બલિભૂજ્ અમસ્તા કહેતા હશે? ગૃહબલિભૂજ્. ઉભરતી
પેઢીમાં અમુક લોકોને એનું માત્ર નામ ખબર હશે. અમુકે કદાચ તસવીરો જોઇ હોય. હમણાં
થોડા વર્ષો પહેલાં. એ ઘરમાં રહેતી. આપણી સંગાથે. ઊંચા ગોખલા. માળિયાં. છાજલીમાં. શીંકે.
સાંકળથી લટકાવેલા લૅમ્પની ટ્રેમાં. દાદા-દાદીની ફોટો-ફ્રેમ. દેવી-દેવતાનાં ચિત્રો.
એની પાછળ. યાદ આવ્યું? એનું કહ્યું તો, કુદરત
માને. સંકેતની ભાષામાં.
રેતમાં બેસીને પાંખનો ફરફરાટ. ને ઉપર મેઘઘટાનો ગરજાટ. એટલે જ એને વૃષાયણ પણ કહે. હવે
આવ્યું યાદ?
જેની ભૂજામાં આકાશ હલબલાવતું બળ. બલિભૂજ્. આપણી
ઘરચકલી. યાદ આવે છેને, બાળપણ? તણખલાં વીણી વીણીને માળો બનાવતી. તમે તો એને જોતાં જ ‘તીતી’, ‘તીતી’.... કરતા. કાલીઘેલી
જિબાનમાં. આજે એનો દિવસ. ૨૦મી માર્ચ. વર્લ્ડ સ્પેરો ડે. ઘરમાં અને આસપાસ વસતા
પંખીઓ વિષે જાગૃતિ માટે. એની શરૂઆત કરનાર એક દિલાવર હતા. એક ભારતીય. નાસિકના મહંમદ
દિલાવર. નેચર ફૉરએવરના સ્થાપક. ચલો, આજે પંખીઓની વાત કરીએ.
૧૩ વર્ષની છોકરી એમી એલ્ડન. કાર અકસ્માતમાં બચી
ગઇ. પણ મા.... સરકારે કૅનેડા એના પિતા પાસે પહોંચાડી. ત્યાં એમનું ફાર્મ. બાજુમાં
જંગલ ઝાડીઓ. એક દિવસ કૉન્ટ્રાક્ટરના માણસો આવ્યા. એઝ યુઝવલ.... ઝાડીઓ કાપી કાઢી. એ
ગયા. એમી જોવા ગઇ. જોતી જ રહી ગઇ. કેનેડા હંસના એગ્સ. એમના મા-બાપ ક્યાંક જતા
રહેલા. જડભરતોની વાઢકાપથી ડરીને. એમીએ એગ્સ ફાર્મમાં ઘાસ પર મૂક્યા. ગરમાવો મળે
એવી ગોઠવણ કરી. બીજે દિવસે સ્કૂલથી આવીને જોયું. એમી. ૧૩ વર્ષની છોકરી. ૧૬. હા,
સોળ. હંસના બચ્ચાંની મૉમ બનેલી. પાલક માતા. આખું ફૅમિલી એમના જતનમાં લાગી ગયું.
બચ્ચાં મોટાં થયા. ફાર્મમાં ફરે. મસ્તીની લાઇફ.
પણ હસ્તીનો સવાલ. કેનેડાનો કાતિલ શિયાળો. આ માઇગ્રેટરી બર્ડ્ઝ. જીરવી ન શકે. વહેલી
તકે નૉર્થ કેરોલિના પહોંચવું પડે. માઇલો દૂર. ડૅડીના ફ્રેન્ડની બર્ડ સેન્કચુઅરીમાં.
પ્રૉબલેમ બીજો પણ હતો. હંસના બચ્ચાં માણસો વચ્ચે રહે. ઉડતા શીખ્યાં નહોતાં. ઇન
ફૅક્ટ, એમણે કોઇને ઉડતા જોયાં જ નહોતાં. એમી અને ડૅડીએ ચેલેન્જ ઉપાડી. પહેલાં તો
બચ્ચાં ચાલતા દોડતા એમને ફૉલો કરે એની તાલીમ આપી. પછી પાંખો ફેલાવવતા શીખવ્યું. હવે
ઉડવાનું હતું. એક અલ્ટ્રાલાઇટ ઍરક્રાફ્ટ લાવ્યા. એમી અને ડૅડી એમાં ઊડે. હંસબાળ
જુએ. છેવટે તો પંખીના બચ્ચાં. શીખી ગયા. ડૅડી એમીની ટીમ. બે ઍરક્રાફ્ટ. નીકળી
પડ્યા. દિવસે ઊડે. રાતે પર્વત પર વિસામો.
સત્ય ઘટના છે. અમેરિકામાં ૧૯૮૦ના અંતમાં નૅશનલ
ન્યૂઝ હતા. આખું કૅનેડા અને અમેરિકા ૧૬ બચ્ચાંએની રાહ જોતું બેઠેલું. અમેરિકન ઍર
ફૉર્સે ખાસ પરમિશન આપેલી. એમી, ડૅડી સફળતાપૂર્વક એમને પહોંચાડી આવ્યા. અહીં લખ્યું
એટલું સરળ મિશન નહોતું જ વળી. બિલ લિશ્મેનના મિશન માઇગ્રેશન પરથી ‘ફ્લાય અવે હોમ’ બની. ૧૯૯૬માં. ડિરેક્ટર
કૅરલ બેલાર્ડ. એમી માટે હંસબાળની વિદાય વસમી હતી. વર્ષ પસાર થયું. એક દિવસ સવારે. ફાર્મમાં
એમીને પાછળથી કોઇએ પોક કર્યું. કોણ હશે? પેલા સોળેસોળ. માઇલો જાતે ઊડીને ફાર્મ પર પાછા
આવેલા. નવી મોસમની મઝા માણવા.
સાન ફ્રાન્સિસ્કો બે. કૅલિફૉર્નિયામાં. આલ્કાટ્રાઝ ટાપુઓ. ત્યાં
એક જેલ. એમાં જનમટીપનો કેદી. મર્ડર કેસમાં અંદર ગયેલો. રૉબર્ટ સ્ટ્રોડ. માથાભારે
વિદ્રોહી. એને જેલના કાયદા સામે પણ વાંધો. જેલર સામે તરખાટ મચાવે. તડાફડી માટે
સદંતર બદનામ. સ્ટ્રોડની મા એકવાર મળવા આવેલી. જેલવાળાએ અઠવાડિયાં પછીની તારીખ આપી.
આને ખબર પડી. પત્યું. તૂટી પડ્યો પેલા સંત્રી પર. ઝપાઝપીમાં સંત્રીનો જીવ ગયો. હવે
તો ફાંસીનો તખ્તો જ તૈયાર હતો. માએ બહાર આંદોલન ચલાવ્યું. મૃત્યુદંડ માફ થયો. એને
બદલે આજીવન કારાવાસ. એકાંત કારાવાસ. હવે સ્ટ્રોડ એકલો. આસપાસ કે જિંદગીમાં કોઇ
નહોતું. એક ચકલી હતી. એ પણ સાવ એકલી. સ્ટ્રોડની માફક. બંને દોસ્ત થયા. ને પછી તો એમની
ટીમ મોટી થઇ. વધુને વધુ ચકલીઓ. પંખીઓ જોડાયાં. સ્ટ્રોડ બધાની કાળજી રાખતો. જેલવાળાઓને
પણ મજા પડી. પંખીઓ માટે દાણાની ગોઠવણ કરી. કો’ક વાર માંદું-સાજું પણ હોય.
ત્યારે રૉબર્ટ પોતે જ દવા બનાવતો. પંખી સાજું તાજું થતું. એણે જેલમાં બેઠાબેઠા પંખીઓ
ઉપર એક પુસ્તક પણ લખ્યું. દુનિયાનો સૌથી જાણીતો ઓર્નિથોલૉજિસ્ટ. પક્ષીવિદ્. જેલનો એક
કેદી. આ પણ સત્ય ઘટના છે. રૉબર્ટ સ્ટ્રોડ. બની ગયો ‘બર્ડમેન ઑફ આલ્કાટ્રાઝ’. ૧૯૬૨ની ફિલ્મ. ડિરેક્ટર
જૉન ફ્રેન્કેનહેઇમર. સ્ટ્રોડ હંમેશા જેલમાં જ રહ્યો. અનેક લોકો મળવા આવતા. જેલ પછી
જેલ રહી જ નહોતી. પક્ષી પ્રેમીઓનું મિલન સ્થળ હતું. પંખી ધારે તો કારાગારના દરવાજા
ખૂલી જાય. આવું હોય એક ચકલી સાથે દોસ્તીનું પરિણામ!
‘પૉલી’ને મળ્યા છો? ટેસ્ટિંગ સેન્ટરના ભોંયરાંમાં
રહે છે. પૂરી દીધો છે. પાંખો ઉતારીને. કોઇ પંખી સાથે સૌથી મોટો અત્યાચાર. માણસ
ખરાને? એ લોકો કરે. ઓળખો
છો? ના, તમે ક્યાં
માણસને હજી ઓળખ્યો છે? પૉલી તોફાની છે. લોકોની મશ્કરી કરે છે. કહ્યું માનતો નથી. એવી એમની ફરિયાદ. સેન્ટરમાં
મિશા નામનો રશિયન ચોકીદાર. પૉલીએ એને બોલાવ્યો. વાત કરી. પહેલા તો પેલો ચમકી ગયો.
એક પોપટ? આટલું બધું બોલે? એ પણ ઇંગ્લિશ? કોઇ ભૂલ વિના? પૉલીએ કીધું. આ લોકો
મારા સાચા ઓનર્સ નથી. એક છોકરી છે. નાની. મૅરી. એ મારી ઓનર છે. મારે એની પાસે જવું
છે. ચોકીદારને વાતમાં રસ પડ્યો. તું મને આખી સ્ટોરી કહે તો, લઇ જઇશ મૅરી પાસે. ચોકીદારે
પ્રૉમિસ આપ્યું.
પૉલી પણ ઉસ્તાદ. કેરી આપ તો કહું. કેરી ખાતો
જાય. સ્ટોરી કહેતો જાય. મૅરીની જીભ અટકતી બોલતાં. પૉલી એને મદદ કરતો. આમ તો સાવ
નાનો. ઉડતા પણ નહોતો શીખ્યો. ત્યાં મૅરીનો પિતા પાછો આવ્યો. સૈનિક હતો. એને પૉલી
ઉપર અણગમો. ઘરમાં બિલાડી લાવીને મૂકી. હવે પૉલીએ ભાગવું જ પડે. મૅરીને મૂકતા પૉલીનો
જીવ નહોતો ચાલતો. મૅરી બિલાડીથી બચવા એને ઉડતા શીખવતી. ઉપર અગાશીમાં. ત્યાંથી એકવાર
પડી ગઇ. મૅરીએ જ એની મમ્મીને કીધું. પૉલીને બીજે ક્યાંક મોકલી દે. ત્યારથી ‘પૉલી’ની અહીં સુધીની સફરનું ભાવનાસભર
બયાન ફિલ્મમાં છે. અને તમારી જાણ સારું, આ એનિમેટેડ ફિલ્મ નથી. બધા જીવતા જાગતા
પાત્રો. જ્હોન રૉબર્ટ્સની ૧૯૯૮માં બનેલી ફિલ્મ. જોવા જેવી છે.
ઑસ્ટ્રેલિયન એડવેન્ચર ફિલ્મ ‘ધ રિયલ મકાઉ’. બ્લૂ અને ગોલ્ડ મકાઉ
પોપટની વાત છે. ૧૯૯૮ની આ મૂવિ પણ એનિમેશન નથી. એક વૃદ્ધને નર્સિંગ હોમમાં મદદ કરતો
મકાઉ. કોઇને ખબર નથી. બોલી પણ શકે. આપણી જેમ જ. એને એક ખજાનાની ખબર છે. વર્ષો
પહેલા એ કોઇ દરિયાઇ ચાંચિયા પાસે હતો. ત્યારથી ખજાના વિષે જાણે. વૃદ્ધને કીધું. એનો
પૌત્ર મકાઉ સાથે જવા તૈયાર થયો. અનેક રોમાંચક, દિલધડક અનુભવોમાંથી પસાર થતા. બંને
પહોંચ્યા. ખજાનાના સ્થળે. પણ હવે, ત્યાં એક રિસૉર્ટ બની ગયો. શું કરશે બંને? એ માટે ફિલ્મ જોવી પડે.
બર્ડ વૉચિંગ. પક્ષી નિરિક્ષણ. (સીધો અર્થ જ
સમજવો. આપણે આડી વાત કરતા નથી). એના જેવો કોઇ અનુભવ નથી. દુનિયાની બધી પળોજણ ઘડીકમાં
છૂ થઇ જાય. અમેરિકામાં એક સ્પર્ધા ચાલે. બિગ યર. સૌથી વધુ નવાં પંખીઓ જુએ. પ્રૂફ
આપે. એ વિજેતા. એમાં આ વખતે ત્રણ જણ જોડાયા છે. દુનિયાદારીથી ત્રાસેલા. એક
સૉફ્ટવૅર ઍન્જિનિયર. અવાજ પરથી પંખી ઓળખી કાઢે. ન્યૂક્લિયર પ્લાન્ટમાં કંટાળાજનક
જૉબ. ડિવૉર્સ થયેલા. જિંદગીથી ત્રાસી ગયેલો. બીજો એક મોટી કંપનીનો સીઇઓ. ધીકતો બિઝનેસ.
સક્સેસરને સોંપીને. રિટાયર્ડ લાઇફ જીવવા માગતો હતો. ત્રીજો રૂફિંગ કૉન્ટ્રાક્ટર. ગઇ
સાલનો ચેમ્પિયન. ૭૩૨ પંખીઓ જોવાનો રેકૉર્ડ હૉલ્ડર. આવી જાવ હવે. મેદાનમાં. ટેકરીઓ
પર. નદી-નાળે. ઝાડી-જંગલમાં. દૂરબીન. અને કાન સાબદાં કરીને. આ ત્રણેય બાંગડુઓની
લાઇફના તોફાન સાથે. ‘ધ બિગ યર’. ડેવિડ ફ્રેન્કેલની ૨૦૧૧ની
ફિલ્મ. ત્રણેયની પર્સનલ કથાઓની કૉમેડી. ઉપરાંત, પંખી જગત સાથેનો એક હૂંફાળો નાતો. કોણ
જીતશે સ્પર્ધા? એ જરા સસ્પેન્સ છે.
પંખીઓ. કુદરતે અનેક શક્તિઓ આપી ઉડતા મૂક્યાં છે. તમે
નહીં માનો. કાગડો. એની પાસે એક અકલ્પ્ય શક્તિ હોય. ગયેલો આત્મા પાછો લાવી શકે. જરાય
મજાક નથી. શાસ્ત્રોમાં પ્રમાણ મળશે. આપણે ત્યાં પણ છજે ખીર મૂકવાનો રિવાજ છે. ૧૯૯૪ની
એક ફિલ્મ. ‘ધ ક્રૉ’. નાયકની મંગેતર. બદમાશોનો
શિકાર બની. ત્યારે ‘સ્લો-મો’એ મદદ કરી. આત્મા પાછો લઇ
આવ્યો. જીવતી થઇ ગઇ છોકરી.
ચકલી ઉપર એક ઇન્ટરેસ્ટિંગ ઍનિમેશન ફિલ્મ બની. ‘વિલી ધ સ્પેરો’. બહુ તોફાન કરીશ તો ચકલી
બનાવી દઇશ. મારા વડીલો પણ ઘણીવાર એવું કહેતા. મારી માફક વિલી પણ સાંભળતો નહીં. એનું
એક જ કામ. એને મન રમત. પણ નાની ચકલીઓને પજવણી લાગે. એટલે સ્પેરો ‘ગાર્ડિયન’, રીપિટ. સ્પેરો ‘ગાર્ડિયન’. (આજે વધુ હુલામણું લાગે).
સ્પેરો ગાર્ડિયને વિલીને ચકલી બનાવી દીધો. ન ઉડતા આવડે. ન કંઇ. ત્યારે એક ચકલી.
ચિપુર એની મદદમાં આવી. બદલામાં વિલીએ ચિપુરને લખતા વાંચતા શીખવ્યું. અને પછી વિલીએ
ચકલીઓના ગ્રૂપને બિલાડીથી બચાવ્યું પણ ખરું. જોનારને એક ક્ષણ માટે પોતે ખરેખર ચકલી
હોય તો? એવો સવાલ સો એ
સો ટકા થાય.
પંખીઓની મસ્તીમાં માણસની વાત કરવાનું મન જ નથી
થતુંને? એવું ખરેખર થાય. કુદરતના
સીધા સંપર્ક સાથે જોડાવ પછી. એક જમાનામાં પાકાં મકાનમાં રહેતા માણસોનાં મન. આટલા
પાકાં નહોતાં. પોળના મકાનોમાં ઊંચે ગોખલા હતા. કબૂતરની પેઢીઓ ઘૂઘવે. આંગણે. છજે.
ઝરૂખે. પરસાળમાં. જાર, પાણીના ઠામ રહેતાં. શ્વાન, ગાયની રોટલી પહેલી ઉતરતી.
ઉપકારનો આડંબર નહીં. ફરજનો ભાગ નહીં. જીવનમાં સહજ વણાયેલી વાત. સહજીવન. સાથે જીવે
તે સહુ. એક પરિવારના સભ્ય. મર્યાદિત આવક. સાધારણ પહોંચ. તેમ છતાં લોકોના ભંડાર ભરેલા
રહેતા. સંતોષથી. ઉમંગથી. હવે?
Viral Mehta