ધારો કે, તમે અદ્રશ્ય થઇ જાવ તો?
બને, કોઇ વાર એવું પણ બને! ફાઇવ સ્ટાર હૉટેલની
લાઉન્જમાં. તમે સોફા પર બેઠા છો. આસપાસ એનેક લોકો આવ-જા કરે છે. કોઇનું ધ્યાન
તમારા તરફ નથી. ન જ હોય. સ્વાભાવિક છે. સૌ સૌની દુનિયામાં મશગૂલ છે. સ્વીપર,
ક્લિનર, ગૅસ્ટ્સ. હા, ગઇકાલે પેલી હસીને વાત કરતી હતી એ રિસેપ્શનિસ્ટ. બધા પોતાના
કામમાં વ્યસ્ત છે. ત્યાં તમારી અને રિસ્પ્શનિસ્ટની નજર એક થાય છે. તમે ઉમળકાભેર
હસીને હાથ ઊંચો કરો છો. પણ, એનો કોઇ રિસ્પોન્સ નહીં? એ નીચે જોઇ પોતાના
કામમાં પરોવાઇ જાય છે. તમે ભોંઠપ અનુભવો છો. આસપાસ ઝડપી નજર ફેરવો છો. હાશ, કોઇનું
ધ્યાન નથી. તમને રિસ્પ્શનિસ્ટનું વર્તન અજુગતું લાગે છે. ક્ષોભ છુપાવવા તમે લાઉન્જ
છોડી બહાર આવો છો. આમતેમ લટાર મારો છે.
‘ગુડ મૉર્નિંગ સર! એન્જોઇંગ યૉર સ્ટે?’. પેલી જ છોકરી બાજુમાંથી
પસાર થતા તમને સંબોધીને કહે છે. તમે ભારોભાર આશ્ચર્ય સાથે એને કચવાતું સ્માઇલ આપો
છો. ‘કેમ છો, હમણાં જ
લાઉન્જમાં હતો. તમારી સામેની સીટ પર. મેં વેવ પણ કર્યું. કદાચ....’. તમારી વાત સાંભળી
છોકરીને પણ આશ્ચર્ય થાય છે. ‘મારી સામેની સીટ? મેં આપને જોયા નહીં, સર.
ત્યાં તો સવારથી એક ફેમિલી રાહ જુએ છે. પોતાની ચૉઇસનો રૂમ માટે’. એ સાથે જ તમે ત્યાં જુઓ
છો. ચકિત થઇ જાવ છો. એ સોફા પર તો ત્રણેક બાળકો સાથે એક કપલ જાણે ઘણા લાંબા સમયથી
બેઠું છે. ‘હાઉઝ દેટ પૉસિબલ’?
ન તમે એમને જોયાં.... ન તમે કોઇને દેખાયા....! પરંતુ, તમે ત્યાં હતા. એ
હકીકત તમારો આત્મા જાણે છે. આ શું થયું? તમે હાજર હો, છતાં, તમારી
નોંધ ન લેવાઇ? હા, આવું બને છે. તમે
અદ્રશ્ય, ઇનવિઝિબલ થઇ જાવ છો. અમુક ક્ષણો કે મિનિટો માટે. સડક પર ચાલતા. ક્લબમાં.
જિમમાં. ઑફિસમાં. ઘરમાં. પાર્કમાં. કોઇ પણ સ્થળે. તમે દેખાતા નથી, એનો તમને પણ
અંદાજ નથી હોતો. આવું ઘણા લોકો સાથે બને છે. આ કુદરતી ફિનોમેના છે. એને સમજવી પડે.
સ્કૂલમાં પરાવર્તનનો નિયમ શીખેલા, યાદ છે? લૉ ઑફ રિફ્લેક્શન? કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ
દેખાય ક્યારે? જ્યારે એના પર પ્રકાશ પડી આપણી આંખમાં પ્રતિબિંબ ઝિલાય ત્યારે. ત્યારે આ
છાપું, પેલું ટેબલ, ટીવી, ઘરના સભ્યો બધું દેખાય. અંધારાંમાં એટલે જ કશું દેખાતું
નથી. કારણ કે, પ્રકાશ નથી. એટલે પરાવર્તન નથી. હવા પણ દેખાતી નથી. કેમ કે, એમાંથી
પ્રકાશ આરપાર નીકળી જાય છે. તમારી સાથે પણ એમ જ થયું હતું. પ્રકાશના કિરણો આરપાર
નીકળી ગયા. તમારા અસ્તિત્વને ઓગાળીને. હા, તમે થોડી ક્ષણો માટે હવા થઇ ગયા.
વ્યક્તિના તમામ સંવેદનો જ્યારે પરમ્ શાંત
સ્થિતિમાં આવે. અથવા બધી જ ઇચ્છા પૂરી થઇ જાય. અથવા કોઇ ઇચ્છા બળવાન બને ત્યારે.
ત્યારે પણ આવું થાય છે. ઇશ્વર અદ્રશ્ય છે. નિરાકાર છે. એના ચિત્ત અને ચૈતન્ય
એકાકાર છે. પરમ્ શાંતિની અવસ્થામાં. સ્થિર. અલોપ. પરમ્ આત્માનો અંશ એટલે કે, આત્મા,
સોલ, રુહ પણ અદ્રશ્ય છે.
નિક સાથે પણ આવું બનેલું. એક સવારે રાબેતા મુજબ
સ્કૂલે પહોંચ્યો. ગ્રાઉન્ડમાં દોસ્તારો સાથે હૅ.... હલો કર્યું પણ કોઇ જવાબ નહીં. ક્લાસમાં
ગયો તો પણ કોઇએ નોંધ ન લીધી. વાત કરી તો એનો અવાજ કોઇને સંભળાયો નહીં. કંઇક અલગ થઇ
રહ્યાની શંકા હવે એના મનમાં જાગી હતી. શું એ પોતાના શરીરની બહાર આવી ગયો હતો? પછી યાદ આવ્યું
કે, આગલા દિવસે એક દુર્ઘટના બની હતી. એક પર્વત પરથી એ ફંગોળાઇને કોઇ જંગલમાં પડ્યો
હતો. હવે એનું શરીર શોધવું પડે તેમ હતું. ‘ધ ઇનવિઝિબલ’. ૨૦૦૭ની ટીન સુપરનેચરલ
થ્રીલર. અદ્રશ્ય થવાનો શોખ રાખનારાઓ એ ખાસ જોવા જેવી ફિલ્મ છે. બધા શોખ પૂરા થઇ
જશે. પછી જો કોઇ કહે કે, ‘મેં તો તમને જોયા જ નહીં’? તો મામલો ખરેખર ગંભીર વિચારનો છે. શક્ય છે, તમારી જાણ બહાર તમે અદ્રશ્ય થઇ ગયા
હો!
શિવ રચિત રુદ્રયામલ તંત્રમાં એક મંત્ર છે. એ
બોલવાથી અદ્રશ્ય થઇ શકાય છે. મને એ મંત્ર ખબર છે. પણ હું એ કહેવા સમર્થ નથી. આબુ
પર્વત પર એવા પથ્થર છે, જે મોંમાં મૂકવાથી અદ્રશ્ય થવાય છે. પરંતુ, સિદ્ધ મહાત્માઓ
એ પોતાની શક્તિથી એ ઢાંકી દીધા છે. તમારા, મારા હાથમાં કદી ન આવે. નહીંતર, શું થાય
એ કલ્પના જ કંપાવી દે તેવી છે. શાશ્ત્રમાં મંત્ર છે તો વિજ્ઞાનમાં યંત્ર છે. એક
ઘડિયાળ જેવું યંત્ર કાંડે બાંધીને ગુમ થવાય.
દસ વર્ષના એક છોકરા સાથે આ ઘટના બની હતી. પિતા
વિજ્ઞાની હતા. એક રૉબોટ બનાવી રહેલા. પણ અનેક પ્રયત્નો પછી શોધ નકામી લાગતા
રૉબોટને ડિસ્કાર્ડ કરેલો. છોકરાને એક રમકડું જોઇતું હતું. એના હાથમાં આ નકામો
રૉબોટ આવી ગયો. એણે એને કામ કરતો કર્યો. જો કે, આને બચ્ચાનો ખેલ સમજી કોઇએ બહુ
ધ્યાન ન આપ્યું. અને એક અજબ વાત બની. એ રૉબોટ સુપર કમ્પ્યુટર હતો. એણે પોતાની
તાકાતથી છોકરાને અદ્રશ્ય કરી દીધો. પછી જુઓ મજા! અદ્રશ્ય છોકરાએ
મમ્મી-ડૅડીને ખીજવવાનું શરુ કર્યું. પણ ધીમે ધીમે સુપર કમ્પ્યુટર માનવ કરતા વધુ
શક્તિશાળી થતું ગયું. પેલા છોકરા પાસે અકલ્પનીય કામ કરાવવા માંડ્યા. ‘ધ ઇનવિઝિબલ બૉય’. આ આજની ફિલ્મ નથી.
૧૯૫૭ની હર્મન હૉફમેનની સાયન્સ ફિક્શન મૂવિ છે. ઇનવિઝિબલિટીની કલ્પના યુગો જૂની છે.
દરેક વ્યક્તિ દિલના છાના ખૂણે અલોપ થવાની શક્તિ ચાહે છે.
એક વિજ્ઞાની સિબેસ્ટિયન કેઇન છે. એણે એવું સિરમ
ડેવલપ કર્યું છે જે પીવાથી અદ્રશ્ય થવાય. વાનર ઉપરના ટેસ્ટ કામયાબ રહ્યા. હવે
સિબેસ્ટિયન પોતાની ઉપર એની પરીક્ષા કરે છે. એ અદ્રશ્ય તો થઇ ગયો પણ હવે ફરી દેખાવા
માટેનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. હવે એ કાયમ માટે ઇનવિઝિબલ જ રહેશે. પોતાની અદ્રશ્ય
અવસ્થામાં સિબેસ્ટિયન ન જોવાનું, ન જીરવી શકાય તેવું સત્ય જુએ છે. પ્રેમિકાને
પોતાના જ ખાસ દોસ્ત સાથે નજરોનજર જુએ છે. ઘાતક બની જાય છે. અપરાધવૃત્તિ જાગે છે. પાશવીપણું
આચરે છે. ‘હોલો મૅન’. ઇનવિઝિબલિટી ઉપર બનેલી
સુપરહિટ ફિલ્મ. એનો પાર્ટ 2 પણ એટલો જ રોમાંચક છે.
આવી જ થીમ પરથી અનેક કૉમેડી ફિલ્મો પણ બની છે. એમાંથી
એક છે, ‘ઇનવિઝિબલ મૉમ’. વિજ્ઞાની ડૅડીએ શોધેલી
દવા પીને મૉમ અદ્રશ્ય તો થઇ ગઇ પણ પછી નાના દીકરાની લાઇફમાં હુલ્લડ મચી ગયું.
ગમ્મત, ગોલમાલ અને ધિંગા-ધબુકા ખવડાવતી આ ફિલ્મ ઇનવિઝિબલિટીને નવા રૂપે રજૂ કરે
છે. આ ફિલ્મનો પણ બીજો ભાગ છે. એવો જ રોમાંચક અને તોફાની છે.
એક કેમિસ્ટ્રી સ્ટુડન્ટ એવું એક સ્પ્રે બનાવે
છે, જે છાંટો એટલે છૂ.... કૉલેજના બદમાશ લોકોને એની ખબર પડે છે. આવું સ્પ્રે
હાથમાં આવે પછી બૅંકની બૅંક લૂંટવી કેટલી આસાન થઇ જાય? ફૂટબૉલની એક
વિઝિબલ ટીમ સાથે એક ઇનવિઝિબલ ટીમ પણ ઉતારી શકાય. ગૉલ્ફમાં તો ગ્રાન્ડ વિક્ટરી જ
હોય. બદમાશો સ્પ્રે ચોરવા પેંતરો ઘડે છે. ટોળીનો સરદાર તો એની ફૉર્મ્યુલા પણ
ચોરવાની ઇચ્છા રાખે છે. કોને કેવી સફળતા મળી એ જાણવા, ‘નાઉ યુ સી હિમ, નાઉ યુ
ડૉન્ટ’, જોઇ કાઢો.
સૅમને લગ્નના આગલા દિવસે વિજ્ઞાની દોસ્તે
જિંદગીની છેલ્લી ક્ષણે અદ્રશ્ય થવાની દવા આપી દીધી. એ પછી એની લાઇફ પર ક્યાં
ક્યાંથી નાઇફ ફરી એની એને પણ કલ્પના નહોતી. દુનિયાભરના ચોર, લૂંટારા, ગૅંગસ્ટર્સ, હિંસક,
બદમાશો એની પાછળ પડી ગયા. લગ્નની મજા તો એક બાજુ હવે પત્ની ઉપર પણ જોખમ આવી ગયું. એટલે
સૅમને થયું હું જ આ દવા પીને બધાને ખતમ કરી કાઢું. એણે તો પી લીધી. પછી એના ધાર્યા
મુજબ કંઇ થયું? ‘ધ મૅન હુ વૉઝન્ટ ધેર’. સ્ટીવ ગુટનબર્ગને ચમકાવતી તોફાની કૉમેડી ૧૯૮૩માં બની હતી. સિનેમા હૉલમાં
ધમાલ મચી હતી.
ધમાલ મચે એવો જ તો વિષય છે, ઇનવિઝિબલિટી. કોઇને
દેખાઇએ નહીં. કંઇક થઇ જાય. કોણ હતું એના પુરાવા મળે નહીં. અદ્રશ્ય રહીને શુંનું
શું ન કરી શકાય? પછી તો તમે જ દુનિયાના
રાજા. તમે ધારો એમ અચ્છા અચ્છા રુસ્તમો નાચે. ક્લૉકિંગ નામે ઓળખાતી વિજ્ઞાનની આ
શોધ પોતાના હાથમાં આવે એની દુનિયાભરના દાદલોક રાહ જોઇ રહ્યા છે. એમાંથી થોડાક તો
અત્યારે પણ સંતાઇને જ બેઠા છે. અન્ડરગ્રાઉન્ડ. કોઇ વળી કોઇને કીધા વિના ટાંપીને
બેઠા છે. પણ કલ્પના કરો, સાહેબ. તમારા, મારા જેવા, સીધા સાદા માણસોના હાથમાં આ
ફૉર્મ્યુલા આવે. તો? તો તમે પહેલું કામ કયું કરો? પાર્ટી જો જો હોં મને કંઇ.... હા, યાર, આપણે તો જૂની દોસ્તારી છે....
Viral Mehta