17 એપ્રિલ, 2015

ફિલ્મ: શેતલને કાંઠે - સાહ્યબા, અબોલડાં હવે ભવના રહ્યાં (Gujarat Talkies 39)


સાહ્યબા, અબોલડાં હવે ભવના રહ્યાં
બલમો અડકો દડકો. સજની દહીં દડુકો. સાજણ દેવરાની વાંહળી વાજે. આણંલના રૂદિયે સાવણ ગાજે. રેશમી રતુંબલ લુગડાંમાં શોભતી. પહોંચે દડબડ દોડતી. દેવરો ગાયો ચરાવતો. ટીંબે બેઠો. વાંસળીમાં ગુલતાન. પાણિયારે હાથ પહોંચે એટલા થયેલા બંને. કોણ જાણે શું સમજતા હશે? વડલા પાછળ સંતાવું. ત્રાંસી નજરે જોવું. નજર ટકરાય તો હોઠ દબાવી. મોં સંતાડી મલકવું. કોણ શીખવે? આવડાં નખ જેવડાં સાહ્યબો ને સજની. દી આખો ભેળા ને ભેળા. આણંલ ઘેરથી ભાથું લઇને આવે. બંને એકમેકને હેતના કોળિયા જમાડે. રાતે કોક ફળિયામાં ગામ આખું ભેળું થાય. શેત્રુંજીના ટાઢાબોળ વાયરે. છલકાતા ઉજમને ડાયરે. અલક-મલકની વાતો ચાલે. બીજાં છોરાં તો માયોની હોડમાં ભરાણા હોય. બીજી ત્રીજી ઊંધ ખેંચતા. ત્યારે આ બે નાનકા આશક-માશક કાન દઇને વારતા સાંભળે. કોની? દેશની સૌથી એનોખી પ્રેમ કથાની. સાંભળી છે? ચલો કહું આજે. દેવરા, આણંલની વાત જરા વાર રહીને કરીએ.
એક દિલ્હીનો રાજો. એક કનૌજનો રાણો. બંને વચ્ચે બચપણથી વેરનાં વાવેતર. થાય જને? વડીલોના વાંકે. બંગાળના એક રાજા હતા. બલ્લાલ સેન. દિલ્હીની ગાદી પણ અનંગપાલ સેન હાથમાં. બલ્લાલનું બીજું નામ. એમને બે અતિ સ્વરૂપવાન દીકરીઓ. એક રૂપસુંદરી. એક કમલાદેવી. રૂપસુંદરીના લગ્ન કનૌજ થયેલા. કનૌજ ઉત્તર પ્રદેશ. પૌરાણિક કાળનું કન્યકુબ્જ. રાજા હર્ષવર્ધનની નગરી. ત્યાંના રાજા વિજયપાલ સાથે. રૂપસુંદરીને એક પુત્ર રાજા જયચંદ. બીજી રાજકુમારીના લગ્ન અજમેર થયા. અજમેર. અજય મેરુ. ત્યાંના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે. એમને એક દીકરો ને એક દીકરી. પૃથ્વીરાજ અને પ્રથા. પ્રથાના લગ્ન ચિત્તોડના રાણા સમરસંગ સાથે થયા. આમ તો આખો મામલો વૅલ સેટલ્ડ. કોઇ જફા નહોતી. જયચંદ ને પૃથ્વિરાજ બંને. બંને પ્રતાપી. વહીવટ કુશળ. વિવાદ વારસાઇનો કોઇ પ્રશ્ન જ નહોતો.
સમસ્યા દિલ્હીમાં હતી. હોય જ ને! દિલ્હીની ગાદીનો કોઇ વારસ નહોતો. કહું તો છું. આ આજકાલનો નહીં. દિલ્હીમાં બહુ જૂનો પ્રૉબલેમ છે. જયચંદ અને પૃથ્વીરાજના નાનાને દીકરો નહીં. એટલે દીકરીના દીકરાને દિલ્હી સોંપવાનો ઇરાદો. પૃથ્વીરાજના યશ, નામના અજમેરથી ચોમેર ફેલાયા હતા. નાનાજીએ દિલ્હી પૃથ્વીરાજને સોંપ્યું. એટલે વેર ગંઠાયું. જયચંદ પૃથ્વીરાજનો દુશ્મન બન્યો. પૃથ્વીરાજ, કહેવાય છે, અત્યંત આકર્ષક પુરૂષ હતો. રીયલ હૅન્ડસમ. એને અનેક રાણીઓ. ખ્યાતિ, પ્રસિદ્ધિ, શૂરવીરતાની કથા ગાથાઓ કનૌજ પણ પહોંચેલી. દુશ્મનને ગામ. ત્યાં તો આખા ગામથી વહેલી પહોંચે. કનૌજની રાજકુંવરી એટલે મહાસુંદરી. એના જેવું રૂપ કોઇનું નહીં. સંયોગિતા. સંયુક્તા. ઇન્દ્રલોકની અપ્સરાઓ ઝાંખી લાગે એવી સુંદર. પૃથ્વીરાજની વાતો એણે પણ સાંભળેલી. સંયોગિતાની રૂપલહેરી દિલ્હી સુધી પહોંચેલી. પૃથ્વિરાજ સંયુક્તા એકબીજાને મળ્યા નહોતા. છતાં, સ્નેહ પાંગરેલો. કાસદ, ખબરીની ગુપ્ત આવનજાવન રહેતી. છાની રહે? એ પણ જયચંદથી? એને પીઠ પાછળ ખેલાતા ફાગનો તાગ મળ્યો. પૃથ્વીરાજ સાથે સંબંધ? પોતાની જ દીકરીનો? જયચંદને કદાપિ માન્ય ન હોય. પૃથ્વિરાજ જેવા બળિયાને જંગમાં જીતવો અસંભવ હતો. જયચંદે યુક્તિ કરી. સંયુક્તાનો સ્વયંવર યોજાયો. દેશ-વિદેશના રાજા મહારાજાઓ આવેલા. પૃથ્વીરાજને આમંત્રણ નહોતું. આ પહેલું અપમાન. બીજું અપમાન? દરબાર મંડપની બહાર. દ્વારપાળને સ્થાને. પૃથ્વીરાજની મૂર્તિ. સંયુક્તા મંડપમાં પ્રવેશી. કોઇ સામે જોયા વિના સીધી દરવાજે પહોંચી. મૂર્તિને વરમાળા પહેરાવી દીધી. પૃથ્વીરાજ ત્યાં જ હતો. મૂર્તિ પાછળ. ઘોડો પણ તૈયાર. એક જ ઠેકડામાં બંને ઘોડા પર સવાર. અપહરણ. સ્વયંવરના માંડવેથી. સંયુક્તાની મરજીથી.
રંગ છે.... રંગ છે.... ડાયરાને રંગ છે.... આહિરોએ સાદ કર્યો. દેવરા, આણંલના નેણલે પણ જોબનિયાં ટકરાયા. પ્રીતના પલાખા ગણતા બંને જવાન થયા. પણ આણંલ, હું અપહરણમાં નથી માનતો. કાં, દેવરા? મને કોઇ બીજો પરણી જાય તો? એ અસંભવ છે. તારે માંડવે તો મારી જ ઘોડી હણહણશે આણંલ દે. બપોરના ભાતનો કોળિયો ભરતા દેવરાએ કીધું. ને વાયુ વાયો. આણંલના ખુલ્લા ઘનઘોર કેશ લહેરાયા. કાં, તારા વાળ ખુલ્લા? બંધાવવા છે. કોઇ ગોરા મરદ પાસે. બહુ રૂડો ઇશારો હતો. હું બાંધું તો નહીં હાલે આણંલ દે? લાવ સરસ ચોટલો ગૂંથી દઉં. એ જ તો જોઇતુંતું. કાંડે બાંધેલો દોરો દેવરાના હાથમાં દીધો. લે ગૂંથી દે ચોટલો. ને છેડે એવી ગાંઠ બાંધ. કે સાત ભવેય ના છૂટે. ચોટલો ચાર જ હાથ. ગૂંથ્યો ગોરે માણસે. એના ગુણની વાળેલ ગાંઠ. દોરો બાંધે દેવરો.
ક્યાંક આ વિષે માન્યતા છે. કુંવારી કન્યાનો ચોટલો. જરાય ખોલ કે ભૂલ વિના. કોઇ ગબરૂ કુંવારો જવાન બાંધે. તો બંને એકમેકના થઇને રહે. સાત ભવ સુધી. આજકાલ તો જો કે.... તમને ખબર જ હતીને? અહીંયા આપ્પડી કૉમેન્ટ આવશે. તો લો ત્યારે, સટ્ટાક.... બદલાઇ ગયું હવે બધું. નહીંતર કહેવાય છે. ચોટલોવાળે એ નારી ડરે, ડગે, હારે, થાકે નહીં. ભ્રમણા, ભયની એને કોઇ ફિકર નહીં. એનું ચિત્ત, ચૈતન્ય, વિવેકબુદ્ધિ, ચાતુર્ય સજાગ રહે. એના મનોરથને બળ મળે. એનું ને એના પરિવારનું જીવન સફળ બને. ખુલ્લા કેશ ત્યાગ, વૈરાગનું પ્રતીક માનવામાં આવે.
પુરૂષો પણ શિખા રાખતા. એના સંસ્કાર, મોભો, મર્યાદા જાળવતા. એ તો જમાના જ ગયા. શિખાથી એમની વૃત્તી ભટકતી નહીં. ધ્યેય સ્પષ્ટ રહેતું. શિખાને ગાંઠ વાળતા. વર્ષો પહેલા એક જણે શિખા છોડેલી. યાદ છેને? બધા ધ્યેય. લક્ષ એક તરફ. આખી દુનિયા. લશ્કરો એક તરફ. એક બ્રાહ્મણનો ઉદ્દેશ એક તરફ. સન્માન. સ્વમાન. સ્વાભિમાન માટે આચાર્ય વિષ્ણુ ગુપ્તે શિખા છોડેલી. એક જ ઉદ્દેશ હતો. મગધની ગાદી. એનો રાજવંશ. ખતમ થાય. મૌર્ય વંશની સ્થાપના થાય. પછી જ શિખા બાંધીશ. એવું વચન લીધેલું. રાજા ને રાજપાટ ખેદાન મેદાન થઇ જાય સાહેબ, મૅડમ. ચાણક્ય શિખા છોડે તો. આ મહત્ત્વ ચોટલા ને શિખાનું.
આણંલનો ચોટલો દેવરાએ બાંધ્યો ને પોતેય બંધાઇ ગયો. પણ કળજગનું કરવું. મનના બાંધ્યા મનમાં જ રહી ગયા. આણંલના પિતા ગામના મુખી. દેવરો એમનેય વ્હાલો. દીકરી માટે આનાથી સારો વર નહીં મળે. દેવરાની બાને વેણ પણ દીધેલું. કહેણ મોકલે એટલી વાર હતી. ને કહેણ આવ્યું. હોળીને દાડે. જવાનિયા ફાગ ખેલતાતા. દેવરાના નામનો સાદ પાડતો. દોડતો એક જણ આવ્યો. ખબર દીધી. આણંલનું પરગામ પાકું થયું. આણંલની બાને દેવરો દીઠોય ગમતો નહીં. આખો દી ઢોરા હાંકે જિંદગી થોડી જાય. મારી દીકરી રાજરાણીનું સુખ ભોગવવા સર્જાઇ છે. દેવરા જેવા કંતાયેલા ઘરમાં મારું સોનાનું રતન નહી શોભે. એ તો ઢોલરા આહિરના ખોરડાં શોભાવશે. લગ્નનો અવસર હવે હાથવેંતમાં જ હતો.
આણંલનું ઘેરથી બહાર જવાનું બંધ હતું. દેવરો એકલો બેસી રહેતો. મંદિરને ઓટલે. રાહ જોતો. એ જ વૃક્ષ હેઠે. શત્રુંજી.... શેતલને કાંઠે’. ૧૯૭૫ની ફિલ્મ. રામ કુમાર બોહરા નિર્મિત. રવિન્દ્ર દવે દિગ્દર્શિત. જેસલ તોરલ પછી સૌથી મોટી બ્લૉક બસ્ટર. અમસ્તુંય કોઇ ગુજરાતી ગીત યાદ આવે? ગાવ તો.... જોબનિયાને આંખના ઉલાળામાં રાખો. જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે. વનમાં ચાંદલિયો ઊગ્યો રે. મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યાં. સાહ્યબા અબોલડા હવે ભવના રહ્યા. ગુજરાતના હૈયે વસેલાં ગીતો. શેતલને કાંઠે હિલોળા લેતા સાંભરે. હજી કોઇ ગીત....­? ‘આ રૂડીને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે. દેવરાની વાંસળીનો સૂર આણંલને ઘેલી કરતો. દોડી આવતી. હવે તો બારણે તાળાં હતાં. તોય આગલી સાંજે આવેલી. દેવરાને મળવા. નથી જીવવું મારે. મને અબઘડી ભગાડી જા. અથવા દેવતા ચાંપ. આ શું બોલી આણંલ? ભગાડી જાય તે દેવરો નહીં. ને વચન લીધું. જીવતા રહેવાનું. આ તો દેવતા ચાંપ્યા કરતાય વધારે કઠોર અગ્નિ પરીક્ષા. કઇ રીતે જીવતી રહીશ દેવરા વિના? વાંસળી. હા, આ તારી વાંસળી મને દઇ દે. એની મરજાદે ભવ કાઢી નાખીશ ઢોલરા આહિર સાથે.
પરણ્યાની પહેલી રાતે ઢોલરાને કહી દીધેલું. મને અડશો મા આહિર. મારું શરીર જોઇતું હોય તો લો આ ધારીયું. ખેંચી લો મારા પ્રાણ. પછી ભોગવો મારું ખોળિયું. તમારી આગ ઠરે ત્યાં સુધી. દેવરાને દીધેલું મારું વચન પણ નહીં તૂટે. ને હું છૂટી જઇશ. સડક થઇ ગયેલો ઢોલરો. આખી જિંદગી આ તપના તાપમાં કાઢવાની? બહાર તો મા વારસની વાટ જોતી બેઠી હશે. હવે? એક રસ્તો છે, દેવરો જ ન રહે તો.... એનું માથું ઉતારી મારા ખોળે ધરજો. પછી મારી ચિતાને આગ ચાંપજો. ઢોલરાના મનની મુરાદ પારખી આણંલે કહી દીધું. હવે ઢોલરાની જિદ. આણંલ દેનું સત. અને દેવરાનો પરિત્યાગ. એની આગ. એમાં ઝૂલસતી પ્રેમકથા. સોરઠમાં આજેય આણંલ દે ફૂલે પૂજાય. સતી આણંલ દે.
એના ચાર હાથના ચોટલે બાંધેલી ગાંઠ પછી છૂટી ખરી? દેવરાનું મસ્તક લેવા નીકળેલા ઢોલરાને શું મળ્યું? પહેલીવાર તો ઢોલરો મોં પછાડ ખાઇને પાછો ફરેલો. એક રાતે ફરી દેવરાના કમાડે દસ્તક થયા. ઢોલરો આહિર. હાથમાં ધારિયું લઇને ઊભેલો. હમણાં ઘા થયો. આ વખતે તો દેવરો.... પણ વાત જરા જુદી હતી. ઢોલરો માંગું લઇને આવેલો. પોતાની બેનનું. એને દેવરા સંગાથે પરણાવવા. તમે માનશો? દેવરો ઝટ રાજી પણ થઇ ગયો. આ સગપણ એ પાછું ઠેલી શકે તેમ નહોતો. ઢોલરાની બહેનને દેવરો પરણ્યો. સામે પોતાની બહેનના લગ્ન ઢોલરા આહિર સંગાથે કરાવ્યા. એક જ માંડવે ઢોલરો ને દેવરો પરણ્યા. તો સતી આણંલ દે? એમનું શું થયું? ‘શેતલને કાંઠે. જોઇ લો સાહેબો ને મૅડમો. અટપટા રહસ્યોના ગુજરાતી રૂપરંગ. ઉપેન્દ્ર ત્રિવેદી. અરવિંદ ત્રિવેદી અને સ્નેહલતાનો સંગ.
Viral Mehta