5 ઑગસ્ટ, 2013

જિંદગી એક રીયાલિટી (Udaan 8)


જિંદગી એક રીયાલિટી
બંન્ને તરફ સિક્યોરિટી ગાર્ડ્સ. નજર પડે ત્યાં ફ્લેશના ઝબકારા. કેમેરા લઇને આમથી તેમ દોડતા ફોટોગ્રાફર્સ, મિડિયા, એન્ટરટેન્મેન્ટ જગત.... સ્ટેન્ડિંગ ઓવેશન માટે તૈયાર, ખીચોખીચ ભરેલું ઓડિટોરિયમ. મંચ ઉપર મોટામાં મોટી ટ્રોફી લઇને રાહ જોતા સંગીત જગતના અગ્રણીઓ. લાલ જાજમ પર બસ વીસ-બાવીસ પગથિયાંનું અંતર....
....અને ચાલી આવે છે, વીસ વર્ષની વેદાંશી. અલપ-ઝલપ ધબકતું હૃદય. અસ્તિત્વમાં સાંગોપાંગ એક અજબનું કંપન. મનમાં કોઇ વિચાર નહીં, બસ શૂન્યતા. છતાંય મૂવીનાં દ્રશ્યોની માફક નજર સામે આવતો ભૂતકાળ. ક્યાં બે વર્ષ પહેલાં સંગીત છોડવાનો સંકલ્પ કરી ચૂકેલી વેદાંશી અને ક્યાં આજે આ સંગીત જગતનું સર્વોચ્ચ સન્માન!
કેવો ગમગીન દિવસ હતો? દેશના સુપ્રસિદ્ધ રીયાલિટી શોમાં વેદાંશીએ બીજીવાર ભાગ લીધો હતો. પહેલીવાર તો નિર્ણાયકોએ કડક શબ્દોમાં નીંદા કરીને પહેલા રાઉન્ડમાં જ ફેલ કરી હતી. ટીવીમાં એનું પરફોર્મન્સ બતાવ્યું જ નહીં. પણ બીજીવાર તો હદ થઇ હતી. વેદાંશીના રિજેક્શનની પેરોડી કરી મજાક ઉડાવતો વિડિયો પ્રસારિત થયો. બાળપણથી માતા-પિતા પાસે નિયમિત રિયાઝ કરીને વેદાંશી ખરેખર સારી ગાયિકા બની હતી. એટલે જ રીયાલિટી શોવાળાઓની આ મજાક ખૂબ ક્રૂર લાગી રહી હતી. બાજુના ઘરમાં મોટા અવાજે ચાલતા ટીવીમાં જોઇને લોકો હસી રહ્યા હતા. વેદાંશી માટે તો જિંદગી અસહ્ય થઇ ગઇ. સારું હતું કે, મમ્મી-પપ્પા ઘરમાં જ હતા. નહીંતર....
એ દિવસથી વેદાંશીએ નક્કી કરેલું કે કંઇ પણ થાય, પોતે ફરી ક્યારેય સંગીતનું નામ નહીં લે. સ્ટડી મટિરિયલ વાંચતી. ઓછું બોલતી. ટીન એજનાં મસ્તી-તોફાન તો હવા થઇ ગયાં હતાં. કોઇને મળતી નહીં. ઇચ્છા થાય તો કોલેજ જતી. ત્યાં જવામાં શરમ આવતી. બધાની નજર જાણે તેની હાંસી ઉડાવતી હોય તેવું લાગતું. ઘુટન એટલી હતી કે રડી પણ નહોતી શકતી વેદાંશી. એની સુનમુન હાલત જોઇને પપ્પાએ એક સાંજે બહાર જમવા જવાનું વિચાર્યું. રેસ્ટોરાંનું વાતાવરણ મજાનું હતું. ભોજન સાથે સંગીતકારોનું એક વૃંદ સાંજને સૂરોથી ભરી રહ્યું હતું.
એ લોકો પ્રવેશ્યા ત્યાં તો સંગીતકારોએ ઉમળકાભેર આવકાર આપ્યો. વેદાંશીના પપ્પા સારા લોકગાયક હતા. જાણકારોમાં તેમનું માન પણ ઘણું. સંગીત ચાલતું રહ્યું પણ વેદાંશીની હાલતમાં કોઇ ફેર નહોતો. પપ્પાને એક તરકીબ સૂઝી. એમણે એક કાગળ પર વેદાંશીને ગમતું યુગલ ગીત લખીને ફરમાઇશ કરી. આ એ ગીત હતું જે વેદાંશી તેના પપ્પા સાથે ગાતી ત્યારે ઓડિયન્સ ઝૂમી ઉઠતું. ગીત શરૂ થયું. વેદાંશીની ભ્રમર સ્હેજ ઊંચી થઇ. પપ્પા સામે ફિક્કું હસીને ફરી પાછી તે નીચું જોઇ ગઇ.
પરંતુ, એનું ધ્યાન ગાયિકાવાળા અંતરા પર હતું. એ અંતરા પહેલાની ટ્યૂન શરૂ થઇ. અને વેદાંશી સામે કોઇએ માઇક ધર્યું. મનન હતો. ધીમેથી કહી રહ્યો હતો, 'અમારા ગ્રૂપમાં કોઇ લેડી સિંગર નથી. અને આ ગીત તમારાથી સારું ગાતાં કોઇને મેં સાંભળ્યાં નથી. ઇફ યુ પ્લીઝ ડુ ધ ઓનર ટુ મ્યૂઝિક.....'? સાજ થંભી ગયા. આખો ખંડ વેદાંશી સામે જોઇ રહ્યો હતો. સંગીતનો મલાજો જાળવવાની વાત હતી. મન મક્કમ કરી વેદાંશીએ માઇક ઉઠાવ્યું. પેલી ક્રૂર મજાકના એક અરસા બાદ વેદાંશી ગાઇ રહી હતી. એણે અંતરો ઉપાડ્યો. સંગીત બંધ હતું પણ ગીતના તાલે રેસ્ટોરાંમાં તાળીઓની થાપ શરૂ થઇ. ફરી એ જ માહોલ. ઝૂમતું ઓડિયન્સ. અને પપ્પા મમ્મીનું વરસતું હેત. મહેફિલ ગૂંજી ઉઠી.
ડીનર પછી ઘરે જતા વેદાંશી ખરેખર ખુશ હતી. ત્યાં મનન દોડતો આવ્યો, 'એક મિનિટ, આમ તો અમારી હોટેલ સિંગરથી વધુ કોઇ હસ્તી નથી, પણ વેદાંશી, તમને વાંધો ન હોય તો અમારા ગ્રૂપમાં જોડાશો'? વેદાંશીએ પપ્પા સામે જોયું. 'ઇટ્સ યોર કોલ ડિયર.... ગો અહેડ....', પપ્પાએ કીધું. વેદાંશીએ થોડું વિચાર્યું અને બોલી, 'આ કેટલા વાગ્યા સુધી ચાલશે'? 'દસ થયા છે, એક કલાક હજી ચાલશે', મનને કહ્યું. 'હું આજથી જ જોડાઇ શકું'? વેદાંશીના આ એક સવાલમાં સંખ્યાબંધ જવાબો હતા. આગળ જતા વેદાંશીએ પોતાના ગ્રૂપ સાથે એક મ્યૂઝિક આલ્બમ બહાર પાડ્યું.
આજે એ જ આલ્બમને સંગીત જગતનો મોટામાં મોટો એવોર્ડ મળી રહ્યો હતો. એકેએક પગલે વંદાંશીને પાછલી ક્ષણો યાદ આવી રહી હતી. રિજેક્શનનો અર્થ જો આ થતો હોય તો આવા હજારો રિજેકેશન હવે મંજૂર હતા.
અમેરિકન આઇડોલમાં બબ્બે વખત રિજેક્ટ થઇને પાંચ ગ્રેમી એવોર્ડ જીતનાર સુપ્રસિદ્ધ હિલેરી સ્કોટની વાત પણ આવી જ છે. મહાન સંગીતકાર બીથોવનને નિષ્ણાતોએ કંપોઝર તરીકે હોપલેસ કહ્યા હતા. બીટલ્સ ગ્રૂપને સાઉન્ડ અને ગિટાર ઉતરતી કક્ષાના જણાવી રેકોર્ડ કંપનીઓએ દરવાજો દેખાડ્યો હતો. લતા મંગેશકરે તો ડમી સિંગર તરીકે જ કરિયર શરૂ કરી હતી. આઇનસ્ટાઇન, ન્યૂટન સહિત દુનિયાના મહાન કર્મવીરોને એક સમયે કારકિર્દીના પહેલાં પગથિયે પગ મૂકવાના ફાંફા હતા. તમે નહીં માનો, પણ રૂપસુંદરી મેરિલીન મોનરોને તો પ્રોડ્યુસરે અનએટ્રેક્ટિવ સુદ્ધાં કહી હતી.
આ એ અસામાન્ય લોકો હતા જે "નિષ્ણાતો"ના રિજેક્શનને રિજેક્ટ કરી કર્મની સાધના કરતા રહ્યા હતા. તમારા આંસુથી પોતાની ટીઆરપી વધારતા અનરિયલ રીયાલિટી શોઝને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી.
એક વાત યાદ રાખજો દોસ્તો, દુનિયામાં નંબર વન નામની કોઇ જગ્યા જ નથી અને જો હોય તો તે ખાલી રહે છે. સંગીત તો દાક્તરી, ઇજનેરી, એમબીએથી પણ મોટી સાધના છે. સફળતાની લાલ જાજમ ક્યાંક તમારી પણ રાહ જુએ છે. બનાવો છો? તમારું પોતાનું ગ્રૂપ? આગવી ઓળખ? ઓલ દ બેસ્ટ!

Viral Mehta