29 માર્ચ, 2015

એઇઇઇઇ.... જૂના મોબ્બાઇલ આપ્પાના....(Dr Gizmo 4)


એઇઇઇઇ.... જૂના મોબ્બાઇલ આપ્પાના....
બજારમાં આવી બૂમ પહેલી વાર સાંભળી. છાપા ચ્ચોપ્પડેઇ પેપ્પાર.... જૂના ભંગાર આપ્પાના.... એવું દરરોજ સંભળાય. જૂના મોબાઇલ પણ હવે? જિગરના મોં પર સવાલ વાંચી લીધો ડૉક્ટરે. કાગળ, રદ્દીનું શું કરે? એમણે પૂછ્યું. એ તો રીસાયકલ થાય. બસ એવી જ રીતે આ પણ રીસાયકલ કરે. પણ ગિઝ્મોજી કાગળમાંથી તો ફરી કાગળ બને. મોબાઇલમાંથી....? સોના ચાંદી મળે. ઇલેક્ટ્રૉનિક ગુડ્સની સર્કિટ. મધર બૉર્ડ. બધામાં સોનું અને ચાંદી વપરાય. તો આ માણસ એમાંથી બધું છૂટું પાડશે? ના, એ તો બધું ભેગું કરશે. એનું અલગ બજાર હોય. ત્યાં પહોંચાડશે. એ લોકો અસલ ઉત્પાદકોને આપશે. એમના કારખાનામાં પ્રોસેસ થશે. જૂની સર્કિટના મટિરિયલમાંથી જ નવું લેટેસ્ટ ઇલેક્ટ્રૉનિક ગેજેટ બને. એને ખરીદવા તારા જેવા.... તલપાપડ થાય.
અરે ગિઝ્મોજી રોજેરોજ ટેક્નોલૉજી બદલાય. દાડા ને રાત કરતા વધારે ઝડપથી. આજે લેટેસ્ટ લાગે એ આવતીકાલે જૂનું થઇ જાય. મારી પાસે પણ ચાર જૂના મોબાઇલ પડ્યા છે. ઍક્સચેન્જમાં લેવાય કોઇ તૈયાર નથી. મૂકી રાખ્યા છે વગર કામના. બહુ ઉત્તમ કામ કર્યું તેં. મૂકી રાખ્યા. જુઓ તમે સવાર સવારમાં મજાક ના કરો ડૉક્ટર. તારી મજાક? અરે હોય કંઇ? હું ખરેખર તારા વખાણ કરું છું. ફોન ગમે તેટલો જૂનો હોય. એનો લેટેસ્ટ ઉપયોગ કરી શકાય. આ ભંગારવાળાને આપીને? એ પણ એક ઉપયોગ તો ખરો જ. જુઓ તમે ફરી.... ખોટો અકળાય છે તું. ચલ આજે જૂના ફોનના લેટેસ્ટ ઉપયોગ કહું.
સીમ કાર્ડ વિના પણ કૉલ થાય. સાંભળ્યું છે? એવું કઇ રીતે બને? કૉમન ઇમર્જન્સી નંબર. જે દેશોમાં છે, ત્યાં બધે થાય. ફોનમાંથી સીમ કાઢીને ઑન કરજે. સ્ક્રીન પર મૅસેજ આવશે. ‘Emergency Calls Only’. એ આ જ નંબર. જેમ અમેરિકામાં ૯૧૧ છે. ઇન્ડિયામાં પણ આવશે. ટૂંક સમયમાં. કૉમન ઇમર્જન્સી નંબર. સીમ વિના પણ ડાયલ થશે. ફોન ચાર્જ કરીને વૉલ પર ફિક્સ કરી દે. તરત જડે તેમ. વાહ! આ તો જબરદસ્ત ગિઝ્મોજી. બેસ, હજી પણ નવા ઉપયોગ કહું.
જૂનો કૅમેરા ફૉન છે તારી પાસે? હા બબ્બે પડ્યા છે. તો આજથી જલસા કર. એટલે? કૅમેરા ફોનના બે ઉપયોગ કહું. સૌથી પહેલો. કમ્પ્યુટર સાથે વૅબકેમેરા તરીકે વાપરી શકાય. તારા મોબાઇલનું મૉડેલ, મેક લખીને સર્ચ કર. સિમ્બાયન. એન્ડ્રૉઇડ. વિન્ડોઝ. દરેક માટે ઍપ્લિકેશન મળશે. કૉમ્પમાં ઇન્સ્ટૉલ કરી ફોન અટેચ કર. વૅબ કૅમ ચાલુ. અરે ગજ્જબ ગિઝ્મોજી. ના, ના.... ગજ્જબ તો હવે થશે. મેઇન ડૉર પર વ્યૂ ફાઇન્ડર છેને? એમાં તો ત્યાં જઇને જોવું પડે, ખરું? ડૉક્ટર, એ તો એમ જ હોયને. વ્યૂ ફાઇન્ડર કંઇ આપણી પાસે? આવે, પાક્કા પાયે આવે. બારણે કોણ ઊભું છે એ તને તારા કૉમ્પમાં દેખાય. પેલી વૅબ કૅમની જ ઍપ્લિકેશન. ફોનનો કૅમેરા ફિક્સ થાય વ્યૂ ફાઇન્ડર પર. બ્લૂ ટૂથ ઑન. કૉમ્પ કનેક્ટ. અને ડોર બેલ.... ટીંગ ટૉંગ.... ઓહો.... સ્ક્રીન રંગીન થઇ ગયો. બારણું ખોલ ચક્રમ.... કૉમ્પમાંથી રણકાર થયો. યસ! વિન્મયી હતી. જિગર જોતો જ રહી ગયો. ત્યાં તો કંઇ સમજાય નહીં એવું થયું.
કૉમ્પમાં વૅબ કૅમ એપ બંધ. કર્સર સ્ટાર્ટ તરફ ગયું. અને શટ ડાઉન. બંધ થઇ ગયું કૉમ્પ. આ શું થયું ડૉક્ટર? પહેલા બારણું તો ખોલ? જિગર દોડતો ગયો. વિની એઝયુઝવલ. મોબાઇલ ગેમમાં મશગૂલ. સારું થયું તું આવી ગઇ. કૉમ્પમાં કંઇક ગરબડ છે. જલદી જો. ગિઝ્મોજી અને વિની બંને હસ્યા. તમે બંને, કાયમ મારી ફિરકી? બીજું કોઇ મળતું નથી તમને? રવિવારે તો સૌથી પહેલો તું જ મળે જિગ્ગુ. ડોન્ટ વરી. તારું પીસી બિલકુલ પરફૅક્ટ છે. વિનીએ સ્ટાર્ટ કર્યું. દૂર સોફા પર બેઠી. ઑટોમેટિકલી વૅબકેમ ચાલુ થયો. એક ફાઇલ ખૂલી. એમાં કંઇક ટાઇપ થયું. રીમોટ માઉસ ઍન્ડ કી-બૉર્ડ. વિની પાસે પણ જૂનો મોબાઇલ હતો. એમાં આ ઍપ હતી. જિગ્ગુ તો ફરી દંગ રહી ગયો. જૂના ફોનના આટલા ઍડવાન્સ્ડ ઉપયોગો? મોબાઇલ માઉસ ને કી-બૉર્ડ પણ બને?
હજી એક મસ્ત ઉપયોગ કહું. વિનીએ કીધું. ડૅડીની કાર માટે. એક જૂનો ફોન. એક સરળ સર્કિટ સાથે જોડી દો. કારમાં ગોઠવી દો. અને એક મૅસેજ કરો. સર્કિટમાં રજિસ્ટર્ડ ફોન નંબરથી. કારના ફોન ઉપર. પહોંચતા પહેલા કાર ઠંડી. મ્યૂઝિક ઑન. આખા દેશમાં ગમે ત્યાંથી. કાર ઑપરેટ થાય. લૉક થાય. ફૅસિલિટી અને સિક્યૉરિટી એકસાથે. કામ થોડું ગીકી છે. પણ નવી રીમોટ કાર કીટનો જંગી ખર્ચ બચી જાય.
અધધધ.... થઇ ગયો જિગર. જૂનો ફોન. ક્યારેય ખરેખર જૂનો થતો જ નથી. એના ઉપયોગ નવા. અવનવા. શોધવા પડે. વિનીએ બૅગમાંથી થોડી તસવીરો દેખાડી. મોબાઇલ-આર્ટ. એના ક્રિએટિવ દોસ્તોએ જૂના મોબાઇલ ભેગા કરી કમાલના આર્ટ પીસ તૈયાર કરેલા. એ તો ગિઝ્મોજી પણ જોતા રહી ગયા.
Viral Mehta