લ્યા, આ બૉસને ઠેકાણે
લાવો તો!
બહુ ટૈડપૈડ કરે. રોજેરોજ લમણાંઝીંક. તમને લોકોને કંઇ આવડતું નથી. ડફોળ છો બધા.
હું એકલો જ ઉંશિયાર. હું કહું એમ જ થશે. એ જ કરવું પડશે. ચલેય તું પેલું કરી લા’યો? તારે રજા જોઇએ છે, એમ? કાયમ માટે રજા પર ઉતારી દઉં? અરેત્તેરી તો! છાશ વારે ધાક ધમકી. કામ કર કામ છાનોમાનો. તને તો
ઇન્ક્રિમૅન્ટમાં જોઇ લઇશ. જો હવે તારી વલે કરું છું. તારી તો ભલી થાય બૉસ!
નફ્ફટાઇનો પાર નહીં. આ બધું હું એકલો ફોડી લઉં. આ તો તમારા બધાના ફેમિલીની દયા ખાઉં છું. જબરી બાકી બૉસગીરી. થૅંકલેસનેસનો અખૂટ ભંડાર. નફ્ફટાઇની પરાકાષ્ઠા. અલ્ટિમેટ જોહુકમી. ખાં સાહેબી. વાત કરે કે ઉપકાર, ખબર ન પડે.
નફ્ફટાઇનો પાર નહીં. આ બધું હું એકલો ફોડી લઉં. આ તો તમારા બધાના ફેમિલીની દયા ખાઉં છું. જબરી બાકી બૉસગીરી. થૅંકલેસનેસનો અખૂટ ભંડાર. નફ્ફટાઇની પરાકાષ્ઠા. અલ્ટિમેટ જોહુકમી. ખાં સાહેબી. વાત કરે કે ઉપકાર, ખબર ન પડે.
આમ તો રૅરેસ્ટ ઑફ દ રૅર ઇવેન્ટ. કો’ક વાર એનું ભેજું ઠેકાણે
પણ હોય. ઍની પ્રૉબલમ બડી? ફીલ ફ્રી. લેટ્સ ડિસ્કસ.
બોલ, બોલ તું તારે. આપણે તો ફ્રેન્ડ્સ છીએ યાર. ઘરે બધા મજામાં? બોલ કોઇ પ્રોબલેમ બોલ? પેલો કહે એટલી જ
વાર. એ તારો પ્રૉબલેમ છે ભૈ. હું એમાં કશું નહીં કરી શકું. અલ્યા તો પૂછ્યું શું
કામ? ઉપાડીને એક.... હૂંહ! પ્રૉબલેમ નથી.
એમ કહો તો ઓર લોચો. પ્રૉબલેમ નથી? તો, સરખું કામ કરને ભૈલા! એક્કેય વાતે બંધાય નહીં. તમે માર્ક કરજો પાર્ટી. કોઇ પણ
લેવલે. બૉસ હોય ને બૉસ. એને હાચવવો એટલે નાકે દમ. લોકોના દમથી ઉજળો દેખાય. તોય મેં
કર્યું. મેં કર્યું. સ્ટાફનો ગુણપાડ માને એ બીજા. કોઇ વાર વખાણ કરી પણ લે. તો
એમાંય ટણી. મેં તારા વખાણ કર્યા, ઓ ટોપી. હવે યાદ રાખજે. માળું’ નિરાંતે વિચારોને, તો ભેજું કામ ના કરે. એવું આ સેમ્પલ. આખ્ખી
દુનિયા જાણે એ ચલાવે. ઓલાને તો બોલતા મેં શીખવાડ્યું. હવે બચ્ચન બનીને સોટ્ટા પાડે
છે. ઓત્તારી! પેલો? એને સૂંઘતું’તું કોણ? એ તો મેં જરી ભાવ
આલ્યો. પ્રેસિડેન્ટ થઇ ગયો. કંપનીનો. આ ઑફિસ. આ દેશ. આ દુનિયા. હું છું એટલે.... બોલતા
બોલતા ગળગળો થઇ જાય હોંકે. છે કોઇ દવા આ ભેજાગૅપ બૉસ બાંગડુઝની?
યસ, માય લૉર્ડ્સ. તોડ મળી ગયો. ટૂંક સમયમાં આ બધું બદલાઇ જશે. દરેક ટાઇપના બૉસની
ઉંશિયારી અવળી નીકળી જશે. હવે માણસ ટાઇપના કોઇ બૉસની જરૂર નહીં રહે. કૅબિન. ખુરશી.
એસી. કાર. ફ્લાઇટ. ફૉરેન ટ્રીપ્સ. બધી સાહેબી ગઇ. અત્યાર સુધી ઑફિસના ઓવરહેડ્સ ઘટાડવા.
વીજળી કાપ. સ્ટેશનરી કાપ. પગાર કાપ. કર્મચારી કાપ. રીફ્રેશમૅન્ટ કાપ. ચાલતા રહેતા.
ઇન ફૅક્ટ, એ તમામ સૌથી મોટાં કારસ્તાન હતાં. હજીય છે જ. આવી ગેમ કોણ કરે? પોતાની સાહેબીનો ગુલામ. બૉસ. બધું કટ કરો. પોતાના વટમાં
જરાય કચાશ નહીં. ચાલે છેને? આવું જ. આપણને તો
ક્યારની ખબર હતી. મૅનેજમૅન્ટ ખાંટુઓને છેક હવે ખબર પડી છે. દુનિયાની મોટી મોટી
મૅનેજમેન્ટ ફર્મ્સને હવે આ બૉસ ખૂંચે છે. એમના લીધે જ સારા. સાચા. મહેનતુ લોકો જૉબ
છોડી દે. ધાર્યાં પરિણામ નથી. ઓવરહેડ્સ ગમે તેટલાં ઘટે. ખર્ચ ના ઘટે. આ વળી જબરું? એક જ કારણ. નફકરા સાહેબો. હવે એ નહીં હોય.
અગ્રણી કંપનીઓએ બૉસ નામની જૂની જફા કાઢી મૂકી છે. નવા બૉસ બનાવવા ઑર્ડર્સ આપી
દીધા છે. કાબેલ ફૅક્ટરીઝને કામ સોંપ્યું છે. હવેના સાહેબો કારખાનામાંથી આવશે. મેઇડ-ટુ-ઑર્ડર.
ઑટોમેટેડ બૉસ. પ્રોગ્રામ્ડ પરફૅક્શન. દરેક કર્મચારી સાથે સહયોગ. એકસાથે પાંચ
બ્રાન્ચ કે એનાથી પણ વધુ સંભાળે. કોઇ ફ્લાઇટનો ખર્ચ નહીં. કર્મચારી રજા પર? તો એનું કામ પોતે કરી કાઢે. બધા રજા પર? તો હકીકતમાં બધું એકલો ફોડી લે. હવે આવી જાવ મેદાનમાં. લોચા-લાપશી-ઘપલા-ધાપશીવાળા
કર્મચારીઓ. દાદાગીરી. જોહુકમી. તુમાખીવાળા બૉસ. બાય બાય. હવે આવી ગયા રોબો-બૉસ.
આખી ઑફિસનું તંત્ર હવે એલ્ગોરિધમથી ચાલશે. સેટ કરેલા નિયમો. નક્કી કરેલા
ટાર્ગેટ. પૂર્વનિર્ધારિત કાર્યશૈલિ. શિસ્ત. બધું જ નવા રોબો-બૉસમાં હશે. મજાની
વાત. આ રોબો-બૉસ ફીમેલ હશે. પ્રૉબલેમની વગર કીધે એને જાણ થશે. વિચારો તે પહેલા હલ
મળશે. બીજાએ અડચણ કરી? ફરિયાદ કરી આંખે ચઢવાની
જરૂર નથી. દરેકની આડોડાઇ ઑટોમેટિક બૉસ ઠેકાણે લાવશે. એ ગમે ત્યાંથી બધા પર નજર
રાખશે. કમ્પ્યુટરમાં ફેસબુક કે ગેમ? સ્ક્રીન પર મેમો. એને
અવગણ્યો? ત્રીજી વૉર્નિંગે સિસ્ટમ બંધ. જાવ ખોલાવો
તાળું. એમડી પાસે જઇને. સિન્સીયર કર્મચારીની પીઠ પણ આ બૉસ થાબડી જશે. ઇન્સ્ટન્ટ
રિવૉર્ડ આપીને. સૌથી અગત્યની વાત. રોબો-બૉસ પોતે જ પોતાના કામનું મુલ્યાંકન કરશે. ધારેલું
કામ પોતે જો નહીં પતાવે. જો કે, શક્યતા ટ્રિલિયન્સમાં ઝિલિયનમા દશક જેટલી છે. છતાં
આવું થયું તો મૅનેજમેન્ટને ફરિયાદ કરશે. પોતાની. ક્ષમતા અપ-ગ્રેડ કરવા.
દોસ્તો, મૅનેજમેન્ટનું વિશ્વ. ટેક્નોલૉજીએ બદલી કાઢ્યું. હમણાં જ એક રીસર્ચ
પેપર રજૂ થયું. એમઆઇટી યુનિવર્સિટીમાં. હ્યુમન બૉસથી હવે બધા કંટાળ્યા છે. પ્રયોગાત્મક
ધોરણે એમણે રોબો-બૉસ મૂકેલા. એમનો આદેશ હરખભેર લોકો માને છે. માનવે શોધેલી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. માનવને આદેશ આપવા તૈયાર છે. આ તો શરૂઆત. સિસ્ટમ ફાવી
ગઇને તો.... શું કહું તમને? ચૂંટણીઓની જરૂર
નહીં પડે. મજાક નથી. ઉપરીનું કામ. કોઇ પણ સ્તરે. જો રોબો સંભાળી શકે, તો પછી.... જવા દો. વાક્ય આપણે પૂરું કરીશું તો દુનિયાભરના સાહેબો!?! ટૂંક સમયમાં. આ વાક્ય. સમય પૂરું કરી દેખાડશે. ભલભલા બૉસને
ઠેકાણે લાવીને.
Viral Mehta