આવ ભૈ હરખા.... આપણે બેઉ.... સરખા
બકા લે, ખંભાતની સુતરફેણી. એરે લાવો લાવો. ડીશમાં
જુઓ તો. જૂની સેવનો
ભૂક્કો. પણ ખૈ જાય, મારા ભૈ. ઉપરથી વખાણ કરે. આહા.... હું ‘ટૅશ’.... વા’ બાકી! આવા ભોળા
ગુજરાતીઓ. એમને ‘બૅકડીસ’. ઊર્ફ બેક્ડ ડીશ (હસવાનું
ક્યાં કીધું મેં?) બઉ ભાવે. મલાઇ
કોફ્તા. સીઝલર. પંજાબી. કૉન્ટિનેન્ટલ. ઇટાલિટન. ચાયનીઝ. હૈદરાબાદી. કશ્મીરી.
કોંકણી. કોલ્હાપુરી. ઇન્ક્લુડિંગ ચંપલ. ગમે તે ખાવ. ગમે ત્યાં ખાવ. ગૅરંટીથી. આખા
ગુજરાતમાં. એકસરખો સ્વાદ. રીયલી નહીં લીગલી. સેમ ટુ સેમ. ઇવન ઘરમાંય. ત્યાં તો વખાણીને
ખાવું પડે. નહીંતર ‘ખાવું પડે’. ધેટ્સ ડિફરન્ટ સ્ટોરી. પણ
બહાર? આહાહા.... આના જેવું બીજે ક્યાંય નૈં હોં બનેવીલાલ! હાળાભૈ, યુનિક ને
યુનિફૉર્મ. બધું સરખું કરી મેલે. ગુજરાતીઓ જે મળે તે હોંશે હોંશે વધાવે. એમાં ને
એમાં, લોકો પીઠ થાબડીને થપ્પડ મારી ગયા. તો પણ, ઇમોસનલી ભયો ભયો. જોયું? કોઇ નહીં ને આપણી બૅક ‘સીલૅક’ કરી. રૂદિયું ભરાઇ આવે
હોંકે! હશે ભૈ. ગુજરાતને
બધું કોઠે પડી ગયું. (ખબરદાર! ડબલ મીનિંગ કર્યો તો).
સૂંઠપાક, ગુંદરપાક, અડદપાક, કોપરાપાક, સાલમપાક
કે મેથીપાક. ગાજરનો હલવો સમજીને ગુજરાતી ખાઇ લે. પણ એકની એક થીમ? એકનો એક પ્લૉટ? વિશાળ દિલના. અતિ
સહનશીલ. સીરિયલ લવર. આઇ મીન, ભાભી, ટીવી સીરિયલના ચાહક. બાકી અમ્મારા ભૈ તો ‘સ્ટ્રેટ ફૉરવર્ડ’. તો ભૈ એવા સરળ ગુજરાતીઓ
પણ રીપીટેશન ટૉલરેટ ના કરે. પછી ફૉરેનિયા શું કામ કરે? પણ બૉસ! તોય છે. અમુક તોફાની લોકો.
આપણા હૉલિવૂડ કૅફેની રેન્જમાં બેસે એવા. એકસરખા બબ્બે, મૂવીઝ. વધારે પણ હોય.
સ્ટોરીની થીમ. પ્લૉટ બધું સરખું. અરે ના બૉસ. સીક્વલ નહીં. બિલકુલ અલગ ફિલ્મો. અલગ
પ્રોડક્શન હાઉસ. અલગ સ્ટાર્સ. અલગ રાઇટર્સ. અલગ ડિરેક્ટર્સ. તોય સેમ ટુ સેમ. અને આગળ
સાંભળો. આ બધી ફિલ્મો એક જ વર્ષે રીલીઝ થાય. હજી આગળ સાંભળો. બધ્ધેબધ્ધી હિટમહિટ
જાય. આવા કમાલ હૉલિવૂડ સિવાય બીજે ક્યાં થાય, બાપલા! એટલે જ કદાચ, ભોળા
ગુજરાતી ને ભોળા ફૉરેનિયાને જૂની ‘ફ્રેન્સીપ’.
મહિન્દરસિંહ ધોની. સ્કૂલની ટીમમાં. ૩૭૮ રન.
ઓપનિંગ પાર્ટનરશીપ. એમાં ૨૧૩ ધોનીના. આઠ વાર નવો બોલ લેવો પડેલો. સિક્સરના સટાકા. બોલ
પાછો મળે જ નહીં. ૨૪ વર્ષના આદિત્ય ચોપરાની પહેલી ફિલ્મ. ડીડીએલજે. રેકૉર્ડ બ્રેકર
હિટ. સન ૧૯૯૫ની સનસનાટી. ત્યારે હૉલિવૂડ સ્વાઇન ઘેલું બનેલું. અમેરિકામાં બે પિગ
ધૂમ મચાવતા હતા. ગૉર્ડી આરકાનસાસના એક ફાર્મમાં રહે. બેબ પણ ફાર્મર આર્થર સાથે. ગૉર્ડીના
ફાર્મનો માલિક બૅન્કરપ્ટ થયેલો. એના ખેતરમાં થોડા બદમાશો ચઢી આવ્યા. માણસો વળી! એક કુકડાએ બધાને એલર્ટ
કર્યા. પણ ગૉર્ડીના ડૅડી ઝડપાઇ ગયા. ટ્રકમાં ઉપાડી ગયા માણસો. ગૉર્ડીએ પીછો કર્યો.
ત્યારે ડૅડીએ ટ્રકમાંથી બૂમ પાડેલી. ‘મારી ફિકર છોડ. ફૅમિલીનું ધ્યાન રાખ, બચ્ચા’. ગૉર્ડી ફાર્મમાં પાછો ફર્યો.
ત્યાં એનું ફૅમિલી નહોતું. એક કન્ટ્રી સિંગર છોકરી એની નવી દોસ્ત બની. પેલી બાજુ બેબના
ફૅમિલીને પણ કૂકડાએ સવારે એલર્ટ કરેલા. તોય એની મમ્મીને.... માણસો કોને કહ્યા?
બેબ ક્રિસ નૂલેનની ફિલ્મ. ગૉર્ડી માર્ક લેવિસે
બનાવી. બંનેમાં પિગની વાત. સર્વાઇવલ અને ફૅમિલી માટેની સ્ટ્રગલ. એકસરખી થીમ. બંને
હિટ રહી. બેબને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે ઑસ્કર મળ્યો. સીક્વલ પણ બની. ગૉર્ડીની
સીક્વલ માટે હજી રાહ જોવાય છે.
હવે વાત અવકાશની. એસ્ટેરોઇડ સાથે ટક્કરની.
એનાથી પૃથ્વિ ઉપર થતી હોનારતોની. વાત ૧૯૯૮ની સાલની. એક યુવાન એસ્ટ્રોનોમરને
અજાણ્યો પદાર્થ દેખાયો. ટીચરને બતાવ્યો. ભયાનક ગતિથી આગળ વધતો કૉમેટ. એસ્ટેરોઇડ. પૃથ્વિ
સાથે ટકરાય તો....? દુનિયાને જાણ કરે તે
પહેલાં એસ્ટ્રોનોમરને અકસ્માત. એસ્ટેરોઇડનો પ્રચંડ વેગ. એનાથી હલબલી ગયેલો અવકાશ.
ઉલ્કાઓ. અવકાશનો કાટમાળ. ધરતી પર આગના પ્રચંડ ગોળાની જેમ વરસે. એસ્ટેરોઇડ સાથે
ટકરાશે. ૧૮ દિવસમાં. રોકી શકાય નહીં. માર્ગ બદલી શકાય નહીં. હવે? તોડી પાડો એને. અવકાશ
યુદ્ધ. ન્યૂક્લિઅર વેપન્સ. અવકાશયાન. એસ્ટેરોઇડ પર લૅન્ડિંગ. બૉમ્બિંગ. ભૂક્કા
કાઢી નાખો. પણ ત્યાં સુધી પહોંચતા કેટલા ચક્રવ્યૂહ? લૅન્ડિંગ તો કર્યું. પણ ઓવર
બૉમ્બિંગ. હવે એસ્ટેરોઇડ પોતે જ બૉમ્બ.... મહાભયાનક ન્યૂક્લિયર બૉમ્બ. આ છે, બે
ફિલ્મોની સ્ટોરી. એકસાથે મેં કહી તમને. એક આર્માગેડન. ડિરેક્ટર માઇકલ બે. બીજી ડીપ
ઇમ્પૅક્ટ. ડિરેક્ટર મીમી ઊર્ફ મરિયમ લેડર. બંને લગભગ સરખી ફિલ્મો. ૧૯૯૮ની બંને
સુપરહિટ મૂવિઝ. ડીપ ઇમ્પેક્ટ ચાહકોમાં ફરી ફરી જોવાય. આર્માગેડનની ગણના ક્લાસિક
કન્ટેમ્પરરી મૂવિઝમાં થાય. છેને કમાલ!
અવકાશમાં જ છીએ. તો ચલો મંગળ સુધી આંટો મારીએ. ઇકોલૉજી
ક્રાઇસિસ. પાંચ વર્ષ પછી. ૨૦૨૦માં. થઇને રહેશે. આ જ ધરતી પર. વધતી વસતિ. બેખપના બેમાપ
સાધનો. નાસમજ માનવો. બેદરકાર સરકારો. અતિશય ઊર્જા વેડફાટ. જળસ્રોતો ખૂટી જશે. ખેતીની
જમીનો તો આમેય.... ખાવા નહીં મળે. પીવા પાણી પણ નહીં હોય. એક જ છેવટનો આશ્રય. ધરતીપુત્ર.
મંગળ. ત્યાંનો સાયડોનિયા પ્રદેશ. દૂરબીનથી દેખાય છે. (એમ ઘરના દૂરબિનમાં નહીં
યાર). જુઓ. ક્રિસ્ટલ ફૉર્મેશન જોયું? નક્કી પાણી જ હશે. માય માય આટલી મોટી
માત્રામાં? ચલો, ‘રેડ પ્લેન્ટ’. શરૂ કરો, ‘મિશન ટુ માર્સ’. પહેલી ફિલ્મ એન્થની
હૉફમેને બનાવી. બીજી બ્રાયન ડી પાલ્માની ફિલ્મ. બંનેમાં લિક્વિડની શોધ માટે મિશન. બંનેમાં
પહેલું યાન. માર્સ 1. અવકાશી ચક્રવાતમાં ખતમ. બંનેમાં ઑડિયન્સ ટટ્ટાર થઇને જુએ.
દિલધડક. હેરતઅંગેઝ. બીજું મિશન મંગળ પર પહોંચ્યું. લિક્વિડ તો મળ્યું. પાણી હશે
કે.... આગનો સામાન? ૨૦૦૦ના વર્ષમાં ધૂમ મચાવેલી. બંને ફિલ્મોએ. આજેય મચાવે છે. થોડા જ વર્ષોમાં આ ધૂમ.
બૂમાબૂમ થશે. યાદ રાખજો. ખેતર જ નહીં હોય તો ખાવાનું ક્યાંથી આવશે? હાઇ-વે, બ્રિજ, ઇન્ડસ્ટ્રીમાંથી? વૃક્ષો નહીં હોય તો પાણી
કોણ લાવશે?
એક છોકરો. એક છોકરી. બસ એટલી જ સ્ટોરી. બોલો
કોઇ માને? અહીંથી તો હજારો નવી વાતો
શરૂ થાય. પણ અહીં જ સ્ટોરી પૂરી થાય તો? યસ, વી આર જસ્ટ
ફ્રેન્ડ્સ. એવું જ આ બંને કહેતા કહેતા. જોડે રહેતા થઇ ગયા. રહેતા થાય એટલે.... યુ
નો, હાઉ ઇટ ઇઝ! એક્ઝેક્ટલી એવું
જ થયું. હવે એને ‘ના થવાનું થયું’. એમ તો ન જ કહેવાય. થવાનું
હતું ને થયું એમ પણ ના કહેવાય. પણ છોકરો અને છોકરી. છેવટે લવલો ને લવલી થઇ ગયા. હવે
સૌથી કન્ફ્યુઝિંગ વાત. ૨૦૧૧ની સાલ. જાન્યુઆરી મહિનો. બે પ્રોડક્શન હાઉસ.
પેરામાઉન્ટ પિક્ચર્સ અને સ્ક્રીન જેમ્સ. એક જ નામથી બે ફિલ્મો. ‘ફ્રેન્ડ્સ વિથ બેનિફ્ટ્સ’. એન્ડ મૌકે પર બંનેને
ખબર પડી. હોલ્ડ! જાન્યુઆરીમાં રીલિઝ થઇ એ ફિલ્મનું ટાઇટલ બદલાઇ ગયું. ‘નો સ્ટ્રિંગ્સ અટેચ્ડ’. બીજી ફિલ્મ. જુલાઇમાં
આવી. પહેલા નામ સાથે. યંગલા યંગલીઓના બદલાઇ રહેલા માઇન્ડ સેટની વાત. આપ્પડે તો બીજું
બધ્ધું ખરું. પ્રેમ, બેમ કશ્શુંય નૈ. સાથે રહીએ. સાથે રમીએ. સાથે જમીએ. સાથે કરીએ સારા
કામ.... ને ‘કામ’ પછી જસ્ટ
ફ્રેન્ડ્સ? હાઉ? આઇ મીન, હાઉ પૉસિબલ? બંને ખડખડાટ ગલગલાટ
કરાવતી ફિલ્મો. નતાલી પોર્ટમેન અને માઇલા કુનિસ સાથે. હવે તો તમે ઝીંક્કા
ચીક્કા.... જોઇ જ લેશોને?
આવી સેમ ટુ સેમની હદ થઇ ૧૯૮૯માં. હૉલિવૂડ
બાંગડુઓને ધરતી પરના ભૂત ઓછાં પડ્યાં. આમેય ઐં ભૂતથી ભૂતો ભા બીવે? ભૂતાવળ. એમાં
રહેવાની તો ઠીક. જાતે ઊભી કરવાની લોકોને આદત પડી ગઇ. હવે હૉરરનો પ્રકાર બદલવો પડે.
ઘરમાં. બીજાંના ઘરમાં. હોટેલમાં. જંગલમાં. કશ્શે લોકો ગભરાતા નથી. તો પબ્લિકને દરિયામાં
લઇ જાવ. ત્યાં ભૂત દેખાડો. ક્યાં જશે પછી? બઉ ઠાંશ મારતા’તા. એક બાજુ ભૂત આવે.
બીજી બાજુ શાર્ક. ત્રીજું ઑક્સિજન ખતમ. ચોથું ઉપરની બોટ સાથે કૉન્ટેક્ટ તૂટે. બોલો
હવે, આપ્પડે તો બા’દૂર બચ્ચા! આવી એક સરખી થીમ.
અંડર વૉટર હૉરર. બે નહીં. પાંચ ફિલ્મો. એક જ વર્ષમાં. લીવાયથન. લૉર્ડ્સ ઑફ ધ ડીપ. ધ
ઇવિલ બીલો. ધ એબીસ. ડીપસ્ટાર સિક્સ. ગજ્જબ કહેવાયને? અંડરવૉટર કિટ. જે
પહેરીને દરિયામાં સુરક્ષિત ફીલ કરો. એ જ ફસકી પડે તો? કઢી નંખાય નહીં. પહેરી
રખાય નહીં.... જોઇ લો, જોઇ લો! જલસા પડી જશે.
કૅફેના દોસ્તો તૈયાર થયા. એકસરખા સ્વાદમાં જરા
ચેન્જ લાવવા. હવેથી બહારનું બંધ. બધાએ ઘેરથી લેતા આવવાનું. આજે પહેલો દિવસ. ટેબલ
ફરતે બધા ગોઠવાયા. લંચ બૉક્સ ખુલ્યાં. રોટલી. દાળ. ભાત. એ તો જાણે એક હોય. પણ શાક? દરેકના ડબામાં રીંગણ
બટાટા. વાહ, એનીય મજા હોય. દરેકના ઘરનો અલગ છમકારો. ક્યાંક મમ્મીના હાથે. ક્યાંક
ભાભીના હાથે. તો કોઇની બહેન વૅકેશનમાં આવી હોય. કોઇનું લંચ સાસરેથી આવે. પણ સૌથી
બેસ્ટ.... ‘એમના’ હાથની રસોઇ. સાહેબો ને
મેડમો. એકસરખા હૉલિવૂડ મૂવિઝની મજા. ઘરના ભોજન જેવી. એકસરખું રૉ-મટિરિયલ. એકસરખો
મસાલો. એકસરખી રૅસિપી. એકસરખા સમયમાં તૈયાર. તોય સ્વાદ અનોખા. હાથ હાથનો કમાલ છે
ભૈ!
Viral Mehta