11 મે, 2015

તમે જોવાલાયક કરિયર વિષે જાણો છો? (Udaan 97)


તમે જોવાલાયક કરિયર વિષે જાણો છો?
બ્રહ્મપુત્ર નદીને કિનારે. પર્વતીય જંગલોનો વિસ્તાર. હાથી. વનરાજ. વાઘ. દીપડા. સસલાં. શિયાળ. તરેહ તરેહના પંખીઓ. અજબ ગજબની વનસ્પતિ. ફૂલો. દૂરથી જ જોતા રહેજો. અડ્યા તો ગયા કામથી. અહીં હવામાંય જાદૂ સંચરે. સર્વત્ર જાદૂનું સામ્રાજ્ય. કોઇ શિલા બની જાય. પથ્થર! ત્યાંને ત્યાં જ જડાઇ જાય. બડો માયાવી દેશ. કામરૂ દેશ. ત્યાં જનારા વૃદ્ધ તરવરતા જવાન બની જાય. ગબરુ જવાનિયા હવા થઇ જાય. ભલભલા ગુમ. અદ્રશ્ય! ત્યાં દૂર પેલું ઘર જોયું? એક છોકરી બહાર આવી. આવું રૂપ ભાળ્યું બીજે? શાની વળી વિશ્વસુંદરી સ્પર્ધાઓ. કોઇ વિસાત છે? જગતભરનાં જોબનિયાં પાણી ભરે. આ કામણગારા રૂપ આગળ. પહેલા જ કહી દઉં. ટીકી ટીકીને જોશો નહીં. આ તો કામરૂ દેશની કામણગારી. કોઇ કામણ કરી દીધું તો.... પોપટ બની જશો. ત્યાં જ કો­ઇ વૃક્ષ પર. માયાનો હિસ્સો બનીને. વસી જશો. પાછા ઘેર નહીં અવાય.
કેમ કંપન વ્યાપી ગયું? હકીકત કહું છું. આ છે, બ્લૅક મૅજિકની ભૂમિ. કાળો જાદૂ. એવું ખરેખર હોય? કરવી છે, ખાતરી? ના, ના કરવી છે? મહાગુરુ મત્સ્યેન્દ્રનાથ. એકવાર અહીં આવેલા. મહાપ્રતાપી યોગી. હવામાં દંડ વીંઝે. ધારે તે હાજર. ધારે તેને વશમાં કરે. એ પોતે જ વશ થઇ ગયા. કામરૂ સુંદરીના કામણમાં. જપ તપ વિસરી ગયા. અહીં જ વસી ગયા. બોલો કૉમન મૅન. અહીં તમારું શું ગજું? અહીંના લોકો જાતજાતની વિદ્યાઓ જાણે. જંતર. તંતર. મંતર. સાપ, વીંછી ઉતારે. વગર કોઇ દવાએ. ગારૂડી વિદ્યા શીખવા પહેલા લોકો કામરૂ દેશ આવતા. અહીંની એક ખાસ વનસ્પતિ. એનું પાન મોંમાં મૂકો તો હવામાં ઓગળી જાવ. અદ્રશ્ય થઇ જાવ. પાન મોંમાં રહે ત્યાં સુધી. ગજબ સ્થળ છે. આસામનું માયોંગ. હવે જો કે, આ વિદ્યાઓ, કળાઓ લુપ્ત થઇ. છતાં જોવા મળે. માયોંગ સેન્ટ્રલ મ્યૂઝિયમમાં. ત્યાં છે. વિચક્રાફ્ટ બ્લૅક મૅજિકનું પ્રદર્શન. પ્રાચીન ચમત્કારી આયુર્વેદિક ઔષધો. ભારતનું અને કદાચ દુનિયાનું એકમાત્ર. બ્લૅક મૅજિક મ્યૂઝિયમ. એના અસલ પુસ્તકો પણ ત્યાં જોવા મળે.
વૅક્સ મ્યૂઝિયમ વિશે સાંભળ્યું છે? એ નહીં યાર. ભારતમાં. એક સાક્ષાત્ દેવી. એમની નથણીનો હીરો. દર્શન કર્યા હોય, તેમને ખ્યાલ હશે. સહસ્ત્ર દીવાની જ્યોત ઝાંખી લાગે. એવું એનું તેજ. પરશુરામે સ્થાપેલી ૧૦૮ શક્તિપીઠમાંથી એક. દેવી કન્યાકુમારી. ભારતનો દક્ષિણ છેડો. ત્યાં દરિયા કિનારે છે, આ મ્યૂઝિયમ. ભારતનું પહેલું બે-વૉચ વૅક્સ મ્યૂઝિયમ. દેશ-વિદેશના તમામ ખ્યાતનામ લોકોની મીણની પ્રતિમાઓ અહીં છે. મહાત્મા ગાંધી. ઇંદિરા ગાંધી. મનમોહન સિંહ. એમ. એસ. શુબ્બલક્ષ્મી. શાહરૂખ. બચ્ચન. માઇકલ જૅક્સન. તમે નામ લો એ તમામ.
એક અજબ ગજબ મ્યૂઝિયમ અમદાવાદમાં પણ છે. ટૅક્સ્ટાઇલ મ્યૂઝિયમ. કલ્પના બહારની વાત. જુઓ તો જ ખબર પડે. માનવજાતિની સૌથી પહેલી સભ્યતા. વસ્ત્રો. પરિધાન. કાપડ. વણાટ. કારીગરી. કસબ. બેનમૂનથી કોઇ સારો શબ્દ છે? તો એનાથીય અનેક ગણું ઉત્તમ સંગ્રહાલય. તમને શું લાગે છે? એકાદ સાદા મકાનમાં. શો-કેસમાં. નીચે તકતી સાથે. બધું ગોઠવી દીધું હશે. અરે આખેઆખી એક પ્રાચીન હવેલી. કાષ્ઠનું, એઝ ઇન, વૂડન સ્થાપત્ય. ઉપાડીને એમનું એમ અહીં ગોઠવવામાં આવ્યું. અને એમાં બન્યું, આ વિશ્વપ્રસિદ્ધ ટેક્સ્ટાઇલ મ્યૂઝિયમ.
દિલ્હી તો આખું શહેર સંગ્રહાલય. એમ મોં સંતાડીને હસો નહીં યાર! ખરેખર સંગ્રહાલયની વાત કરું છું. દેશનું સૌથી મોટું રેલ્વે મ્યૂઝિયમ ચાણક્યપુરી, દિલ્હીમાં. જે બજેટને મુખ્ય બજેટમાં વણી લેવાની વાતો ચાલે. રેલ ભાડાં વધે તો કકળાટ. ના વધે તો પૉલિટિક્સ કહેવાય. એ બહુ ચર્ચિત આમ આદમીની રેલ. કોઇ જમાનામાં રાજા રજવાડાઓની પ્રાઇવેટ હતી. અંગ્રેજ અફસરોની ખાનગી રેલગાડીઓ દોડતી. નાના-મોટા વેપારીઓ પણ પોતાના કૂપે રાખતા. એ રહ્યા બધા નેશનલ રેલ-વે મ્યૂઝિયમમાં. ગાડીના ઍન્જિનમાં સમય સાથે આવેલાં પરિવર્તનો. એનો ઇતિહાસ. વિદેશથી લોકો જાણવા ભણવા આવે. દિલ્હી તો મ્યૂઝિયમની વણઝાર. મૉડર્ન આર્ટ મ્યૂઝિયમ. નૅશનલ મ્યૂઝિયમ. મ્યૂઝિયમમાં તબદીલ થયેલા મહાન દેશ નેતાઓના આવાસો. ગાંધી સ્મૃતિ, બિરલા હાઉસ.
ઇન શૉર્ટ દોસ્તો. ઇશારો કઇ તરફ, ખબર પડી? કરિયર! બંધુ-બાંધવીઓ. આ તો ભારતના થોડા જ મ્યૂઝિયમ્સની વાત. આખું જગત ખોળો પાથરીને બેઠું છે. મ્યૂઝિયમ સ્કૉલર્સને વધાવવા. મ્યૂઝિયમમાં ક્રાફ્ટ્સ પર્સન. કલેક્ટર્સ. ડિઝાઇનર્સ. ડેકોરેટર્સ. લાઇટ ઍક્સપર્ટ્સ. ક્યૂરેટર્સ. અને સૌથી વધારે. મ્યૂઝિયમ આઇડિયેટર્સની ડિમાન્ડ. અવનવી કલ્પનાઓ કરી શકો? સંગ્રહસ્થાન શેનું કરવું તે અંગે? તુક્કાની જગા જ નથી. તીકડમને મ્યૂઝિયમમાં કોઇ સ્થાન નથી. નહીંતર પછી ઘણાને સંગ્રહાલયમાં મૂકવા પડે. એ અલગ ટૉપિક છે. આપણી વાત છે, મ્યૂઝિયમ ક્ષેત્રે કરિયરની. ટૅક્નોલૉજીના વિકાસ સાથે મ્યૂઝિયમની પરિભાષા પણ ઝડપથી બદલાઇ રહી છે. એક જાણીતા સામયિકે અભ્યાસ કરેલો. મ્યૂઝિયમ હવે સબળ કરિયર વિકલ્પ છે. અનેક થીમ ઉપર અવનવાં મ્યૂઝિયમ્સ ઝડપથી બનશે. ઇન ફૅક્ટ બની રહ્યાં છે. એમાં તમારે કંઇક કરવું છે? દુનિયાથી અલગ. ક્યાંક સદીઓ પહેલાં. ક્યાંક સદીઓ જૂનું....
હા! તમારા રૅગ્યુલર સવાલનો જવાબ પણ છે. કોર્સ. એ સિવાય તો કંઇ તમે કરો જ નહીં. તો કોર્સ પણ છે. ઊંચા સ્તરના કોર્સ. મ્યૂઝિયમના અભ્યાસને ટૅક્નિકલી મ્યૂઝિઓલૉજી કહેવાય. કલકત્તામાં ડિપાર્ટમૅન્ટ ઑફ મ્યૂઝિઓલૉજી છે. સ્નાતક. અનુસ્નાતક. પીએચડી. સુધીના અભ્યાસક્રમો. નેશનલ મ્યૂઝિયમ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી. ત્યાં પણ અનેક કોર્સીસ. એ સિવાય અસંખ્ય ઑનલાઇ કોર્સીસ પણ ખરા. તો તમે પણ બનાવોને! અવનવા જાણવાલાયક મ્યૂઝિયમ. અને જોવાલાયક કરિયર. પૅકેજ પણ માતબર. તો પછી, કલ કરૈં સૌ અબ કર....  
Viral Mehta