ગફલત કરવા પણ આવડત જોઇએ
બેઠાબેઠા કંઇ થવાનું નથી. હાથ માથે મૂકો કે હેઠા. પગ વાળો કે પછાડો. બધું એકનું
એક. તો ઊઠાવો માથું, હાથ ને પગ. બદલી કાઢો દુનિયા. તમારામાં તાકાત છે. હૈશ્શો.... તમે
જ કરી શકશો. તમે નહીં કરો તો કોણ કરશે? દાખલો બેસાડી દો.
કરી દેખાડો કંઇક જોરદાર. હૈશ્શો.... મન મક્કમ હોય તો હિમાલય પીગળી જાય. વ્યથાના
વંટોળ ફંટાઇ જાય. સુખ સમૃદ્ધિના સાગર છલકાઇ જાય. મરજીવા માટે કંઇ ઊંડું નથી. એ તો
પરિશ્રમના બળથી પ્રારબ્ધના મોતી શોધીને જ રહેવાનો. હૈશ્શો.... હૈશ્શો....
શકોરું? વગર જોઇતા ઉપદેશ. સલાહ. સૂચન. તોડી નાંખો ને
ફોડી નાંખો. તમને તો ખબર છે દોસ્તો! શેરીએ શેરીએ
ફિલસૂફો. ગલીએ ગલીએ ગલીએ ગાઇડ. મનઘડંત પ્રૉબ્લેમ્સના મન‘ફા’વન સૉલ્યુશન. હાઉ ટુ ટેં ટેં. હાઉ ટુ
પેં પેં. હાઉ ટુ ગેં ગેં. હાઉ ટુ ફેં ફેં. ચોપડાના ચોપડા
ચોપડી માર્યાં લોકોએ. પણ ઍનીવેઝ! આ તો જૂનું
મજાગરું. પાર્ટ ટાઇમ લેખક્સ અને ટાઇમપાસ વાંચક્સ વચ્ચે. લટકવાનું. ખટકવાનું.
અટકવાનું. છેવટે છટકવાનું. લોકો તો થોથાંમાં થોથવાતાં રહેવાના. વાત આપણે એની નથી
કરવી. વાત વર્તનની કરીએ. વર્તનમાં ચેન્જ હતો. હતાશ હતો. એટલે ખાસમખાસ ભૈબંદો મચી
પડેલા. આમ કરી કાઢ. હૈશ્શો.... તેમ કરી કાઢ. હૈશ્શો.... સૌ પોતાની બડાશનો ટકટકારો
લઇને મંડી પડેલા. પ્રેક્ટિકલી કોઇનેય વર્તનની સમસ્યામાં રસ નહોતો. ઇન ફૅક્ટ, કોઇએ
પૂછ્યું સુધ્ધાં નહોતું.
આલા-ગ્રાન્ડ ઇલૅક્ટ્રૉનિક શોરૂમમાં સેલ્સની જૉબ. મૉર્નિંગ કૉલેજ પછી ત્યાં જ
હોય. નવરી પલ્ટણની માફક બાઇક લઇને રખડવું. સોટ્ટા પાડવા. પાર્ટી, પિકનિકો. એવી નબીરાબાજીમાં
એને રસ નહોતો. અભ્યાસ સાથે વર્ક ઍક્સપિરિયન્સ મેળવી કરિયર બનાવવી હતી. હવે, વાત
એવી થઇ.... શો-રૂમમાં એક કસ્ટમર આવેલા. ટૉર્ચ ખરીદવા. જૂની ટૉર્ચ બગડેલી. વર્તને
આખું લાઇટિંગ સેક્શન બતાવ્યું. એક પછી એક પ્રોડક્ટની વિગતવાર માહિતી આપી. કસ્ટમરને
રસ પડ્યો. બગડેલી ટૉર્ચ સાઇડમાં મૂકી. જાતે બૉક્સ લઇને જોતા હતા. વર્તને જૂની
ટૉર્ચ જોવા લીધી. સેલ લીકેજ. કૉમન પ્રોબલેમ. કનેક્ટ્સને કાટ લાગેલો. વર્તને કનેક્ટ
અને સ્પ્રિંગ સાફ કર્યાં. નવા સેલ લગાવ્યા. ઝબ્ ઝબ્ ઝબાક્.... ટૉર્ચ ચાલુ. કસ્ટમર ખુશ.
નવી ટૉર્ચનું માંડી વાળ્યું. સેલની કિંમત ચૂકવી દીધી.
વર્તન પોતાના વર્તનથી ખુશ થયો. પણ ત્યાં જુઓ. કોણ જાણે બધા બૉસ.... (વાક્ય
જાતે પૂરું કરવાની છૂટ). ડોળા તગતગાવીને. ‘જોયું, મેં નજરે
જોયું. દોઢ હજારની ટૉર્ચ ખરીદવાનો હતો. તૈયારી જ હતી. તારે ડહાપણ મારવાની જરૂર? કસ્ટમર ખોયો આજે’. બરાબરનો દાઝે ભરાયેલો
બૉસ. ટૉર્ચ માટે ટૉર્ચર કરી મૂક્યો. બધાની વચ્ચે. ઇન્સલ્ટ. ‘ગ્રાહક ૩૦૦ વાળી ટૉર્ચ પણ લઇ લે. તારું કંઇ લૂંટાઇ જવાનું
હતું? એને બદલે ૩૦ રૂપિયાના સેલમાં.... સેલ્સમૅન થવા
નીકળ્યા છે આજકાલના રખડેલો. બિઝનેસ લૉસ. નહીં ચાલે આવું’. જગતના બધા પાપ.
જાણે એક સામટાં. એના માથે. ઝંખવાઇ ગયો વર્તન. ખરેખર માનવા લાગ્યો. ડહાપણ કરવા
જેવું નહોતું. મારા કારણે. કંપનીને અન્યાય. ભારોભાર અફસોસ. ઉપરથી ફ્રેન્ડ્સની વગર
જોઇતી ટક્ ટક્ ટક્.... માયૂસ હતો. જવાબ નહોતો મળતો. કાલે ફરી કોઇ ભૂલ. ફરી બૉસ
તતડાવશે. છેવટે એક દિવસ જૉબ છોડવી પડશે. યા તો કાઢી મૂકશે. અવિશ્વાસ ઘર કરી બેઠો. જાતનો
ભરોસો ખોઇ બેઠો.
ચલો, આપણે એની પડખે રહીએ. એક નવું પાત્ર લાવીએ. લાંબી દાઢી. તાવ દીધેલી મૂંછ. લાંબો
ઝભ્ભો. કોટ. પાયજામો. ખભે ખેસ. માથે મુગલ ટોપી. ચહેરે તેજ. ધીમું સ્મીત. મોટા શાયર
લાગે છે. પુરાની દિલ્હીના. હવે જામશે. એ પહોંચ્યા વર્તન પાસે. ખભે હાથ. ત... ત... કો...ણ? મી.... મી.... હા, દોસ્ત મીર. મીર તકી મીર. માયૂસ છો? જૉબ છોડવાના વિચાર આવે છે? દિલ તો એ જ આદેશ કરે
છે. મોટો એબ થઇ ગયો મારાથી, મીર સા’બ. એબ? ગફલત. વાહ! આદેશ? ક્યા ખૂબ! મતબલ આજ્ઞા. અમ્ર. એક પૂરાની વાત યાદ આવી ગઇ દોસ્ત. શેર સુનોગે? બેશક, ઇર્શાદ મીર સા’બ! ‘શર્ત સલીકા હૈ હરેક અમ્ર
મેં, એબ ભી કરને કો હુનર ચાહિએ’. આજ્ઞા હંમેશા શરતથી બંધાય.
આદેશ શિષ્ટ હોય તો શોભે. ગફલત કરવા આવડત જોઇએ. મનના આદેશને પૂછ કે જૉબ છોડું તો આગળ
શું? માપ એનું યથાર્થ. ગલતી તો કાબેલિયત માગે. જેવા
તેવાનું કામ નહીં. ભૂલ કરી તો રંજ નહીં, ફક્ર કર. એ જ તો છે, કાબેલિયતનું, તારા
હુનરનું પહેલું પ્રમાણ.
મીર સા’બ તો એક ક્ષણમાં લાઇફનો સંદેશ આપી ચાલ્યા ગયા. અવરોધને
અવસરમાં પલટવાનો મૅસેજ. કોઇ થોથાંમાં ન મળે. એવો ઉકેલ. મીરના એક શેરમાં. ભૂલ
ગાંડા-ઘેલાનું ગજું છે? એ લોકો તો ગોટાળા કરે. લોચા
લાપશી કરે. ભૂલ તો ખરેખર કાબેલિયત માગે. કરિયરમાં એનું એક એક્સ્ટેન્શન પણ ખરું. સમસ્યાઓ.
અનેક છે, રહેશે. જૉબ જવાનો ડર. વેપારીને ઘટતા વેચાણનો પ્રૉબલેમ. ઉત્પાદકને
ડિમાન્ડની સમસ્યા. આવડત વિના ગફલત નહીં. એમ અવસર વિનાનો પ્રૉબલેમ નહીં. સાચેસાચ સમસ્યા
હોય તો યકીન માનો. એ પોતે જ તક થઇને આવી હશે. નિરાંતે બેસો. ફિકર ચિંતા ફગાવી દો. પ્રોબલેમને
દુશ્મન નહીં. પડકાર સમજો. ચેલેન્જ. ઉપાડી લો. એ જ તમારાં તક. અવસર. કરિયર. જરા
ત્યાં જુઓ....
છ-સાત મહિના પછી. વર્તને શો-રૂમની સામે જ શૉપ ખોલી. શો-રૂમમાં કરેલી ભૂલ હવે રોજ
કરે છે. વટથી. ફરી ફરીને. ઇલૅક્ટ્રૉનિક ઉપકરણો રીપૅર કરીને. સારી કંપનીનું
ઑથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર છે. વર્તનનો પોતાનો બિઝનેસ. નામ પણ વિચારીને બહુ મજાનું
રાખ્યું છે. ‘પુનરાવર્તન’ રિસ્ટોરેશન!
Viral Mehta