23 માર્ચ, 2015

સતલુજ નદીનો કિનારો બોલે છે.... (Udaan 90)

સતલુજ નદીનો કિનારો બોલે છે....
બ્રિટિશ હકૂમતની કારમી હેવાનિયત પરથી આજે પરદો ખૂલશે. આવતીકાલે ૨૪મી માર્ચ, મંગળવાર. આખા દેશમાં આવતીકાલની તારીખ જાહેર થઇ છે. સમય પણ નક્કી છે. કૉર્ટના ફેંસલાનો અમલ થશે. થઇને જ રહેશે. સામે દુનિયાભરના દેશો. અગ્રણીઓ. મહાનુભાવો. નેતા. સમાજવાદી. માર્ક્સવાદી. સામ્યવાદી. બધાએ ભારે અણગમો જાહેર કર્યો. તેમ છતાં, બ્રિટિશ હુક્મરાનોનું રૂંવાડુંય ફરક્યું નથી. હજી ઘણા આશાવાદી છે. ૩૦૦ પાનાનો અહેવાલ. ફેર વિચારણામાં લે પણ ખરી. ગોરી સરકાર. અંગ્રેજ અમલદારની હત્યા. પાર્લિયામેન્ટમાં બૉમ્બ બ્લાસ્ટ. કદાચ માફ કરી દે. ઘણાની ધારણા હતી. સરકાર એટલી તો નિર્દય નહીં થાય. કદાચ વિચાર કરશે. જગતભરમાં ત્રણેય નરબંકાઓની નામના જોતાં.... ખરી વાત કહું? કોક બોલ્યું. અંદરખાને અંગ્રેજો ગભરાયેલા છે. એમનો ફેંસલો કદાચ અવળો પડે. દુનિયાભરમાં બ્રિટિશ રાજનો વિરોધ જાગે. તો.... તો.... ભારે બદનામી. એટલે કદાચ....
....અને ધારણા ખરી પડી. પણ અડધી. અંગ્રેજ સરકારે ફરી વિચાર કર્યો. આવતીકાલની રાહ નથી જોવી. સાડા છ થવા આવ્યા છે. દાક્તર. સાક્ષી. મૅજિસ્ટ્રેટ. બેરિસ્ટર. બોલાવી લો બધાને. ત્રણે જણને તૈયાર કરો. ફાંસીગરને સૂચના આપી દો. બરાબર કલાક પછી ફેંસલાનો અમલ થશે. આવતીકાલની સવાર પડી તો, આખો દેશ ભડકે બળશે. આ કામ આજે જ થવું જોઇએ. ૮૪ વર્ષ પહેલાંની વાત. આજની જ તારીખ. ૨૩મી માર્ચ. આજનો જ દિવસ. સોમવાર. સાંજે સાડા સાતના ટકોરે. મૅજિસ્ટ્રેટે ઇશારો કર્યો. ભગતસિંહ. સુખદેવ. રાજગુરુ. હસતા હસતા શહાદત વહોરી લીધી.
જેલ અધિકારીઓના કાવતરાંની ગંધ આવી ગયેલી ત્રણેયને. બહારની દુનિયાને ગોરાઓના કારસ્તાનની ખબર પહોંચવી જોઇએ. ભારતના સપૂતોએ ઇન્કલાબ ઝિંદાબાદના નારા પૂરી તાકાતથી શરૂ કર્યા. છેલ્લા શ્વાસ સુધી ક્રાંતિકારીઓ થંભ્યા નહોતા. જેલની બહાર લોકોના ટોળાં ઉમટેલાં. કરફ્યુમાં. ગોરી સરકારની ચાલ ખૂલ્લી પડી ગઇ. હવે? પાછલા ઝાડી તરફના રસ્તે ગાબડું પાડો. દુનિયામાં ક્યાંય ન થાય એવી ઘટના. પહેલી જ વાર લાહોરની જેલમાં બની. જેલના અધિકારીઓએ જેલ તોડી. લાકડાં ભરેલી એક લૉરી તૈયાર કરાવી. ઘેરાતી રાતના અંધારમાં. થોડે દૂર. ગંડા સિંહ વાલા ગામમાં. ત્રણેના અંતિમ સંસ્કાર કર્યા. એમના પરિવારોનો એ અધિકાર પણ છીનવી લીધો. અસ્થિફૂલ પણ. ત્યાંથી દસેક કિમી દૂર હુસૈનીવાલા, ફિરોઝપુર મુકામે સતલુજ નદીમાં વહાવી દીધા. આ હતું અંગ્રેજોનું કપટ. દુનિયા સામે ધરવામાં આવેલું. નફ્ફટાઇથી ખુલ્લું પાડવામાં આવેલું ષડયંત્ર. જે આખી દુનિયા જાણે છે. આ એનો દેખાતો હિસ્સો. અંદરખાને વાત કંઇક બીજી હતી.
સતલુજનો કાંઠો. આટલા વર્ષો બાદ. એક નવો ભેદ ખોલે છે. ત્રણ શહીદોને ફાંસી અપાઇ નહોતી. હા, આખો ઘટનાક્રમ ફરી તપાસીએ. ઇન્કલાબ ઝિંદાબાદના નારા. બહાર કરફ્યુમાં ટોળે વળતા લોકો. ફાંસીગરને ઇશારો. ત્રણે જણને ફાંસી. જેલની પાછલી દીવાલે ગાબડું. વાત ત્યાં સુધી તો એમની એમ. પછી હકીકત નવો પલટો મારે છે. ઑપરેશન ટ્રોજન હૉર્સ. ગોરાઓની ભેદી રમત. શહીદોના ઘોર અપમાનની બેહૂદી પદ્ધતિ. લાકડાં ભરેલી ટ્રક. એમાં ત્રણ નહીં ચાર જણ. માત્ર એકનો જ પાર્થિવ દેહ. બાકીના ત્રણ જીવતા. ભેજું ફરી ગયુંને? હજી આગળ સાંભળો. અંગ્રેજોની બર્બરતા. મગજ કામ નહીં કરે. ચારમાંથી એક હતો, અંગ્રેજોના પાશવીપણાંનો એકમાત્ર ચશ્મદીદ. ફાંસીગર પોતે. એનું કાસળ કાઢી નાંખેલું. જેલના ભેદી કમરામાં. ફાંસીનો આદેશ થયો. ત્રણે જાંબાઝો દોરડા પર બેહોશ થયા. એમને જીવતા જ ઉતારી લેવાયા. માર્ટરડમ ઑફ શહીદ ભગતસિંહ – સમ હિડન ફૅક્ટસ. કુલવંતસિંહ કૂનેર અને ડૉ. જી. એસ. સિંધરાનું પુસ્તક. ભગતસિંહની શહાદત પાછળ સંતાડેલી ગુપ્ત હકીકતો. પહેલી જ વાર છતી કરે છે.
કંપાવનારી. ચોંકાવનારી. શંકાસ્પદ. થિયરી રજૂ કરનાર બીજું કોઇ નહોતું. બ્રિટિશ સરકારનો સૌથી વિશ્વસનીય સીક્રેટ એજન્ટ હતો. દિલીપ સિંહ અલાહાબાદી. પુસ્તકના એક લેખક કૂનેરના દિલીપસિંહ પાલક પિતા થાય. એમના મતે અંગ્રેજોએ ટ્રૉજન હૉર્સનો આદેશ આપેલો. ત્રણે ઉપર ગોળીઓ ચલાવવાનો. ત્રાસી ગયેલા અંગ્રેજો. ત્રણે ક્રાંતિકારીઓની નામના. એમના આદર. અતિશય વધી રહેલા. ગોરી હકૂમતના ઘમંડ પર તેજાબ રેડાતો હતો. બળબળી ઊઠેલા બધા. જેલમાં તો ફાયરિંગ થાય એમ નહોતું. બેહોશ હાલતમાં ત્રણેને ટ્રકમાં દૂર લઇ ગયા. કહે છે, ભગતસિંહને ત્યાં હોશ આવેલા. ત્યારે, સૉન્ડર્સ, જેના મર્ડરનો ક્રાંતિકારીઓ પર આરોપ હતો. તેના સસરા. પંજાબ ગવર્નરના પી.એ. અંગ્રેજ અધિકારી. એને નરાધમ અંગ્રેજોએ અધિકાર આપ્યો. એણે જ ગોળી ચલાવેલી. ત્રણે ઉપર. પછી, ત્યાં જ વિધિવત્ સંસ્કાર ક્રિયા થઇ.
આ થિયરી સાચી હોય તો ઇતિહાસ ફરી લખવો પડે. એ માટે સાચો ઇતિહાસ ભણવો પડે. ઇતિહાસ નવા શોધકો માંગે છે. શાસકો. વહીવટીઓ. સમાજમાં પહોંચેલા લોકો. એક ઇતિહાસ એમણે ગોઠવેલા મુદ્દાને આધારે રચાય. દેખાડવામાં આવેલી હકીકતો ઉપરથી. બીજો સંતાડેલાં સત્યો ઉપરથી. અને એ જ કદાચ સાચો ઇતિહાસ. સાચી મહેનત માગે. જીવનું જોખમ માગે. હિંમત માગે. સત્ય પાછળનું તથ્ય શોધનાર. જોઇતા હતા. જોઇએ છે. વધારે ને વધારે જોઇતા રહેશે. ખરા, જેન્યુઇન ઇતિહાસકાર નવો સમાજ ઘડે. એમણે શોધેલા સત્યો ભાવિનું તથ્ય બને. બની જાવ તમે પણ હિસ્ટોરિયન. દેશ અને દુનિયાની આજ અને આવતીકાલ તમારી રાહ જુએ છે.
છેકથી છેક, છેંકાછાક કરતા કરતા માંડ સ્કૂલ સુધી ભણ્યા. છેલ્લી ઘડીએ ઇતિહાસ છોડી દીધો. એડમંડ બ્રૂકની વાત યાદ છેને? ‘પોતાનો ઇતિહાસ નહીં જાણનાર એના પુનરાવર્તનની મૂર્ખતા કરી બેસે’. આજે ૨૩મી માર્ચ. રાજગુરૂ. સુખદેવ. ભગતસિંહનો શહીદ દિન. ગુલામીનો ઇતિહાસ આપણે એકવાર ભોગવી ચૂક્યા. ફરી ક્યાંક એવી ભૂલ તરફ તો....? ઑનલાઇન ફ્રી કોર્સીસ છે. ઓપન કલ્ચર ડૉટ કૉમ. ઍકેડેમિક અર્થ ડૉટ ઓઆરજી. શોધી કાઢો. આપો દુનિયાને હવે તમારો ઇતિહાસ.
Viral Mehta