14 એપ્રિલ, 2015

....તો કાલથી નવો બિઝનેસ (Udaan 93)



....તો કાલથી નવો બિઝનેસ
બહુ બધી ઍડ એજન્સીઝમાં ફર્યો. ઘણા નાનામોટા વેપારીઓને મળ્યો. ડિઝાઇનિંગ ફર્મ્સના ધક્કા ખાધા. ડિઝાઇનર બનવુંતું. જે મળે તે કામ કરવા તૈયાર હતો. એક જૉબ મળી જાય બસ. પણ દરેક જગ્યાએ એ જ. વૅલ-નોન જાકારો. વર્લ્ડ ફેમસ તિરસ્કાર. કોઇ રિસ્ક લેવા તૈયાર નહોતું. દોસ્ત, આજકાલ આર્ટ સ્કૂલ પાસ-આઉટને ફાંફાં છે. નથી તારી પાસે ડિગ્રી. અનુભવ પણ નથી. કોણ માનશે, તને આર્ટની સેન્સ છે? સાહેબ, આ રહી મારી ડિઝાઇન્સ. તમે જાતે જોઇ લો. દરેક ઑફિસમાં પોર્ટફોલિયો બતાડતો. ત્રાંસી ડોક. તીરછી નજર. તુચ્છ ચીજ જોતી હોય તેમ. તુમાખીથી લોકો રીજૅક્ટ કરતા. કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ કરી શકું સાહેબ. આ જુઓ.... ના કીધુંને ભાઇ? નથી અહીં કોઇ સ્કોપ. નાઉ પ્લીઝ લીવ. તોછડાઇનો ધક્કો. મોંઢામોંઢ.
યસ! બદલાઇ ગયા લોકો. એપ્રિસિએશન. અવૉર્ડ્સ. સન્માન. કૉસ્ટલી થયા. એટલે શોખીનોના શોખ બન્યા. કૅશ યા કાઇન્ડમાં એની વૅલ્યુ થઇ. ચૂકવો. ઉપાડો. શો-કેસ, કોરિડોરમાં ચિપકાડો. એક તરફ આર્ટની કદર રહી નહીં. બીજી બાજુ રહીસહી સમજ પણ ખખડી પડી. બે-પાંચ જણ. બાર-પંદરને થાબડે. એ જ બધા રોજેરોજ. વારંવાર. ટીવી પર. સ્ટેજ પર. ફંક્શન્સમાં. દેખાતા રહે. ખરા મહેનતુ. સર્જનક્ષમ લોકોની કોઇ વિસાત નહીં. ઉચિત પોતાના અનુચિતને કોસી રહેલો. સોશિયલ નૅટવર્ક પણ ટ્રાય કર્યું. પણ ત્યાં તો સાવ અલગ વાતાવરણ. રીડિક્યુલસ. સેલ્ફી(શ) કલ્ચર. શરૂઆતમાં હોંશથી પોતાની નવી ડિઝાઇન્સ નૅટવર્ક પર મૂકતો ઉચિત. લોકોને ગમશે. લાઇક કરશે. સજેશન, કમેન્ટ કરશે. ખાંડ ખા ખાંડ દોસ્ત. તને લાઇક કરે? કમેન્ટ આપે? અલ્યા ભૈ.... એ તો તારી આવડત જોઇને ભડભડે. દાહ લાગે દાહ. છતાં, દેખાવ એવો કરે કે ધ્યાન જ નથી. સામસામે સારા થતા લોકો સોશિયલ નૅટવર્ક પર બદલાઇ જાય. ઇન ફૅક્ટ અસલ રંગમાં આવી જાય. ત્રાસી ગયો. બંધ કરી દીધું સોશિયલ સાયલેન્ટ સેલ્ફ સ્લાઇંગ.
એક દિવસ તો હદ થઇ ગયેલી. ઉચિત મૉલમાં ફરવા નીકળેલો. બપોરનો સમય ગાળવા. સાંજે એક મીટિંગ હતી. કૉફી લીધી. સેન્ટ્રલ સ્પેસમાં બેઠો. આસપાસ શો-રૂમ્સના પોસ્ટર્સ. ડિસ્કાઉન્ટ સ્કીમ. ન્યૂ અરાઇવલ. ઍક્સચેન્જ.... વૉટ? ઍક્સચેન્જ ઑફરની સ્કીમ. બેઠેલો ત્યાંથી ઊભો થઇ ગયો. કરંટ લાગ્યો એને. દોડીને પેલા પોસ્ટર પાસે ગયો. આ....? આ જુઓ. મ, મા, મારી ડિઝાઇન. કૉપી મારી કોઇએ. એકલો બબડતો રહ્યો. હા, સોશિયલ ચટાકાનો ફટાકો. એની સર્જનાત્મકતા. જે કોઇ લાઇક નહોતું કરતું. એ બજારમાં વેચાઇ રહેલી. આ ચોરી છે બૉસ. આ મારી ડિઝાઇન છે. જુઓ તમને દેખાડું. શો-રૂમના સ્ટાફ. મૅનેજર બધા સામે એણે પોર્ટફોલિયો ખોલ્યો. તમારી વાત સાચી છે ભાઇ. અમે તો અહીં જૉબ કરીએ. ડિઝાઇન, પોસ્ટર તો હેડ ઑફિસથી આવે. અમે ગોઠવી દઇએ. બીજું કંઇ અમને ખબર ન હોય.
કળીએ કળીએ કપાઇ ગયેલો ઉચિત. નહીં નહીં તોય પચાસેક ડિઝાઇન્સ એણે નેટવર્ક પર મૂકેલી. ક્યાંકને ક્યાંક વપરાઇ ગઇ હશે. એની જાણ બહાર. લોકો એને ટ્રેસ કરતા. રૂપિયા ઉતારી લેતા. વગર મહેનતે. મર્ડર કરતાય ભયાનક અપરાધ. પણ કોને પડી છે ઉચિત? તારા જેવા હજારો ભટકે. તક વિના. વગ વિના. કોઇ સારું લખી શકે. લખનારાને તો કોરાણે જ મૂકો. આજકાલ તો બધા ખાંસાબો. સ્ટેટસ લખ્યું એ બધા રાઇટર. બધા ઇન્ટલેક્ચુઅલ. તારા-મારામાંથી ઠોકી બેસાડે. પછી? ચલ ભાગ. તેરી તો ઐસી કી તૈસી. એવું કહેવાય ના આવે. ઉચિત પાર્ટી! આવી કલ્પના બહારની ડિઝાઇન્સ સાવ મફતમાં મળે તો કોણ ના ઉપાડે? હા, તું ગાંડો. તું જ મૂરખ. બુદ્ધિ વિનાનો. તારી રાતોની મહેનત પર લોકો નોટો છાપી ગયા બબૂચક.
દોસ્તો! જાતને કોસો. ચીસો પાડો. દાઝ કાઢો. નહીં બદલાય. આ જ દુનિયા હતી. આ જ રહેવાની. ઊભા ઊભા વેચીને ચણા ખાય. ઉપરથી નવરી બજાર જેવું નૅટવર્કિંગ એમના હાથમાં આવ્યું. તો હું શું કરું યાર? માથું કૂટીને.... જતા રહો અહીંથી. નથી જોઇતી તમારી એડવાઇઝ. નૅચરલ રીઍક્શન. પણ દોસ્ત. ઑનલાઇન તો આજની લાઇફલાઇન. એનો ઉપયોગ કર. સાચો ઉપયોગ. તું ધારે તો, તને ઇગ્નૉર કરનારા. રીજૅક્ટ કરનારાને સણસણતો.... હા, આપવો છે. સણસણતો જવાબ. આખી દુનિયાને. છે કોઇ રસ્તો? છેને? એક નહીં અનેક. તારી ડિઝાઇન્સ ચોરવા લાયક હોય તો ખરેખર મૂલ્યવાન ગણાય. તો એનું સાચું મૂલ્ય પારખનારા પાસે જા.
કૅફેપ્રેસ ડૉટ કૉમ. હવે તો મોટી ઑનલાઇન રીટેલ ચેઇન. શરૂઆત ગ્રાફિક્સ. ફોટોગ્રાફ્સ. ડિઝાઇન્સથી કરેલી. એક મશીન લાવેલા. ફોટો-ટુ-ફૅબ્રિક પ્રિન્ટ. કોઇ પણ શર્ટ, ટી-શર્ટ પર મનગમતું છાપી આપતા. પૉપ્યુલર થયા. કપ, મગ, ટી-સેટ ઉપર પણ થીમ પ્રિન્ટિંગ શરૂ કર્યું. હા, તો એમનું હું શું કરું. કૉન્ટેક્ટ કર. એમને સારી ડિઝાઇન્સની સતત જરૂર પડે. ખરીદે પણ ખરા. ઘણા ડિઝાઇનર્સની તો હોમ પ્રોડક્ટ રેન્જ તૈયાર કરી છે એમણે. એવી જ એક બીજી જગા. ઝાઝલે ડૉટ કૉમ. ગ્રીટિંગ કાર્ડથી માંડીને ફેશન અને હૉમ પ્રોડક્ટ્સની ઑનલાઇન ચેઇન. ત્યાં પણ તારા જેવા ટેલેન્ટેડ લોકોની કદર. આ તો બંને પ્રસિદ્ધ સાઇટ. એ ઉપરાંત પણ ઘણા. સારી ડિઝાઇન્સ અને ફોટોગ્રાફ્સ ખરીદતા રહે.
બહુ થયા ઑફિસના ચક્કર. બહુ ભાઇબાપા કીધા. તકલાદી તકવાદીઓને. ક્યારેય કંઇ વળ્યું નહીં. કંઇ મળ્યું નહીં. તો હવે એ કોઇ નહીં. ક્યારેય નહીં. ઉચિત એ જ દિવસથી બદલાઇ ગયો. પોતાની ડિઝાઇન ચેનલ શરૂ કરી. યુ ડૉટ કૉમ. યુ ફૉર ઉચિત. તમે પણ ડિમાન્ડમાં આવી જશો પાર્ટી. નૅટવર્કિંગની નવરી બજાર. પંચાત પરિષદો છોડો. ઇન્ટરનૅટનો સાચો ઉપયોગ કરો. શરુ કરો તમે પણ કાલથી નવો બિઝનેસ....
Viral Mehta