22 માર્ચ, 2015

મસ્ત લૉલિપૉપ ચાખો. પણ ધીરજ રાખો! (Dr Gizmo 3)


મસ્ત લૉલિપૉપ ચાખો. પણ ધીરજ રાખો!
બધી વાતે ઉતાવળા. નવું જોયું નથી કે ગજવું સળવળ્યું નથી. બસ, લઇ લો. હમણાં જ જોઇએ. અઘીરાઇ માઝા મૂકે. દોડતા કોક શો-રૂમ ખોળતા. કાં, ઑનલાઇન શૉપ ફંફોળતા થઇ જાવ. ને છેવટે માથું ખંજવાળતા રહી જાવ. હું કહું, ભૈલા? બેનજી? આ રહ્યા ડૉ. ગિઝ્મોજી. એમને સાંભળો જરા. આપણો જિગર પણ પહેલા એવો જ બેફિકર હતો. ગેજેટ તો લેટેસ્ટ જોઇએ. લોકો જોતા રહી જાય એવું. લ્યા, એક સવાલ પૂછું? તું કેટલાનાં ગેજેટ જોઇને ઇમ્પ્રેસ્ડ થયો? બસ, એ જ તો જવાબ છે. ગેજેટ દુકાનમાં હોય તૈં લગી લાખનું. ઘેર લાવો એટલે.... ના, ના એમ સાવ સીધો પ્રાસ બેસાડવાની જરૂર નથી. પણ ગેજેટ્સનું કામકાજ જરા ટ્રિકી હોય.
અરે ગિઝ્મોજી, આ શું માંડ્યું છે? છોડ સાથે લવારી? બેસ બેસ તને નહીં ખબર પડે. આજે વિશ્વ જળ દિવસ. આ છોડને પાણી પાયું. ને બેઠો બે ઘડી વાતો કરવા. તારી માફક અધીરા લોકોની વાત નીકળી. ગિઝ્મોજી, વાત ઇમ્પલ્સિવ થઇ જવાય એવી જ છે. લૉલિપૉપ. એન્ડ્રૉઇડ એલ. 5. 0 અને 5. 1. લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ. હવે તો જોઇએ જ. ડિસેમ્બરમાં અનાઉન્સ થઇતી. ત્યાર પછી.... ઉત્તરાયણ જવા દીધી. હોળી જવા દીધી. હવે તો મહૂરત સારું બેઠું. લઇ લઉં? એક નવું લૉલિપૉપ ગેજેટ? વૉટર ડે. એટલે મોંમાં પાણી. લૉલિપૉપના નામ સાથે. ખરું? શાબાશ જિગ્ગુ શાબાશ. ચલ લૉલિપૉપમાં નવું શું? મને કહી દે. પછી વિચારીએ. ગજબ સિસ્ટમ છે ગિઝ્મોજી.
ગૂગલવાળાની સૌથી એફિશિયન્ટ મટિરિયલ સિસ્ટમ. ધાર્યું કામ આપે. સૌથી મોટી ખાસિયત કહું. એનો સરળ ઇન્ટરફેઝ. વાપરનાર માટે સાવ ઇઝી. પ્રોગ્રામના રંગો એકદમ સ્પષ્ટ. ફ્લૅટ મેનુ. પાછળ શેડો હોય. આખો લૂક 3D લાગે, ગિઝ્મોજી. મલ્ટિપલ પ્રોગ્રામ પર કામ કરાય. ગમે ત્યારે ત્યારે પાછળ હાઇડ થયેલી વિન્ડો આરામથી આગળ લાવી શકાય. જબ્બરદસ્ત એટલે.... એં.... કંઇ પૂછવાનું જ નહીં.
ઓત્તારી! એમ? એ સિવાય કંઇ નવું? અરે ડૉક્ટર સાબ. આજે તો પાક્કું રીસર્ચ કરીને આવ્યો છું. લૉલિપૉપની ખાસિયત એટલે એના નૉટી, નૉટી, નૉટિફિકેશન્સ. અત્યાર સુધીની ઍન્ડ્રૉઇડ સિસ્ટમમાં ઉપર નૉટિફિકેશન પેનલમાં આઇકન આવે. લાઇટ લબૂક ઝબૂક થાય. પૅનલ ડાઉન કરી. આઇકન ખોલી. ઍપમાં જવું પડે. હવે એ પ્રોસેસને બાય બાય. લૉલિપૉપમાં સ્ક્રીન પર કાર્ડ જ પૉપ થાય. મૅસેજ, મેલ, ચૅટ બધાનો સીધો સ્ક્રીન પરથી જ વહીવટ. લૉક્ડ સ્ક્રીન હોય તો પણ.
અરે વારે, તારો વહીવટ? પણ એ તો પ્રૉબલેમ થાયને­? પ્રૉબલેમ શાનો ગિઝ્મોજી? ધારો કે, તું ગ્રૂપમાં બેઠો હોય. ને માનો કે, વિનીનો મૅસેજ આવ્યો. આખા ગ્રૂપની નજર તારા સ્ક્રીન પર. બધા વચ્ચે તારો પ્લાન જાહેર. ઢેં.... ટ્ટેં.... ણેં.... ગિઝ્મોજી! આજે તમારું કંઇ નહીં ચાલે. લૉલિપૉપ સિસ્ટમમાં દરેક મૅસેજનું સેટિંગ થાય. વિનીનો મૅસેજ સ્ક્રીન પર ફ્લૅશ થાય જ નહીંને? બોલો, જવું છે નવું ગેજેટ લેવા? અરે બેશ બેશ, ગેજેટવાળી. બેશ છોની મોની. એવું બધું તો હોય. ઓ.કે. હવે કહું એ ધ્યાનથી સાંભળો ડૉક્ટર!
એક કમ્પ્યુટરમાં કેટલા યુઝર અકાઉન્ટ? મલ્ટિપલ ખરું? પણ ફોનમાં? ગણીને એક જ. બીજા, ત્રીજાનો ઑપ્શન જ નહીં. લૉલિપૉપ ગેજેટમાં એક કરતા વધારે યુઝર્સ કામ કરી શકે. બહારથી પણ લૉગ-ઇન કરી શકે. આખી ડિવાઇઝ શૅરેબલ. ગિઝ્મોજી સાંભળતાં જ હસી પડ્યા. અલ્યા મૅસેજ હાઇડ કરે એ ડિવાઇઝ ક્યાંથી શૅર કરે? વહીં તો માર ખા ગયે ગિઝ્મોજી. યુઝર્સ માટે આખા ફોનની એક્સેસ થોડી અપાય? બેઝિક દરેક ઍપ વાપરી શકે. ફાઇલ સ્ટોર કરી શકે. પોતાનું ઇમેલ વાપરી શકે. બધું કામ કરી શકે. પણ એડમિનની કોઇ એક્સેસ નહીં. બોલો છેને કમાલ! મોબાઇલ ગેજેટમાં મલ્ટિપલ રીમોટ યુઝર્સ.
આ વાત જોરદાર બૉસ. હેંને, તો લઇ લઉં ગિઝ્મોજી? લ્યા, પણ બેટરી તો ગરમ લાહ્ય જેવી થઇ જાય. વારેવારે ઉતરી જાય. એવું તો થશે તો? ડૉક્ટર, લૉલિપૉપ પ્લેટફૉર્મનો મૂળ હેતુ જ બેટરી બચાવો. સિસ્ટમ એને માટે જ બની છે. લાંબામાં લાંબી બેટરી લાઇફ માટે. હવે તો ચલો મારી સાથે? એક મિનિટ. ધીરજ રાખ જરા. મારું સર્ટિફિકેટ માગતો હોય તો લે લખી આપું. લૉલિપૉપ એટલે બેસ્ટ એન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ, જા બસ? તો લઇ.... તું નહીં સુધરે કેમ? એક કામ કર. આ લિસ્ટ વાંચી જા. ના, ના હોં, હું કોઇને ન્યૂ ગેજેટ પાર્ટી-બાર્ટી નહીં આપું. શાનું લિસ્ટ વળી? ભલાદમી પહેલા જો તો ખરો?
મોબાઇલ મૉડેલ્સનું લિસ્ટ હતું. એમાં જિગરનો ફોન પણ હતો. લૉલિપૉપ અપડેટ. ટૂંક સમયમાં લગભગ દરેક લેટેસ્ટ ફોનમાં રોલ આઉટ થશે. તમારો ફોન પણ એ લિસ્ટમાં જ હશે. www.androidpit.com સાઇટ પર ચૅક તો કરી લો. બસ થોડી રાહ જુઓ. બેસ્ટ અને મસ્ત લૉલિપૉપ માટે. નવું ગેજેટ હમણાં લેવાની જરૂર નથી. યાર ડૉક્ટર તમે તો મારા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. પહેલા તો કીધું. આજે વિશ્વ જળ દિવસ છે. ગિઝ્મોજીનો જવાબ સાંભળી જિગર પણ જોરથી હસી પડ્યો.
Viral Mehta