6 એપ્રિલ, 2015

વૅકેશનમાં નવી ઍક્શન (Udaan 92)



વૅકેશનમાં નવી ઍક્શન
બે ટાઇપના લોકો હોય. એક રીલૅક્સેશનમાં માને. વર્ષમાં એક જ વાર. માંડ એકસામટી. આટલી લાંબી રજાઓ આવે. હેએએએએય ને રજાની મજા. લ્યો હેંડો સોશિયલ નૅટવર્કિંગ કરીએ. બીજી ટાઇપના લોકો ઍક્શનમાં માને. બંનેના વિચારમાં મોટો ડિફરન્સ નહીં. એ પણ એમ જ કહે. વર્ષમાં એક જ વાર. માંડ એકસામટી. આટલી લાંબી રજાઓ આવે. હેએએએએય ને રજાની મજા. લ્યો હેંડો સોશિયલ નૅટવર્કિંગ કરીએ. તોય, ઍક્શનવાળા માટે લાઇફના દરવાજા ખૂલ જા સીમ સીમ. અલીબાબાએ વર્ષો પહેલા મારેલો મંતર. આજેય જાદૂ કરે. મોબાઇલના સીમ પર લાઇનો સીમ સીમ ખૂલી જાય. ઍક્સક્યુઝ મી! તમે ક્યારે ફ્રી છો મૅમ? હલો સર, કાલે તમને ફાવશે? નવરા ના પડો બૉસ. ગૅરંટીથી. એટલી ડિમાન્ડ. આવતા આખા વર્ષની ફી. પૉકેટ મની. ગેજેટ બજેટ. મોજ શોખ. ઉપરાંત, બચત. આપણા ઍક્શન હીરોઝ ને હીરોઇન્સ પાસે આવી જાય.
યસ! સોશિયલ નૅટવર્કના સટાકા ચટાકામાં. કેવી રીતે? ઇતિકાને મળીએ. બોલ ઇતુ. વૅકેશનમાં શું પ્લાન? બસ, મસ્તી. એ તો અમને ખબર છે. જરા ડીટેઇલમાં વાત કર. વૅલ, હું હોમ ડી-ક્લટરિંગની ટ્રેનિંગ આપું છું. વ,વ,વૉટ.... કમ અગેન? હોમ ડી-ક્લટરિંગ. ઘરમાં મોકળાશ વધારવાની તાલીમ. મોસ્ટલી કેવું થાય? ક્યાંક ફરવા જઇએ. અમસ્તા. માર્કેટ, મૉલમાં. ત્યારે કોઇ ચીજ ગમી જાય. આડુંતેડું જોયા વિના ઉપાડી લઇએ. ઘર તો મોટું થવાનું નથી. વસ્તુઓ. ફર્નિચર. વૉલ પીસ. ડૅકોરેશન. ઢગલો થતો જાય. એટલું બધું ભેગું થઇ જાય કે.... ઍક્ઝેક્ટલી યાર મારે પણ. બેસવાની જગા ઘણીવાર શોધવી પડે. દરેક રૂમ બિઝી બિઝી. ભરચક. બસ, એ ભરચકમાંથી ભરપૂર મોકળાશ. કઇ રીતે કરવી? ચીજોના ઉપયોગ. સજાવટ. બધું બદલીને ઘરમાં સ્પેસ વધારવાની તાલીમ આપું છું.
તે તું આ બધું ક્યાંથી શીખી? મારા પોતાના પ્રૉબલેમને ટીચર બનાવ્યો. પહેલાં તો વારેવારે ઘરમાં સેટિંગ બદલું. કબાટ આમ ને પાટ તેમ. પણ સ્પેસ એમની એમ ભરચક. ઉપરથી થાક. કંટાળો. કોઇ આવે તોય શરમ લાગે. પછી કાગળ પેન્સિલ લીધા. દરેક રૂમના ફ્લોર ડ્રૉઇંગ બનાવ્યા. કાગળ પર વસ્તુની જગ્યા બદલી. બદલતી ગઇ. રૂમમાં વધારે ને વધારે ખુલ્લી જગ્યા મળે તે રીતે. પછી ફાઇનલ ડ્રૉઇંગ. અને છેલ્લે ગોઠવણ. આ રૂમ જ્યાં આપણે ઊભા છીએ. એ જ મારો ક્લાસ રૂમ. અહીં જ હું શીખી. હવે બધાને શીખવું છું. ઇતિકાના રૂમમાં ખરેખર સ્પેસ જ સ્પેસ હતી. એણે પોતાના લર્નિંગને એક વીકના ટ્રેનિંગ કોર્સમાં તબદીલ કર્યું. દર અઠવાડિયે સાતેક જણની નવી બૅચ. બોલો. વૅકેશનમાં નૅટવર્કિંગ વિથ અર્નિંગ. કરવું છે, કંઇક આવું? તો કરો શરૂ.
ઇતિકાની ફ્રેન્ડ આપ્તિ. બહુ બોલકી. પડોશમાં જ ઘર. એ પણ ઍક્શન સ્ટાર. આવો એને મળીએ. આપ્તિ શું ચાલે છે? બસ એ જ મારી ચટર-પટર. મજાક નહીં. સાચી વાત કર. રીયલી, એ જ કરું છું. છ મહિનાની મહેનત. ૧૫ દિવસનો શૉર્ટ કોર્સ. વૅકેશનમાં ખાલી પડેલા ક્લાસ રૂમ્સમાં. ૨૦ જણની બૅચ. બે મહિનામાં ચાર બૅચ તૈયાર. વાહ! પણ તું કરે છે શું? પબ્લિક સ્પિકિંગ. દરેક જણ પાસે પોતાના નવા વિચારો હોય. બધાને રજૂઆત ન ફાવે. રખેને કોઇ મજાક કરશે? કોઇ અપમાન કરશે? ગભરાટ હોય. કચવાટ હોય. એને કારણે જૉબ ઇન્ટર્વ્યૂઝ. ઑફિસ પ્રેઝન્ટેશન. કૉલેજ પ્રોજેક્ટ્સ. બધામાં પાછળ. ઇચ્છા હોય. ટેલેન્ટ હોય. તેમ છતાં કહી ન શકે. એમને મારી ચટર-પટર ટૅક્નિક શીખવું છું. એમને પછી ભાષણ આપવા કહો તોય ના નહીં પાડે. સુપર્બ આપ્તિ!
આપ્તિની બહેન વિતી. એ તો તમારા ઘરમાં જ ક્લાસ રૂમ બનાવી દે. વૅકેશનમાં બાળકો. પતિદેવ. મહેમાનો. બધા ઘેર. બધાને ખાઇ પીને લ્હેર.... કરવી હોય. ક્યાંથી કરાવો? કેટલું બનાવો? જેટલું બનાવો. ઓછું પડે. આ નહીં, પેલું નહીં. દરેકની ડિમાન્ડ અલગ. ભલભલી હોમ-મેકર્સ ત્રાસી જાય. તેમ છતાં, મનમાં થાય. વૅકેશનમાં નહીં, તો ક્યારે માગશે? શું કરું તો જાદૂ થાય? થાય કે નહીં? ત્યારે વિતી પહોંચે. તમારા કીચનમાં એની ઇઝી ક્વિક રૅસિપીઝ સાથે. રેગ્યુલર ફૂડ. રોજ-બ-રોજની વાનગીઓ. દરેકને ભાવતા વેરિએશનમાં. એ પણ ધાર્યા કરતા ઘણા ઓછા ટાઇમમાં. ફરમાઇશ થઇ. એકસાથે ચાર મેનુ આઇટમ્સ રેડી. ૧૦ મિનિટમાં. ફૂડમાં પડતા બેઝિક મસાલા. મટીરિયલ. એનું લિસ્ટ અલગ તારવી. વિતીએ અલગ અલગ કૅટેગરીઝ બનાવી. એક જ શ્રેણીમાં પાંચેક રૅસિપી. એકસાથે બનાવવાની રીત શોધી. વૅલ સ્ટ્રક્ચર્ડ કોર્સ તૈયાર કર્યો. એક કીચન. પાંચેક ફ્રેન્ડસ. એક વીકમાં સોએક રૅસિપી શીખી જાય. વૅકેશન સ્વાદથી ભરપૂર બની જાય.
દોસ્તો, ઇતિકા. આપ્તિ. વિતીની માફક તમારામાં પણ ટેલેન્ટ હશે. છે જ. તો એક કામ કરોને? આ વૅકેશનમાં તમારી એ ખાસિયત લોકો સુધી પહોંચાડી દો. બનાવો એક નોટ. લખો તમારા ઇન્ટ્રેસ્ટ. શોધો લોકોની જરૂરિયાત. તમારી ટેલેન્ટથી એમનો કોઇ ફાયદો? તૈયાર કરો એક શૉર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ. બધાને અનુકૂળ એક જગ્યા. બે મહિનામાં ચારેક બૅચ. દરેકમાં દસેક લર્નર્સ. બીલિવ યુ, મી.... બૉસ! તમારી ચર્ચા આખા નગરમાં હશે. કિસ્મતના ખજાના ખૂલી જશે. કોઇ જાહેરાત પોસ્ટર વિના. જસ્ટ મૅસેજિંગથી. નેટવર્કમાં જાહેર કરીને. વ્યક્તિગત સંપર્કથી. પહેલી બૅચ ટકોરાબંધ તૈયાર કરી દો. પછી જુઓ જાદૂ.... ખૂલ જા સીમ સીમ. એક ફોન ચાલુ. બીજા બે વેઇટિંગ. ઇતિકા. આપ્તિ. વિતી. એમની માફક કંઇક નવું. યુનિક. ઝડપી. જેનો ખરેખર લોકોને ઉપયોગ હોય. એવું કંઇક. આખું વૅકેશન ચિક્કાર. આવતા વર્ષનું બધું જ ફાયનાન્સ બે મહિનામાં. ગૅટ રેડી બડી....