તમને ક્યારેય અજાણી વ્યક્તિ યાદ આવે?
બેહદ કોઇ યાદ આવે. જ્યારે એકલા હો. રાતે અચાનક
ઊંઘ ઊડે. એક ચહેરો. હમણાં સુધી સ્પષ્ટ યાદ હતો. જાગ્યાને ભૂલાઇ ગયો. સપનું. સપનું
જ તો હતું. પહેલાં પણ ઘણીવાર આવેલું. જાગો ને તરત પેલો ચહેરો ગુમ. એકાદ નહીં ઘણા
ચહેરા દેખાય. બધા અજાણ્યા. પણ સ્વપ્નમાં સાવ નજીકના લોકો લાગે. ખરી જિંદગીમાં તો
આવા કોઇને તમે મળ્યા પણ નથી. હા, યાદ આવ્યું. સપનાની એક ખાસિયત. એમાં એ જ લોકો
દેખાય જેને તમે મળ્યા હો. એ સિવાય અન્ય કોઇનું સપનું તમને નહીં આવે. ચેલેન્જ! સાવ ખોટી વાત. તો સપનામાં
દેખાતા અજાણ્યા લોકો કોણ? હા, બોલો, બોલો? છે કોણ, આ
અજાણ્યા ચહેરા? એ બધાને તો ક’દી.... શાંત,
શાંત! ધીરજ રાખો. કહું છું. આજે એક અજબ વાત. હકીકત. તમે. એ બધાને. મળ્યા છો. જાણો
છો. નહીંતર તમને એમનું સપનું ક્યાંથી આવે?
જાગતા કલ્પના નહીં કરી શકો. હાલની જિંદગી. એનાથી
આગળ કે પાછળ. અંદાજ કોઇને નથી. મોટા મહાજ્ઞાનીને
પણ નહીં. દેખાય. અનુભવાય. પરખાય. એ જ માત્ર સત્ય. બાકીનું મિથ્યા. એવી માન્યતા. એક
માણસ હતો. પ્રૉફેસર. એને પણ હમણાં થોડા વખતથી એક સપનું દેખાય. એમાં પાણી. પાણીમાં એક
બોટ. બોટમાં સ્ત્રી. સ્વિમિંગ કરતો પુરૂષ. સ્ત્રી એની હત્યા કરે. પેલો બૂમો પાડીને
કાયર થાય. ના, મને મારીશ નહીં. પ્લીઝ ના મારીશ. પણ.... રોજેરોજ આવું સપનું? પ્રૉફેસરની તો
ઊંઘ હરામ! દાક્તરે ઊંઘની ગોળી આપી. પત્યું? ફરી સપનું. એકવાર ટીવી
જોતો હશે. ડૉક્યુમેન્ટરી. પરિવર્તન. વિકાસ. બદલાવ. પહેલા આવું હતું. હવે આમ થયું.
વગેરે. એઝ યુઝવલ બોરિંગ. ટીવી બંધ કરવા જ જતો હતો. ત્યાં પેલું સ્થળ. આબેહૂબ. એવી
જ કમાનો. મકાનો. રસ્તા. ક્યાંનું શૂટિંગ હતું? ટીવી સ્ટેશને ફોન
કર્યો. નજીકનું જ શહેર હતું. ગાડીને સેલ માર્યો. નીકળી પડ્યો. પહોંચ્યો. સપનામાં
દેખાતુ એ જ સ્થળ! આ રહ્યું. શહેરની બહાર.
આ પેલો બ્રિજ. ત્યાં પેલું સ્ટેચ્યુ. અહીં હશે? પેલી સ્ત્રી? મળ્યું છેવટે
એનું ઘર. સ્ત્રી પણ જોઇ. પરિચય વિના સીધા તો મળાય નહીં. લોકલ ક્લબમાં ગયો પ્રૉફેસર.
એની દીકરીને દોસ્ત બનાવી. માને ડાઉટ પડ્યો. આ ભેદી માણસ લાગે છે. આપણા વિષે વધારે
પડતું જાણે છે. ઇરાદા સારા નથી લાગતા. દૂર રહેજે એનાથી. શક્ય નહોતું હવે. છોકરી
પ્રૉફેસરના પ્રેમમાં હતી. માને નામંજૂર હતું. કારણ? એને ખબર પડી
ગયેલી. પ્રૉફેસરની અસલીયત. એ જ માણસ. જેનું વર્ષો પહેલાં મર્ડર કરેલું એણે. એનો
પહેલાનો પતિ. ફરી જન્મેલો. પ્રૉફેસર બનીને. ‘ધ રીઇન્કાર્નેશન ઑફ પીટર
પ્રૉડ’. જે. લી.
થોમ્પસન ડિરેક્ટર. ૧૯૭૫ની ફિલ્મ. પુનર્જન્મ. ખબર પડી હવે? કોણ છે એ અજાણ્યા ચહેરા? તમારા
પૂર્વજન્મના સાથી. સગા. પરિચિત. તમે મળ્યા છો એમને. એટલે સપનામાં યાદ આવે. કદાચ ક્યાંક
હોય પણ ખરા. યાદ કરતા હોય તમને. મળવા માગતા હોય. કોને ખબર? ફરી ધ્યાનથી સપનું જોજો.
પણ કોઇ ગડબડ ના કરી બેસતા. નહીંતર પાર વિનાના
લોચા. એક છોકરાની વાત કહું. તરવરતો કરિયર ઓરિએન્ટેડ યુવાન. દેખાડી દઉં કંઇક કરીને.
એવો થનગનતો. પત્રકાર બનવું હતું. કૉલેજમાં એક છોકરી હતી. એને ખૂબ ગમતી. પણ બધા
કરતા કરિયર પહેલા. હવે જુઓ. કિસ્મતની તાકાત કેટલી હોય. મળવાનું હોય એ મળે જ. અખબારમાં
જૉબ માટે ગયો. ત્યાં એક સિનિયર જર્નલિસ્ટ મળ્યો. એને યુવક ગમી ગયો. ઘરે લઇ ગયો. લે? આ તો પેલી
છોકરીનું જ ઘર. બંને હજી બ્લશ થતા’તા. ત્યાં એની મમ્મી આવી. મામલો બદલાઇ ગયો. યુવાનને પૂર્વજન્મ યાદ આવ્યો. આ જ
તો મારી પત્ની. છોકરીની મમ્મી. હું પણ કેટલું ઝૂરી, માય ડીયર, તારા માટે! ક્યાં હતો તું? કાર ઍક્સિડન્ટ. પછી
હું ફરી જન્મ્યો. હું આવી ગયો સજની. જર્નલિસ્ટ. છોકરી બધા અચંબામાં. હવે કરવું શું? ફરી કિસ્મત કામે
લાગ્યું. ફરી યુવકનો અકસ્માત. હૉસ્પિટલમાં દાક્તરે મોટું ઇન્જેક્શન માર્યું. પાછલી
બધી યાદો ભૂલી ગયો. સાજો થયો. ત્યારે થોડુંક જ યાદ હતું. પોતે છોકરી સાથે હતો.
ઘરમાં ફ્રીજ પાછળ. ગોખલામાં.... બ્લશ, બ્લશ.... ‘ચાન્સિસ આર’. એમિલિ આર્ડોલિનોની
૧૯૮૯ની કૉમેડી. પુનર્જન્મની વાત. આમ તો રમૂજી હોંકે!
એક બીજા યુવકની વાત કહું. બેહદ ખુશમિજાજ. હૅન્ડસમ.
ચાર્મિંગ. ઑફ કોર્સ એ તો હોય જને? ગર્લફ્રેન્ડ. એક નહીં.
ગણાય નહીં એટલી. ફ્લર્ટિંગ તો છોકરી માફ કરી દે. પણ પ્રૉમિસ. જુઠ્ઠા વાયદા. ગૅરલાભ.
હૅન્કી-પૅન્કી. ક્યાં સુધી કોઇ સહન કરે? પાર્ટી એક દિવસ ઝડપાઇ ગઇ.
ત્રણ પ્રેમિકાઓ. એમાંથી એકને બરાબર દાઝ ચઢી. તૂટી પડી. ક્રોધ. બદલો. બોધપાઠ. ધીબેડી
કાઢ્યો. હાલત ખરાબ થઇ ગઇ. જીવ નીકળી ગયો. ખરેખર. સમય પહેલા. આત્મા શરીરની બહાર.
સ્વર્ગમાં પહોંચ્યો. પ્રતિબંધ. આદેશ હતો. બીજો જન્મ લે. ફરી એક ચાન્સ મળશે. બધા પાપના પ્રાયશ્વિત કર. એના
સબૂત સાથે આવ.
એટ લીસ્ટ એક છોકરી. તને પ્રેમ કરે. તો જ સ્વર્ગમાં
એન્ટ્રી. ઉપરથી નવી પરીક્ષા. હવે એ છોકરા તરીકે પાછો નહીં જાય. એ છોકરી થયેલો. બ્યૂટિફૂલ
બ્લૉન્ડ. પછી જુઓ મજા. એક તરફ કોઇ છોકરીનો વિશ્વાસ જીતવાનો. બીજી તરફ બૉસ. બૉસ
એટલે બૉસ. પાછળ પડ્યો. ઑફિસના. સડકના. બધા લટ્ટુ. બધા બ્લૉન્ડના આશિક. બહુ હવાદ
લેવા’તા? બહુ છોડીઓને હેરાન કરી? હવે ભોગવો. જીવી
જુઓ એક દિવસ. છોકરીની લાઇફ. કરો સામનો લંપટ મરદ જાતનો. ટ્રાય કરવો છે? બદલી જોવી છે લાઇફ? કરો એકવાર ‘સ્વિચ’. બ્લૅક એડવર્ડ્સની
૧૯૯૧ની કૉમેડી. એક ગંભીર મૅસેજ સાથે. એ ઉપરથી ૨૦૦૫માં હિન્દી ફિલ્મ બની. ‘મિસ્ટર યા મિસ’. ડિરેક્ટર ખબર છે? અંતરા માલી. ફિલ્મની
હિરોઇન પોતે. આજકાલ ક્યાં છે, શોધવું પડે.
ન હન્યતે હન્યમાને શરીરે. ગીતામાં કહ્યું છે. શરીર
ખતમ થાય. આત્મા નહીં. એ તો અજન્મા. અમર. ફરી કોઇ દેહમાં સ્થાન લે. હિન્દુ, ગ્રીક, સહિત
અનેક પ્રાચીન સભ્યતાઓ. અને હવે વિજ્ઞાન પણ ધીમે ધીમે પુનર્જન્મની વાત માને છે. ના
માનો તો કંઇ નહીં. કોઇવાર આવું થાય તો? કોઅ છોકરી પાસે આઠેક
વર્ષનો છોકરો આવે. ને કહે, હું તારો પહેલો પતિ. તો? બધાએ હસી કાઢ્યું. છોકરીના
નવા ફિયૉન્સેને જો કે, ભૂતકાળ ખબર હતી. કે જૂનો પતિ નથી હવે. આ દુનિયામાં જ નથી. એ
તો અકસ્માતમાં.... છોકરીએ પણ વાત હસવામાં લીધેલી. પછી આક વાર બાળકે એક વાત કીધી. જે
માત્ર છોકરી અને એના પહેલા પતિને જ ખબર હતી. દંગ રહી ગઇ એ. રાતે ફિયૉન્સેને વાત
કરી. એણે બિલ્ડિંગના ચોકીદારને પૂછ્યું. છોકરા વિશે. એ બાળકને જાણતો હતો. ગયા એને
ઘેર. એના પિતાને વૉર્નિંગ આપી. બાળકને છોકરીથી દૂર રાખવા. બાળકે પણ સાંભળ્યું. શક્ય
નથી મારા માટે. બોલીને બેહોશ થઇ ગયો. પિતાના ખોળામાં. છોકરી બાળકને ફરી મળી. એક
પછી એક સત્ય ઉખેળતો ગયો. હવે તો છોકરી પણ માની ગઇ. આ આઠ વર્ષનો બાળક. એ જ મારો
પતિ. એને મળતી. ખુશ રહેતી. બાળક મોટો થાય ત્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ એ
પહેલા જ કરી લીધા. એના ફિયૉન્સે સાથે. તો પેલો બાળક? ‘બર્થ’. જ્હૉનાથન ગ્લેઝરની
ફિલ્મ. ૨૦૦૪માં બનેલી. બાળકે છેલ્લે એક પત્ર લખેલો. એમાં હતું ખરું સત્ય. જોઇ લો.
નિકૉલ કિડમેનની ફિલ્મ છે.
દસ વર્ષની એક છોકરીનો કિસ્સો સાંભળવો છે? એક માણસ એની પાછળ
પડેલો. છોકરીના મા-બાપ ટેન્શનમાં. એક દિવસ તો પેલો છેક ઘેર આવી ગયો. નહીં રહી શકું
હું. આપી દો મને આ છોકરી. અરે ગૅટ લૉસ્ટ મૅન. તું છે કોણ, બદમાશ? આનો પિતા. આ મારી લાડકી
દીકરી. તમારે ખોળે ફરી જન્મી. શટ્ અપ, યુ.... કોઇ પુરાવો છે? અને પછી ગજબ થઇ
ગયો. પેલાએ છોકરીને બોલાવી. જૂના નામે. છોકરીને પૂર્વજન્મ યાદ આવી ગયો. હા, નામ. જે
કહેતા હોયને? ‘નામમાં શું દાટ્યું છે’? એને કહી દો, આખેઆખો પૂર્વજનમ દટાયો છે એમાં. પૂર્વજનમનું કોઇ સ્વજન. ત્યારના નામે
અત્યારે બોલાવે. તો તમને પણ બધું યાદ આવી જાય. બૉસ! અસંભવ કહી શકાય
એટલી રૅર સિચ્યુએશન. પણ હકીકત. છોકરીનો પિતા ભારત આવેલો. અહીં એને આ જ્ઞાન થયેલું.
પછી દીકરીને ખોળતો ત્યાં પહોંચેલો. છોકરીની માને પણ ખાતરી થઇ ગઇ હવે. આ જ આનો
પૂર્વજન્મનો પિતા. પછી શું થયું? ‘ઔડ્રી રોઝ’. ૧૯૭૭. રૉબર્ટ
વાઇસ. સ્તબ્ધ થઇને જોતા જ રહો. એવી ફિલ્મ છે.
સલમાન ખાનને આળખોને? એની સંસ્થા. ‘બિઇંગ હ્યુમન’. ૧૯૯૪ની ફિલ્મ હતી. કૉમેડી.
બિલ ફોર્સીથ ડિરેક્ટર. એમાં નાયકને પાંચ જન્મ ગ્રાન્ટ કરવામાં આવે છે. પણ અલગ અલગ
યુગમાં. એનો આત્મા પાંચ અલગ શરીરમાં. પાંચેય સમયખંડ એકસાથે ચાલે. હું તો પહેલેથી
કહું છું. ટાઇમના ભાગલા તો તકવાદી લોકોની તકલાદી સમજ. સમય તો એક જ. અખંડ. સતત.
શાશ્વત. પાંચ જન્મોમાં એકસાથે શું થાય એ જોવા જેવું છે. દરેક ઘટના એકબીજી સાથે
સંકળાય. અનેક જિંદગીઓ પછીનું એક જ તારણ મળે. હ્યુમન બિઇંગ કરતા અગત્યનું છે, ‘બિઇંગ હ્યુમન’.
કોઇ વખત એકની એક ઘટના ફરી થતી લાગી? લાગીને? આપણા જ કોઇ અન્ય જન્મમાં.
એ જ સમયે. એવું જ બનતું હોય. ત્યારે આવું થાય. એને ડેજા-વૂ કહે. દરેક કાળ, યુગ
એકસાથે ચાલે. એનું આ સાક્ષાત્ પ્રમાણ છે, સર ને મૅડમ. જરા વિચારો, તમને અચાનક પૂર્વજન્મ
યાદ આવે તો....?
Viral Mehta