26 એપ્રિલ, 2015

ઘરનારને ગમતા બજેટ ગેજેટ (Dr Gizmo 8)

ઘરનારને ગમતા બજેટ ગેજેટ
બધે એની એ વાતો. મોબાઇલ. કૉમ્પ. ઍપ્પી. લૅપ્પી. વૉચ ગિયર્સ. ગિઝ્મોજી? ગેજેટ એટલે લોકોનાં ગજવાં ખાલી કરવાના? આપણે સ્માર્ટનેસની વાતો ક્યારે કરીશું? જેમાં બચત હોય. ઓત્તારી! જિગ્ગા? તું પોતે જ ગજવાં ખાલી કરવા થનગને. હું તને રોકું. આજે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે? ચલ આજે તારા ગિઝ્મો. ગીક. ગેજેટ. બધાના કૉન્સેપ્ટ ફેરવી કાઢું. તું એકલો જ નહીં. અડધોઅડધ દુનિયા એમ જ માને. ગિઝ્મો એટલે લેટેસ્ટ ઇલૅક્ટ્રૉનિક સાધનો. ઉપરથી નવા મોબાઇલ ઝીંકાય. ફીચર જુઓ તો કંઇ નવું નહીં. તોય આપણે ત્યાં મોબાઇલ એટલે અલ્ટિમેટ? લ્યા મોબાઇલથી કંઇક આગળ નીકળી ગઇ દુનિયા. ભારતમાં લોકો સાવ વિલાયતી કેમ રહી ગયા? જિગરે ગિઝ્મોજીના દિમાગનો ટ્રીગર દાબી દીધેલો. હવે એ પણ તમારી જેમ ચૂપચાપ સાંભળતો હતો. ત્યાં વિન્મયી આવી.
આજે ચારેક સહેલીઓ પણ સાથે હતી. ડૉક્ટરે જ બધાને બોલાવ્યા હતા. જિગ્ગુ તો ઓવર કૉન્શિયસ થઇ ગયો. હવે બોલે તો સો ટકા ફીરકી. એણે વિચાર્યું. એટલે ચૂપચાપ બેસો. ને જુઓ ખેલ. તો જિગર! લે.... ડૉક્ટરે પહેલા જ એનું જ નામ લીધું. જાદૂ જોવો છે? એ.... ફીરકી શરૂ. તું જે પૂછતો હતો. એના જવાબો આ કામયાબ ઘરનાર પાસે મળશે. ઘરનાર? ઘર ઘડનાર નાર. ઘરનાર. આજની ભાષામાં હોમ મેકર્સ. અંગ્રેજીમાં કહો તો સ્ટાઇલુ લાગે, ખરું? ઍનીવેઝ. વિની, અને સાથીઓ દેખાડો તમારા જાદૂ.
આ હનિકા. વિનીએ ઓળખાણ આપી. મૉડર્ન હાઉસ વાઇફ. બિઝી વર્કિંગ વૂમન. એની ખાસિયત ટાઇમ મૅનેજમેન્ટ. એ માટે તું શું કરે હનિકા? ઘડિયાળ વાપરું. ટાઇમ જોવા. બધા હસી પડ્યા. જિગર પણ અંદરથી ખુશ થયો. નહીં છટકાય ગિઝ્મોજી. હરી ફરીને વૉચની જ વાત આવીને? પણ ચૂપ બેસી રહ્યો. હનિકાએ પર્સમાંથી એક સુંદર ટાઇમ પીસ કાઢ્યો. સેન્ટરમાં મૂક્યો. પાણીની બૉટલ લીધી. ને ઘડિયાળ પર ધાર કરી. ઓત્તેરી! ઘડિયાળ તો ગઇ. પણ ના, બધાના આશ્ચર્ય વચ્ચે ડિજિટલ ક્લૉક ચાલુ થઇ. આ સૉલ્ટ વૉટર અલાર્મ ક્લૉક છે. પાવર વિના ચાલે. સવારે મને જાગાડે. ટાઇમટેબલ મુજબ એલર્ટ આપે. અનબિલિવેબલ?!? પાણીથી ચાલતી વૉચ? બિલકુલ ઇફૅક્ટિવ અને કૉસ્ટ ઇફૅક્ટિવ. વાહ હનિકા!
હવે ઓજલને મળો. ઓજલે એના પર્સમાંથી થોડા પેબેલ્સ કાઢ્યા. સફેદ રંગના. લીસા પથ્થર. પ્લાન્ટ્સ અને ગાર્ડનમાં મૂકાય તેવા. આવું તે કંઇ ગેજેટ હોતું હશે? જિગર મનમાં જ બબડ્યો. આ સાદા સીધા પથ્થર નથી. ઓજલે એક પ્લેટમાં પેબેલ્સ ગોઠવ્યા. ઉપર પાણી રેડ્યું. ગ્રીન લાઇટ ચાલુ થઇ. આ ગ્રીન સિગ્નલ. એ હોય ત્યાં સુધી તમે સુરક્ષિત. એટલે? બૉમ્બ તો નથીને? જિગર ઊભો થઇ ગયો. પણ વિનીના ઇશારે શાંતિથી બેસી ગયો. ઓજલે થોડું વધુ પાણી રેડ્યું. પેબેલ્સમાં પીળી લાઇટ થઇ. આ છે વૉર્નિંગ! ઓજલ પાણી રેડતી જ રહી. લાલ લાઇટ થઇ. આ સ્ટૉપ સિગ્નલ. પાણીનો વેડફાટ તાત્કાલિક રોકો. કિચન, બાથરૂમ સિંકમાં. શાવરમાં વૉટર ડ્રેનર પાસે. બધે અમે પેબેલ્સ ગોઠવ્યા છે. આખું ઘર એમની આજ્ઞા માને. પેબેલ્સથી સેલ્ફ કન્ટ્રોલ આવે. વાહ! ‘પથ્થર ઉપર પાણી. નૉટ ઑલવેઝ બૅડ ઓજલ! વિનીની કમેન્ટ પર બધા હસ્યા.
ત્રીજી છોકરીએ થેલામાંથી એક પેટી બહાર મૂકી. એનું કવર હટાવ્યું. વાહ! પિઝ્ઝા? કાચના લીડમાંથી દેખાયું. બધાને ભાવતું ભોજન. આ રંજીની. કૂકિંગ ઍક્સપર્ટ. અને આ મારું સોલર અવન. ઓશરી. ગૅલેરી. છત. ઇવન કિચન  વિન્ડો પાસે મૂકી રાખું. એની સોલર પેનલ પર સૂર્ય પ્રકાશ પડે તેમ. ડાયરેક્ટ સન હીટની પણ જરૂર નથી. પ્રકાશ મળે એટલે અવન ચાલુ. સરસ સોલર સ્વાદ છે. જિગ્ગુ, ચાખી જો. ગિઝ્મોજીએ ઠોંસો મારીને કીધું. રવિવારની સવાર બ્રૅકફાસ્ટ પિકનિકમાં ફરી ગઇ. નવા ઍનર્જી સેવિંગ બજેટ ગેજેટ મળ્યા. પિઝ્ઝાથી જિગર પણ મૂડમાં આવેલો.
વિનીની ચોથી સખી જિગરની બાજુમાં આવીને બેઠી. મારું નામ તોયા. એક બૉક્સ જિગરને આપ્યું. આ ગિફ્ટ. મારા તરફથી. ના, ના અરે હોય? એમ તે કંઇ.... લઇ લો જિગર કુમાર. ફ્યુચરમાં કામ લાગશે. કુમાર? ફ્યુચર? પતી ગયું. આ નક્કી નવો દાવ. એને મનમાં થયું. આજે પરચૂરણના ભાવમાં ગયો જિગ્ગા. ડૉક્ટર સામે જોયું. ડૉક્ટરે વિની સામે. પછી બધા જોરથી હસ્યા. માળાબધા મળેલા છે. મને કૉર્નરમાં ફીટ કરે છે. ત્યાં ડૉક્ટરે કીધું. જિગર! તોયા પ્રેમથી ભેટ આપે છે. જો તો ખરો શું છે? ભાગી જવાશે નહીં. બચી શકાશે નહીં. વિચારમાં ને વિચારમાં જિગરે બૉક્સ ખોલ્યું.
ખરેખર એક સ્માર્ટ ડિવાઇસ હતી. બહાર કાઢીને વચ્ચે મૂકી. બંને સાઇડ અને ટૉપથી ખૂલતી રચના. વાહ­! આટલું કૉમ્પેક્ટ ડીશ વૉશર? આ સોલર ડીશ વૉશર છે. ઑટોમેટિક. વીજળી વિના ચાલે. ઉપર સોલર પૅનલ. સેલ ચાર્જ કરે. પાછળ એક વૉટર ઇનલેટ. એક ડ્રેનેજ આઉટલેટ. અને યુલ બી નૅવર લેટ. એક જ વાર બટન ઑન કરો. વાસણો આપમેળે ધોવાય. મશીનમાં જ અંદર ડ્રાય થાય. કામ પતે પછી મશીન એની મેળે બંધ થઇ જાય.
વાહ! મમ્મી તો ખુશ થઇ જશે. જિગર બોલી ગયો. ઓ....ય! મમ્મી માટે નથી. તારા માટે છે. આપણે ત્યાં વાસણ ઉડકવાનું કામ..... ફરી હાસ્યનું મોજું. આજે તો વિનીના અવાજમાં ખરો અધિકાર રણક્યો.... પોતાની જ મજાક જિગરને સૌથી વ્હાલી લાગી....  
Viral Mehta