27 એપ્રિલ, 2015

આઇડિયા ઉલટાવો કામ સુલટાવો (Udaan 95)


આઇડિયા ઉલટાવો કામ સુલટાવો
બોર્ડરૂમનું રાઉન્ડ ટેબલ. ચા-નાસ્તાની રેલમછેલ. બ્રેઇનસ્ટૉર્મિંગ સેશન, બાપ્પુડી. સુઘડ શર્ટ. ટાઇ-જૅકેટ-સ્કર્ટ. પેલી યંગ તંગ ઍરોગન્ટ ઍક્ઝિક્યૂટિવા. વાળ ઉલાળી મોં ફુલાવી બેઠી છે. એની બાજુમાં પેલી ચુલબુલાટી. ખાલીખાલી ખિલખિલાટી. ચાર્મિંગ ઇનોસન્સનો દેખાડો. સામે ત્રણ ચાર બમ્પર ડ્રૉ. આઇ મીન માર્કેટિંગ ટીંગ ટીંગ. બધાથી થોડે દૂર કપાતકુમાર દીવેલિયા. એટલે કે, હિસાબનીશ. એની બાજુમાં લોકો બેસતાય ગભરાય. રમકુડો ને ઝમકુડો. નવા ઍક્ઝિક્યુટિવ્સ. છોકરીઓની બાજુમાં ગોઠવાયા. સ્માઇલ ઑફર કર્યું. જવાબમાં યંગ તંગ મૅડમે જરીક મોં વંકોડ્યું. ખિલખિલાટીએ આંખ તો નચાવી. પણ સ્માઇલ ફોનની ટચાટચમાં વેરી નાખ્યું. અંજર ને પંજર પહેલેથી ઢીલા. એ પણ છેલ્લે આવી ગયા. મિટિંગ શરૂ થઇ. તર્કો. વિતર્કો. વાદ. વિવાદ. સાદ. પ્રતિસાદ. ઓપિનિયન. બોર્ડરૂમ નહીં બાથરૂમમાં પણ આજકાલ. એકલા એકલાય લોકો આવું બધું કરે. ચેનલ બાપ્પુડી, ચેનલ કલ્ચર.
સૌ રાહ જોઇને બેઠેલા. સીઇઓ સરની. આજે તો છાકો પાડી દઇએ બૉસલા પર. પાવર પૉઇન્ટ ને ફ્લૅશ. ફૅક્ટ્સ ને ફીગર્સ. સર્વે ને એક્સેલ શીટ. ટ્રેન્ડ ઉપડ્યો છે. આમ તો સાવ જૂનવાણી. આપણે ત્યાં લેટેષ્ટ. લાર્જ પ્રોજેક્ટર. વિડિયો કૉન્ફરન્સિંગ. લેસર પૉઇન્ટર. ધાંયધૂંઉંઉં ને શાંયશૂંઉંઉંઉં. હાથ હલાવી હલાવીને. પહોળા સાંકડા. ઉપર નીચે ફંગોળીને. પંજા સ્પીન કરી કરીને. ખોબા ધરી ધરીને લાંબી લાંબી હાંકે. પબ્લિક તો ખુશ ખુશ. કંઇ જ ના હોય. ઘણું બધું દેખાડવું હોય. ત્યારે આવું બધું કરવું પડે. ના રે, શેનું વળી હાઇ-ટેક? શકોરુંય નહીં. ઘસાઇ ચવાઇ ગયું બધું. બહાર સાવ નવી રીતો આવી ગઇ. આપણે જ વિલાયતી રહી ગયા. ઍનીવેઝ. વાત આજે જરા જુદી છે. બોર્ડરૂમની રૂટીન બોરડમથી અલગ.
ઝપ્પાક કરતો સ્ક્રીન પ્રગટ્યો. સીઇઓ દેખાયા. સર આમ. સર તેમ. સર ગુડ. સર મૉર્નિંગ. એઝ યુઝવલ. સર કલ્ચરના સૂત્રધારો મંડી પડ્યા. લિસન એવરી વન. ત્યાં તો સર બોલ્યા. આજે હું નહીં આવું. રમકુડો ને ઝમકુડો મીટિંગ ઇન્ચાર્જ બનશે. ડૂડ્સ, ઑલ યૉર્સ. કૅરી ઑન બ્રેઇન સ્ટૉર્મિંગ. લપ્પાક કરતો સ્ક્રીન ઓલવાયો. આખું જગત અચંબામાં. જગત એઝ ઇન, બોર્ડરૂમ. એ પણ નવું કલ્ચર. બેઠાબેઠા દેખાય એટલું જ જગત. તો આખા જગતમાં રોષ. અદેખાઇ. અવિશ્વાસ. નફરત ફેલાઇ ગયા. આ બે જણ. સાવ નવાસવા. અમને બ્રેઇન સ્ટૉર્મિંગ કરાવશે? બૉસજી એ કીધેલું એટલે વિદ્રોહનો પવન ના ફૂંકાયો. નહીંતર.... વૅલ, ફ્રેન્ડ્સ બંને સેન્ટરમાં આવ્યા. પ્રૉબલેમ્સ રેડી? બધાએ હા કહી. શૂટ નાઉ.
બે મેઇન પ્રોબલેમ છે. વન કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. ટુ નૅટવર્કિંગ. કંપની બે રીતે પાછળ છે. વાત તો સાચી હતી. આના સૉલ્યુશન મેં શોધ્યા છે. તંગ યંગ ઍક્ઝિક્યુટિવાએ કીધું. મારી પાસે કસ્ટમર રીઍક્શન્સનો આખો ડેટા.... બધું સાઇડમાં મૂકી દો. ઝમકુડો બોલ્યો. આજ સુધી એ જ આઇડિયાઝ પર ચર્ચાઓ કરી. કંઇ ફેર પડ્યો? નાખો બધા સૉલ્યુશન ને ડેટા ડસ્ટબીનમાં. રમકુડાએ સંભળાવી દીધું. દીવેલિયાથી રહેવાયું નહીં. તો અહીં શું કામ.... પ્રૉબલેમ ઊભા કરવા કપાત અંકલ. આજે અમારે પ્રૉબલેમ વધારે વકરે એવા સજેશન્સ જોઇએ.
ભેજું તો નથી ફરી ગયુંને? આ બંને તો ટાઇમ પાસ કરછ, મારા વાલા. કંઇ નહીં, આપ્પડેય એ જ કરો. બૉસ રીપૉર્ટ માગશે તો કહી દઇશું. અંદરો અંદર ગુસપુસાટ થયો. ઓ.કે. ફ્રેન્ડ્સ. શરૂ કરો. ગ્રાહકોને વધારે કનડવા. ત્રાહીમામ કરવા શું કરવું? ને પાર્ટીઓ તો જામી પડી. પૅકેજિંગ ભાંગલું તૂટલું રાખો. જૂનો માલ બજારમાં ઠાલવો. દુકાનદાર જોડે બબાલો કરો. આપ્પડી પ્રોડક્ટ રાખે જ નહીં એવું કરો. જલસો પડી ગયો લોકોને. બરબાદ કરવાના અને થવાના દરેક રસ્તા બધાને ખબર હતા. વિથ ડીટેલ. જે સજેશન આવ્યાં એનું લિસ્ટ બન્યું. બીજો પ્રૉબલેમ. કંપનીનું નૅટવર્કિંગ ભાંગીને ભૂક્કો કરવા શું કરવું? હેએએય ને શરૂ. વિઝિટિંગ કાર્ડ પ્રથા બંધ કરો. વૅબસાઇટ ડાઉન કરી દો. ઇમેલ સર્વર બંધ રાખો. છો બાઉન્સ થતા લોકોના ઇમેલ. હસહસાટ થઇ ગયો ઓરડામાં. ફોન કાયમ બિઝી રાખો. કોઇને લાઇન ના મળવી જોઇએ. બાક્કી.... પબ્લિક તો ચૅમ્પિયન નીકળી. વગર ડેટાએ આટલું બધું નૉલેજ?
શાબાશ દોસ્તો! હવે સજેશન્સનું લિસ્ટ જોરથી વાંચો. અંજર પંજર ઊભા થયા. ઉપરના સજેશન્સ ફરી વાંચ્યા. ઓય ત્તેરી કી! દીવેલિયા કપાતકુમાર ત્રાગડો સમજી ગયા. આ સજેશન્સ ઍક્ચુઅલી પ્રૉબલેમ્સ હતા. ઓહ્ માય..... માય..... આ બંને તો ગજબ નીકળ્યા! વૅલ પીપલ. આવા બખડ-જંતર કંપનીમાં થાય ત્યારે શું કરવું? રમકુ ઝમકુએ નવી વાત રમતી મૂકી. રીવર્સનું રીવર્સ. એટલે પરફૅક્ટ ફૉર્વડ. ક્યા બાત હૈ. સુપર્બ! પૅકેજિંગ. રીટેલર રિલેશન. કમ્પલેન એટેન્ડન્સ. બજારના માલ પર દેખરેખ. આઇડેન્ટિટી વિના સ્ટાફ ફરે નહીં એની ખાતરી. અપ-ટુ-ડેટ વૅબ સાઇટ. દરેક ઇમેલનો ઝડપી જવાબ. ફોન લાઇન મૅનેજમૅન્ટ. વાઉ.... સિમ્પલી વાઉ.... સાંજ સુધીમાં તો મોટાભાગની સમસ્યાઓ હલ થઇ ગયેલી. બાકી ફિલ્ડ ઑપરેશન્સમાં થઇ જશે. રમકુડો ને ઝમકુડો આખા સ્ટાફના માનીતા થઇ ગયા. કપાતકાકાએ પૂછ્યું, એમબીએ કર્યું? ના કાકા અમે એનું પણ રીવર્સ કર્યું. એબીએમ. ઍની બિઝનેસ મૅનેજમેન્ટ. જોક હતી. સૌ હસી પડ્યા.
દોસ્તો, લાઇફમાં. ઘરમાં. ઑફિસમાં. કૉલેજમાં. કરિયરમાં. પ્રૉબલેમ તો રહેવાના. પ્રૉબલેમ પોતે ખરેખર કોઇ પ્રૉબલેમ છે જ નહીં. એના નિવારણો સમસ્યા ઊભી કરે. આમ શું કામ? તેમ તો ના જ થાય. હવે આ ટૅક્નિક અપનાવો. તદ્દન ઉલ્ટું વિચારો. એની યાદી બનાવો. પછી એને સુલ્ટાવો. ને જુઓ પ્રૉબલેમ ક્યાં જાય છે.... એકવાર પ્રૉબલેમને હેરાન કરી મૂકો. ફરી તમારું નામ નહીં લે.... ગૅરંટી બૉસ!
Viral Mehta