કૉલેજો વર્થ કે પછી
વ્યર્થ?
બધાનું માનવું હતું શરાવતીએ પોસ્ટ ગ્રેજ્યુએશન તો કરવું જ જોઇએ. ઇંગ્લિશ
લિટરેચર સાથે બી.એ. કર્યું હતું. સેલ્ફ ફાઇનાન્સ કૉલેજમાંથી. ફર્સ્ટ ક્લાસ આવેલો. મમ્મી
થોડા અલગ વિચારનાં. ડબલ ભણીને પણ સાસરે જ જવાનું. રસોડું જ સંભાળવાનું. છૈયાંનાં
બાળોતિયાં જ ધોવાનાં. પતિના લંચબૉક્સનો ટાઇમ પહેલો સાચવવાનો. તો ભણવામાં ક્યાં
ટાઇમ બગાડવો? હટ લઇને પરણાવી દઇએ. પછી એને ઘેર જઇને આગળ જે
કરવું હોય તે કરે. એ જાણે ને એનો ઘરવાળો જાણે. શરાવતીને બહુ લાગી આવતું. આ ઘર
મારું નહીં? મારી પોતાની કોઇ મરજી નહીં? મારી લાઇફ મારી
નહીં? મનમાં ધૂંધવાઇને બેસી રહેતી. જો કે, ડૅડી ઉત્સાહી હતા. ઘણી
કૉલેજોનાં માહિતી પત્રકો લાવ્યા હતા.
શરાવતી ત્યાં પણ મૂંઝાતી હતી. ગ્રેજ્યુએશનમાં કૉલેજની ફી. ગ્રૂપ ટ્યૂશનની રકમ.
પુસ્તકોનો ખર્ચ. ઇતર પ્રવૃત્તિઓનો ખર્ચ. કૉલેજ જવા-આવવા ડૅડીએ ટુ-વ્હિલર પણ
અપાવેલું. એના હપતા પણ હજી ચાલુ હતા. બધું મળીને નાખી દેતાંય દોઢ પોણા બે લાખ
ગ્રેજ્યુએશન પાછળ ખર્ચાઇ ગયા. આગળ ભણવા બૅંકની લોન સિવાય છૂટકો નહોતો. બે વર્ષમાં
માસ્ટર્સની ડિગ્રી તો મળે. પણ પછી? મિનિમમ પાંચ લાખની લોનના
હપતા જૉબની રાહ નહીં જુએ. ડિગ્રી મળશેને ઉઘરાણી શરૂ. આટઆટલા ખર્ચ પછી પણ કરિયરનો તો
પ્રશ્નાર્થ જ રહેતો હતો. પછી લગ્નની ઉંમર પણ થઇ જાય. એક જોતાં મમ્મીની વાત કડવી પણ
ખરી લાગતી હતી. બીજી તરફ ડૅડીનું પ્રોત્સાહ્ન અને પોતાની ઇચ્છા. શું કરે શરાવતી?
એ છોકરી હતી એટલે એને તકલીફ હતી એવું રખે માનતા. ઇંગ્લિશ લિટરેચર વિષયની પસંદગી
પર પણ કોઇ ડાઉટ ન કરતા. મુક્તક તો કમ્પ્યુટર્સ ભણ્યો છે. એ પણ સૌથી સારી ગણાતી
એટલે જ મોંધી પણ ગણાતી ઇન્સ્ટિટ્યૂટમાંથી. નજીકના શહેરમાં કૉલેજ હતી. હૉસ્ટેલમાં
રહેવું નહોતું. એટલે કૉલેજની બસમાં આવતો જતો. બસની ફી કોઇ ઘર ભાડે રાખ્યા બરાબર જ હતી.
પ્રોજેક્ટ્સ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, લૅબ એક્સપેન્સ, પુસ્તકો, પર્સનલ ક્મપ્યુટર,
કેન્ટિન ચાર્જિસ. ઉપરાંત, દર છ મહિને વસૂલવામાં આવતી સેમેસ્ટર ફી. એના પિતાને પણ
ઘરખમ બજેટની વ્યવસ્થા કરવી પડેલી. અને તોય મુક્તક હજુ માત્ર બૅચલર થયો હતો. એની
લાઇનમાં તો સ્પેશ્યલાઇઝેશન, માસ્ટર્સ, પીએચડી સિવાય કોઇ ગણતરી જ ન થાય. આ તમામ
માસ્ટર્સ માટે ઇન્ડિયાની કેટલી આઇ.ટી. ઇન્ડસ્ટ્રી દરવાજા ઉઘાડીને બેઠી છે? કેટલાને
અમેરિકાવાળા વીસા આપશે? કેટલા યુવકોને કોઇ ગ્રીન કાર્ડવાળી કન્યા મળશે?
બી. કૉમ. બીબીએ. બીસીએ. બી એસસી. બી ટૅક. બી ફાર્મ, અરે એમબીબીએસ સુદ્ધાંનો
કોઇ ગજ નથી વાગતો. લાખ્ખો રૂપિયાનાં દેવાં કરીને માત્ર ગ્રેજ્યુએટ થવાય. મારા
દાદાના જમાનામાં ગ્રેજ્યુએટને મજાકમાં ગાજર-વેટ (ગાજર જેટલાં વજન/ભાવ) કહેતા. આજના
શિક્ષણ જગતે દાદાની એ મજાક સાવ સાચી પાડી છે. બૅચલરની કોઇ વેલ્યુ જ નથી. ઇવન લગ્ન
માટે પણ કોઇ પૂછવા ન આવે. જો માસ્ટર્સ કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો લટકો ન હોય તો. ગ્રેજ્યુએટ
એટલે ભણ્યા ન ભણ્યા બધું એક સરખું. અને બધું જ ભણી લો પછી? ગંભીર સ્ટાઇલમાં
મોં રાખીને ખૂબ એજ્યુકેટેડ હોવાનો મોભો જાળવવાનો. એકાદ જગાએ ડૉક્ટરેટમાં નામ
નોંધાવી રાખવાનું. સિરિયસ સિરિયસ વાતો કરવાની. દેશની ઇકોનોમી માટે એક્સપર્ટ
ઓપિનિયન રાખવાનો. બે-ચાર જણને કરિયર માટે સાચી સલાહ આપવાની. ને કામની તલાશમાં
કોઇને ખબર ન પડે એ રીતે ફરતા રહેવાનું.
આપણે ત્યાં આ વર્ષો જૂની સમસ્યા છે. ભણતરને અનુરૂપ જૉબ ઑપર્ચ્યુનિટી. કથળેલી
શિક્ષણ પ્રથાને ઢાંકવા હવે સ્કીલ ડેવલપમેન્ટની નવી સફાઇદાર સલાહ અપાય છે. મોટી
કંપનીઓએ તો ખાસ આ પ્રકારના એમ્પલૉઇ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર્સ ખોલ્યાં છે. એચ. આર.
ઇનિશિએટિવના નામે. ભણેલાને ફરી ભણાવવા. તો હે શિક્ષણ જગતના મહાન અભ્યાસુઓ. હે
અભ્યાસક્રમ બનાવનારા માંધાતાઓ. હે તળીયાં તોડીને ઊંચી ફી વસૂલતા શિક્ષણ ઉદ્યોગના
શેઠિયાઓ. હે દર ત્રણ મહિને લાલ પેનની અણીએ પરીક્ષા લેનારાઓ. મારો, શરાવતી, મુક્તક
અને તમામ ભણતા દોસ્તો વતી એક નાનકડો સવાલ છે. જો આટલું ભણીને, રીતસર ભણવાનું
પરવારીને પણ કોઇ કામ માટે ફરી ભણવું પડે. સ્કીલ અલગથી શીખવી પડે તો, તમારા અહીં
હોવાનું કોઇ પ્રયોજન ખરું?
કૉલેજોનું કંઇ વર્થ, કોઇ અર્થ ખરો? સ્કૂલના ૧૨થી ૧૩,
બૅચલરના ૩થી ૪, માસ્ટર્સના ઓછાંમાં ઓછાં ૨ વર્ષ પછી પણ જો યુવાન દેશના યુવા જગતને ડિગ્રીમાં
લપેટીને તમે માત્ર મૂંઝવણ જ આપી શકો. તો તમારું હોવું ન હોવું એક કહેવાય. ભાવિ
ઘડનારું ભણતર કેવું હોય એ માટે તમે ક્યાંક જઇને કોઇ ક્રેશ કોર્સ કરી આવો સાહેબો. જે
દા’ડે ભારતનો વિદ્યાર્થી અને એના મા-બાપ અર્થ વિનાની સ્પર્ધા
અને ડિગ્રીની ધોંસની બીક છોડી દેશે. આ ભારેખમ શિક્ષણે રચેલી ભૂતાવળ ભાંગી જશે એ દા’ડે? જ્યારે યુવાનને
પોતાની હસ્તીનો આપ પરિચય થઇ જશે ત્યારે? ત્યારે કોઇ આ ભણતરનો ભાવ
નહીં પૂછે.
આવનારો જમાનો ફ્લેક્સિબલ એકેડેમિક્સનો છે. બૅન્ચ, લૅબ, ટેબલ, અક્રોસ દ ટેબલના
સ્થૂળ કૉન્સેપ્ટ છોડવા પડશે. ‘મારે’, સ્ટુડન્ટને શું
શીખવું છે એનું મહત્ત્વ છે. કૉલેજો વેચે એ શિક્ષણ ખરીદવા હું તો તૈયાર નથી જ. દેશનું
ભાવિ સાવ નવી શિક્ષણ પદ્ધતિ માગે છે. તાત્કાલિક. અભી હાલ. હમણાં અને અત્યારે. બદલી
શકો તો સારું છે. બાકી બહારની દુનિયા દરેક ક્ષણે નવી ઊંચાઇ સર કરી રહી છે. શિક્ષણ
જગતના મોભીઓ, દરેક ક્ષણે ભારતના વિદ્યાર્થીને તમે સદીઓ પાછળ તો નથી હડસેલી રહ્યાને?
દોસ્તો, મોટાં ટાઇટલ, લેબલથી અંજાવાની જરૂર નથી. એ જ ભણો જે ‘કર્મ’ શીખવે. તમારી પોતાની
વિશેષતા શોધવામાં સાથ આપે. મને વિશ્વાસ છે, તમારામાં કંઇક એવું ઉમદા છે, જે માત્ર
તમે જ કરી શકો. બીજું કોઇ નહીં. બસ, એ શોધ જારી રહે....
Viral Mehta