10 મે, 2015

જુઓ, ખરાં લશ્કર ક્યાં લડે છે! (Dr Gizmo 10)


જુઓ, ખરાં લશ્કર ક્યાં લડે છે!
બખ્તરબંધ ગાડીઓ. બુલેટ્સ. બંદૂકો. એક તરફ. મંત્રી. સંત્રી. હુક્મરાન. બણગાં બહાદૂરો. એમની ટોળી બીજી તરફ. સ્ટુડન્ટ્સ. યુવાનો. જૉબર્સ. ઑફિસ ગોઅર્સ. બિઝનેસ પાર્ટી. ત્રીજી બાજુ. તો સામે કોણ ડૉક્ટર? આજની દુનિયાના મહારાજા. પણ મારા નૉલેજમાં તો રજવાડાં રહ્યાં નથી. તો આ કોણ વળી? એમનું જ રાજ ચાલે છે, જમાના ઉપર. અનેક રજવાડાં જંગે ચઢ્યા છે. યુદ્ધ ચાલી રહ્યું છે. ધડાકા ને ભડાકા વિના. આજે તોફાની મૂડમાં લાગો છો, ડૉક્ટર? વાત જ એવી છે, જિગર. દરેક રજવાડાંનું એક જ મિશન. મિશન કૉમન મૅન. એટલે હું ને તમે? આપણે બધા. સત્તાધારીઓ પણ એમાં જ. એમને માટે બધા સાધારણ. કંઇ ખબર પડે એમ બોલો ગિઝ્મોજી. જબરદસ્ત સ્ટ્રેટેજી છે, એમની પાસે. એમને હરાવવા કે હટાવવા કોઇનું ગજું નથી. ગિઝ્મોજી બોલતા રહ્યા.
સ્ટ્રેટેજી, એઝ ઇન? વૉર પ્લાન. સાધારણ માણસને અસાધારણ હોવાના ભ્રમમાં રાખો. આખી દુનિયા એની મુઠ્ઠીમાં હોવાનો અહેસાસ આપો. તું બાક્કી જોરદાર. તું દુનિયાનો રાજા. તું ધારે તે કર. જો દુનિયા નાચે. તારી આંગળીને ટેરવે. નેતા. અભિનેતા. ઍન્કર. બૅન્કર. થિંકર. રાઇટર. રિપૉર્ટર. લર્નર. આંત્રપ્રેન્યૉર. બ્રોકર. તમામને નૅટવર્કિંગ પકડાવી દો. વિચારોના આદાન પ્રદાન. વાહ વાહ. કમેન્ટ્સ. લ્યા, લ્યા આપ્પડે તો પૉપ્યુલર. બસ, એ જ ફેમ્મસ ફેમ્મસનો અહેસાસ. જનતા એના અમલમાં. ને આ રજવાડાં રાજ કરી જાય. ડૉક્ટર આ કોણ લોકો છે? લોકો નથી. સિસ્ટમ્સ છે. ઑપરેટિંગ સિસ્ટમ્સ. ઍન્ટર. મેનુ. એડિટ. સેવ. કટ. પેસ્ટ. ડીલીટ. શૅર. સર્ચ. એમાં આખી દુનિયા બેડીબંધ. પણ લડાઇ હવે આ મહારથીઓમાં જામી. પહેલા છવાયા. પછી ઘવાયા. હવે ઝંખવાયા....
સો ઇન્ટ્રેસ્ટિંગ! ડીટેલમાં સમજાવો ડૉક્ટર. ઓકે, પહેલા કહે, લડાઇ માટે શું જોઇએ? શસ્ત્રો. એ માટે શું જોઇએ? ધન! એ ખલાસ. છેલ્લા પાંચ વર્ષથી. નવાં પીસી. લૅપટૉપ. નોટબુક. બધાનું બજાર ઠંડુંગાર. કારણ? કૉમન મૅનની ડિમાન્ડ. અનકૉમન થતી ગઇ. નવી ઑપરેટિંગ સિસ્ટમ્સ આવી. પણ નામની. કામમાં કંઇ નવું નહીં. ઉપરથી ધરખમ કિંમતો. ૪૦, ૪૫ હજારમાં તો સાધારણ ડબલાં મળે. લૅપ્પી હોય કે ઍપ્પી. બધા અનહૅપ્પી. હવે આ જાયન્ટ્સ કૉસ્ટ રીકવરીમાં પડ્યા છે. રોજ નવી જાહેરાતો જુએ છેને? એક તરફ નવી ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર છે. પણ જૂની એકવાર બઝાડી દો. પછી જોજે તરત નવી આવશે. એમાં આજનું હાર્ડવૅર પણ નહીં ચાલે. બિલકુલ પરફૅક્ટ ડૉક્ટર! એ જ દાવ ચાલે છે.
એટલે મહારાજાઓ ચિતામાં છે. વિન્ડોઝ મોબાઇલ અને પીસી. બંનેથી ગ્રાહકો નારાજ. જેણે લીધા એમને અપડેટ પણ હવે નથી. એટલે 8.xથી 10નો જમ્પ. પણ ગભરાટ. કંઇ કાચું કપાયું તો? મોંઘેરી MAC OS માટે અમેરિકા સિવાયની બજાર સાંકડી. એના પ્રોગ્રામ્સ મળે નહીં. લિનક્સ યુનિક્સ બંને ઑપરેટિંગ સિસ્ટમ નિષ્ફળ રહી. ઉબન્ટુથી આશા જાગેલી. પણ ગેમિંગથી આગળ કંઇ થયું નહીં. ગણી ગણાય નહીં એટલી ઑપરેટિંગ સિસ્ટમ્સ. પણ કોઇને ક્રૉસ પ્લૅટફૉર્મ પર વાંધા. કોઇ લિમિટેડ યુઝર ક્લાસ માટે કામની. ગિઝ્મોજી, એક જ યુનિવર્સલ ઑપરેટિંગ સિસ્ટમ ના હોય? દરેકમાં સરખી. આની ફાઇલ ત્યાં ના ખૂલે. પેલો પ્રોગ્રામ આમાં ના ચાલે. એ વળી શું જફા?
બસ, એ જ વાત નડી. સિસ્ટમ હેય કે સૉફ્ટવૅર. દરેક જાયન્ટ મૉનોપૉલીમાં સપડાયો. એકની ફાઇલ બીજે ખોલવા નવી સિસ્ટમ ખરીદો. કૉમન મૅનના ગજાં ને ભેજાં બહારની વાત. એક પ્રોગ્રામની ફાઇલ. એના જ નવા કે જૂના વર્ઝનમાં ના ખૂલે? હાઉ ઇન્સલ્ટિંગ? એટલે જ લો-ઍન્ડ કમ્પ્યુટર બિઝનેસ ઠપ્પ થતો ગયો. લો-ઍન્ડ એટલે? તું ને હું વાપરીએ તેવાં કમ્પયુટર્સ. પણ મારું તો એકદમ હાઇ-ઍન્ડ.... આ જ પેલો ભરમ જિગ્ગુ. હાઇ-ઍન્ડ કમ્પ્યુટર્સ તો નાસામાં હોય. દરેકમાં સ્પેશ્યલ સિસ્ટમ. પીસી. લૅપટૉપ. ઑલ-ઇન-વન. એ બધું લો-ઍન્ડ કૅટેગરી. તો ડૉક્ટર, આ વૉરમાં જીતશે કોણ? રોબૉટિક મોબાઇલ જાયન્ટ. ઍન્ડ્રૉઇડ. એનું લશ્કર ઘેરઘેર પહોંચી ગયું. સ્માર્ટ ફોન, ટૅબમાં થઇને. હવે કમ્પ્યુટર્સમાં પણ એનું રાજ ચાલશે. બીજે તો બધું આવી પણ ગયું. પીસી. લૅપટૉપ. નેટબુક. નોટબુક.
એમાં ઑપરેટિંગ સિસ્ટમ કિટકૅટ હશે કે લૉલિપૉપ­? એ મોબાઇલની ઑપરેટિંગ સિસ્ટમ છે. ઍન્ડ્રૉઇડ નોટબુકમાં છે, ક્રોમ-ઓએસ. પીક્સેલ વન. અને હવે પિક્સેલ ટુ. સુપર સ્માર્ટ ક્રોમબુક ધૂમ મચાવવા તૈયાર છે. બીજી નોટબુક કરતા અડધી કૉસ્ટ. ડબલ બેટરી લાઇફ. મૅચલેસ મલ્ટિટાસ્કિંગ. અને સૌથી મોટી મજા. ફ્રી ઑનલાઇન ઍપ્લિકેશન્સ. ક્રોમ-સ્ટોરમાં. ક્રૉસ પ્લૅટફૉર્મ કૅપેસિટી પણ જબરદસ્ત. મોટા મોટા હાર્ડવૅર જાયન્ટ્સ હવે આમાં પડ્યા છે. એચપી. લેનોવો. એસર. સેમસંગ. અને ગૂગલ પોતે પણ. ઇન્ટેલ, એએમડી જેવા પ્રોસેસર જાયન્ટ્સ. સ્ટોરેજ ડિવાઇસ. રૅમ. મધર બૉર્ડ બનાવતી કંપનીઓ. ડેવલપર્સ. ક્રોમબુક માટે જંગી રોકાણ કરી ચૂક્યા છે. એટલે ડૉક્ટર, પ્રૉબલેમ મૅક અને માઇક્રોસૉફ્ટમાં થશે. હા, એમની તો જંગ એમની એમ રહી. હવે તો એમાં હાર જીતનોય મતલબ નહીં રહે.
આ બરાબરની જામી ડૉક્ટર. આને કહેવાય હાથોહાથમાંથી ખેચ્યું. અત્યાર સુધી એમણે યુઝર્સનો ખેલ પાડ્યો. એક સારા પીસી માટે પીસી પીસીને પાગલ કર્યા. હવે આવો બૉસ મેદાનમાં. લો ટક્કર ઍન્ડ્રૉઇડ સામે. એક છેલ્લો સવાલ ગિઝ્મોજી. હવે તારે ક્રોમ-બુક લેવી છે એમ જ ને? અમ્.... અં.... અં....! અબે એં ને ઓં.... હજી થોડી રાહ જો. વિની આવી ગઇ હતી. રિવ્યૂઝ આવવા દે. ઇમ્પ્રોવાઇઝ થવા દે. લેવા નહોતું દેવું તો કીધું શું કામ ડૉક્ટર? તમે બંને મને.... જિગરના ધમપછાડા શરૂ.... પણ હા, ૨૦૧૫-૧૬માં દરેક ગીક, ફ્રીક પાસે ક્રોમબુક હશે. એટલું નક્કી!
Viral Mehta