20 જૂન, 2014

નિરાંતને ખભે માથું મૂકીને ફિલ્મ જોવી છે? (Hollywood Cafe 32)



નિરાંતને ખભે માથું મૂકીને ફિલ્મ જોવી છે?
બધા તૈયાર છોને? બસ તો ચાલો, દુનિયાની ગડમથલથી દૂર. જુઓ ત્યાં અગણિત ભવ્યતાઓ તમને હસીને આવકારે છે. હળવાશ હાથ ઝાલીને કુમાશની પડખે બેસાડે છે. અદભૂતને અઢેલીને તમે રોમાંચના ખોળે લંબાવો છો. પડખેથી નિરાંત તમારી તરફ સરકે છે, એના ખભે માથું મૂકી તમે હરખાવ છો. અને સામે વિશાળ પરદા પર મનગમતી ફિલ્મ શરૂ થાય છે. મનોરંજન બેનમૂન લાગે છે. સિનેમા સાચે જ અદભૂત લાગે છે. મનમાં થાય કે, કાશ આ ફિલ્મ કદી પતે જ નહીં. પતે તોય અહીંથી જવું નથી. અહીં દુનિયાની જફાઓથી મુક્તિ છે. દિલ ખોવાઇ જવાની ગૅરંટી છે. હા, હૉલિવૂડ સિનેમાને પણ રહેવું ગમે એવાં આ ઘર છે. પર્યટકો માટે અનોખાં આકર્ષણ છે. આ છે, મૂવિ હૉલની નવી પરિભાષા. આવો આજે હૉલિવૂડને અનેક નવા સ્વપ્નિલ અંદાજમાં માણીએ....
સિક્રેટ સિનેમા
બોલો કદી સાંભળ્યું છે આવું? ટિકિટ લીધી હોય પણ મૂવિનું નામ ખબર ન હોય? થિયેટરનું એડ્રેસ ખબર ન હોય? આખો દિવસ દ્વિધામાં રહો. પછી છેલ્લી ઘડીએ એક ઇમેલ કે મૅસેજ મળે. એમાં સરનામું લખ્યું હોય. એવું લોકેશન જેનું નામ જ પહેલી વાર સાંભળ્યું હોય. પહોંચો ત્યાં કોઇ મૂવિ હૉલ ન હોય. બસ એ બાગ હોય. દિમાગ એટલું વ્યાકુળ થઇ જાય કે, કોઇ ચોકીદાર કે ટિકિટ જોનાર મળે તો ખખડાવી કાઢું! તમે સતત વધતી ઉત્સુકતા સાથે ગાર્ડમાં ફરી રહ્યા હો. અને અચાનક.... લૂક ડૅડી, ટૉમ ક્રૂઝ, ઉત્કંઠાથી તમારો પુત્ર બૂમ પાડી ઊઠે. તમારી પણ નજર ત્યાં પડે. એક વિશાળ સ્ક્રીન દેખાય. ફિલ્મ શરૂ થવાની વાર હોય. ને ટૉમ ક્રૂઝ ટર્મિનેટર ફિલ્મનું પેલું રોમાંચક દ્રશ્ય જાતે પરફૉર્મ કરતો દેખાય.
હા, આ સિક્રેટ સિનેમા છે. એમાં ફિલ્મ, સ્થળ અને સમયની છેલ્લી ઘડી સુધી જાણ કરાતી નથી. મૂવિ જોવાની અધિરાઇ અને રોમાંચ ગળે આવી જાય ત્યાં સુધી. તમને કંઇ જ ખબર ન હોય. સ્થળ પર પહોંચો ત્યારે પરદા પર રજૂ થતા પહેલાં ફિલ્મ લાઇવ શરૂ થાય. સિક્રેટ સિનેમા. ૨૦૦૪માં શરૂ થયેલી કંપની છે. ફૅબિન રિગેલ નામના ભેજાંબાજનો આ અજબ અને રોમાંચક કૉન્સેપ્ટ છે. કહેવાય છે, કે દુનિયામાં કોઇ સ્થળે પહેલીવાર આપણે એક જ વાર જઇએ છીએ. ફૅબિન આ વાત ખોટી ઠેરવે છે. ફિલ્મ જોવાનું એક્સાઇટમેન્ટ દર વખતે પહેલીવાર જોતાં હોઇએ તેવું જ રહે છે. છે ને, મનોરંજન સૌથી રોમાંચક સ્વરૂપે!
સિને થિસિયો
મલ્ટિપ્લૅક્સ તો હવે રૂટિન થઇ ગયાં છે. આપણે અનેક ફિલ્મો જોઇ કાઢી. પરંતુ, ગ્રીસ એથેન્સની વાત જરા જુદી છે. આમ જુઓ તો, એથેન્સ મનોરંજનની રાજધાની જ કહેવાય. કોઇ સ્ટેડિયમથી પણ વિશાળ નાટ્યગૃહોની ત્યાં સદીઓ પુરાણી પરંપરા છે. આ આઉટ-ડૉર થિયેટર્સની રચના એવી હતી કે, પાત્રોના સંવાદ કોઇ માઇક કે એમ્પ્લિફાયર વિના સ્પષ્ટ સંભળાતા. પછી આવ્યો ચલચિત્રોનો યુગ. એથેન્સમાં ત્યારે પણ આ પરંપરા જળવાઇ રહી. આઉટ-ડૉર સિનેમા સ્વરૂપે. એથેન્સ શહેરની બરાબર મધ્યમાં. એક વિશાળ બાગમાં. સાંજ પછી વાતાવરણ બદલાઇ જાય છે. એક-બે નહીં એનેક સ્ક્રીન ઝળહળી ઊઠે છે. એ દરેક પરદાની ગોઠવણ એવી રીતે કરાય છે કે બૅકડ્રોપમાં પ્રાચીન ગ્રીક સભ્યતાના પ્રતીક સમો એક્રોપોલિસનો ઊંચો ગઢ દેખાય. બસ આરામથી ઇઝી ચૅરમાં સ્વાદિષ્ટ ભોજન સાથે ફિલ્મની મજા માણો! દરેક સ્ક્રીન પર અલગ મૂવિ ચાલે તોય એક ફિલ્મનો અવાજ બીજી ફિલ્મ જોનારને ડિસ્ટર્બ ન કરે એવી વ્યવસ્થા છે. એ પણ આવી ખુલ્લી જગામાં. આપણે ત્યાં તો શાહરૂખ કોઇ રૉમેન્ટિક ગીત ગાતો હોય ત્યાં બાજુના હૉલમાંથી અક્ષય કુમારની લાતો વાગે.
સિઓલનાં 4DX
ઇન્ડિયામાં હજી 2G નેટવર્કની તકરારો છે. ત્યાં સાઉથ કોરિયામાં 5G શરૂ થઇ ગયું. 5G એટલે 2 GBની ભારેખમ કહેવાતી ફિલ્મ, નેટ પરથી માત્ર થોડી ક્ષણોમાં ડાઉનલોડ થઇ જાય એટલી સ્પીડ. પછી દક્ષિણ કોરિયાના સિઓલ શહેરમાં સિનેમા જગત ક્યાં પહોંચ્યું હશે? જરા વિચારો. અહીં 3D જોવા ઝાંવાં મારવા પડે છે. ત્યાં 4Dનો જમાનો છે. હા, ફિલ્મમાં કોઇ અપ્સરા સ્ક્રીન પર આવે તો તમારા હાથને એનો ગાઉન અડીને જાય એવી ઝનઝનાટી તમે અનુભવી શકો. એના અલૌકિક અત્તરની સુવાસમાં તમારું અસ્તિત્વ મદહોશ બની જાય. અચાનક તમારા માથા ઉપરથી રાજકુમારનો ઘોડો કૂદે. ઘોડાની એડીથી ભીની માટીની છાલક તમારા મોં પર ઊડે ને તમે ખસી જાવ. તમારી નજર ચૂકવીને રાજકુમાર અપ્સરાને ઘોડા પર લઇ દૂર ચાલ્યો જાય.... મલ્ટિએંગ્યુલર લાઇવ સિનેમા. માત્ર સ્કીન પર જ નહીં તમારી ચારે તરફ ફિલ્મ ચાલે. એવું 4D ફિલ્મ જગત. રંગ, સ્પર્ષ, ગંધ, અવાજ અને લાગણીની તમામ સંવેદનાઓ સજાગ કરી મૂકતો અનુભવ. સિઓલ જાવ ત્યારે 4DX સિનેમા અચૂક જોતા આવજો. ત્યાં આવાં એક-બે નહીં ૧૪ 4DX સિનેમા છે.
સોશિયલ સિનેમા
આજકાલ સોશિયલ નેટવર્કની બોલબાલા છે. ઇલૅક્ટ્રોનિક મિડિયાવાળા તો એને સોશિયલ મિડિયાનું તખલ્લુસ પણ આપી ચૂક્યા છે. કંઇ લેવા-દેવા વિના હોં. લાઇક, ફોલો, કમેન્ટના ખોખલા અનુભવમાં ફસાવતા આ વર્ચુઅલ વિશ્વમાં કંઇક એક્ચ્યુઅલ બની રહ્યું છે. જાપાન ગયા છો કદી? જાવ તો ખરેખર જલસા પડી જશે. દુનિયાના સૌથી મોટા ટેક્નોલૉજી જાયન્ટ દેશે વિશ્વમાં સૌથી નાનો સિનેમા હૉલ બનાવ્યો છે. માત્ર ૪૦ બેઠકોવાળો. ત્યાંના સુપ્રસિદ્ધ સતત ધમધમતા અપલિંક બિઝનેસ સેન્ટરમાં. અપલિંક ફૅક્ટરીની બાજુમાં. તમે કહેશો કે, એમાં શું અમારી ઑફિસનો કૉન્ફરન્સ રૂમ તો એથીય નાનો છે. પરંતું, દોસ્તો આ હૉલ કૉમ્પેક્ટ છે, નાનો નથી. એની સીટ એટલે ખરેખર નિરાંતનો ખોળો. એમાં બેઠા પછી તમારું વજન પણ તમને લાગે નહીં. એકદમ હળવા ફૂલ. સીટના હૅન્ડરેસ્ટ પર એક બટન હોય. એક જ બટન. તમારી ઇચ્છા સમજી શકે એટલું ઇન્ટેલિજન્ટ. રિફ્રેશમૅન્ટની ઇચ્છા થાય તો એ જ બટન દબાવો, બટલર હાજર થશે. પુશબૅક માટે પણ એ જ બટન. અને ચાલુ ફિલ્મે બાજુના ગ્રૂપ સાથે ફિલ્મની ચર્ચા  કરવી હોય તો, ચૅર સરકાવીને ત્યાં પણ લઇ જવાય. મનોરંજન એટલે આઝાદી. આ ઉક્તિને જાપાનીઓ સાર્થક કરી રહ્યા છે.
ડાર્લિંગ હાર્બર, સિડની
દુનિયાનો સૌથી મોટો સિનેમા સ્ક્રીન અહીં છે. ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં. લિવ, ડાય, રિપિટ જુઓ કે, ટ્રાન્સફૉર્મર સીરિઝની લેટેસ્ટ એડિશન કે ગૉડ્ઝિલા. આઉટ ઑફ વર્લ્ડ એક્સપિરિયન્સ આને જ કહેવાય. ડિજિટલ આઇમેક્સ 3D. આઇમેક્સ એટલે ઇમેજ મેક્સીમમ. કૅનેડિયન કંપની છે. ગ્રાયમે ફર્ગ્યુસન, રોમન ક્રોટિયર, રૉબર્ટ કૅર અને વિલિયમ સી. શૉ. એના પ્રમોટર્સ છે. ડાર્લિંગ હાર્બરનો આઇમેક્સ સ્ક્રીન ૧૧૭. ૧ ફીટ લાંબો અને ૯૭. ૪ ફીટ ઊંચો છે. આઇમૅક્સ ટેક્નોલૉજી ફિલ્મનું રિઝોલ્યુશન અનેકગણું વધારી શકે છે. ૩૫ એમએમની ફિલ્મ આશરે ૬ હાજાર હૉરિઝોન્ટલ લાઇન્સ (6 K) રિઝોલ્યુશન આપે છે. જ્યારે આઇમૅક્સ કૅમેરાની ફિલ્મ, ૧૮ હજાર હૉરિઝોન્ટલ લાઇન્સ (18 K) જેટલું પાવરફૂલ રિઝોલ્યુશન આપી શકે છે. આ મેળવવા માટે ૬૫ એમએમની ફિલ્મને કૅમેરા દ્વારા ૧૫ પર્ફોરેશન્સમાંથી ૧૦૨. ૭ મીટર પ્રતિ મિનિટની ઝડપે પસાર કરવામાં આવે છે. આઇમૅક્સ ફિલ્મને ૧૫/૭૦ ઇંચના ફૉર્મેટથી ઓળખવામાં આવે છે. આને કહેવાય ટેક્નોલૉજીનો કમાલ. દુનિયામાં સૌથી વહેલી ૩૧ ડિસેમ્બર ઉજવતા સિડનીમાં ફરવા જાવ ત્યારે આઇમૅક્સનો ચસકો માણીને જ આવજો. ટીજ્યુઆના, મૅક્સિકોમાં આઇમેક્સ કંપનીએ આઇમૅક્સ ડોમ પણ બનાવ્યો છે. દૂરથી પૃથ્વિના ગોળા જેવો દેખાતો આ ડોમ 3D ફિલ્મ માટે બેનમૂન મોન્યુમેન્ટ પણ છે. અહીં હૈદરાબાદમાં પણ ૭૨x૯૨ ફીટનો વિશાળ આઇમૅક્સ 3D સ્ક્રીન છે.
સાનફ્રાનેસિસ્કોનો મૂવિ મહેલ કહેવાતું કૅસ્ટ્રો થિયેટર ૧૯૨૨માં બનેલું વિશાળ ઑડિટોરિયમ અને લૉબી, ગૅલેરી ધરાવે છે. આજે પણ ત્યાં ફિલ્મ જોવા લાઇન લાગે છે. આપણે ત્યાં જયપુરનું રાજમંદિર સિનેમા પણ રજવાડાંની ઝલક આપતું ભવ્ય થિયેટર છે. ટિકિટ લઇને અંદર પહોંચો ત્યારનો માહોલ, ઇન્ટરવલમાં બહાર આવો ત્યારે સાવ બદલાઇ જાય છે. અને શો પતે ત્યારે વળી પાછું કોઇ નવું વાતાવરણ સર્જાય છે. જર્મનીમાં કોલ્ડ વૉર સમયે બચી ગયેલું થિયેટર આજે ભવ્ય સ્વરૂપ સજીને સેંકડો પ્રિમિયર, પાર્ટીઝ અને રેગ્યુલર ફિલ્મ શોઝ હોસ્ટ કરે છે. બર્લિનમાં આવેલું કિનો ઇન્ટરનેશનલ થિયેટર વિશ્વના સુપ્રસિદ્ધ સિનેમાગૃહોમાં સ્થાન ધરાવે છે.
વાસ્તવમાં આ થિયેટર્સ આજે પ્રવાસીઓ માટે આકર્ષણ બની ગયાં છે. ઉત્સાહી પર્યટકો ફિલ્મ કરતાંય સિનેમાના આ અદભૂત અનુભવ માટે લાંબો પ્રવાસ કરે છે. આ છે, મનોરંજન પ્રવાસન. એન્ટરટેનમેન્ટ ટુરિઝમ. તમને કદાચ ખ્યાલ હશે વિશ્વમાં ટુરિઝમ ઉદ્યોગ બીજા ક્રમે આવતો સૌથી મોટો ઉદ્યોગ છે. સમાજ, વેપાર, કારોબાર, કલા, કસબ, રોજગારના તમામ પાસાંને એક છત્ર તળે આવરી લેતા આ ઉદ્યોગ દ્વારા ભારતનો વિકાસ પણ હરણફાળ ભરી શકે તેમ છે. પ્રાચીન સભ્યતા, પ્રાચીન નૃત્યો, પ્રાચીન સ્થાપત્યો સાથે હવે થોડું અર્વાચીન પણ ઉમેરવાની જરૂર છે. ભારત પાસે તો વિશ્વનું સૌથી ભાતીગળ મનોરંજનનું ભાથું છે. બસ જરૂર છે એને રિડિફાઇન કરવાની. આઇફાવાળા આ વખતે ટેમ્પા ગયા હતા. આવનારા યુગમાં ઓસ્કરવાળા ભારત કેમ ન આવે? ઇરાદા બુલંદ હોય તો એવું પણ થાય.
Viral Mehta