનમાં. શો-કેસમાં. નીચે તકતી સાથે. બધું ગોઠવી દીધું હશે. અરે આખેઆખી એક પ્રાચીન હવેલી. કાષ્ઠનું, એઝ ઇન, વૂડન સ્થાપત્ય. ઉપાડીને એમનું એમ અહીં ગોઠવવામાં આવ્યું. અને એમાં બન્યું, આ વિશ્વપ્રસિદ્ધ ટેક્સ્ટાઇલ મ્યૂઝિયમ.
દિલ્હી તો આખું શહેર સંગ્રહાલય. એમ મોં સંતાડીને હસો નહીં યાર! ખરેખર સંગ્રહાલયની વાત કરું છું. દેશનું સૌથી મોટું રેલ્વે મ્યૂઝિયમ ચાણક્યપુરી, દિલ્હીમાં. જે બજેટને મુખ્ય બજેટમાં વણી લેવાની વાતો ચાલે. રેલ ભાડાં વધે તો કકળાટ. ના વધે તો પૉલિટિક્સ કહેવાય. એ બહુ ચર્ચિત આમ આદમીની રેલ. કોઇ જમાનામાં રાજા રજવાડાઓની પ્રાઇવેટ હતી. અંગ્રેજ અફસરોની ખાનગી રેલગાડીઓ દોડતી. નાના-મોટા વેપારીઓ પણ પોતાના કૂપે રાખતા. એ રહ્યા બધા નેશનલ રેલ-વે મ્યૂઝિયમમાં. ગાડીના ઍન્જિનમાં સમય સાથે આવેલાં પરિવર્તનો. એનો ઇતિહાસ. વિદેશથી લોકો જાણવા ભણવા આવે. દિલ્હી તો મ્યૂઝિયમની વણઝાર. મૉડર્ન આર્ટ મ્યૂઝિયમ. નૅશનલ મ્યૂઝિયમ. મ્યૂઝિયમમાં તબદીલ થયેલા મહાન દેશ નેતાઓના આવાસો. ગાંધી સ્મૃતિ, બિરલા હાઉસ.
ઇન શૉર્ટ દોસ્તો. ઇશારો કઇ તરફ, ખબર પડી? કરિયર! બંધુ-બાંધવીઓ. આ તો ભારતના થોડા જ મ્યૂઝિયમ્સની વાત. આખું જગત ખોળો પાથરીને બેઠું છે. મ્યૂઝિયમ સ્કૉલર્સને વધાવવા. મ્યૂઝિયમમાં ક્રાફ્ટ્સ પર્સન. કલેક્ટર્સ. ડિઝાઇનર્સ. ડેકોરેટર્સ. લાઇટ ઍક્સપર્ટ્સ. ક્યૂરેટર્સ. અને સૌથી વધારે. મ્યૂઝિયમ આઇડિયેટર્સની ડિમાન્ડ. અવનવી કલ્પનાઓ કરી શકો? સંગ્રહસ્થાન શેનું કરવું તે અંગે? તુક્કાની જગા જ નથી. તીકડમને મ્યૂઝિયમમાં કોઇ સ્થાન નથી. નહીંતર પછી ઘણાને સંગ્રહાલયમાં મૂકવા પડે. એ અલગ ટૉપિક છે. આપણી વાત છે, મ્યૂઝિયમ ક્ષેત્રે કરિયરની. ટૅક્નોલૉજીના વિકાસ સાથે મ્યૂઝિયમની પરિભાષા પણ ઝડપથી બદલાઇ રહી છે. એક જાણીતા સામયિકે અભ્યાસ કરેલો. મ્યૂઝિયમ હવે સબળ કરિયર વિકલ્પ છે. અનેક થીમ ઉપર અવનવાં મ્યૂઝિયમ્સ ઝડપથી બનશે. ઇન ફૅક્ટ બની રહ્યાં છે. એમાં તમારે કંઇક કરવું છે? દુનિયાથી અલગ. ક્યાંક સદીઓ પહેલાં. ક્યાંક સદીઓ જૂનું....
હા! તમારા રૅગ્યુલર સવાલનો જવાબ પણ છે. કોર્સ. એ સિવાય તો કંઇ તમે કરો જ નહીં. તો કોર્સ પણ છે. ઊંચા સ્તરના કોર્સ. મ્યૂઝિયમના અભ્યાસને ટૅક્નિકલી મ્યૂઝિઓલૉજી કહેવાય. કલકત્તામાં ડિપાર્ટમૅન્ટ ઑફ મ્યૂઝિઓલૉજી છે. સ્નાતક. અનુસ્નાતક. પીએચડી. સુધીના અભ્યાસક્રમો. નેશનલ મ્યૂઝિયમ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી. ત્યાં પણ અનેક કોર્સીસ. એ સિવાય અસંખ્ય ઑનલાઇ કોર્સીસ પણ ખરા. તો તમે પણ બનાવોને! અવનવા જાણવાલાયક મ્યૂઝિયમ. અને જોવાલાયક કરિયર. પૅકેજ પણ માતબર. તો પછી, કલ કરૈં સૌ અબ કર....  
Viral Mehta

4 મે, 2015

એક નવો વિચાર સરનામું શોધે છે.... (Udaan 96)



એક નવો વિચાર સરનામું શોધે છે....
બુદ્ધિ હોત તો જોઇતુંતું શું? કોઇ લખ્ખણ નથી તારામાં. આમને આમ એં.... આ દુનિયા તને વેચીને ચણા ખાશે. કીધેલુંને? હજ્જારો વાર કીધેલું. ભણી લે. સારા ટકા લાવ. સારી જૉબ કર. કરિયર બનાવ. બધી શિખામણ ઉપર પાણી. છોકરી નહીં આપે કોઇ. અડબોથ જેવો સાવ. કોઇ સગું નહીં થાય. બેસી રહ્યો છે મોં લટકાવીને. રુંવાડું ફરકતું નથી એનું. અરેરાટી નથી થતી જરાય. આ ઉંમરે આવી હાલત. આગળ જિંદગી કઇ રીતે જશે? ના હોં ભૈ.... અમારી આશા ના રાખીશ. દલ્લો નથી દાટ્યો મારા બાપે. તે તારા માટે મેલીને જઇશું. આ ઘર એક માંડ થયું. મને તો ફિકર છે, તું એય જાળવીશ કે.... ધ્રાસકા પડે છે. તારા કારણે. રાતે ઊંઘ ઊડી જાય. કોઇ ચિંતા વિનાનો નફકરો નબીરો. તારું તો શું થશે અમને ખબર નથી ભૈ.... પણ અમારાં આયુષ્યમાં બાર પંદર ઓછા થઇ જવાના.
ફેમિલિયર? આપણા ફેમિલીઝ. પૅરેન્ટ્સ. પોતાના જ સંતાનોની એટલી બૂરાઇ કરે. મોંઢામોંઢ. કે પેલો લાઇફ ટાઇમ એના ગિલ્ટમાં સરી જાય. ભણ્યા છતાં અભણ હોવાની હીનતા અનુભવે. અંધારી ગર્તામાં ઉતરી જાય. મા-બાપ, પારકાં પોઇરાંના બઢાઇ ચઢાઇને વખાણ કરે. ફત્તુ ભૈના તત્તુનું સાંભળ્યું? લેટેસ્ટ પર્સનલ મ્યૂઝિક પ્લેયર. લઇ આયો. બાપ ખર્ચે નહીં. આપ ખર્ચે. દેખાડ્યું મને. લો સાંભળો અંકલ. આ હા! શું વાગે? શું સાઉન્ડ? આને કહેવાય છોકરાં. સમજ્યા નબીરા? બાપડા છોકરાને મ્યૂઝિક પ્લેયરનો એટલો શોખ. ઉપરથી પારકાંના ભારોભાર વખાણ. કન્ફર્મ થઇ જાય. આ જન્મે તો મ્યૂઝિકમાં માત્ર તિરસ્કારના ઢોલ પીટાશે. એ સિવાય કંઇ નહીં સંભળાય. ઘર છોડી દેવાનું મન થાય. કાચાંપોચાં બાપડા! હા, બાપડા ને બચારાં. દુનિયા નથી બનાવતી કોઇને. સગા મા-બાપની વાતો હતાશ કરે. માય ડિયર પૅરેન્ટ્સ. દાટીના દેશી તમંચા. કોક વાર ઊંધા ધમક્યાને? તો.... એટલે જરી નિરાંત રાખો. પોરા પોરીને વિચારનો મોકો આપો.
એલ્યા વિચાર? કેમ નવરો બઠો? ચલ વિનીત પાસે જઇએ. અબે ઓય.... હું નવરો નથી. ગયેલો. એની પાસે. બેઠેલો વીલે મોંઢે. સદંતર અસ્વીકાર સાથે. હું કરું શું, એની પાસે જઇને? પોતાની ક્ષમતા પારખે નહીં. પોતાની જ જાત સાથે અણગમો. નવો વિચાર આવે તોય કયા રસ્તે? નો એન્ટ્રીનું પાટિયું. દિમાગની દરેક ચેનલમાં. વિચાર દૂરથી જ પાછો. આજકાલ નવરો બેઠો છે. વિનીત નહીં. એ ઉંમરના દરેકને આ જ પ્રૉબલેમ. વાંક યૂથનો નથી. માનસિક અવસ્થાનો છે. એનો વિકાસ અટકી ગયો. વડીલો. સાહેબો. શિક્ષકો. સમાજો. બંધારણો. રેઢિયાળ અભ્યાસક્રમોમાં બંધાઇ ગયા. અટવાઇ ગયા. એમને તો બહાર કાઢવા સંભવ નથી. એ અંધારા કૂવામાંથી. યુવાનોએ જાતે જ બહાર આવવું પડે.
કઇ રીતે? નિરાંતે! આવો બેસો. માથું ખભા પર મૂકો. બીજાંના નહીં. તમારા પોતાના ખભે. ઉચાટ છોડો. બસને યાર? જાવને યાર! તમે પણ સલાહ આપશો? જરાય ઇન્ટરેસ્ટ નથી. ઓકે, એક એક્ઝામ્પલ. સીધું સાદું. તમારે, માનો કે, મકાન લેવું છે. જો હોં જોક મને પસંદ નથી જરાય. જોક નથી. ધારવાનું છે. હવે ધાર્યા મોટા. તબેલામાંથી મકાન લેવાય? ગજવામાં કૂકા નહીં. બૅન્કમાં બૅલેન્સ નહીં. બોલ્યા, મકાન લેવું છે. આને જ વિચાર કહો છો? તો બેકાર વિચાર છે. જાવ તમે તમારું કામ કરો. બસ જોયું? આ જ પેલું નો એન્ટ્રીનું પાટિયું. વિચાર એ બાજુ ફરકે જ નહીં.
એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. પચાસના દાયકામાં. શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રૉબલેમ થયો. પરિવહનના ઝડપી વિકલ્પો આવી રહેલા. માલવાહક જહાજોનો ધંધો તૂટતો ગયો. એની સામે ટક્કર લેવા શું કરવું? અત્યાધુનિક. વધુ ઝડપી જહાજો. બનાવો. તડામાર તૈયારીઓ. નવા જહાજો બન્યા. શિપિંગ કંપનીઓએ ખરીદ્યા. જંગી ઇન્વેસ્ટમેન્ટ થયું. તોય પ્રૉબલેમ ત્યાંનો ત્યાં. ધંધો તૂટતો જ રહ્યો. ત્યારે એક વિચારભાઇ ફ્લોર પર આવ્યા. નવી રીતે વાત તપાસી. નવું પ્રૉબલેમ સ્ટેટમેન્ટ આપ્યું. એક જ છે. આ ઇન્ડસ્ટ્રીની સમસ્યા. કૉસ્ટ રિડક્શન. ખર્ચ ઘટાડો.
ઘસાયેલાં મગજોને તર્કનો જર્ક મળ્યો. દિમાગમાં બત્તીઓ થઇ. કંપની ખર્ચ. ગ્રાહક ખર્ચ. તાબડતોબ ઘટાડો. તો ઝડપી વિકલ્પો સામે ટક્કર લેવાય. અને પછી શિપિંગ ઉદ્યોગ સાવ બદલાઇ ગયો. કાર્ગો હૅન્ડલિંગનું વિજ્ઞાન મળ્યું. સ્ટોરેજ. લોડિંગ. લિફ્ટિંગ. ટાઇમ મૅનેજમેન્ટની સમજ ઊભી થઇ. નવાં રોલ-ઑન. રોલ-ઑફ જહાજો બન્યા. લાંબી દરિયાઇ સફરોનો યુગ ફર્યો. નાના સમુદ્રી પ્રવાસોનું મહત્ત્વ વધ્યું. એક જ સિમ્પલ લૉજિક. નજીકના સ્થળે વહેલા પહોંચાય. ઓછા જોખમે પહોંચાય. ત્યાંથી ત્યાં. પછી પણે. ને પછી ફાઇનલ ડેસ્ટિનેશન. એકને બદલે ત્રણ ત્રણ જહાજ કામે લાગ્યા. ઝડપ આપોઆપ વધી ગઇ. 
દોસ્તો, આને કહેવાય RCA. મૉડર્ન મૅનેજમેન્ટમાં સૌથી મહત્ત્વનો અભ્યાસ. રૂઢિગત વિચારો. ઘરના દબાણો. સમાજના ઢાંચા. સદીઓથી અવરોધ બનતા રહ્યા. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. યુવાન વિનીતને. વડીલ પિતાને. કે તમને. કે કોઇને. સલાહ તો પાલવે નહીં. ઉપદેશો પણ એ ધૂળ ચાટે. ફૂટપાથ પર. લાયબ્રેરીમાં. પુસ્તક મેળાઓમાં. હવે કરવું શું? RCA. રૂટ કૉઝ એનાલિસિસ. સમસ્યાની જડ પકડવી.
ખિસ્સામાં કૂકા. બૅન્કમાં બૅલેન્સ. એ સમસ્યા નથી. એ તો છટકબારી. ધ્યાનથી વિચારો. મૂળ સમસ્યા કઇ? મકાન ખરીદવાની. હવે વિચારો. તમારી જરૂરિયાત કેટલી? એવા મકાનની કૉસ્ટ કેટલી? એ ક્યાંથી મેળવવી? જૉબ કરો તો અમુક વર્ષે લોન મળે. બિઝનેસ પ્રપોઝલ ઉપર તરત એડવાન્સિંગ. મકાન પણ એનો જ હિસ્સો. ધંધો જામે પછી પણ પ્રિમાઇસીલ લેવાય. પણ લેવાય. પાક્કે પાયે લેવાય. નક્કી વાત? હા યાર. મકાન તો સોએ સો ટકા લેવાય! આવી? પૉઝિટિવિટી આવી? આને કહેવાય વિચાર. નવો વિચાર. મકાન. કાર. મ્યૂઝિક પ્લેયર. ભૌતિક સામગ્રી. એ તો રમતાં રમતાં આવે. નવો વિચાર હોય તો. ધારો તે મળે. યશ પદ ધન. બધું જ.
RCA શીખી જાવ. કોઇ કૉલેજ નહીં શીખવે. શીખવનારા કન્ફ્યૂઝ કરશે. કોઇ કોર્સ નથી. સૅલ્ફ લર્નિંગ. સેલ્ફ ટ્રેનિંગ છે. પ્રૉબલેમમાંથી બહાર નીકળવા. પહેલા ખરો પ્રૉબલેમ તો ખોળો? પછી જુઓ. દોડતા તમારા સરનામે આવશે. હજારો નવા વિચાર....
Viral Mehta