કૅમ નામ હૈ મેરા.... કૅમ.... કૅમેરા
બધા ખીખીખી કરીને હસ્યા હશે. પહેલીવાર જ્યારે એણે આ વાત કરી હશે. બ્લૅન્ક.
હારોડ બ્લૅન્ક. સપનું આવેલું એને. એક વૅન હોય. એની છએ બાજુ. તસુએ તસુમાં કૅમેરા
જડી દીધા હોય. એ લઇને હું શહેરમાં ફરવા નીકળું. ક્યાંક ભરચક વિસ્તારમાં ઊભી રાખું.
પબ્લિક ફાટી આંખે જોયા કરે. આટલા બધા કૅમેરા? એક સામટા? મોં ખુલ્લા રહી જાય બધાના. એમાં પણ સરપ્રાઇઝ. કોઇને ખબર ન
હોય. દરેક કૅમેરા ચાલુ હાલતમાં. ઝપાઝપ તસવીરો લેવાતી જાય. ક’દી ન જોઇ હોય તેવી. નૅચરલ હાવભાવ સાથે. હસે. આંખો પહોળી
કરે. જીભ કાઢે. હાથના પંજા માથે મૂકી શિંગાડા બનાવે. કોઇ કરાટે ચૅમ્પ બને. કોઇ સુપસ્ટારની
ઍક્શન. કોઇ માઇકલ જેક્સન. જાતભાતના ચેનચાળા. એક રાતે ખરેખર આવું સપનું આવેલું બ્લૅન્કને.
બીજી સવારે એણે એવી વૅન બનાવવાનો મનસૂબો કર્યો.
કૅમેરા વૅન. ધૂણકી તો ન્હોતું ગયું એનું ભેજું, ગિઝ્મોજી? સપનાં જોવા કલ્પના જોઇએ ફ્રેન્ડ્સ. પોતાની આગવી ઇમેજિનેશન.
એ માટે જોઇએ દિમાગ. અને ડૉક્ટર સપનાં સાકાર કરવા? એ જ. તમે હમણાં કીધું
તે. ધૂણકી. બ્લૅન્કને ચઢેલી. સાથે એના બે દોસ્તો હતા. દિવસો સુધી બધા વૅનની ડિઝાઇન
બનાવતા રહ્યા. આમ નહીં તેમ. દરેક કૅમ જોડવો કેમ? શટર બટન કઇ રીતે
કામ કરે? વૅનની છતની ડિઝાઇન. સતત બે વર્ષ ગડમથલ ચાલી. ૧૯૯૫ના
એપ્રિલમાં વૅન તૈયાર થઇ. ઉપડ્યા. પહેલી સફર પર. કેલિફૉર્નિયામાં બ્લૅન્કના ઘેરથી
હ્યુસ્ટન. ત્યાં થોડું રોકાયા. પછી પહોંચ્યા ન્યૂ યૉર્ક. દરેક પ્રકારના કૅમેરા જોવા
મળે આ વૅનમાં. પોલેરૉઇડ. વિડિયો. ડીજી કૅમ. ક્લોઝ સર્કિટ. તમે જાણો છો. અને નથી
જાણતા એ બધા. વૅનની અંદર ૩૨ ઇંચનું મૉનિટર. દરેક કૅમેરાનો વ્યૂ દેખાય. વિડિયો
ઉતરે. સ્ટિલ ફોટોગ્રાફ્સ પણ ખેંચે. આજે બ્લૅન્ક પાસે માણસોના કુદરતી હાવભાવની
તસવીરોનું સૌથી મોટું કલૅક્શન છે. ખરી ‘બ્લૅન્ક’ ખોપડી છે ડૉક્ટર! ગિઝ્મોજીની વાતથી
મિત્રોના હાવભાવ પણ જોવા જેવા થઇ ગયા.
તમે દુનિયાના સૌથી નાના કૅમેરા વિશે સાંભળ્યું? રણક ઝણક અવાજ. ડૉક્ટરને
ભૂલી ગયા બધા. વિની તરફ ફરી ગયા. માંડ વિનીએ શરમ હોઠ વચ્ચે સ્માઇલમાં દબાવી. આંખો
નમાવી. ફરી રણકો કર્યો. માઇક્રો એસ ડી કાર્ડ હમણાં આવ્યા. એ પહેલા મિની મૅમરી
કાર્ડ મળતા. બસ, એટલી સાઇઝનો કૅમ. એમ? તો એને માળામાં પેન્ડન્ટ
બનાવીને પહેરવાનો? પેલાને એમ વિની આગળ જરી સ્ટાઇલ
મારું. વૅલ! ભાભીના હારમાં ગોઠવી શકાય. ચૂપ થઇ ગયો પેલો. એવડા
નાના કૅમેરામાં ફોટોગ્રાફ કેવા આવે? પપ્પુ બોલ્યો. બહુ
બહુ તો વીજીએ ટાઇપ. પપ્પુ ભાઇ, તમને અંદાજ નથી.
આ ઇન્ફ્રારેડ ડ્યુઅલ કૅમેરા છે. વિડિયો અને સ્ટિલ ફોટોગ્રાફી બંને થાય. વિડિયો
ફૂલ એચડી. 1920x1080 પિક્સેલ. કોન્સ્ટન્ટ
૧૨૦ મિનિટનું ફૂટેજ મળે. સ્ટિલ ઇમેજ. 4032×3024. 12 મૅગા
પિક્સેલ. તો વિની, મૅમરી કાર્ડ પણ મોટું જોઇએને? SDHC કાર્ડ સ્લૉટમાં 32 જીબી સુધીનું કાર્ડ લગાવી શકાય. આ કૅમની એક ખાસિયત છે. નાઇટ
વિઝન. અંધારું ઘોર હોય તોય કૅમેરાને બધું દેખાય. ડેટા ટ્રાન્સફર માટે યુએસબી પોર્ટ
પણ ખરો. ગયા હવે તોપ જેવા કૅમેરાના જમાના. હવે તૈયાર છે, CHOBi
CAM Pro3.
એક પછી એક સરપ્રાઇઝથી બાગ ચહેકી ઊઠ્યો. ત્યાં જિગર આવ્યો. ગિઝ્મોજીની બાજુમાં
ગોઠવાયો. કાનમાંથી ઇયર ફોનનો એક પ્લગ ડૉક્ટરને આપ્યો. બંને મોબાઇલમાં કંઇક જોઇ
રહેલા. હસતા હસતા. બધાને નવાઇ લાગી. શું હશે? નવી વિડિયો ક્લિપ
આવી લાગે છે. એય.... શું છે તમારે? વિનીથી રહેવાયું નહીં. દેખાડો
મને. શું છે? જો પછી ફરિયાદ ના કરતી. વિનીએ જિગરના હાથમાંથી
મોબાઇલ ઝૂંટવી લીધો. ઇયર પ્લગ લીધા. એકદમ ચૂપ થઇ ગઇ. વિનીના ઘરમાં એના મૉમ ડૅડ.
ડાયનિંગ ટેબલ પર. એના લગ્નની વાતો ચાલતી હતી. નો વે.... નથી કરવા હમણાં મૅરેજ. ઊફ્ફ....
બીજા વિઝનમાં એનો નાનો ભાઇ. વિનીના રૂમમાં. ટેબલ પર પગ. કમ્પ્યુટરમાં મૂવી ઑન. જલસા
પડી ગયેલા. બંધુ.... તારું આવી બન્યું આજે. વિનીના ગુસ્સામાં પણ ગુંજન હતું.
વિનીએ જિગરનો કાન પકડ્યો. આમને તો હું જોઇ લઇશ. પહેલા એ કહે. તેં કર્યું કેવી
રીતે? મ, મ, મેં કંઇ નથી કર્યું. ડૉક્ટર તમે તો કંઇ
બોલો. ગિઝ્મોજી હસ્યા. બંને ને શાંત પાડ્યા. પોતાનો ફોન બધાને
દેખાય તેમ સેન્ટરમાં મૂક્યો. એમના જ ઘરનું દ્રશ્ય. નાનો ડૉગી એની ટૉય રિંગ સાથે
મસ્તીએ ચઢેલો. બીજા વિઝનમાં એમના શ્રીમતીજી. કીચનમાં કામ કરતા દેખાયા. આને કહેવાય
વાઇફાઇ કૅમ. સ્માર્ટ ફોનથી ઑપરેટ થાય. આખી દુનિયામાં ગમે ત્યાં ફરો. ઘર પર નજર
રહે. ઑફિસ. શો-રૂમની સિક્યૉરિટી માટે તો બેસ્ટ. કૅમેરા સિગ્નલ જનરેટ કરે. ઘરનું
કમ્પ્યુટર રીસિવ કરે. કૅમેરાની એક ઍપ્લિકેશન. ફોનમાં વિઝન ટેલી કરે. ઍપથી જ
લૅન્સની મૂવમેન્ટ રેગ્યુલેટ થાય. અહીં બેઠાબેઠા. ૩૬૦ ડિગ્રી સુધી. આવો કૅમેરા તો ઘરમાં
રાખવો જ પડે. દરેકના ચહેરે કન્ફર્મેશન હતું.
ડૉક્ટરે બીજો એક ઝીણકો કૅમેરા દેખાડ્યો. નાનકડો સ્ક્વૅર પીસ. એમાં વચ્ચે માત્ર
લેન્સ. બીજું કંઇ જ નહીં. આમાં ફોટો પ્રીવ્યૂ? જરૂર નથી. પહેલા
ક્યાં પ્રીવ્યૂ હતા? રોલ ધોવાય પછી પ્રિન્ટ
મળતી. તો આની તસવીરો? બ્લૂ ટૂથ. કોઇ પણ બ્લૂ
ટૂથ ડિવાઇસમાં ટ્રાન્સ્ફર થઇ શકે. ડૉક્ટરે ત્યાં ગાર્ડનમાં જ લીધેલા ફોટોગ્રાફ્સ
દેખાડ્યા. કમાલનો હતો. કોનરન કૅમેરા.
કૅમેરાની વાતોમાં બધા મશગૂલ હતા. પણ વિની ગાયબ હતી. જિગરે કૉન્ટેક્ટ કરવા ફોન
લીધો. ને તરત પાછો સંતાડી દીધો. ગિઝ્મોજીએ જોયું. જિગરનો ફોન લીધો. ખડખડાટ હસી
પડ્યા. વિની ઘેર પહોંચેલી. પીસીમાં સ્લાઇડ શો રન કરેલો. વાઇ-ફાઇ કૅમથી ટેલી કર્યો.
જિગરના ફોટોગ્રાફ્સ હતા. લૂંગીમાં. મંકી ડાન્સ કરતા. માથે શિંગડા પણ ખરા. પિકનિકની
તસવીરો હતી. ગિઝ્મોજીએ ફોન બધાને દેખાય તેમ ગોઠવી દીધો.
Viral Mehta