ઊની ઉંમરનો પહેલો ઉનાળો.... યાદ છે?
બેશરમ! સાવ સીધેસીધું તો
નહીં કહું. ઉંમરની ઊનાશ હતી. એમાં કોઇ શું કરે? એક સાંજની વાત. બોલો કહી
દઉં આજે? છો બધા જાણે. સમર વૅકેશન. અગાશી નવાઇની ગમવા લાગેલી? ઑફ કોર્સ પવન.
પવન જ હતો. તમારા ઝૂલ્ફાં ઉડવાનું પહેલું કારણ. ‘બીજું’ કારણ? ઓ.કે. સૉરી! બીજું કારણ નહીં. બસ? પણ.... ખરેખર કંઇ નહોતું? આટલા વર્ષે, તોય
કેમ યાદ છે હજી? એના એ જ સ્વરૂપે. હું તો કહી
દઇશ. આજે બધા સામે. ત્યાં ઘરના પાછળના ભાગે. દૂર જરા. થોડી ક્રૉસમાં. બીજી એક અગાશી.
કેમ, કેમ? હવે શરમાવ છો? મારાથી કંઇ છૂપું નથી. ખાસ
ફ્રેન્ડને પણ નહોતું કીધું. કોઇ અચાનક તમારી અગાશીએ આવી જાય. તો એનું ધ્યાન ફેરવી
દેતા. દાંત કચકચાવીને મનમાં ને મનમાં.... આ અહીંથી જાય તો સારું. અંધારું થઇ જતું
તરત. હાય! ઊની વરાળ જાણે. હવે,
કાલ સાંજની રાહ જોવાની. કોઇ બહાને એ રસ્તેથી નીકળતા પણ ખરા, હેંને? ક્યાંક ફરી મળી જાય. નજર
એની. મનની વાત કળી જાય. ના હોં, બાપ રે.... ચૂપ! લાજ-શરમ નથી? તમે જ તમને ધમકાવતા. ફરી
તોય અગાશીમાં આવતા.
ગમી ગયેલું કોઇ તમને. ઊની ઉંમરના પહેલા ઉનાળે.
એઝ ઇન, ઉલાળે. વર્ષો થયાં એ વાતને. નથી એનું નામ ખબર. મહેમાન પણ હોય કોને ખબર? એવું જ હશે. ફરી કોઇ
દેખાયું જ નહીં. ઊંચા મકાનો બની ગયાં હવે. બંને અગાશીઓ વચ્ચે. સૌ સૌની દુનિયામાં રત.
અંતરમાં સંતાડીને. પહેલો નજરમિલાપ. યાદગાર. હોય જ. માની લો. સર અને મૅડમ. આનાકાની
કરવાની રહેતી જ નથી. તમારું ચાલે તો તમે તમેનેય ના કહો. એવા છૂપારૂસ્તમ છો. એટલે જ
બેશરમ નથી કહેતો તમને. પણ આવું હોય. દરેકને હોય. દરેકની લાઇફમાં એક સમર. ડ્રમર
થઇને આવે. દિલની થાપ મેળવી આપે. કોઇ ગમી જાય. પ્રેમ પહેલાનું કંઇક થઇ જાય. એને ‘બીજું’ કારણ કહેતા. સ્વાભાવિક
છે. આજેય જીવ ના ચાલે.
મોંધેરું સંભારણું. પહેલું ને એકનું એક. પરિચય
વિનાની ઓળખાણ. નામ વિનાનો સંબંધ. દરેકની પહેલી અંગત ક્ષણ. સૌથી આરાધ્ય ઘડી. જ્યારે
પ્રેમ નામનું મહાભૂત. પહેલો ટંકાર કરે. રણકાર કરે. છત પર. પથ પર. શેરીએ. દેરીએ. ગમે
ત્યાં. પ્રેમ પહેલાંનું એક સ્પંદન. પહેલી વાર. અને આ જિંદગીમાં એક જ વાર જાગે. એ
જાગ્યું પછી. તમે ને તમારા એ. એક થયા. ઊની. અંગત. પાવન ક્ષણોની રંગત. એનો મલાજો
રાખવો પડે. છંછેડો તો ઝાળ લાગે. હવે અંદર જઇને પૂછવા ના બેસતા. તારે કોઇ હતું? નહોતું. ખરેખર
કોઇ નહોતું. કોઇ તો નહોતું જ વળી.
એક છોકરાની વાત કહું. ૧૫ વર્ષની ઊની ઊની ઉંમર.
ઉનાળાનું વૅકેશન. દરિયાનો કિનારો. બહાર પણ ઉછાળા. અંદર તો પાર વિનાના. ત્યાં સામે
જ દરિયાકાંઠે પેલું સરસ મકાન. એમાં એક હૅન્ડસમ યુવાન. પરી જેવી ખૂબસૂરત પત્ની.
ઉંચકી. વ્હાઇટ ગાઉન લહેરાયો. ઊઊફ્.... આને કહેવાય રૂપ. અક્કલના ઓથમીરો. દોસ્તારોને
કીધું. ફિદા થઇ ગયો નવપરિણિતા પર. ટીનએજર. હતી જ એવી. છોકરાની ઉંમર. યુવતીની
સુંદરતા. એક દિવસ એના પતિને જતા જોયો. સામાન સાથે. સૈનિકના પોષાકમાં. બોટમાં
બેસીને. યુદ્ધ લડવા. તે સાંજે યૌવના બહારથી આવી. બંને હાથમાં ઘરનો સામાન. છોકરો
દોડતો ત્યાં પહોંચ્યો. સામાન લઇ લીધો. ઘરમાં ગોઠવી આપ્યો. બંને દોસ્ત થયા. કલ્પનામાં
ઊડતી અપ્સરા. સાવ નજર સામે. રોજ. ચૂમ્મી આપતી. ગાલે. કપાળે. હવે જોઇએ શું? બળ્યું આ મિથ્યા જગત.
એક સાંજે મળવા ગયો. ઘરમાં રાત વહેલી ઉતરી
આવેલી. અંધારું ઘોર. દરવાજા ખુલ્લા. આગળના રૂમમાં એક મેજ. એક ટેલિગ્રામ. એનો
પતિ.... વીરગતિ! દોડતો અંદર ગયો. બંને ખૂબ રડ્યા. વળગીને. હૃદયના ઉકળાટમાં. દિલના પછડાટમાં.
આઘાતમાં. વધુ કાળી બનેલી રાતમાં. રતિરત. અવિરત. યુવતીનો કેફ વહેલો ઉતર્યો. બહાર
પૉર્ચમાં ગઇ. છોકરો પણ. ‘ગુડ નાઇટ’! યુવતી એટલું જ કહી શકી. બીજી સવારે.... તાળું. એક ચિઠ્ઠી. શું લખેલું એમાં? ‘સમર ઑફ ’42’. ૧૯૭૧. જેનિફર ઓ’નીલ. ડિરેક્ટર રૉબર્ટ
મુલિગન. ફિલ્મનું એક વાક્ય. ‘ઇન એવરીવન્સ લાઇફ. ધેર ઇઝ અ સમર ઑફ ’42’! દરેકનું ઊનું સત્ય. કૂણી
ઉંમરના પહેલે ઉનાળે. પુખ્ત વયનું કોઇ ગમી જાય....
વિજ્ઞાન પણ માને. મોસમની તપન હૉર્મોન્સને લાગી
જાય. પહેલું આકર્ષણ. ઘણું કરીને ઉનાળામાં થાય. મૅચ્યૉર વ્યક્તિ સાથે મન મળે. થયું
છે, એવું? જાહેરમાં ‘ના’ કહેવાની બધ્ધાને છૂટ છે.
પેલા બે ટીનએજર પણ ના માને. સમર વૅકેશન. બંનેની સો કૉલ્ડ ગર્લફ્રેન્ડ્સ. નહોતી. ક્યાંક
બીજે ઉનાળો ગાળવા ગયેલી. ત્યારે લુઇસા. બેમાંથી એકના કઝિનની પત્ની. પાર્ટીમાં મળી.
ગજબનું રૂપ. પ્રૉમિસ કર્યું. લુઇસાને પ્રભાવિત કરવા. ‘બોકા ડેલ સીએલો’. સ્વર્ગનું પ્રવેશ દ્વાર.
દઇ જાણે ક્યાં હશે? ત્યાં લઇ
જવાનું. હજી તો લૉલિપૉપ ચગળવાની ઉંમર. બંને લુઇસાને કારમાં લઇ નીકળી પડ્યા. ક્યાં
ક્યાં સફર કરી. કેવું કેવું સફર થયા. મોસમ ગરમાવતી ૨૦૦૧ની મૅક્સિકન મૂવી. ‘Y Tu Mamá También’. ઇ તુ મામા
તમ્બિયેન. મતલબ સમજવો છે? હું શું કામ કહું? ઑલ્ફાન્ઝો ક્યુરેનની ફિલ્મ જોઇ લો.
ઓ બૉય્સ! બધી મસ્તી છોકરડા જ કરે? ચાલતું હશે? હોતું હશે? ખટમધુરી ઉંમરે છોરીઓનું
ભલું પૂછવું. બાર્સેલોના. એકમાત્ર શહેર જેને સ્થાપત્ય માટે ૧૯૯૦માં રૉયલ ગોલ્ડ
મળેલો. ત્યાં મૅટ્રો રેલ. વર્ષોથી. એના ૧૨ સ્ટેશન્સ કાયદેસર બંધ. સીલ. કારણ કે,
હૉન્ટેડ. ત્યાં ભૂત ભમે. બોલો આને કહેવાય સાહેબી. ભૂતોને ભટકવાય સ્ટેશન કાઢી
આલ્યા. કલારસિકોનું સ્વર્ગ બાર્સેલોના. કુદરતી સાગર તટ હતા જ નહીં. ૧૯૯૨માં સમર ઑલિમ્પિક
વખતે ૭ બીચ બન્યા. માનવ સર્જિત. વિશ્વમાં નંબર વન ગણાય. વિકાસની વાતો સાંભળવા કરતા
નજરે જોવાની મજા તો આવે જ. હેંને? ત્યાં વિકી ક્રિસ્ટિના પહોંચ્યા. ક્રિસ્ટિના અલ્ટ્રા ફૉર્વર્ડ. કોઇ રોકટોક
વિનાની લાઇફ. મનફાવે ત્યાં.... મનગમતો મળી પણ જાય. એન્ટોનિયોની માફક.
વિકી તો એન્ગેજ્ડ હતી. બિલકુલ કમીટેડ. એ કંઇ અન્ટોનિયોને
ઘાસ નાખે? પણ ક્રિસ્ટિના બિન્દાસ. ગઇ
હૉટેલ રૂમમાં. અન્ટોનિયો સાથે. ને કંઇ થાય તે પહેલા. પેટમાં ગરબડ. ક્રિસ્ટિનાની
ચાકરી કરી એન્ટોનિયોએ. દુનિયાથી દૂર અલગ ટાપુ પર બધા હતા. ક્રિસ્ટિના બિમાર. લફરાંબાજ
એન્ટોનિયો સિવાય વિકીનો કોઇ પરિચિત નહીં. અઠવાડિયું જોડે કાઢ્યું. ગમી ગયો એન્ટોનિયો
વિકીને. વિકીનું ભલે નક્કી. એન્ટોનિયો છો પરણેલો. ગમે ત્યારે એની પાગલ પત્ની.... એ
આવી.... ખલાસ? ના, પછી ખરો
સમર-વિલાસ. હવે ત્રણે જણ એકમેકને ગમવા લાગ્યા. ‘વિકી ક્રિસ્ટિના
બાર્સેલોના’. ૨૦૦૮. વૂડી
ઍલન. પેનેલપી ક્રૂઝ. સ્કારલેટ જોહેન્સન. રેબેકા હૉલ. અરે વાત કહું. ઊભા તો રહો....
હવે નહીં સાંભળો.... જાવ જુઓ.
બેબી અને લીસાનું સમર વૅકેશન. એક મસ્ત રીસૉર્ટ
પર. આમ તો બેબીને ઇકોનૉમિસ્ટ થવું’તું. અંડરડેવલપ્ડ દેશોની સફર કરવી હતી. એ પહેલાં કંઇક અંદર ડેવલપ થયું. જ્હોની.
રીસૉર્ટના ડાન્સ ટીચર સાથે. ઊઊઊઊહ્ પહેલો ઊનો ઊનો ક્રશ. શરમ પણ નડે. કહેવું કઇ
રીતે? બિલીને જોયો. હાથમાં મોટા તડબૂચ સાથે. બેઝમેન્ટમાં જતો હતો. બેબીએ હૅલ્પ કરી. ત્યારે
ખબર પડી. ભોંયરાના કારસ્તાનની. ‘ડર્ટી ડાન્સિંગ’. જ્હોનીની ડાન્સ
પાર્ટનર નહોતી. હતી તે પ્રેગ્નેન્ટ હતી. એની જવાબદારી રૉબર્ટ લેવા તૈયાર નહોતો.
રૉબર્ટ. એક હૅન્ડસમ વેઇટર. વુમનાઇઝર. જેને બેબીની બહેન લીસા ડેટ કરે. માય માય.... ક્યાંથી
ક્યાં લશ્કર લડે! જ્હોનીએ બેબીને જોઇ. પાર્ટનર બનવા ઑફર કરી. પેલી જેવું તો ક્યાંથી ફાવે. એમાંય
પેલી ફેમસ લિફ્ટ? બેબી કરશે? હા, પણ એ પહેલાં વાત
ક્યાંથી ક્યાં ફરશે? ૧૯૮૭ની રોમૅન્ટિક
મ્યૂઝિકલ સુપરહિટ. ‘ડર્ટી ડાન્સિંગ’. એના પૉસ્ટર રૂમમાં
લગાવીને એક આખી પેઢી જવાન થઇ. એમિલે આર્ડોલિનોની ફિલ્મ. એક યાદગાર સમર વૅકેશન મૂવી
બની ગઇ.
પ્રેમ પહેલાનું કંઇક થાય એની વાત તો જાણે જાહેર
થઇ ગઇ. પ્રેમ પછી શું થાય? મૅરેજની વાત નથી યાર. પ્રેમ અને મૅરેજ વચ્ચે. મૅનેજ ના થાય. કરવું પણ ના
જોઇએ. છતાં કરવું પડે તો? બાયોલૉજિકલ પ્રોસેસ. એમાં
કંઇ લવ બવ ના હોય. રોમૅન્ટિક? કદાચ. હોય અને ન પણ હોય. બાયોલૉજિકલ પ્રોસેસમાં વાંધો કંઇ નહીં. પણ એમાં
ગૅરંટીય નહીં. પાછળથી મોટા ઉધામા વેઠવા પડે તો? જવા દો એમાં
પડવું નથી. તો પ્રોસેસ સમજવી કઇ રીતે? એ પ્રેમ પહેલાં થાય. પ્રેમ સાથે થાય. પ્રેમ
થયા પછી થાય. પછી પ્રેમ રહે? કે વધે? કે ઘટે? ટીનએજ છોકરીઓનાં
મનનાં તોફાન. એના સૂસવાટા સાવ અનોખાં. એમના મનની વાત. એક ફિલ્મમાં ખૂલી. ૧૯૮૦માં. ફિલ્મમાં
ક્રિસ્ટી મૅકનિકોલને યંગ આર્ટિસ્ટ અવૉર્ડ મળેલો. સાથે હતી યંગ હાર્ટથ્રૉબ ચાર્મિંગ.
ટાટુમ ઓ’નીલ. ઑસ્કર અને
ગોલ્ડન ગ્લોબ વિનર. બંને ટીનએજ સુંદરીઓ એકસાથે. ‘લિટલ ડાર્લિંગ્સ’. એક જેન્ટલમેનને
પ્રભાવિત કરવા. બાયોલૉજિકલ પ્રોસેસ માટે. એમના પેંતરા જોવા જેવા છે.
ઊની ઊની ઉંમરના ઊના ઊના ઉછાળા.... ઊફ્ફ....
ઉલાળા.... ઊફ્ફ.... ઉનાળા. પહેલો સૌથી ગરમ નહીં. ઊનો ઉનાળો તમનેય યાદ હશે. મનમાં
ક્યાંક સંતાડેલો. આ વૅકેશનમાં. એની યાદો. ફરી તાજી કરી લો. આ મૂવીઝ જોઇને....
Viral Mehta