અમને છેલબટાઉ, છેલછોગાળા કહો તો ભલે!
બંસીધર શેઠ તો જમીને ઠંડાગાર બેડરૂમમાં આમ-તેમ ન્યૂઝ ચૅનલ્સ ફંફોળતા બેઠા હતા. શેઠાણી અને પરિવાર બહારગામ મૅરેજમાં મ્હાલવા ગયા હતા. સૌથી નાના સંભવિતને સોશિયલ ફંક્શન્સમાં કોઇ રસ નહોતો. એ નહોતો ગયો. આમ પણ ઘરના એકેય જોડે એને કોઇ મેળ નહોતો. છાશવારે તડાતડી થઇ જતી. એના બે જવાબદાર વર્તન અને નાટક, ચેટકથી શેઠ પણ કંટાળેલા. એની સાથે ભાગ્યે જ વાત પણ કરતા. બંગલામાં શેઠ, મહારાજ, બે ચાકર, માળી અને ગેટ કીપર હતા. સંભવિત તો રાતનો રાજા હતો. એ ક્યાં આટલો વહેલો ઘરે આવે? ટીવી જોતાંજોતાં બંસીધર શેઠને ક્યારે ઊંઘ આવી ગઇ ખબર ન રહી....
ઊરા ફોટોગ્રાફી કરતા કરતા આજે દૂર નીકળી ગઇ હતી. મોડું થઇ ગયું. રાતના ૯ થવામાં હતા. હજી ઘરે પહોંચતા સ્હેજેય બે કલાક થઇ જશે. ડ્રાઇવ કરીને પણ કંટાળી હતી. કોઇ હૉટેલ આવે તો એકાદ ચા મળે. છેવટે ભેંકાર સડક પર એક એક ઢાબું આવ્યું. ઊરાએ કાર ઊભી રાખી. ચાનો ઇશારો કરી છેલ્લા ટેબલ પર કાર પાસે જ બેઠી. કૅમેરામાં આજની ઇમેજિસ જોતી હતી. 'અમારો ફોટો પાડોને મૅડમ', ધ્રાસકો બેસી ગયો. બાજુના ટેબલ પર પાંચેક બદમાશ જેવા માણસો આવીને ગોઠવાયા હતા. કોઇ અજબ તીવ્ર વાસ પણ આવતી હતી. 'યુ ફ્રોમ વિલાયત? બ્યુટી હોં કે.' પેલા મવાલીઓમાંથી કોઇ ફરી બોલ્યો. ઊરાએ ફટાફટ કૅમેરા બેગમાં મૂક્યો. બે ઘડીમાં ચા ન આવે તો નીકળી જવાનું વિચારતી હતી. ત્યાં બે જણ એની સામેની ખુરશીમાં ખોડંગાયા. એક પડખે ઊભો રહ્યો ને બે પાછળ. ચીસ તો ગળામાં ક્યાંય ઊંડે ઊતરી ગઇ. હબક ખાઇ ગઇ ઊરા....
ગળા પર કોઇ તીક્ષ્ણ ઓજાર અડ્યું. શેઠની આંખ ઊઘડી ગઇ. 'તિજોરી ખોલ ચૂપચાપ', હાથમાં રામપુરી ચાકુ અને મોં પર કપડું બાંધેલા શખસે શેઠના પડખામાં બૂટની એડી મારતા કીધું. 'ચલ નહીંતર આ છરી તારી સગી નહીં થાય', કંઇ વિચારે એ પહેલાં જ બીજો ચોર પણ કટાર તાણી ઊભો રહ્યો. પાંચેક બુકાનીધારી શેઠને ઘેરી વળ્યા હતા. ચાવી આપે તોય જીવતા છોડશે એની કોઇ ગૅરંટી નહોતી. શેઠને હવે ખબર પડી, એમના પોતાના ચહેરે જ ડૂચો મારેલો હતો. બૂમ પાડે તોય ક્યાંથી. કોણ હતા આ લોકો? ઘરના નોકર-ચાકર, ચોકીદાર ક્યાં ગયા? આ ક્યાંક એ પાંચ તો નથી....? શેઠનું મગજ બહેર મારી ગયું હતું. ત્યાં તો પડખાંમાં બીજી પડી. 'ઊભોથા શેઠિયા, તિજોરી ખોલ'.
પેલા પાંચ ઘેરીને ગોઠવાયા હતા. ત્યાં મોં પર કાળો રૂમાલ બાંધી એક છઠ્ઠો આવ્યો. એણે તો ઊરાના પગ પાસે દેશી તમંચાનો ભડાકો જ કર્યો. 'ધાંય.... ધાંય....'. અવાજના પડઘા નિર્જન હાઇ-વે પર ગાજી ઊઠ્યા. પેલા પાંચેય આઘા ખસી ગયા. તમંચાધારીએ ઊરાના માથે નાળચું તાકીને ઊભા થવા કીધું. ઊરા ઊભી થઇ. પેલાએ કાર બાજુ ઇશારો કર્યો. મૂંગા મોંએ ઊરા કારમાં બેઠી. પેલો બાજુમાં ગોઠવાયો.
બુકાનીધારીઓ આક્રામક બન્યા હતા. શેઠેને ચાલુ એરકંડિશન્ડમાં માથે પસીનો વળતો હતો. ત્યાં તો બારીનો કાચ કડાકા સાથે તૂટ્યો. એક મશીનગન ઊંચી થઇ. એની પાછળ મોં-માથે કાળો રૂમાલ બાંધેલો એક માણસ દેખાયો. કાળા કપડાંમાં. આસપાસની બારીઓમાં પણ ટૉર્ચનું અજવાળું ફરવા લાગ્યું. પેલા જેવા જ પડછાયા દેખાયા. બ્લેક કમાન્ડો જેવા. હાથમાં મશીનગન ચોખ્ખી દેખાતી હતી. દૂરથી પોલિસની સાયરન પણ સંભળાઇ. પેલા ચોર ટાઢા પડી ગયા. પોલિસ ટુકડીએ પાંચેય બુકાની ધારીઓને પકડી લીધા.
ઊરા હાઇ-વે પર કાર ચલાવી રહી હતી. તમંચાધારીએ મોં પરથી કપડું નીચે કર્યું. ઊરા જોતી જ રહી ગઇ. એક નાજુક નમણો સુંદર ચહેરો હસતો હતો. માથા પરથી સાફો હટાવ્યો તો લાંબા કેશ લહેરાઇ ગયા. 'કોણ છે તું?'
પોલિસ ગયા પછી પેલા બ્લેક કમાન્ડો ઘરમાં આવ્યા. કપડું હટાવીને શેઠની સામે ઊભા રહ્યા. શેઠના માણસો જ હતા. એમની વચ્ચેથી સંભવિત બહાર આવ્યો. હસીને ડૅડી સામે ઊભો રહ્યો. એ જ સંભવિત જેણે ડ્રામા સ્કૂલમાં એડમિશન લીધું પછી શેઠે મોં જોવાનું બંધ કરી દીધેલું. આજે મોં ઢાંકીને જ એણે જાન-માલ બચાવ્યો હતો.
'માયા', પેલી છોકરીએ કીધું. 'હૉટેલ પર તને ફસાયેલી જોઇ. ફોર્ચ્યુનેટલી ડ્રામાના કૉસ્ચુમ, પ્રોપર્ટી બેગમાં જ હતા. ખેલ પાડી દીધો. પેલા મવાલીઓનો'.
દોસ્તો, અભિનય એટલે કોઇ પણ સંભવિત કે કાલ્પનિક સ્થિતિમાં સૌથી અસરકાર રીતે વર્તવાની ચેલેન્જ. કળાકારો માટે લોકોને મનમાં થોડી સૂગ હશે. પરંતુ, આખી જિંદગી અન્ય કોઇ પણ ક્ષેત્ર કરતા વધુ તનતોડ મહેનત માગતી આ કરિયર છે. હા, સાવ અલગ લોકો છે આ. સામાન્ય વ્યક્તિ પોતાના માટે કામ કરે, જ્યારે કળાકારો લોકોના મનોરંજન માટે. નાટ્યશાસ્ત્ર બ્રહ્મા રચિત વેદોમાંથી ભરતમુનિએ લખેલું શાસ્ત્ર છે. અભ્યાસના અન્ય કોઇ પણ ક્ષેત્ર કરતા વધુ મહેનત માગતો, પગલે પગલે ચેલેન્જ વધારતો, સતત ચાલતો અભ્યાસ છે. અને એમાં જબદસ્ત કરિયર પણ ખરી જ.
ગુજરાતમાં અને ભારતમાં અગ્રગણ્ય કૉલેજોમાં પર્ફોર્મિંગ આર્ટ્સના સુયોજિત અભ્યાસક્રમો ચાલે છે. માતા-પિતાને મારી સલાહ છે, તમારા પુત્ર, પુત્રી જો આ ક્ષેત્રે આગળ વધવા ચાહે તો અચૂક એમની સાથે રહેજો. સફળતા જ્યારે તમારા સંતાનનો ચહેરો પહેરીને આવશે ત્યારે ગર્વ થશે એમની ઉપર.
સંભવિતના પહેલા કૉસ્ચ્યુમ ડ્રામાનું ઓપનિંગ કરતા પિતા શેઠ બંસીલાલને થયું એવું જ ગૌરવ. ખાસ સહેલી બની ગયેલી માયાને લીડ રોલમાં જોવા ઊરા પણ પહેલી હરોળમાં ગોઠવાઇ છે. અને પરદો ખૂલે છે....
Viral Mehta