એક નવો વિચાર સરનામું
શોધે છે....
બુદ્ધિ હોત તો જોઇતું’તું શું? કોઇ લખ્ખણ નથી તારામાં. આમને આમ એં.... આ દુનિયા તને વેચીને
ચણા ખાશે. કીધેલુંને? હજ્જારો વાર કીધેલું. ભણી
લે. સારા ટકા લાવ. સારી જૉબ કર. કરિયર બનાવ. બધી શિખામણ ઉપર પાણી. છોકરી નહીં આપે
કોઇ. અડબોથ જેવો સાવ. કોઇ સગું નહીં થાય. બેસી રહ્યો છે મોં લટકાવીને. રુંવાડું
ફરકતું નથી એનું. અરેરાટી નથી થતી જરાય. આ ઉંમરે આવી હાલત. આગળ
જિંદગી કઇ રીતે જશે? ના હોં ભૈ.... અમારી આશા
ના રાખીશ. દલ્લો નથી દાટ્યો મારા બાપે. તે તારા માટે મેલીને જઇશું. આ ઘર એક માંડ
થયું. મને તો ફિકર છે, તું એય જાળવીશ કે.... ધ્રાસકા પડે છે. તારા કારણે. રાતે ઊંઘ
ઊડી જાય. કોઇ ચિંતા વિનાનો નફકરો નબીરો. તારું તો શું થશે અમને ખબર નથી ભૈ.... પણ
અમારાં આયુષ્યમાં બાર પંદર ઓછા થઇ જવાના.
ફેમિલિયર? આપણા ફેમિલીઝ. પૅરેન્ટ્સ.
પોતાના જ સંતાનોની એટલી બૂરાઇ કરે. મોંઢામોંઢ. કે પેલો લાઇફ ટાઇમ એના ગિલ્ટમાં સરી
જાય. ભણ્યા છતાં અભણ હોવાની હીનતા અનુભવે. અંધારી ગર્તામાં ઉતરી જાય. મા-બાપ,
પારકાં પોઇરાંના બઢાઇ ચઢાઇને વખાણ કરે. ફત્તુ ભૈના તત્તુનું સાંભળ્યું? લેટેસ્ટ પર્સનલ મ્યૂઝિક પ્લેયર. લઇ આ’યો. બાપ ખર્ચે નહીં. આપ ખર્ચે. દેખાડ્યું મને. લો સાંભળો
અંકલ. આ હા! શું વાગે? શું સાઉન્ડ? આને કહેવાય છોકરાં. સમજ્યા નબીરા? બાપડા છોકરાને
મ્યૂઝિક પ્લેયરનો એટલો શોખ. ઉપરથી પારકાંના ભારોભાર વખાણ. કન્ફર્મ થઇ જાય. આ જન્મે
તો મ્યૂઝિકમાં માત્ર તિરસ્કારના ઢોલ પીટાશે. એ સિવાય કંઇ નહીં સંભળાય. ઘર છોડી
દેવાનું મન થાય. કાચાંપોચાં બાપડા! હા, બાપડા ને
બચારાં. દુનિયા નથી બનાવતી કોઇને. સગા મા-બાપની વાતો હતાશ કરે. માય ડિયર
પૅરેન્ટ્સ. દાટીના દેશી તમંચા. કો’ક વાર ઊંધા ધમક્યાને? તો.... એટલે જરી નિરાંત રાખો. પોરા પોરીને વિચારનો મોકો આપો.
એલ્યા વિચાર? કેમ નવરો બઠો? ચલ વિનીત પાસે જઇએ. અબે ઓય.... હું નવરો નથી. ગયેલો. એની
પાસે. બેઠેલો વીલે મોંઢે. સદંતર અસ્વીકાર સાથે. હું કરું શું, એની પાસે જઇને? પોતાની ક્ષમતા પારખે નહીં. પોતાની જ જાત સાથે અણગમો. નવો
વિચાર આવે તોય કયા રસ્તે? ‘નો એન્ટ્રી’નું પાટિયું. દિમાગની
દરેક ચેનલમાં. વિચાર દૂરથી જ પાછો. આજકાલ નવરો બેઠો છે. વિનીત નહીં. એ ઉંમરના
દરેકને આ જ પ્રૉબલેમ. વાંક યૂથનો નથી. માનસિક અવસ્થાનો છે. એનો વિકાસ અટકી ગયો. વડીલો.
સાહેબો. શિક્ષકો. સમાજો. બંધારણો. રેઢિયાળ અભ્યાસક્રમોમાં બંધાઇ ગયા. અટવાઇ ગયા. એમને
તો બહાર કાઢવા સંભવ નથી. એ અંધારા કૂવામાંથી. યુવાનોએ જાતે જ બહાર આવવું પડે.
કઇ રીતે? નિરાંતે! આવો બેસો. માથું ખભા
પર મૂકો. બીજાંના નહીં. તમારા પોતાના ખભે. ઉચાટ છોડો. બસને યાર? જાવને યાર! તમે પણ સલાહ આપશો? જરાય ઇન્ટરેસ્ટ નથી. ઓકે, એક એક્ઝામ્પલ. સીધું સાદું. તમારે,
માનો કે, મકાન લેવું છે. જો હોં જોક મને પસંદ નથી જરાય. જોક નથી. ધારવાનું છે. હવે
ધાર્યા મોટા. તબેલામાંથી મકાન લેવાય? ગજવામાં કૂકા નહીં.
બૅન્કમાં બૅલેન્સ નહીં. બોલ્યા, મકાન લેવું છે. આને જ વિચાર કહો છો? તો બેકાર વિચાર છે. જાવ તમે તમારું કામ કરો. બસ જોયું? આ જ પેલું ‘નો એન્ટ્રી’નું પાટિયું. વિચાર એ બાજુ ફરકે જ નહીં.
એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. પચાસના દાયકામાં. શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રૉબલેમ
થયો. પરિવહનના ઝડપી વિકલ્પો આવી રહેલા. માલવાહક જહાજોનો ધંધો તૂટતો ગયો. એની સામે
ટક્કર લેવા શું કરવું? અત્યાધુનિક. વધુ ઝડપી
જહાજો. બનાવો. તડામાર તૈયારીઓ. નવા જહાજો બન્યા. શિપિંગ કંપનીઓએ ખરીદ્યા. જંગી ઇન્વેસ્ટમેન્ટ
થયું. તોય પ્રૉબલેમ ત્યાંનો ત્યાં. ધંધો તૂટતો જ રહ્યો. ત્યારે એક વિચારભાઇ ફ્લોર
પર આવ્યા. નવી રીતે વાત તપાસી. નવું ‘પ્રૉબલેમ સ્ટેટમેન્ટ’ આપ્યું. એક જ છે. ‘આ ઇન્ડસ્ટ્રીની
સમસ્યા. કૉસ્ટ રિડક્શન’. ખર્ચ ઘટાડો.
ઘસાયેલાં મગજોને તર્કનો જર્ક મળ્યો. દિમાગમાં બત્તીઓ થઇ. કંપની ખર્ચ. ગ્રાહક
ખર્ચ. તાબડતોબ ઘટાડો. તો ઝડપી વિકલ્પો સામે ટક્કર લેવાય. અને પછી શિપિંગ ઉદ્યોગ સાવ
બદલાઇ ગયો. કાર્ગો હૅન્ડલિંગનું વિજ્ઞાન મળ્યું. સ્ટોરેજ. લોડિંગ. લિફ્ટિંગ. ટાઇમ
મૅનેજમેન્ટની સમજ ઊભી થઇ. નવાં રોલ-ઑન. રોલ-ઑફ જહાજો બન્યા. લાંબી દરિયાઇ સફરોનો યુગ
ફર્યો. નાના સમુદ્રી પ્રવાસોનું મહત્ત્વ વધ્યું. એક જ સિમ્પલ લૉજિક. નજીકના સ્થળે
વહેલા પહોંચાય. ઓછા જોખમે પહોંચાય. ત્યાંથી ત્યાં. પછી પણે. ને પછી ફાઇનલ
ડેસ્ટિનેશન. એકને બદલે ત્રણ ત્રણ જહાજ કામે લાગ્યા. ઝડપ આપોઆપ વધી ગઇ.
દોસ્તો, આને કહેવાય RCA. મૉડર્ન મૅનેજમેન્ટમાં
સૌથી મહત્ત્વનો અભ્યાસ. રૂઢિગત વિચારો. ઘરના દબાણો. સમાજના ઢાંચા. સદીઓથી અવરોધ
બનતા રહ્યા. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. યુવાન વિનીતને. વડીલ પિતાને. કે તમને. કે
કોઇને. સલાહ તો પાલવે નહીં. ઉપદેશો પણ એ ધૂળ ચાટે. ફૂટપાથ પર. લાયબ્રેરીમાં.
પુસ્તક મેળાઓમાં. હવે કરવું શું? RCA. રૂટ કૉઝ એનાલિસિસ. સમસ્યાની જડ પકડવી.
ખિસ્સામાં કૂકા. બૅન્કમાં બૅલેન્સ. એ સમસ્યા નથી. એ તો છટકબારી. ધ્યાનથી
વિચારો. મૂળ સમસ્યા કઇ? ‘મકાન ખરીદવાની’. હવે વિચારો. તમારી
જરૂરિયાત કેટલી? એવા મકાનની કૉસ્ટ કેટલી? એ ક્યાંથી મેળવવી? જૉબ કરો તો અમુક
વર્ષે લોન મળે. બિઝનેસ પ્રપોઝલ ઉપર તરત એડવાન્સિંગ. મકાન પણ એનો જ હિસ્સો. ધંધો
જામે પછી પણ પ્રિમાઇસીલ લેવાય. પણ લેવાય. પાક્કે પાયે લેવાય. નક્કી વાત? હા યાર. મકાન તો સોએ સો ટકા લેવાય! આવી? પૉઝિટિવિટી આવી? આને કહેવાય
વિચાર. નવો વિચાર. મકાન. કાર. મ્યૂઝિક પ્લેયર. ભૌતિક સામગ્રી. એ તો રમતાં રમતાં
આવે. નવો વિચાર હોય તો. ધારો તે મળે. યશ પદ ધન. બધું જ.
RCA શીખી જાવ. કોઇ કૉલેજ
નહીં શીખવે. શીખવનારા કન્ફ્યૂઝ કરશે. કોઇ કોર્સ નથી. સૅલ્ફ લર્નિંગ. સેલ્ફ ટ્રેનિંગ
છે. પ્રૉબલેમમાંથી બહાર નીકળવા. પહેલા ખરો પ્રૉબલેમ તો ખોળો? પછી જુઓ. દોડતા તમારા સરનામે આવશે. હજારો નવા વિચાર....
Viral Mehta