પસા કાઆઆ કાઆઆ.... હું મોજીલો કિમિયાગર!
બાળપણમાં જ પરણાવી દીધેલી. પતિ એટલે શું ખબર નહીં. સાસરવાટ જોઇ નહોતી. બ્રાહ્મણની
છોકરી. આંગણે પગથિયાં રમતી. નવલખ શણગાર. ઘરચોળાં. પાનેતર. અંગે અડાડ્યાં નહોતાં. પગથિયાં
નાનાં થયાં. ને ગામના વંઠેલોની આંખો મોટી. સાસરે તેડાવે તો સારું હવે. ને સંદેશો
આવ્યો. પાનેતર પહેલાં જ સફેદાં ઓઢવા વારો આવ્યો. જવાન ઉંમર. ઢાંકી ઢંકાય નહીં. ઘર
ગામમાં તો સગલાં ફાડી ખાશે. એણે વિચાર્યું. અંધારું ઘેરાયું ને નીકળી ગઇ ગામ બહાર.
કૂવો પૂરવા. ઝંપલાવી જ દેત. ત્યાં કૂણો અવાજ. જોયું તો નાનું બાળક. ઝાંખરા વચ્ચે. મૂકી
જનારી કેવી મા હશે? એણે બાળક ખોળે લીધું. ને રડતું બંધ.
લક્ષ્મી રાતના અંધારે જ ત્યાંથી નીકળી ગઇ. અથડાતી કૂટાતી. ગામના ગામ વટાવતી.
બંને ભૂખ્યાં થયેલાં. એક આંગણું જોયું. મદદની આશાએ ગઇ. આશા ફળી. આશા મળી. લક્ષ્મી ત્યારથી
ત્યાં વસી. ઘરકામ કરતી. લક્ષ્મીનો સુંદર આશાને પ્રાણથી વ્હાલો થઇ ગયો. પેટે જણેલો
નહોતો. તો શું થયું? બાળક તો વ્હાલું જ લાગે! દીપક. આશાનો
પતિ. સુંદરને ભણાવતો. પ્રોત્સાહન આપતો. બસ એની સાસુને ધરપત ન્હોતી. ડોશી સતત કોસતી
રહેતી આશાને. એની સૂની કાંખને. ત્યારે નહીં. અત્યારે પણ એમ જ છે.
થોડા વખત પહેલા એક જાણીતી સંસ્થાએ સર્વે કરેલો. તમે નહીં માનો. નિઃસંતાન
યુગલને. ભારતમાં. આજે પણ લોકો. શાપિત માને. આજેય સમાજ તો એવો જ નિર્દય. વસતિ
વધારાની કોને ફિકર? છો અડધો અડધ લોકો ભૂખ્યા સૂવે. ઘરબાર વિના
રઝળે. પણ સંતાન જ ખરું ધન. મરદ ને ઓરત હોવાની એકમાત્ર ઇન્ડિયન પિછાણ. ખેર! જરા વિચારો. એ
જમાનામાં કેવા હાલ હશે? સીમંતમાં આ અભાગણીની છાયા ના જોઇએ. બાળક એના
હાથમાં ના આપશો. મંતરીને ખવડાવી દેશે કંઇક. આપડું છોકરું બાપડું હેરાન થશે. એણે
ધરેલો તો પરસાદ પણ લેવો નહીં. નક્કી કામણ ટુમણ હશે.
સમાજમાંથી જાકારો. વાંઝણી. ડાકણ. વંત્રી. જે મોંમાં આવતું લોકો બોલી કાઢતા. સાવ
તૂટી ગયેલી આશા. જોષી. ભૂવા. જતિ. પીર. બાવા. ધાગા. ટુચકા. જંતર. તાવીજ. પતિથી
છાનું. કંઇ બાકી નહોતું મૂક્યું. તોય આશા ફળી નહીં! એકવાર તો.... શું વાત
કરું તમને! એવું ભયાનક થતા રહી ગયું. પેલી શાકવાળી. છ
મહિનાનું કો’કનું બાળક ચોરી લાવેલી. આશા
એના કહ્યામાં આવી જ ગઇ હોત. મંતર ફૂંકીને ડામ દેવાનો હતો. નાદાન બચ્ચું. આશાએ
સળિયો લાલચોળ ગરમ કર્યો. છોકરું રડી રડીને જે કાયર થાય. અડાડી જ દેત. અણીની ઘડીએ આશાનું
માતૃત્વ જાગી ગયું. ભલે રહી હું વાંઝણી. આ પાપ મારાથી નહીં થાય. નીકળ બહાર અહીંથી.
આપી દે આ બાળક એની માને પાછું. રોઇ પડી આશા. આવું જીવતું દોઝખ? સંતના સ્વાંગમાં
લંપટ પણ એક મળેલો. એ તો નસીબ પાધરું. મંદિર હતું. દીવો સામે જ હતો. ચાંપી દીધો
પેલાની દાઢીમાં. નાસી છૂટી. બેહોશ થઇને ઢળી પડી. શહેરના દવાખાનામાં હોશ આવ્યા. ત્યારે
ડૉક્ટરે કીધું. સંતાન થશે. એક નાનું ઑપરેશન કરવું પડશે. અને પછી?
પસા કાઆઆ કાઆઆ.... પસા કાઆઆ કાઆઆ.... લ્યા કોણ બૂમો પાડે છે? શહેરની ચકાચૌંધ
જોડે આંખ લડાવતો એક છકેલ. આંખ મિલાવે એનું ગજવું ગૂલ. હાથ મિલાવે એનું ઘર ડૂલ. વર્દીવાળા
તો બારે મહિના એપ્રિલ ફૂલ. પસા કાઆઆ કાઆઆ.... પસા કાઆઆ કાઆઆ.... લ્યા કોણ છે? ‘હું મોજીલો
કિમિયાગર. હેરાફેરી કરું માલની. જાણીતો છું સોદાગર’. ઓળખ્યો? રાજુ રખડેલ. ખિસ્સાકાતરુ.
ઊભા ઊભા લૂંટી લે. નાચી કૂદીને ખેલ પાડે. લૂંટાય એ ખુશ થઇને તાળીઓ વગાડે. આવું
સાંભળ્યું કોઇ દી’? શહેરમાં એના નામની હાક. કોણ છે આ રાજુ? વાત ખાનગી રાખજો.
રાજુ એટલે, લાઇવ મ્યૂઝિકલ ઇવનિંગ્સનો જાદૂગર. સ્ટેજનો શહેનશાહ. જ્હૉની જૂનિયર.
એક્કોએક શો ચિક્કાર. બબ્બે મહિના સુધી ટીકિટ ના મળે. આટલી સફળતા પછીય ચોર, ખિસ્સાકાતરુ
બન્યો? હા, એને રૂપેરી દુનિયા લૂંટવી’તી. લૂંટી ગયો. તમે
જોતા રહી ગયા. લૂંટાઇને તાળીઓ પણ વગાડી. એટલે? હજી ના ઓળખ્યો? રાજુ એટલે રાજા.
ગુજરાતી ફિલ્મ જગતના નરેશ. નરેશ કુમાર કનોડિયા. આ એમની ડેબ્યુ મૂવિ.
નાનકડા ઑપરેશન પછી આશાની વેલ પાંગરી. અને.... ‘વેલીને આવ્યાં ફૂલ’. મનુકાન્ત
પટેલની સુપરહિટ ફિલ્મ. ૧૯૭૦માં બની. એનું પહેલું ફૂલ એટલે. રાજુ ચોર. નરેશ કુમારે જ્હૉની
જૂનિયર નામથી એન્ટ્રી મારેલી. અસલ એમનું સ્ટેજનું નામ. મોટા ભાઇ મહેશ કુમાર સાથે લાઇવ
કૉન્સર્ટ્સ થતી. લોકો ખાસ જ્હૉનીનો ડાન્સ જોવા જતા. એની એક ઝલક એટલે આ ફિલ્મનું ‘પસા કાઆઆ કાઆઆ’ ગીત. કરંટ તો
બાકી જ્હૉનીનો. પેલું માથે વાળનું છોગું. એ પણ પહેલી ફિલ્મથી સાથે. આવતા સાથે જ નરેશે
પરદાને કહી દીધેલું. ભાઇ આજથી અહીં મારું રાજ. ફિલ્મનું એક બીજું સરપ્રાઇઝ. રમેશ મહેતા.
કૉમેડી કિંગ નહીં. સીરિયસ બિઝનેસ. અંડરવર્લ્ડ કિંગ. ના ફાવે તો ફૂંકી મારે. હિન્દી
ફિલ્મોના અજીતની યાદ અપાવે એવું પરફૉર્મન્સ. આ હા યાર, જોડે મૉના ડાર્લિંગ પણ ખરી.
આગલા વર્ષે જ એમણે પેહલી ફિલ્મ હસ્ત મેળાપ કરેલી. ૧૯૬૯માં. એમાં પણ વિલન વાણિયાનું
પાત્ર.
સરખામણી નથી કરતો. વિચાર આવે છે. હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ કૉમેડિયન. કાદરખાન.
શરૂઆતમાં એમણે પણ વિલનની ભૂમિકાઓ જ કરેલી. પછી સંવાદ લેખક અને કૉમેડિયન થયા. રમેશ
મહેતાનો કરિયર ગ્રાફ પણ એ જ રીતે આગળ વધેલો.
આશાની વેલ મ્હોરી તે મ્હોરતી જ ગઇ. મેલડી માની કૃપા વરસી. કે પીરનું તાવીજ. કે
મંતરેલું લીંબું. કે.... બધા ધાગા જંતર એક સામટા તો નહોતા ફળ્યાને? પહેલા ખોળે રાજુ.
પછી રૂપા. પછી આશા કાયમ ના કહેતી. હવે બસ દીપક! પણ તોય બાબલો. ને પછી
ફરી બાબલો. ને પછી.... એ ભાઇ બસ બસ. ભાઇસા’બ. હવે કેટલાં? એ જ સાસુ. પહેલા
મ્હેણાં મારતી. હવે આંખો કાઢતી. દીપક દિવસ રાત રોજમેળ ચીતરે. તોય મેળ બેસતો નહીં. તેમ
છતાં લક્ષ્મીના સુંદરને શહેર ભણવા મોકલ્યો. ઘર ચલાવવા ઉધારી કરવી પડતી. અનાજવાળો
માંગે. કાપડિયો તો વેતરવા જ બેઠેલો. બાળકોને દૂધના ઠેકાણાં નહીં. એક પછી એક સામાન
વેચતા ગયા. છેવટે ઘર પણ ગયું. આટલો મોટો વસ્તાર લઇને ક્યાં જવું? રઝળપાટ કરતા એક
ગામમાં પહોંચ્યા. ત્યાં દૂધ મંડળીનો મુનીમ નરમ દિલનો. આ કેનની હેરફેર કરી શકીશ? પાંચ રૂપિયા રોજ
મળશે. દીપક રાજી થઇ ગયો. એકવાર સાયકલ પર ભરેલું કેન. રસ્તે એક પથ્થર આડો આવ્યો. ધ્યાન
રહ્યું નહીં. જોરથી પટકાયો. માથું કૂટાઇ ગયું. બાવરો થઇ ગયો.
કપડાં ફાડે. વાળ પીંખે. ધૂળ ફેંદે. કચરો ફેંકે. ગામના છોકરાં પથરા મારે એને. ઘેર
આવતો નહીં. પડ્યો હોય વહેળામાં. ઝાડ પછવાડે. કો’કની વાડીમાં. ખરેખર વાહ! કહેવું પડે. અરવિંદ
પંડ્યા. આવો નૅચરલ અભિનેતા. એક જ થયો. એ પણ ડ્રામા, મૅલો ડ્રામાના યુગમાં. જ્યારે રીયાલિસ્ટિક
અભિનયનો કોઇ પંથ ખૂલ્યો નહોતો. એ જમાનામાં અરવિંદ પંડ્યાએ પોતાનો આગવો ચીલો
પાડેલો. અરવિંદ પંડ્યા તાણી જ લે એના અભિનયમાં. તમારો છૂટકો જ નહીં. ને ગજબ તો હવે
કહું તે. આજકાલના વૉન્ના બી સ્ટાર્સ લોકોએ શીખવું જોઇએ. કોઇ પણ પાત્ર હોય. અરવિંદ
પંડ્યા ધીરેથી તમારો હાથ ઝાલે. પાત્રમાં લઇ જાય. પછી આખી ભૂમિકા ખોલીને મૂકી દે. હવે
આવો બા’શ્શા! શોધો અરવિંદને. પણ એ પહેલા.
બૉસ! તમે તમને પોતાને તો ખોળો? અરવિંદનું પાત્ર.
ને અરવિંદનો દર્શક. એકમેકમાં સાંગોપાંગ. અરવિંદ પંડ્યા બહાર. ને દર્શક પાત્રમાં. કંઇ
કમાલના હતા અરવિંદ. મોસ્ટ કન્વિન્સિંગ. ઑથેન્ટિક.... અભિનેતા શબ્દ નાનો પડે!
આશાની દીકરી રૂપા હવે નાની નહોતી. એને છોગાળા મોહનનો રંગ લાગેલો. શહેર લઇ ગયો.
લગ્ન કરવાને બહાને. ‘માસી’ સાથે મુલાકાત કરાવી. આવ,
માસીએ કીધું, આ તારો ઓરડો. ઓહો શું ઓરડો હતો. ઠંડોગાર મઘમઘતો. વિશાળ પલંગ. નીંદર
આવી ગઇ રૂપાને. રાતે ઓરડાનો દરવાજો ખૂલ્યો. ચોર પગલે કોઇ અંદર આવ્યું. પલંગ પર એની
બાજુમાં બેઠો એ શખસ. હળવે રહીને ઊંઘતી રૂપાના ખભે હાથ મૂક્યો. સફાળી જાગી ગઇ રૂપા.
એક જ ઝાટકે પેલા નીચે હડસેલી દીધો. નાસવા ગઇ. પેલાએ હાથ પકડી નીચે પટકી. ત્યાં નજર
મળી. રૂપા તું? રાજુ ભાઇ તમે? અહીં ક્યાંથી? તું અહીં ક્યાંથી? કોણ લાવ્યું આ
પાપ નગરીમાં તને? કોણ લાવ્યું રૂપા? ખલાસ.... બધું
ખતમ!
મનુકાન્ત પટેલે ૧૯૭૦માં આ કથા લખેલી. સ્થિતિમાં કોઇ ફેર આજે પણ નથી. કોણે
કીધું સમાજ સુધર્યો? અહીં નહીં વિદેશોમાં પણ. બેરન. વાંઝિયા મહેણું છે
જ. સ્ત્રીને સ્ત્રીઓ જ અધૂરપનો અનુભવ આપે. સાસુઓ. પાટલા સાસુઓ. એમને કોઇ પૂછશે ખરું? છોકરાં જણીને પોતે
ધાડ મારેલી? એમણે ધાડ મારી હોત. તો એમના આ ઠીકરાંને ઠેબે
વહુ અફળાતી ના હોતને. એમાંય જો આવું થયું. કૃપા વરસી પડી. અનહદ. તો? એવાય અનેક
કિસ્સાઓ મળશે. નથી જોતા આપણે? રાજુ ગોલમાલ બિઝનેસમાં.
રૂપા મવાલીની ચૂંગાલમાં.
ઓહ્ ફિલ્મમાં શું થયું? સુંદર ડૉક્ટર બનીને પાછો
આવ્યો? દીપકનું ઠેકાણે આવ્યું? રાજુએ રૂપાને બચાવી? હું સવાલ પૂછું.
એના જવાબ હા ગણવાના. અને ના પૂછું એના જવાબ જાતે શોધવાના. ફિલ્મ જુઓ. પછી કહેજો
મને. સૌથી વધારે કોણ યાદ રહ્યું? પદ્મારાણી. યુવાન પત્નીથી
પ્રૌઢ માતા. કેટલો લાર્જ કેનવાસ. જુઓ એના રંગ. માણો એની સુવાસ.... ‘વેલીને આવ્યાં
ફૂલ’.
Viral Mehta 