12 ઑગસ્ટ, 2013

0 ડિગ્રીથી 360 (Udaan 9)

0 ડિગ્રીથી 360

બધા જ ચહેરા જાણીતા અને દરેકની એક જ ઓળખ – 'ગુડ મોર્નિંગ'! ચહેકતી સવારોની ખુશનુમા પગદંડીઓની આ વિશેષતા છે. ઘણા દિવસે ઉઘાડનું વાતાવરણ હતું. અંતરિક્ષ મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. આ.... હા.... એ જાય પેલા સંકેતકુમાર! સફેદ કુર્તો-પાયજામો. હાથમાં વોકિંગ સ્ટીક. રોબદાર ચાલ. નવયુવાનોના પાક્કા દોસ્તાર. 'મોર્નિંગ એસ.કે.'! અંતરિક્ષે દોડતા આવીને કહ્યું. 'ઓહ્ અંતુ! લોંગ ટાઇમ? વ્હેર હેવ યુ બીન'? અંતરિક્ષને ફણગાવેલાં મગ ઓફર કરતા એમણે પૂછ્યું. 'નથિંગ મચ એસ.કે., કરિયરના કન્ફ્યુઝનમાં. કરવું ઘણું છે પણ....'. 'ભણતરને અનુરૂપ જોબ નથી. જોબને અનુરૂપ ભણતરની શોધમાં જિંદગી નીકળી જાય તેમ છે', સંકેતકુમારે તેની વાતમાં સૂર પૂરાવ્યો, 'ડિગ્રીનો થર્ડ ડિગ્રી રિમાન્ડ પાર કરીને પણ ઝીરો ડિગ્રી, એમ જ ને? વેલ દોસ્ત, આ તારી નહીં ભારતના દરેક ભણેલા યુવાનની કથની છે. પણ ત્યાં જો અંતરિક્ષ.... ઝીરો ડિગ્રીનો 360 ડિગ્રી જવાબ', સંકેતકુમારે ઇશારો કર્યો.
સાક્ષાત્ મુગ્ધતા જેવી એક યુવતી. ટ્રેક સૂટમાં સજ્જ. નમણો ચહેરો. કોન્ફિડન્ટ લૂક. કાન પર હેડફોન. કોઇ ગીતની ધૂનમાં મસ્ત. ઝડપી ચાલ. સંકેતકુમાર સાથે નજર મળતા, હસીને એ તરફ આવી. 'હલો એસ.કે.' કહી અંતરિક્ષ તરફ હાથ લંબાવ્યો, 'પરી!',  'ઓ.... હું હું અંતરિક્ષ', પરીના કોન્ફિડન્સથી ચકિત થનાર એ પહેલો નહોતો. 'તો હવે પરીનો પરિચય થઇ ગયો અંતુ? તમે ટોક કરો, હું વોક પૂરી કરું....', રમુજી અંદાજમાં કહીને એસ.કે. ગયા.
'હું 12મું પાસ છું. મારી એક નાની ફર્મ છે. એમાં હું જ બોસ ને હું જ એમ્પ્લોઇ. ઇન્કમ કલાકના લગભગ 16 ડોલર્સ. હવે પૂછો હું શું કરું છું....', હસતાં હસતાં પરી કહી ગઇ. અંતુના મનમાં તો સવાલોનો સૈલાબ ઉમટી રહ્યો હતો. અજબની આ ઝીરોથી 360 ડિગ્રી હતી? 'એટલે કોઇ જ ડિગ્રી નહીં'? એણે પૂછ્યું. 'મારા કામમાં એની જરૂર નથી', પરીએ કહ્યું. 'એવું કયું કામ કરો છો'? અંતુનું આશ્ચર્ય વધી રહ્યું હતું. 'મારું નામ પરી છે, ઉડવાનું કામ કરું છું', પરી ખિલખિલાટ હસતી હતી, 'ઓ.કે. જોક્સ અપાર્ટ, હું સર્ફર છું. વેબ સર્ફર'. અંતરિક્ષ માટે સાવ નવી વાત હતી. 'વેબ સર્ફર? એટલે'?
'ઇન્ટરનેટ પર જાતજાતની ઇન્ફોર્મેશનનો ખજાનો છે. જાણીતી કંપનીઓને આ માહિતી એકત્ર કરી તેનું એનાલિસિસ કરી આપે તેવા લોકોની જરૂર હોય છે. હું પ્રોજેક્ટ્સ લઉં છું અને નિશ્ચિત સમયમાં પૂરા કરી આપી દઉં છું'. પરીએ કહ્યું. 'કેવા પ્રોજેક્ટ્સ હોય'? અંતરિક્ષે પૂછ્યું.
'ડિપેન્ડ્સ, ઘણીવાર કોઇ માર્કેટિંગ ફર્મ કોઇ ચોક્કસ પ્રોડક્ટ કે સ્ટ્રેટેજી અને તેના પ્રોગ્રેસની વિગતો વિશે સર્ચ કરવાનો પ્રોજેક્ટ આપે. તો કોઇ વાર કોઇ કંપનીની ઇમેજનું એનાલિસિસ માગે. અત્યારે જે પ્રોજેક્ટ પર હું કામ કરું છું એ ખૂબ ચેલેન્જિંગ છે. એક ન્યૂઝ પ્રોવાઇડર કંપની છે. તેને દુનિયાભરની ખબરો સૌથી પહેલાં મોકલવાનું કામ છે.' અંતરિક્ષ ઇમ્પ્રેસ્ડ તો હતો જ હવે પરીનો શિષ્ય બની ગયો. 'તો એ માટે તમે શું કરો'? એણે પૂછ્યું.
'તમામ પ્રકારના સોશિયલ મિડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ, બ્લોગ વગેરે પર હું સર્ફિંગ કરું છું. કોઇએ કરેલું કોઇ સ્ટેટમેન્ટ તેની ઉપર લોકોના રિએક્શન. દુનિયામાં બનેલી કોઇ ઘટના અને તે વિશે લોકોની માન્યતા, પ્રતિભાવો કે કોઇએ પોતાના બ્લોગ પર લખેલી વિગતો એ બધું એકત્ર કરી વિષયવાર ગોઠવી હું કંપનીને વહેલી તકે મોકલાવું છું', પરી વિગતવાર સમજાવી રહી હતી, 'એ માટે દુનિયાભરના બ્લોગર્સ, રાઇટર્સ સાથે સંપર્કો પણ કરું છું. ઇન્ફોર્મેશન સમૃદ્ધ બને તે માટે તેમના વિચારો ઇ-મેઇલથી મેળવી તેમાં ઉમેરું છું',  પરીએ કહ્યું. 'તો તમને કંપનીઓ આ કામ માટે શોધે કેવી રીતે'? અંતરિક્ષ આશ્ચર્યમાં હતો.
પરી હસી પડી, 'કંપની મને નહીં હું કંપનીને શોધું. એક વેબસાઇટ છે, www.homeworkersnet.com. તેમાં ઘરેબેઠાં કરી શકાય તેવા હજારો જોબની વિગતો અને કલાક દીઠ ડોલર્સની વિગત હોય છે. રજિસ્ટ્રેશન પણ ફ્રી છે. તમારા ઇન્ટરેસ્ટ અને આવડત મુજબ જોબ પસંદ કરો અને મોકલાવી દો'. 'કોઇ બેઝિક ક્વોલિફિકેશન તો હશેને'? અંતરિક્ષ હજી પણ ડિગ્રીના બોજ તળે હતો. 'હા, ખરુંને! ડેડિકેશન અને પેશન. ઉપરાંત, સેલ્ફ-ડિસિપ્લિન, બાજ જેવી નજર, ઝડપી અને લોજિકલ વિચારસરણી.... અને હા.... લાંબો સમય બેસીને કામ કરવાની ક્ષમતા'. પરી એ સ્માઇલ સાથે કહ્યું. હજીય અંતુના મનમાં કંઇક ચાલી રહ્યું હતું, 'એક છેલ્લો સવાલ પૂછું? તમે આ સર્ચ કરવાનું અને ચોક્કસ માહિતી મેળવવાનું ક્યાંથી શીખ્યા'?
'વિયેના, વર્જિનિયાથી', મશ્કરીમાં પરી બોલીને હસી પડી, 'ત્યાંના એક લેખક છે, રેન્ડોલ્ફ હોક, તેમનું એક પુસ્તક મેં વાંચ્યું છે – દ સાયબરસ્કેપ્ટિક્સ ગાઇડ ટુ ઇન્ટરનેટ રિસર્ચ'. એમાં વિવિધ સર્ચ એન્જિનો અને તેના ઉપયોગની સારી સમજ છે'. પરીના આત્મવિશ્વાસનું દરેક કારણ અંતરિક્ષની નજર સામે હતું. હવે એક જ સવાલ એના મનમાં આવી રહ્યો હતો. પણ એ પૂછવાની હિંમત થાય એ પહેલાં જ એક અવાજ આવ્યો, 'પરીના હમણાં જ એન્ગેજમેન્ટ થયા છે. એક રિસર્ચ કંપનીના ઓનર સાથે.' એસ.કે. વોક પૂરી કરીને આવી ગયા હતા. શરમથી ઝૂકેલો પરીનો રતુંબડો ચહેરો જોઇ અંતરિક્ષને થયું આ છોકરીનું નામ ક્યાંક લાલિમા તો નથીને?
ખરેખર દોસ્તો, કરિયરની અંતરિક્ષનાં અનંત માપવા મનની પાંખમાં પરીઓની ઉડાન જોઇએ. સ્ટડી સાથે અને પછી કરી શકાય તેવા સંખ્યાબંધ હાઇલી પેઇંગ જોબ ઇન્ટરનેટ પર તમારી રાહ જુએ છે. બસ, જરૂર છે થોડી તસ્દી લેવાની. ઇન્ટરનેટને, સોશિયલ નેટવર્કિંગને થોડી અલગ રીતે જોવાની. ઉજ્જ્વળ કારકિર્દીના સંકેત બસ એક ક્લિક દૂર છે.

Viral Mehta