એકદમ નવો બિઝનેસ
બિઝનેસ માટે તૈયાર છોને? કયો બિઝનેસ કરશો? મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, સર્વિસ સેક્ટર, એડવર્ટાઇઝિંગ, ફિલ્મ પ્રોડક્શન, હોસ્પિટાલિટી, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મિડિયા, રાજનીતિ કે પછી આ બધું જ? મોબાઇલ, કમ્પ્યુટર્સ, ક્લોથ અને ગારમેન્ટ્સ, ડાયમંડ અને જ્વેલરી, શિપિંગ, કન્સટ્રક્શન, ખેતી ઉદ્યોગ કે આ અને આના જેવા તમામ? કે પછી આવી કોઇ અખબારી કોલમ લખવાનું કામ? તમને ખ્યાલ નહીં હોય પણ તમે આમાંનું કંઇ પણ કરી શકો તેમ છો. એટલું જ નહીં, આ તમામ કામ એક સાથે પણ કરી શકો તેમ છો.
તમે કહેશો કે આજે અઠવાડિયાંના પહેલા દા'ડે આ શું માંડ્યું છે? મને ખ્યાલ છે, તમે થોડા વિચારમાં પડી ગયા છો. કેમ કે, મેં તમારા વિષે તમે જે જાણો છો, છતાંય અજાણ રહેવા પ્રયત્ન કરો છો એવી વાત કહી છે. એક બીજી પણ વાત કહું, વ્યક્તિ જે જુએ તે જ કરે, અને જે સાંભળે તે જ બોલે. ઘરમાં ગુજરાતી અને સ્કૂલમાં અંગ્રેજી, હિન્દી સાંભળ્યું અને બોલતા શીખ્યા. પણ જર્મન ભાષા સાંભળી નથી એટલે બોલતા નથી. પપ્પા-મમ્મી, વડીલોને આદર આપતા જોયા અને એ તમે શીખ્યા. એટલે જ કહું છું, તમે ઉપરના લિસ્ટમાં છે અને ઉમેરી શકાય તેમ છે, તે બધું જ કરી શકો તેમ છો. કારણ કે, તે બધું જ તમે રોજેરોજ જુઓ છો. તે વિષે સાંભળો છો. પણ તમે તમારી અંદર જ તેના વિષે સગવડિયો ગમો-અણગમો ઊભો કર્યો છે. આલ્બર્ટને તો જાણતા જ હશો. આલ્બર્ટ ફાન સેન-દ્યોર્દી (Albert von Szent-Gyorgy). એના નામનો ઉચ્ચાર થોડો અલગ છે. આલ્બર્ટ કહે છે, 'સંશોધન એટલે બધાએ જોયું તે જોવું પણ તે વિષે કોઇ ન વિચારે તે વિચારવું'. આલ્બર્ટે વિટામિન Cની શોધ કરી હતી. ખટાશ તો આપણે બધાએ અનુભવી છે, પણ એના ગુણ શોધનાર આ પહેલો માણસ હતો. હવે લીંબુપાણી પીઓ ત્યારે તેની આ વાત યાદ રાખજો.
આજની આપણી વાત પણ સંશોધનની જ વાત છે. આપણી પોતાની ક્ષમતાનું સંશોધન. સંશોધન એ જ તો સાચો વિકાસ છે. આધુનિક જગત રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કહે છે, તે સંશોધન અને વિકાસના મૂળમાં છે, એક વિચાર. સૌથી અલગ વિચાર. મને ખ્યાલ છે, તમે મનમાં કહી રહ્યા છો કે, કંઇક અલગ કરવા ફાયનાન્સ, ફોર્સ, ફિઝિબિલિટી, એક્સપિરિયન્સ વગેરેનું શું?
તમારી ઓળખાણ હાર્વી સાથે કરાવું. હાર્વી ફાયરસ્ટોન. એ કહે છે, 'બિઝનેસમાં કેપિટલ અગત્યનું નથી કે નથી અનુભવની જરૂર. આ બધું તો તમે મેળવી શકશો. પણ જેની ખરેખર જરૂર છે, તે છે વિચાર – આઇડિયા. તમારો આઇડિયા જ સૌથી મોટી મૂડી છે. એ હશે તો બિઝનેસ કે જીવનમાં તમારી ક્ષમતાની કોઇ સીમા નહીં રહે'. વિશ્વમાં સૌથી પહેલો ટાયર ટ્યૂબ બનાવવાનો આઇડિયા હાર્વી ફાયરસ્ટોનને જ આવ્યો હતો. આજે પણ 'ફાયરસ્ટોન' અમેરિકાની અગ્રણી રબર કંપની છે.
આજના તીવ્ર સ્પર્ધાના યુગમાં વિચારની ઝડપે જરૂરિયાતો બદલાય છે. એટલે જ આજનો જમાનો આવતીકાલના વિચાર માંગે છે. એવા વિચાર જે ફ્લેક્સિબલ હોય. ઇમ્પ્રોવાઇઝ થઇ શકે તેવા હોય.
પાછલાં કેટલાક વર્ષોના ઇકોનોમિક સ્લોડાઉન વિષે સંશોધન કરનારાઓ સ્પષ્ટ નોંધે છે કે મંદીના પાયાના કારણોમાં નવા વિચારોનો અભાવ છે. જે કંપનીઓએ સંશોધન અને વિકાસ ક્ષેત્રે રોકાણ ઘટાડીને માત્ર માર્કેટિંગનું બજેટ વધાર્યું છે, તેમને મંદી વધુ નડી છે. આ એક અવલોકન નોંધીને તમારી જેમ જ મારા એક દોસ્તે પોતાની 'આઇડિયા ઇનોવેશન ફર્મ' ઊભી કરી છે. અને આશ્ચર્યજનક સફળતાથી તે બિઝનેસ વધારી રહી છે. ઉપર જણાવેલા તમામ પ્રકારના બિઝનેસ સેક્ટર્સ આજે તેના ક્લાટન્ટ્સ છે. આ મિત્રની કંપની ક્લાયન્ટ્સના બિઝનેસનો તલસ્પર્શી અભ્યાસ કરે છે. વિષય નિષણાતોને રોકે છે. ઉત્પાદનથી માંડીને વેચાણ સુધી ક્લાયન્ટને નવીનીકરણના સઘન વિચાર આપે છે. હાલમાં જ પોપ્યુલર થયેલી પિઝ્ઝા ફ્લેવર ચિપ્સ, આવાં જ ભેજાંબાજ ઇનોવેશનનો એક નમૂનો છે.
હવે બોલો. તમે તમારા વિષે દુનિયા વિચારે છે એ જ વિચારો છો? કે કંઇક અલગ? નવા વિચાર માટે રુઢિગત વિચારોના દરવાજા ખોલીને બહાર આવવું જ પડશે તમારે. કારણ કે, દરેક દરવાજાની બહાર જ ભરપૂર શક્યતાઓનું વિશાળ વિશ્વ છે. શક્ય છે, આવતીકાલે તમે પણ કોઇ ઇનોવેટિવ આઇડિયાના જન્મદાતા બનો. અને હું હાર્વી, આલ્બર્ટની માફક તમારા વિચારો પણ ટાંકવા પ્રેરાઉં. વળી પાછું તમે કનફ્યુઝ થયા? આનો કોઇ અભ્યાસક્રમ હોય કે નહીં તે વિષે? તો દોસ્ત આઇડિયા કેવી રીતે લાવવો એની કોઇ સ્કૂલ નથી હોતી. આમેય શાળા-કોલેજો, બહુ-બહુ તો સાધનોથી વાકેફ કરી શકે, તેનો ઉપયોગ તો આપણા અનોખા વિચારને જ અનુસરે છે. ઇનોવેશન તો વિષયના ઊંડા અભ્યાસ અને આગવા વિચારથી જ મળે.
એક વાત હંમેશા યાદ રાખજો.... ઉંમરથી કોઇ વૃદ્ધ થતું નથી અને અનુભવે કોઇ સિદ્ધ થતું નથી. રવિન્દ્રનાથે ઢળતી ઉંમરે જ ચિત્રકામ શીખવાનું શરુ કરેલું. અનુભવ હંમેશા નવો હોય છે અને વર્ષોમાં માત્ર વાળ સફેદ થાય છે. તમારી પાસે કોઇ વિચાર હોય કે કોઇ વસ્તુ યા સ્થિતિને નવી રીતે જોવાની વૃત્તિ હોય તો આજથી જ કંઇક શરૂ કરો. નવીનીકરણ તો નવા વિચારો માગે છે. અનુભવીને પ્રથમ પસંદગી આપનારી ઘણી કંપનીઓને તાળાં લાગ્યાના અને નવા તરવરતા યુવાનોએ અનેક વિશાળ કંપનીઓનું નિર્માણ કર્યાના કંઇક દાખલા મૌજૂદ છે.
Viral Mehta