સાઉન્ડ ચૅક માટે ‘સાઉન્ડ’ ટ્રૅક
બે ઘડી નિરાંતે બેસીને રીલૅક્સ થવાનો તો કોઇ કૉન્સેપ્ટ જ નથી. લોકો ને ખબર
પડવી જોઇએ કે, પપ્પુલાલ સ્ટીરિયો લા’યા. જિગ્ગા ચૂપ રહેજે. દરેક
વાતમાં ફીશીયારી ના મારતો. ઓ.કે. વગાડ તું તારે. પપ્પુએ ધબાધબ શરૂ કરી! ડોકું ઉલાળી. જિગર સામે બડાશ ઠોકી. બે. પાંચ. સાતમી મિનિટે એનું
પોતાનું જ ભેજું ફાટવા માંડ્યું. અવાજ પથ્થરની જેમ પછડાતો હતો. જિગર સમજી ગયો. ઊભા
થઇને વૉલ્યૂમ લો કર્યું. ઍક્ચ્યુઅલી પપ્પુને સારું લાગ્યું. તોય. મ....મ....મગજમારી
ના કર યાર. ર.... ર’વા દે. પપ્પુની નવી
સિસ્ટમ. એના સ્પીકર્સ. બહુ જોરથી વાગ્યા. પણ માથામાં.
સાઉન્ડ વિશે મોટાભાગના લોકોની ગેરસમજ. મોટો અવાજ. ના, ભૈ ના. મજા મોટા અવાજમાં
નથી. સિસ્ટમની મજા એટલે. નાનામાં નાનું વૉલ્યૂમ. છતાં દરેક અવાજ સ્પષ્ટ સંભળાય. જિગર
ચૅમ્પિયનની માફક બોલતો હતો. પપ્પુનો ખભો થાબડ્યો. ડોન્ટ વરી. ચલ મ્યૂઝિકની સાચી
સિસ્ટમ સમજાવું. અમે આવીએ જિગર સર? ડૉક્ટર ને વિની. આજે એમની વાતમાં મજાક નહોતી. અવાજ. મ્યૂઝિક. સિસ્ટમ. જિગર પાક્કો
સાઉન્ડ ગીક. આજે તો એનો સાઉન્ડ સાંભળવો પડે.
જીગ્ગા આ રેકૉર્ડિંગ તો? એકદમ બરાબર છે.
બે જાતના સાઉન્ડ હોય. મોનો અને સ્ટીરિયો. મોનો તો ઠીક હેંને? ના પપ્પુ, મોનો તો અલ્ટિમેટ. એક જ સોર્સ પરથી આવતો સાઉન્ડ.
વધારે સ્પષ્ટ હોય. તો સ્ટીરિયોનું શું કામ? એક કરતા વધારે
અવાજ. દૂરથી આવે. નજીકથી સંભળાય. અવાજને લોકેશન મળે. લૅફ્ટ ચેનલ. રાઇટ ચૅનલ. ચેનલ? એટલે આ સ્પીકર્સ. સ્ટીરિયો સિસ્ટમમાં સાઉન્ડ વહેંચાઇને આવે.
એની ડૅપ્થ સાથે. મોનો સાઉન્ડ બંને સ્પીકર્સમાં સરખો વાગે. પણ સ્પીકર સિસ્ટમ તો બધી
સરખી સંભળાય. એમાં સારી ખોટીની પરખ....? ડૉક્ટરથી રહેવાયું નહીં.
તમે મજાક.... ના, જિગર. મારે ખરેખર જાણવું છે. તો ચલો ઘેર.
જિગરનો મ્યૂઝિક રૂમ. સિસ્ટમ ઑન કરી. શું
ક્લાસ સિસ્ટમ હતી. આમાં તો ગમે તે સારું જ વાગે. પપ્પુ બોલ્યો. હા, દરેક હિસ્સો
ચકાસીને લીધી હતી. એટલે? આ સીડી સાથે રાખીને. શું
છે એમાં? સિસ્ટમની હેસિયત છતી થઇ જાય એવું મ્યૂઝિક. ‘વૅલકમ ટુ ધ જંગલ’. પહેલો ટ્રૅક. ગન્સ ઍન્ડ
રોઝીસ. એમાં એક્સલ રોઝનો અવાજ. ક્લિયર આવે તો મેઇન ચેનલ પાસ. એનું ‘ઉહ્’ સ્પીકરના ટ્વિટરમાં
સંભળાય તો એ પણ ઓ.કે. એટલે એ સિસ્ટમ લેવાય એમ? ના. હજી તો
એન્યા આવશે. એ કોણ છે? વિની જરા એલર્ટ થઇ ગઇ. આઇરિશ
મ્યૂઝિશિયન. સાંભળો. આખો રૂમ જાણે સાગરની લહેરો પર ઝૂમતો હોય એવું સંગીત. ‘કૅરેબિયન બ્લૂ’. મૅડિટેશન ટ્રૅક. બંને સ્પીકર્સમાં અવાજ
ફરે. સરાઉન્ડ સાઉન્ડ. તો સિસ્ટમ બીજી પરીક્ષામાં પાસ.
લો હજી તો બીજી? લ્યા પછી કેટલી? હવે તને ગમે છે તે. ધમાધમ. બાસ. વૂફર. સબવૂફર. એની અગ્નિ
પરીક્ષા. ગિઝ્મોજી એમની જગાએ જ ઊભા થઇ ગયા. નવો ટ્રૅક શરૂ થયો એની ૧૦મી સેકન્ડે. માય
માય.... ગજ્જબ અવાજ. ધીમેથી શરૂ થયો. પછી આખો રૂમ જાણે હલબલી ગયો. સાવ નૉર્મલ
વૉલ્યૂમ. હા, ‘બ્રાસ મંકી’. બીસ્ટી બૉય્ઝ. સિસ્ટમના બાસનો ખરો ટેસ્ટ. જબરું યાર. આ
તારા ગમતા....? નૉટ ઑલ. પણ મને સિસ્ટમ
ચૅકમાં હૅલ્પ કરે એવા મજબૂત ‘સાઉન્ડ’ ટ્રૅક્સ છે. બસ, હવે તો બધું ચૅક થઇ ગયું, નહીં?
પપ્પુ ડીયર. આ તો સિસ્ટમના અવાજનું ટેસ્ટિંગ. એની સાયલેન્સના ટેસ્ટનું શું? એ તો બંધ કરો એટલે.... પપ્પુની વાત સાંભળી ત્રણે હસી પડ્યા.
કેમ, મેં ખોટું કીધું? ના, સાચું કીધું. પણ
પપ્પુ, મજા ચાલુ ટ્રૅકમાં સાયલૅન્સની છે. એક પિયાનો ટ્રૅક શરૂ થયો. નિરાંતે ધીમે
ધીમે. સ્પેસ ને પૉઝ લઇને વાગે. એટલું શાંત મ્યૂઝિક કે આપણા શ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાય.
સ્પીકર્સમાં હમિંગ નહીં. હિસ્સ નહીં. ક્લૉડ ડેબ્યૂસીનો ‘ક્લૅર ડી લ્યૂને’ ટ્રૅક. સાઉન્ડ અને સાયલૅન્સનું કૉમ્બિનેશન. સાયલેન્સ ક્લિયર
સંભળાય થાય તો જ સીસ્ટમ પાસ.
તો જિગ્ગા હવે ટેસ્ટ પતી ગયા? એક છેલ્લો ટેસ્ટ
બાકી. દુનિયાભરના સાઉન્ડ ઍન્જિનિયર્સ પણ માની જાય. પોતાનું ઇક્વિપમૅન્ટ આ ટ્રૅક
ઉપર જ ચૅક કરે. એક સુપરહિટ સૉંગનું લાઇવ વર્ઝન. ધ ઇગલ્સ. નામ સાંભળ્યું છેને? એનું ‘હૉટેલ કૅલિફૉર્નિયા’. શરૂઆતની સ્લો લીડ ગિટાર. એમાં સ્ટ્રિંગ પર સ્ટ્રોક મરતી
પિકનો પણ સાઉન્ડ સંભળાય. હાઇપિચ સોલો સાઉન્ડ ક્લિયર. પછી બૉંગો વાગે. એમાં જે
બાસનું લેવલ છે તે સૌથી ઉમદા. સાઉન્ડ ઍન્જિનિયર્સનો ટેસ્ટ પણ પાસ. તો સિસ્ટમ
ચોક્કસ ખરીદી શકાય. પણ જિગ્ગા, પેલો શો-રૂમવાળો. યુ નો.... આટલું વગાડતા આપણા બાર? ના વગાડે. જેન્યુઇન ડીલર્સ તો આ જ ટ્રૅક પ્લે કરીને
દેખાડે. આપણી સીડી. પૅન ડ્રાઇવ. ગમે તે આપો. ટેસ્ટ ચોક્કસ કરી આપે.
વિની એક નજરે જિગર સામે જોઇ રહી. આટલું ઇન ડૅપ્થ સાઉન્ડ
નૉલેજ? એના ‘જિગરમાં’ તો એક જ ‘સાઉન્ડ’ સંભળાતો હતો. ધક્ ધક્.... ધક્ ધક્.... હતી તો ગુલાબી. આજે
જરા વધુ રંગાઇ ગઇ. ગિઝ્મોજી એને જુએ ને જિગરને સાંભળે....
Viral Mehta