10 એપ્રિલ, 2015

‘હું’ તો બાકી, રૂપેરી રંગનો ‘હું’ (Hollywood Cafe 65)


‘હું’ તો બાકી, રૂપેરી રંગનો ‘હું’

બે કરતાં વધુ રૂપ મારામાં. હું તારામાં. હું જગ સારામાં. હું એકનો એક. અનેકમાં. હું તો જાણે હું, હું કરું. હું, હું તુંય કરે. પેલાનુંય એવું જ. જબ્બર ગોસમોટાળો. આ હું નામનો જણ. પાછું તને બધા તું કહે. મને પણ હું ના કહે. પેલાને તો પેલો જ કહે. અમથો આ. પ્રકાર વિનાનો હું. આધાર વિનાનો હું. ધાર વિનાનો હું. સાર વિનાનો હું. તોય, પાર વિનાનો હું. બદમાશ ભાળ વિનાનો હું. હર ઘડી મને મળે. તને મળે. પેલાને મળે. છતાં, ઓળખે નહીં. ખબર છે, હું કોણ? હું તો સાવ નામક્કર. આવ તુંય આવ. પેલાને બોલાવ. ત્રણે સાથે ઊભા રહીએ. હંઅં.... હવે જો નીચે. જમીન પર. દેખાયો? પડછાયો? એ જ ખરો હું. છોડીને જાય નહીં. પકડાય શું? અડકાય નહીં. પકડો તો હાથમાં આવે ધૂળ.
એક ધૂળ જેવો હું પામવા સૌ તરકીબ કરે. રૂપ બદલે. સ્વાંગ સજે. વેશપલટા. ટાર્ગેટ હું ઝડપાવો જોઇએ. હું કંઇ મૂરખ નથી! તે હાથમાં આવે. એ તો બડો કપટી. ના, ના યાર કોઇ ફિલસૂફી નથી. કોઇ સૂફી ફીલ પણ નથી. આ તો, ફૂલ, એઝ ઇન, FOOLસૂફી. એક હતો રાજકુમાર. જન્મદિવસે એક અણમોલ સોગાત. રાજકુમારી. પણ એક શરત. રાજકુમારે પોતાનો હું શોધી દેખાડવો પડે. સુખ સાહ્યબીમાં જીવવાની ટેવ. સાધારણ માણસની જિંદગી જીવવાની આવડત કેળવ, રાજકુમારીએ કીધું. ગર્વ થયો રાજકુમારને. વાહ! આવી પત્ની મળે તો ભવ તરી જવાય. દોસ્તારને કીધું. ચલ હું શોધવા. ક્યાં? જ્યાં આખી દુનિયા જાય. અમ્મેરિકા. લૅન્ડ ઑફ ઑપોર્ચ્યુનિટીઝ. ઉછાળ સિક્કો. આમ તો, લૉસ એન્જલિસ. તેમ તો, ન્યૂ યૉર્ક. ઓહ! ન્યૂ યૉર્ક. રાજકુમાર પહોંચ્યા એક રૅસ્તરાંમાં. જૉબ લીધી. ક્લિનરની. સાધારણ જિંદગી. રૅસ્તરાંના માલિકને એક દીકરી. ક્લિનરના. એટલે કે, હું શોધવા ખોવાયેલા રાજકુમારના પ્રેમમાં. હવે મજા જુઓ. એની અસલ એણે હું શોધવા મોકલ્યો. ત્યાં નવી પેલી મળી.
હવે એય બાજુમાં ને હુંય ગયો તેલ લેવા. તોય બાપડો હું. વારેવારે આવીને યાદ અપાવે. એકવાર કન્ટ્રી સિંગર બનીને આવ્યો. તોય ઓળખાયો નહીં. ફરી આવ્યો. બાર્બર શૉપમાં. બાજુની ચૅરમાં બેઠેલો. એને પણ ઓળખ્યો નહીં. ત્યાંને ત્યાં જ. ફરી નવા રૂપમાં. બાર્બર શૉપનો માલિક થઇને આવ્યો. તોય હું પકડાયો નહીં. રાજકુમાર હું શોધતા. સાધારણ જિંદગી જીવતા ખરેખર ભૂલી ગયો. હું કોણ? પછી તો જે કન્ફ્યુઝનન્સ થયા. કમિંગ ટુ અમૅરિકા. ૧૯૮૮. ડિરૅક્ટર જ્હૉન લેન્ડિસ. સુપર કૉમેડી કિંગ. ઍડી મરફી. એક જ મૂવિમાં ચાર ચાર ભૂમિકા. દરેક એકબીજાથી અલગ. એટલી અલગ કે બંને હું, આઇ મીન, ઍડી મરફી. એકસાથે સ્ક્રીન પર આવે તોય પરખાય નહીં. એ જ તો મેં કીધું, હું કદી પકડાય નહીં.
તમે કોના જેવા લાગો? ડૅડી જેવા. ઓ.કે. ગ્રેટ. તમારા મમ્મીનો ચહેરો. તમને મળતો આવે. મમ્મી પાછી ગ્રેની જેવી દેખાય. ઇવન તમારો ભાઇ પણ તમારા જેવો. આ તો બૉસ ઘરના લોકો. ઘરમાંને ઘરમાં હુંકન્ફ્યુઝ્ડ. બધા પાછા જાડિયા. તો ભૈ પ્રૉફેસર! આનું રીઝન ખરું કોઇ? યસ, બડી. ડીએનએ. એનાથી જ માણસ જાડો થાય. બદલી કાઢો ડીએનએ સ્ટ્રક્ચર. પછી જુઓ. ઘડીના છઠ્ઠા ભાગમાં પોઠીમાંથી સોટી. પ્રૉફેસર શેરમેન ક્લંપ. બની જાય બડી લવ. એક જ હું. બે વર્ઝનમાં. ઉપરાંત, ઘરના દરેક જણના પાત્રમાં. હું એ જ ઍડી મરફી. ફરી એકવાર. ૧૯૯૬માં. ધ નટી પ્રૉફેસર. એનું જ પાત્ર એક હિન્દી ફિલ્મમાં પણ કૉપી પેસ્ટ. વર્ઝન અનિલ કપૂર. ફિલ્મ બધાઇ હો બધાઇ. બળ્યું, આમનો તો હું પણ નકલી.... જવા દો હવે.
સાવ સામાન્ય વાત છે. એક કરતા વધુ જિંદગી. એક લાઇફમાં. દરેકને જીવવી હોય. આખી દુનિયા ખરીદી શકે એટલા ધનવાન થવું હોય. કોઇને રૂપસુંદરી થવું હોય. કોઇને રૂપસીઓ ખેંચાઇ આવે એવા આકર્ષક બનવું હોય. સાથેસાથે ફ્રન્ટમાં આદર્શવાદી. સાઇડમાં રોમૅન્ટિક. પ્રભાવ ઊભો કરવો હોય. સાલસ નિખાસ ઇમેજમાં જરીક નૉટી મસાલો. નકલી આ, હા.... નકલી. બધું જ નકલી. હું એટલે બિલકુલ નકલી. હું રાજા મહારાજા. રાતોરાત. દુનિયા મારી મુઠ્ઠીમાં. હોય. દરેકને હોય. આવા એનેક પ્રકારના હુંની ખેવના. ના પાડે તે જુઠ્ઠા. દરેક જણ પોતાના અનેક હું જાગતા પહેલા સંતાડે. રાતે ઊંઘતા ફરી બધા બહાર ભમે. બિલકુલ નૉર્મલ છે. સર ને મૅડમ. તમે કહો નહીં, એટલે અમને ખબર નહીં. એમ?
બ્રિટિશ રૉયલ ઍર ફૉર્સ જનરલ એકવાર નીકળી પડ્યો. પૅન્ટાગોનની મંજૂરી વિના હુમલો કરવો નહીં. ચોખ્ખી વૉર્નિંગ. તેમ છતાં. રશિયા પર બૉમ્બ ફેંકવા. અમેરિકાએ રોક્યો. રોકાય? પ્રેસિડૅન્ટને જાણ કરો. જલદી.... સર, સર! રશિયાનું કાવતરું લાગે છે. પાણીમાં કંઇ ભેળવી દેશે. વિમાનથી. એ પાણી લોકો પીશે. અરરર.... મોટી હોનારત. પ્રેસિડેન્ટ મૅસેન્જર તરફ ફર્યો. બાપ રે.... આ તો પેલો પાયલટ પોતે! હવે? નો પ્રૉબલેમ. પ્રેસિડેન્ટે વૉર રૂમમાં મીટિંગ બોલાવી. હુમલા ચાલુ રાખો. ન્યૂક્લિયર વૅપન્સ વિના હુમલો કરો. પણ સર, રશિયાના બૉમ્બ કોબાલ્ટ થોરિયમ જી કોટિંગવાળા છે. ફૂટ્યા તો દુનિયા ખતમ. એમ? તો ન્યૂક્લિયર ઍક્સપર્ટને પૂછો. શું કહેવું છે તમારું? મારે એક જ વાત કહેવી છે. ઍક્સપર્ટે ઊંચું જોયું. ઓત્તેરેકી. ઍક્સપર્ટ પણ પ્રેસિડેન્ટ પોતે જ? ને પાયલટ પણ? એનીવેઝ, ઍક્સપર્ટ ગો ઑન. હા, તો ચિંતા, દુઃખ છોડી દો. દુનિયાને પણ હકીકતની જાણ કરી દો. અરે તારી ભલી થાય દાક્તર! આ બૉમ્બનું નિવારણ તો બોલ. એને માટે જુઓ ડૉ સ્ટ્રેન્જલવ. સ્ટેનલી ક્યુબ્રિકની ૧૯૬૪ની ફિલ્મ. ગોસ મોટાળી બ્લૅક કૉમેડી. સુપર સ્ટાર પીટર સેલર્સ ત્રણ ભૂમિકામાં. ઑસ્કર વિનર. ફિલ્મનું એક બીજું નામ પણ હતું. હાઉ આઇ લર્ન્ડ ટુ સ્ટૉપ વરિઇંગ ઍન્ડ લવ ધ બૉમ્બ. માળું બેટું! એક હુંની ખોજમાં વિનાશ વ્હાલો કરે એવી ખોપડીઓ છેને?
એક જણનો હું પાકેપાયે વાયરે ચઢેલો. સાદો સીધો કૉમન મૅન. એઝ યુઝવલ. કંટાળાજનક જૉબ. તડતડીયો બૉસ. ત્રાસી ગયેલો. ઉપરથી ન સમજાય તેવી બિમારી. કાયમ દાક્તરને મળે. એક જ જવાબ. બાપલા, નિરાંતે જીવ. કંઇ થયું નથી તને. પછી એણે એક ટેસ્ટ કરાવ્યો. મહાભયાનક બિમારી નીકળી. બ્રેઇન ક્લાઉડ. કોઇ સિમ્ટમ્સ વિનાની. આનો કેસ છ મહિનામાં ખતમ. છોડી દીધી. જિંદગીની આશા. અને જૉબ. ડીડી મળી. સાથે જૉબ કરતીતી એ. ચલ ડેટ પર આવીશ? હા કહી દેત. પણ બિમારીની ખબર પડી ગઇ ડીડીને. ના ગઇ ડેટ પર.
બીજે દાડે એક જણ મળ્યો. ઉદ્યોગપતિ. બુબારુ જોઇએ છે મને. સુપરકંડક્ટર્સ બનાવવા. તો ખોદ ને કાઢી લે યાર. એ જ કરીશ. વૉલ્કેનોની બાજુમાં ખાણ કરીશ. પ્રૉબલેમ ત્યાંના લોકોને છે. જ્વાળામુખીમાં અગ્નિ દેવ હોય. એમને દરેક સદીમાં કોઇ સારા માણસનું બલિદાન આપવું પડે. આપીશ? પેલો તો આમેય પતી જવાનો હતો. માની ગયો. જા ૨૦ દિવસ આપું છું. લે આ ક્રેડિટ કાર્ડ્સ. ઘસવા હોય ત્યાં ઘસી કાઢ. જલસા કરી લે. પેલાએ તો જલસા કર્યા. પછી નીકળ્યો. જ્વાળામુખી તરફ. એક છોકરી મળી. અરે? આ તો પેલી? ના હું પેલી નહીં. હું તો હું. પેલા ખાણવાળા ઉદ્યોગપતિની દીકરી. ચલ જઇએ. યૉટ લીધી. કૅપ્ટનને મળ્યા. અરે આ પણ તું જ. ના આ હું નથી. મારી હાફ-સિસ્ટર છે. નીકળ્યા યૉટ પર. તોફાન આવ્યું. તૂટી ગઇ બોટ. હાશ, તરાપો મળી ગયો. છોકરી બેહોશ. ખાસ્સા દિવસો સુધી. ચારે બાજુ પીવાનું પાણી નહીં. જરા અમસ્તું હતું. બેહોશ છોકરી માટે સાચવી રાખ્યું. પેલો તરસ્યો બેસી રહ્યો. પણ તોય જીવતો રહ્યો. તરાપો ખેંચતો રહ્યો.
છોકરીને ભાન આવ્યું. બંને એના પિતા પાસે પહોંચ્યા. જશન થયો. સમય થયો. કુરબાનીનો. છોકરીએ કીધું આઇ લવ યુ. મી ટુ. પેલાએ કીધું. તાબડતોબ લગ્ન થયાં. બંને જણે જોડે ફના થવા ઝંપલાવ્યું. ત્યાં જ્વાળામુખી ફાટ્યો. બંને ઉછળ્યા. એક સુંદર બેટ પર પડ્યા. તું? હા હું. અને તું? હું મજામાં. આનંદ છવાઇ ગયો. પણ પેલો તો છ મહિનામાં ખતમ? ના. ત્યાં જ વાતમાં ટ્વિસ્ટ. જો વર્સેસ વૉલ્કેનો. ૧૯૯૦ની ફિલ્મ. ડિરેક્ટર જ્હૉન પેટ્રિક શેનલી. સુપર સ્ટાર ટૉમ હૅન્ક્સ. સાથે બ્યૂટિફૂલ મૅગ રાયન. ત્રણ ભૂમિકામાં.
મલ્ટિપલ કૅરેક્ટર્સની વાત છે. હમણાં ૨૦૧૨માં બનેલી સાયન્સ ફિક્શન. ક્લાઉડ એટલસ. ટૉમ હૅન્ક્સ. હૅલી બેરી. હ્યુ ગ્રાન્ટ. હ્યુગો વેવિંગ. ડૂના બે. બધા ચાર-ચાર ભૂમિકામાં. મોન્ટી પાયથન ઍન્ડ ધ હોલી ગ્રેલ. સાત-સાત ઍક્ટર્સ. ચાર-ચાર પાત્રમાં. એક જ ફિલ્મમાં. કમાલ છેને? એકનો એક ચહેરો. છતાં દર્શકને દરેકમાં અલગ પાત્ર દેખાય. ડિરૅક્ટર્સ. મેક-અપ માસ્ટર્સ. અને એ બધા કરતા માસ્ટર ઍક્ટર્સ.
સહેલું તો બધા કરે. ના, ના, બૉલિવૂડની વાત નથી. તમેય શું દર વખતે. એક કમાલ ફિલ્મ જોઇતી. નવીન નિશ્ચલ છ પાત્રોમાં. વો મૈં નહીં. પ્રહલાદ અત્રેના મૂળ મરાઠી નાટક તે મી નાહ્વેચ ઉપરથી બનેલી. આપણા ગુજરાતી અભિનય સમ્રાટ ની ધમાલને તો સલામ મારવી જ પડે. ને વૉટ્સ યૉર રાશી પ્રિયંકા? જા તને સાત ખૂન માફ. વ્યક્તિમાત્રમાં રહેલા હું નામના પડછાયાની શોધ, તલબને ફિલ્મોએ રૂપેરી રંગ આપ્યા છે. મલ્ટિપલ કૅરેક્ટર્સ થીમમાં. વાસ્તવિક જિંદગીમાં આપણેય એ જ કરીએ છીએ. મારો હું, તમારો હું, પેલાના હું સાથે.... ક્યાંક કમાલ. ક્યાંક ધમાલ. નહીંતર બબાલ!
Viral Mehta