લેબલ Upendra Trivedi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Upendra Trivedi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

29 મે, 2018

ફિલ્મ: સોન કંસારી - રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવજો રે.... (Gujarat Talkies 45)



રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવજો રે....
બન્યું છે, આવું કોઇ વાર?લગ્નની જાન.રાત રોકાણ. અંતાક્ષરી. રાસ. ગરબા. ટોળ ટપ્પા. આ પા ગબરુ જવાનડા. પેલી પા રૂપકડી જાનડિયું. ને ઊફ્ફ્.... ત્યાં જુઓ.મૂકો દુનિયાનું બધું રૂપ એક તરફ. આ કોણ હશે? ઊંચી એક છોકરી. રંગે અજવાળી. ભારે લટકાળી.એની લટ કાળી.એના લાંબા કેશ.લયદાર દેહ મરોડ.ને રંગ તો આવો ફરી જોવા મળે કે કેમ?બાજુમાં થઇને નીકળી. ઓહો કેવી કસ્તૂરી, એઝ ઇન, મસ્ક મસ્ક! આયખું આખું મસ્ત મસ્ત!કલ્પનામાં તો આવે જ નહીં. નૉર્મલી, આવું તો સપનુંય ક્યાંથી?એવી રૂપગર્વિતા. ખરેખર નજર સામે આવે. કોણ હશે?સીધું પૂછતા ફફડાટ. થઇ જાય બૉસ. ભલભલાને થઇ જાય. અરે ગમે તેવા બિન્દાસ. ફાસ્ટ. ફૉર્વર્ડ. ભલેને રહ્યા!અંહં, હિંમત સુધી જવાની જરૂર જ નથી. સંમોહિની ફરી વળે.એકેય કોષમાં હોશ હોય, તો વાત કરોને?
બન્યું છે, આવું કોઇ વાર? બંને પછી આગળ વધો. સર્કલ તરફ. સર્કલમાં રૂમાલ. હા,રૂમાલની રમત. નજીક આવ્યા. ઝૂક્યા. હાથ લંબાવ્યો. નજર મળી. ઍન્ડ સ્નૅચ.... બંનેનો હાથ. રૂમાલ પર. એકસાથે. એકમેકના હાથ પર.ને ગીત શરૂ.તમે કિયા તે ગામના ગોરી રાજ. અચકો મચકો કાં રેલી. રાતભર રમ્યા. કેટલું હસ્યા. નામ શું તારું? ઠેકાણું ક્યાં?બસ એ જ પૂછવાનું રહી ગયું.બીજે દા­ડે. સવાર સવારમાં. આ તો ઉપડ્યો. ભૈ જાન તો ગઇરાતે જ વળાવી. કોઇએ કીધું. એમાં એક છોકરી હતી?એક નહીં. અનેક હતી. ના, ના એમ નહીં. પ, પ.... પેલીલાંબા કેશ.... ઓ મજનૂં, બધી છોડીઓના કેશ લાંબા હોય. અલ્યા એ....ય. ભૈ જાને. તારું કામ કર. અમને અમારું કરવા દે.છોડો આમનીસાથે રકઝકનો મતલબ નથી. હા....ય!હવે શું કરવું? છેલ્લે જતી વેળા.બારીમાંથી એણે જોયું તો હતું. કોણ હશે એ?
પાછો ફર્યોયુવાન. નીકળ્યો ઘોડે સવાર થઇને. ત્યાં તો ખણિંગ.... ખટ્ટાક.... તલવારો ઉછળતીતી. દેકારો મચેલો. રાજવી જેવોલાગતો જણ. ટોળાંને એકલે હાથે હંફાવે. જવાનઝટ એની વ્હારે ગયો. છક્કા છોડાવી મેલ્યા બધાના. કોણ છો જવાન?રાજવીએ પૂછ્યું. રખાવત નામ મારું. કયા કૂળથી?બાબરિયા રાજપૂત બાપુ. તૈં જ આટલા જોશ હોય. ખાંડાના ખેલ બીજાનું કામ જ નહીં. શું કરો છો આજકાલ? ચાકરી ગોતું છું બાપુ. તો લે, આજ અબઘડીથી.દરબારમાં તારી ચાકરી પાકી. રખાવત તો રાજીનો રેડ.
તે દીદરબારભરાયેલો. કોઇએ ધા નાંખી. બચાવો મારાજ!મારી દીકરીને. જંગલીઓ ઉપાડી ગયા. રખાવતે તલવાર ખેંચી. હું છોડાવીશ એને. શાબાશ. જા ફતહ કર. રાજાએ પરવાનો દીધો. જંગલમાં એકલે હાથે રખાવત ઝઝૂમ્યો. જંગલીઓને જેર કર્યા. કન્યાને શોધી. વૃક્ષ સાથે બાંધેલી. મોં પર રૂમાલ. રખાવતે એક ઝાટકે દોરડાં છૂટા કર્યાં. મોં પરથી રૂમાલ હટાવ્યો. હેં?ત, ત, તમે? ઓળખાણ પડી?હા!
બનેઆવું. પરગામ કોઇની મુલાકાત થઇ હોય.ફરી મળવા શું? જોવા મળે એવીકલ્પના સુદ્ધાં ના હોય. એનું ઘર ઑફિસની બાજુમાં મળે!એવું પણ બને.અમોઘ સત્યો ઉપર. સ્વપ્નના વિજયનો પ્રહર! કન્યાને લઇને પાછો ફરતોતો. રસ્તામાં જ રાત થઇ. રાતવાસો કરવો પડશે. રખાવતે કીધું. અહીં રાતવાસો? કેમ ડર લાગ્યો મારો?તમે તો ઉગારી. તમારો ડરશાને?આ રઢિયાળી રાત. આ રૂડું એકાંત. આ મારકણું રૂપ. મારું હૈયું હાથ ના રહ્યું તો?તમારા હૈયાંની વાત તમે જાણો જુવાન. ત્યાં બધા વચ્ચે મારું રુદિયું ચોરી લીધેલું એનું શું? વાહ સુંદરી વાહ!ચોરી તમે કરો.નેસિપાહી પોતે ગુનેગાર? દલડું તો તમે ચોર્યું. હા લ્યો, અમે ચોર્યું. તમે કહેતા હો તો પાછું આલું. મારું રૂદિયું, હવે મારે એ શા ખપનું? પણ એક વાત કહેવી છે. શી વાત? હું રખાપત. બાબરિયો રાજપૂત. રાજનો નાનો સિપાહી. ને હું સોન. કંસારાની દીકરી. સોન કંસારી. ૧૯૭૭ની સુપર હિટ. દિગ્દર્શક રવિન્દ્ર દવે.
son kansari - snehlataતમારાં દલડાંને વારો. મારા રે સમ માનો જી રે. રૂદિયાં દલડાંના સમ લેતા દેતા. રાત ક્યાં ગઇ. ક્યાં દિવસ ઊગ્યો. ક્યાં ઘોડો ગામને પાદર પૂગ્યો. ખબર રહી નહીં. ફરી વિયોગની વેળા. મળશો તો ખરાને? હા, રોજ. અહીં જ. નદી કાંઠે. બહેનપણીને મળવાને બહાને.મેડી મહેલાતોમાં શ્રી સજાવવાના કૌલ. જનમ જનમના સાથિયાની આરત. હરખાતો દરબારમાં પહોંચ્યો રખાવત. જંગલીઓ સામે વિજયના સમાચાર આપ્યા. રાજા પણ ખુશ. બોલ, આજે માંગે તે આપું. મને જોઇતુંતું. એ મળી ગયું, મારાજ. એટલે? ઉગારવા ગયેલો. એણે જ ડૂબાડી દીધો. પ્રેમસાગરમાં. અને રાજાના મસ્તકની રેખાઓ તણાઇ. સોન?નામ રાજવીના હોઠે આવીને રહી ગયું. પોતાનું નામ લખવુંતું. સોનના ઘાટીલા મગરૂર જોબન પર. ઘડીક પહેલા માનીતો રખાપત.ખૂંચવા લાગ્યોરાજાને.
son kansariબને, આવુંય બને હોં. ઑફિસનો પડોશ.એટલે બૉસનો પહેલો અધિકાર.રાજા કાચા ખાંડે ખેલે એમ નહોતો.એણે દાવ બદલ્યો. રખાપત હું તો ખૂબ ખુશ છું. ઘેર માને વાત કરી?એમને અહીં તેડાવ. મા પહોંચી. રાજાએ તો સિફતથી કપટ રમતું મેલ્યું. હું આનેજીવનકેદની સજાદઇશ. એવો કયો ગનો?માને ગભરાટ થયો. રૈયતની એક છોડીને દિલ દઇ બેઠો, તમારો દીકરો. હવે જીવનભર કેદ. લગ્ન કેદ. બોલી રાજા હસ્યો. ઘડીક તો રખાવત પણ ઠરી ગયેલો. હરખઘેલી માને આથી વિશેષ ખુશી કઇ હોય?એક જ સોગઠીમાં રાજા જશ ખાટી ગયો. વખાણ કરવા બેસું તો શબ્દો સંતાકૂકડી રમે. એવાં સોનના રૂપ ને ગુણ. રાજાએ બાજી હાથમાં જ રાખી. સારસ બેલડી જેવી પ્રીત છે એમની.ને હવે ફેંક્યો પાસો. મા સમજાતું જ નથી મને. આવું અદભૂત રૂપ.એ પણ રાજપૂત સિવાયના કૂળમાં.... હેં? બાનો મિજાજ પલટાયો હવે. એ નહીં બને. કન્યા રાજપૂત હોય તો જ.... રાજાએ કામ પાર પાડી દીધું. બહેતરીન સ્ક્રીન પ્લે. એથીય ઉત્તમ સંવાદો. એક અનોખી પ્રેમકથા. લેખક મૂળરાજ રાજડા. રોમૅન્ટિસીઝમ એના ઓરિજિનલ ફૉર્મમાં.
સોન કંસારી’. હેલ ભરતા હેલે ચઢેલી.મોરલી તો ચાલી રંગ રૂસણે રે.સહિયરો સંગે હરખનાં ગીતો ગાતી. એને ક્યાં ખબર રાજાના કપટની?વાત પહોંચી સોનને ઘેર. અને એના માતા-પિતાએ પરદો ઉપાડ્યો. સોન, તું અમારી દીકરી નથી. નદી કિનારે વહેતી મળેલી અમને. ગળામાં આ માદળિયું. કોઇ રાજવાડાની ઓળખ છે એમાં.તો મારા મા-બાપ કોણ? મને ત્યજી કેમ?એક ભેદ ખૂલ્યો. તો બીજાં અનેક લઇને. માદળિયાં પરકયા રાજકુટુંબનું ચિહ્ન હશે?હું શોધીશ. સોનની અસલ ઓળખ.રખાવતે પડકાર ઝીલ્યો.તું ડરીશ મા સોન.જોજો રખાપત,ક્યાંક આરે આવેલું નાવડું?એક વાત યાદ રાખજે સોન. ભયની પ્રીત હોય. પણ પ્રીતને વળી શાનો ભય? પ્રણયનેવળી કૂળ શાના?આપણા લગ્ન થશે. મારો ભરોસો નથી?એ જ તો એક આશરો છે મને. બસ, તો ફિકર છોડ. બોલ તારે હાટું શું લાવું? તામારા સિવાય કંઇ નથી જોતું મારે. અરે તો પણ કંઇક. ના કંઇ નહીં.
son kansariહું મારી પસંદનું કંઇક લઇ આવીશ બસ? કહીને રખાવતે ઘોડો કેડી પર લીધો. નથણી, લવંગિયાં ને ઝૂમકાંમાં મોંઘા મોતી મઢાવજો રે. રખાવતે પાછળ જોયું. કોણ ગાતુંતું?‘રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે....સોન સિવાય કોણ હોય?રંગદાર શણગારની. રણકદાર. હકદાર! ‘છેલાજી રે! મારે હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો.ને અવિનાશ વ્યાસ રોમે રોમમાં. આજ દિન સુધી વ્યાપે. દરેક ગીત સુપર હિટ.દરેક ફિલ્મમાં આ શક્ય નથી હોં!‘સોન કંસારી. જેવી બહુ થોડી ફિલ્મો બની હશે. જેમાં રૂપેરી પરદોય પ્રેમમાં પડે. એને સૌથી ગમતી જોડી સાથે. ઉપેન્દ્ર સ્નેહલતા. કારકિર્દીના સૌથી મોહક શિખરે. રાજા અરવિંદ રાઠોડ સાથે. સાચા અર્થમાં જાજરમાન સર્જન. પાટણનાં પટોળાંની મને અદેખાઇ આવે છે સોન. બને. આવું જ બને. સોન જેવી સુંદરી.પટોળું ઓઢીને. તમારી બાજુમાંબેઠી હોય. ત્યારે એમ જ થાય. કાં હું.... કાં આ પટોળું!
પછી તો, સોન રખાવતના ઓરતાં પૂરાં થયાં. લગ્નની ચોરી. હસ્ત મેળાપ. પહેલો ફેરો. બીજો ફેરો. એને ત્રીજો.... બસ ત્યાંથી આગળ નહીં કહું. એમ નહીં યાર. સમજો તો ખરા. બે ફેરા પછી ખરેખર બધું રોકાઇ ગયું. ધરતી ફરતી સ્થિર થઇ ગઇ. સમય સ્તબ્ધ. અને આ શું? સોહામણી સોન સોહાગણમાંથી સતીના શણગારમાં.... હેં?હા. રખાવત. બેથી ત્રીજો ફેરો લઇ શક્યો નહીં. ના બને.... આવું ક્યારેય ના બને. કોઇ સાથે ના બને!પણ ખરેખર એવું તે શું બનેલું? એ જોવા તો આ બેનમૂન ફિલ્મ બની. જોઇ લોને!ગુજરાતી રોમૅન્ટિક ફિલ્મોમાં સુપર ટૉપ ટેનમાં મૂકાય એવી ફિલ્મ. કૅમેરા. કૉસ્ચુમ. કોરિયોગ્રાફી. કોઇ પણ ડિપાર્ટમૅન્ટ. બેસ્ટ ઑફ ધ બેસ્ટ!બીજું બધું બને. પણ સોન કંસારી....એક જ વાર બને!
Viral Mehta

1 મે, 2015

ફિલ્મ: હલામણ જેઠવો - અધૂરો દૂહો પૂરો કરે એને સોન કાઠિયાણી વરે (Gujarat Talkies 41)



અધૂરો દૂહો પૂરો કરે એને સોન કાઠિયાણી વરે

બોલો હું કોણ છું? ઘર તો આખું લઇ લઉં. ને જગા પણ રોકું નહીં? આજે જરા રમત કરીએ. ઉખાણાં રમીએ. હું પૂછું. તમારે જવાબ કહેવાનો. સાચા જવાબો પણ અહીં જ છે. વાંચતા જાવ ને શોધતા જાવ. મજાની રમત હતી. દોસ્તો. પરિવાર. પ્રવાસ. મિજબાની. ખાસ તો પ્રેમીઓનું મિલન. ઉખાણાં જાદૂ કરતા. સૌ મળેલાને શોધતા. ને જડીને ફરી ખોવાઇ જતા. એક મસ્ત યુગલની વાત કહું. દેવકુમાર સરખો જવાન. ને છોકરી તો વાત ના પૂછો. જોબન કટોરો. આખેઆખો એની ઉપર ઢળેલો. અઢળક મઢળક છલક છલક. એની કમર બલખે. એ જોવા આખો મલક વલખે. મુખડું ધરે ત્યાં ઉજાસ. ને ફરે ત્યાં મધરાત. કોણ હતી આ ઢળકતી ઢેલ? મોરાણાના ધણી મૂળુભા મેરની એકની એક વ્હાલ સોયી દીકરી. ચોંસઠ કળાઓમાં પ્રવીણ. ચતુર. ગુણિયલ. કવયિત્રી પણ બહુ ઊંચા દરજાની. માથે હેલ લઇને નીકળે. ને જગતના જવાનિયાની તરસ હોઠે આવી જાય. બરડા પંથકમાં તો આ રૂપનારના જોબનના દૂહા ગવાય. કાઠિયાણી કેડ પાતળી, હલકતી માથે હેલ્ય. બરડાહંદી બજારમાં ઢળકતી જાણે ઢેલ્ય.
હલામણ જેઠવો
બાપને દીકરીનો માંડવો દેખાતો. પણ પાણીદાર ઘોડી પર પાઘડીનું ફૂમતું લહેરાવતા અસવારની ભાળ નહોતી. દીકરી, મોટાં રજવાડાં સામે પડતા આવશે. તું તૈયાર હો તો. હા, બાપુ તમારી આજ્ઞા. પણ એવો અસવાર ગોતજો જે મારાથી સવાયો હોય. એવો તો ક્યાં મળે દીકરી? બાપુ હું એક દૂહો લખું. અધૂરો. એનો મરમ સમજી જાણે. દૂહો પૂરો કરી જાણે. એની સાથે ફેરા લઇશ. ને રૂપાંગનાએ તો ઉખાણું રમતું મૂક્યું. ઘણ વણ ઘડીયાં, એરણ આભડીયાં નહીં....’. સાથે શરત મૂકી. અધૂરો દૂહો પૂરો કરે. એને સોન કાઠિયાણી વરે. સોન કોઇને એક નજરે જોઇ લે, તો પેલો ભવ તરી જાય. એ વરે એના તો સાતે જનમ પાર. એને રાજરાણી બનાવવા કોણ તલપાપડ ન હોય? દૂહા સાથે મૂળુભા મેરનું વચન પણ હતું. પોતાનું રાજ ભેટ આપવા તૈયાર હતા. સોન જેને વરમાળા પહેરાવે તેને. પણ દૂહાનો જવાબ હોય તોને?
બાય-ધ-વે. પહેલાં ઉખાણાંનો જવાબ એ જ પેરેગ્રાફમાં છે હોંકે. દરેક ઉખાણાંમાં એમ જ હશે. નવું ઉખાણું પૂછું. બોલો હું કોણ? પાળીતો પણ શ્વાન નહીં. નકલ કરું પણ મર્કટ નહીં. આપો જવાબ. સોનનો અધૂરો દૂહો લઇને કાસદ રાજ રજવાડે. દેશ દેશાવર. ફરતો ફરે. અડધાને અડધું સમજાયું નહીં. અધૂરું પદ કોઇથી પૂરાયું નહીં. સોનનો બરોબરિયો મળવાના વાંધા હતા. ત્યાં સવાયો શોધવા નીકળ્યા. મૂળુભાની ફિકર વધતી ચાલી. કાસદ કાયમ વીલે મોંઢે પાછો ફરતો. સોન અંદરથી હરખાતી. ખાતરી હતી એને. એક જ જણ આ કરી શકશે. એનો સાજન. મોસાળથી પાછા ફરતા મારગમાં મળેલો. રસ્તામાં જ રાત થયેલી. ડાકુએ વેલડું રોકેલું. ત્યારે આ દેવકુમાર વ્હારે આવેલો. ડાકુને જેર કરી પોબારા ગણાવી દીધા. પછી રાતભર દૂહાની રંગત જામેલી. દેવકુમાર અને સોન. બંને અલગ વૃક્ષ હેઠે. ઘોડલાં. ગાડલાં. ને હૈયાં. આતમને અજવાળે છોડીને બેઠેલાં. ત્યાં સોન પદ રચે. અહીં દેવકુમાર જવાબ વાળે. સવારે મયૂર. શુક. મેના. સૃષ્ટી જાગ્યા ત્યાં સુધી. રંગલો જામ્યોતો. ત્યાં જ હૈયાં દઇ દીધેલાં બંનેએ. પણ છૂટા પડતાં નામ ઠામ પૂછવાનું રહી ગયેલું. હવે છટકીને ક્યાં જશે? આ દૂહો તો ફક્ત એનું જ ગજું. એ જ પૂરો કરશે.
આપણી રમત આગળ ચલાવીએ. પોલું લાકડું પલકે. ને ગામ જોવા હલકે. બોલો હું કોણ? સોનનો દૂહો લઇ બારોટ ઘુમલી પહોંચ્યો. ત્યાં શિયાજી જેઠવાના રાજ ચાલે. મોટાભાઇ પછી ગાદી સંભાળવા બેઠેલો. વારસ તરીકે નહીં. સંચાલકની હેસિયતે. યુવરાજ જવાન થાય. વિદ્યામા પારંગત થાય. પછી એને રાજ સોંપીશ. શિયાજીએ ભાઇને વચન દીધેલું. એના મનની મુરાદ સાવ મેલી. યુવરાજને ગાદી સોંપવાનો એકેય ઉમળકો નહીં. સોન સુંદરીની વાતો એણેય સાંભળેલી. બુઢ્ઢાનેય તડપ કમ નહોતી. પરણેલો હતો છતાંય! જોડેજોડે મૂળુભાનું રજવાડું પડાવી ખાવાના અભરખા. મૂળુભા મેરના બારોટ આવ્યા. એનું ઢોલને ધબકારે શિયાજીએ સ્વાગત કરેલું. બારોટ દરબારમાં આવ્યા. દૂહો લલકાર્યો. ઘણ વણ ઘડીયાં એરણ આભડીયાં નહીં....’ ને ત્યાં તો સામો જવાબ આવ્યો. સરવડ સ્વાંત તણે મળે તો મોતી નીપજે. સ્વાતિ નક્ષત્રમાંથી નીકળેલી પાણીની બુંદ. સીધી સમુદ્રની છીપમાં જાય. તો સાચું મોતી થાય. એને ઘાટઘુટ એરણ ઘણની ક્યાં જરૂર? બારોટ હરખ ઘેલો થઇ ગયો. ઘુમલીના યુવરાજે પડકાર ઝીલ્યો હતો. સોનનો દૂહો પૂરો કરી જવાબ વાળેલો. બારોટ તો સીધો મૂળુભા પાસે ગયો. સોનને ખબર આપી. એના તો અસ્તિત્વમાં શરણાયું ગાજવા લાગી.
મહેલથી દોડતી ગઇ વનમાં. પંખીઓ પાસે. ફૂલ, વૃક્ષને વળગીને વધામણાં આપવા. ત્યાં કોઇએ હાથ ઝાલી લીધો. જોયા વિના જ પામી ગઇ સોન. એનો હાથ ઝાલવાનું ગજું બીજા કોનું? કેવા ગોતી કાઢ્યા તમને? સોને સામો સવાલ કર્યો. તેં તો મને નામ ઠામ વિના ગોતી કાઢ્યો. હવે કહે જોઉં હું કોણ? મારું નામ શું છે? બોલ, બોલ મારું નામ. નહીં બોલું. મીઠી રકઝક મંડાણી. સોન ને પેલા દેવકુમાર શા જવાન વચ્ચે. મારા પતિનું નામ દઉં તો પાતક લાગે. એ બધા પાતક મારા માથે બસ. હવે નામ બોલ. આપણા લગ્નની પહેલી રાતે સંભળાવીશ. ના અત્યારે જ કહે. એ નામ મારા હૈયે છે. હોઠે છે. ત્યાંથી સાંભળી લોને? સોન ટાળવા માગતી હતી. શરમ નડતી. મરજાદ અડતી. ને જુવાન હઠે ચઢેલો. આજ તો તારી જીભે જ સાંભળવું છે. અંહં નહીં કહું. અરે કહેને. મારા સમ. હવે સોન અટવાઇ. સમ દીધા પછી. નામ બોલીને ચાલી જઇશ હોં? જુવાન હસતો રહ્યો. હા, હા, બોલ તો ખરી. તમે.... તમે છો, ઘુમલીના દરબાર. બાવીસ બરડાના ધણી. પણ નામ? યુવરજ અધીરો થયેલો.... મારું નામ શું બોલ સોન.... નામ તમારું.... શિયાજી જેઠવા. સ્તબ્ધ થઇ ગયો. શિયાજીનો ભત્રીજો. હલામણ આજે પોતે જ ઉખાણું થઇ ગયો. હલામણ જેઠવો.
સોન હલામણ. ગુજરાત, સોરઠની અમર પ્રેમ કથા. બે ફિલ્મો બનેલી. પહેલી ૧૯૪૮માં. એની એક મજાની વાત કહું. દિલીપકુમારને એમાં પહેલો બ્રેક મળ્યો. એ પણ ગાયક તરીકે. અવિનાશ વ્યાસે પહેલ કરેલી. કનફ્યુઝ્ડ? આ પણ ઉખાણાં જેવી જ વાત. તારી આંખનો અફીણી. પડી ઓળખાણ? દિલીપ ધોળકિયા. ગાયક તરીકે એમની આ પહેલી ફિલ્મ. સાવનની વાદલડી તું જા. પ્રફુલ્લ દેસાઇની શબ્દ રચના. અમીરબાઇ કર્ણાટકી સાથે દિલીપ ધોળકિયાનું યુગલ ગીત. શરૂઆતમાં એમણે દિલીપકુમાર નામ રાખેલું. બીજી ફિલ્મ બની ૧૯૭૭માં. દિગ્દર્શક હતા દિનેશ રાવળ. એના સુપર હિટ ગીતો. અવિનાશ વ્યાસ અને કેશવ રાઠોડે લખેલા. અને સંગીત કોનું હશે બોલો? ગુજરાતના સવાયા સૂરધર. ગૌરાંગ વ્યાસ. એકેએક ગીત આજેય ગુજરાતને હૈયે હોઠે રમે. માનો ગરબો રે રમે રાજને દરબાર. હરિ હરિ તે વનનો મોરલો ગિરધારી રે. મુને એકલી મેલીને રમે રાસ. રંગીલા કાન્હા હવે નહીં આવું તારી પાસ. સ્નેહલતા ઉપેન્દ્રની રૂપેરી જોડીએ ફરી રંગ જમાવેલો.
શિયાજી જેઠવા. હલામણનો કાકો. યુવરાજના શબ્દો એણે પોતાને હાથે લખ્યા. દૂહો પૂરો કર્યો. પત્ર નીચે હલામણને બદલે પોતાનું નામ લખી દીધું. નર્યો લંપટ. નકરું કપટ. જોયુંને? આ પણ બહુ જૂનો ખેલ. કોઇનું કામ. કપટી સત્તાધારીનું નામ. સામા થાય એનું જીવવું ઝેર. કેદમાં પૂરે. અને એમ જ થયું. શિયાજીએ સોન ને એના પિતાને નિમંત્રણ મોકલ્યું. કપટથી જેલમાં પૂર્યા. રાજપાટ લખાવી લીધું. બળજબરી કરી. સોનને વશ કરવા. સોન કોઇને વશ થતી હશે? હલામણે વિદ્રોહ કર્યો. એણે ધાર્યું હોત તો એક ઝાટકે શિયાજી ઢેર. પણ નાના મોટાની મર્યાદા. હંમેશા સજ્જનને જ નડે. દુર્જનોને ક્યાં કોઇ સાનભાન? શિયાજીએ હલામણને રાજદ્રોહી ઠેરવ્યો. પર્વત. જંગલ. વગડા. વેરાન. ખૂંદતો ફરે. શિયાજી માટે સોન જેવી ચતુરાને કેદમાં રાખવી સહેલ નહોતી. લાગ જોઇ નાસી છૂટી. હલામણને શોધતી. રાન રાન ને વાન વાન ભટકતી વિજોગણ. છેક સિંધ પહોંચી. હાબે ડુંગર. અખાત્રીજને મેળે. ત્યાં તો આવશે જ. આવ્યો પણ ખરો હલામણ. બંને મળી શક્યા ખરા? હા, ઝૂરતા હૈયાં એક થયાં. પણ કેવી સ્થિતિમાં? નરાધમ શિયાજીના ગોઝારા તલસાટે બંનેની કેવી વલે કરી? બંને મળ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયેલું. અરે હા, આપણું એક ઉખાણું રહી ગયું. ચોટી મારી ઊડે નહીં. પગ મારા ડગે નહીં. બોલો હું કોણ? જવાબ ઉપર જ ક્યાંક મળશે.
લોકકથા મુજબ તો સોન સતી થયેલાં. હલામણનું શીશ ખોળે ધરીને. ફિલ્મમાં એમ નહોતું. સર્જકોએ સતીપ્રથા અંગે સજાગ રહીને કામ કરેલું. વિજોગની અમાપ વિપદાનું બયાન હતું ફિલ્મમાં. શિયાજીના સિપાહી આખી ભોંય ધમરોળી વળેલા. સોન હલામણને શોધવા. મોટા ઇનામનું એલાન પણ કરેલું. ત્રણ વાત સંતાડી નહીં સંતાય. સોનનું રૂપ. હલામણની જુવાની. અને બંનેનો વિજોગ. ક્યાંક તો ઝડપાઇ જ જશે. માણસોથી સંતાતા. ભૂખ્યા તરસ્યા. ક્યાં લગી વગડા ખૂંદશે? એક તરફ રાજ. બીજી બાજુ ઇનામની લાલસુ પ્રજા. અને સોન હલામણ જેઠવો. શું થયું એમનું? કહી દઉં ચલો આજે. હૅપ્પી ઍન્ડિંગ ફિલ્મ છે. પણ અંત તમે ધારો છો એવોય નથી. એ ઉખાણું ઉકેલવા ફિલ્મ જોઇ લો. ઉમદા ફિલ્મ છે.... હલામણ જેઠવો (સતી સોન). આ છે, ફિલ્મનું પૂરું નામ.
Viral Mehta