9 જૂન, 2014

અભ્યાસનાં પરિણામો સામે જિંદગીનાં પરિમાણો (Udaan 50)

અભ્યાસનાં પરિણામો સામે જિંદગીનાં પરિમાણો
બાર સાયન્સનાં પરિણામો પછી ૯૪. ૧૪ ટકા સ્ટુડન્ટ્સના ઘરમાં આનંદ છવાયો હશે. બાબાનું પરિણામ આવી ગયું. પડોશમાં બેબીના ટકા પણ સારા આવ્યા. હા....શ, રિલૅક્સ થઇ ગયા બધા! કેવી મજ્જાની લાઇફ! બધા બાબાઝ-બેબીઝને મારા તરફથી પણ અભિનંદન! માતા-પિતા બાળકોનાં ભાવિમાં પોતાનાં સપનાં ઉમેરીને સફળતા ઝંખતા હશે. અરમાનને આર્કિટેક્ટ થવાનું ઘણું મન હતું. પુત્રને બાળપણથી ચિત્રકામમાં રસ પડે એવું વાતાવરણ તૈયાર કરેલું. અભ્યર્થના પોતે ડૉક્ટર ન બની શકી. હવે પોતાનું બ્યુટિ પાર્લર, દીકરીનું કૉસ્મેટિક ક્લિનિક કઇ રીતે બને એ વિચારી રહી છે. પાવક બહુ મથીને કમ્પ્યુટર એસ્મ્બલિંગ સુધી પહોંચી શક્યો. હવે પુત્રને આઇ.ટી. એન્જિનિયર બનાવવા ઇચ્છે છે. મુનિર ડબલ ગ્રેજ્યુએટ હતો. કામકાજ માટે ફાંફા બહુ માર્યા. છેવટે સંસારનાં બે પૈડાં ચલાવવા ત્રણ પૈડાંની રિક્ષા ચલાવી. હવે દીકરો સારા ટકા લાવ્યો છે. એને અહીં હેરાન થવા નથી દેવો. એ બાળકને વિદેશ મોકલી દેવાનું વિચારે છે. ખ્વાહિશના ડૅડી ગાયનૅકોલૉજિસ્ટ છે. દીકરીને એડવાન્સ સ્ટડી કરાવી પોતાનાં મેટરનિટી હોમને ફર્ટિલિટી ક્લિનિક બનાવવા તૈયારી કરી રહ્યા છે.
'હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે'! કન્સ્ટ્રક્શનના બિઝનેસવાળા દીકરાને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સુધી ભણાવશે. પ્રોફેસર સાહેબનાં સંતાને મિનિમમ પી.એચડી. ભણવું જ પડશે. ફૅમિલિ બિઝનેસ હશે તો સંતાનોએ એમ.બી.એ. કરવું જ રહ્યું. આ રંગીન સપનાંમાં ખરેખર ખપનાં કેટલાં? કોઇએ સંતાનને પૂછ્યું? ઘણાં પેરેન્ટ્સ કડક મિજાજે કહેશે, એ તો બાળક કહેવાય. એને શું ખબર પડે? આપણે જ નક્કી કરી લેવું પડે. ઘણા સ્માર્ટ માતા-પિતા જનમધુટ્ટી સાથે પીવડાવેલી પોતાની ઇચ્છાઓ બાળકનો પોતાનો નિર્ધાર હોય તેમ રજૂ કરશે. સિફતથી કહેશે, અમે તો બધાં જ સબ્જેક્ટ્સ ઓપન રાખ્યા, હવે એની ચૉઇસ. પરંતુ ક્યાંક વ્હાલના જોરે ચૉઇસની સ્લાઇસ નાની તો નથી થઇને? શું બાળકો પાસે ખરેખર જિંદગીનાં બધાં પરિમાણ ઓપન છે ખરાં?
જો બધાં સપનાં સહજ સાકાર થતા હોય તો દર ચોથાં મકાને એક મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલના હેડ ડૉક્ટર રહેતા હોય. દર ત્રીજાં મકાને એક આઇ. ટી. ફર્મનો માલિક હોય. હા, કદાચ દર બીજાં મકાને એક એમ.બી.એ. ચોક્કસ મળશે. પણ એની કરિયર ખરેખર એનાં સપનાં જેવી સુંદર છે? કે પછી, આ ધગધગતા ઉનાળે એ પણ મોં પર રૂમાલ બાંધી, દુકાને દુકાને કોઇ મલ્ટિનેશનલનો ઑર્ડર બુક કરવા ફરી રહ્યો છે? અભ્યાસના પરિણામોએ ગૂંથેલી સપનાંની માયાજાળ સામે જિંદગીની વાસ્તવિકતાનાં પરિમાણો બહુ જુદાં છે. અહીં, પુસ્તકોનાં થોથાંમાં વર્ષો સુધી દાટી રાખતી જફા-મજૂરી છે. અભ્યાસનાં અંધારાં ઉલેચીને બહાર આવતાં ઊભો છે, કરિયરનાનો કપરો કાળમીંઢ પર્વત. આજે અરમાનો લઇને આગળ વધેલો યુવાન કાલે ધાર્યું મેળવી ન શકેલો પિતા બને છે. વળી પાછી, એ જ ખ્વાહિશો, તમન્નાઓ, આકાંક્ષાઓ, ઇચ્છાઓ એનાં સંતાનો ઉપર ઢોળાય છે. ક્યાં સુધી આમનું આમ ચાલશે?  
આ છે, જિંદગીની કઠોર વાસ્તવિકતા. એમાં હજી એક પરિમાણ ઉમેરીને જોઇએ. બૉર્ડના ૯૪. ૧૪ ટકા પરિણામનું પરિમાણ. એક તરફ, તમારા આનંદ સાથે ઊભી થયેલી ૯૪. ૧૪ ટકા સ્પર્ધા. આજથી પાંચ વર્ષ પછી આ ૯૪. ૧૪ ટકા, ૧૦૦ ટકા સ્પર્ધા બનીને સામે આવશે. એ પણ આ તક વિનાના મલકમાં. આઇ. ટી. ભણો તો કરિયર માટે દક્ષિણ તરફ જવું પડે. અથવા દેશ છોડવો પડે. સારામાં સારી મૅનેજમેન્ટ કૉલેજ ગુજરાતમાં પણ જૉબ માટે ગુજરાત છોડવું પડે. આર્કિટેક્ટ થઇને ઇન્ટિરિટર ડેકોરેશનથી સંતોષ માનવો પડે. બધા પી. એચડી. ક્યાં પ્રોફેસર થાય છે? છે કોઇ રસ્તો આ કાળમીંઢ કરિયરના પર્વતને તોડવાનો? હા, બેશક એક રસ્તો છે.... આ દેશમાં સવાસો કરોડ સપનાં ઘબકે છે. એમાં એક તમારું. જે તમે રોજ જાગતા ઊંઘતા જોયું છે. અને એક સપનું છે, જે કોઇએ નથી જોયું. તમારાં સંતાનનું પોતાનું આગવું સપનું. હવે એમને એ જોવા દો. અને તમે પણ જુઓ!
તમારું બાળક પણ તમારી માફક પોતાનાં આગવાં સ્વપ્નાં લઇને ધબકતી લાઇફ છે. એના ચિત્તમાં પોતાનાં સ્વપ્નને અવસર આપો. માતા-પિતા તરીકે તમે જે ન કરી શક્યા એ સિદ્ધ કરવાનું એને માધ્યમ ન બનાવો. ભલે એ ચિત્ર સારું દોરે, એને આર્કિટેક્ટ બનાવીને એની અંદર ધબકતા કાબેલ સંગીતકારને દબાવી ન દો. એને પૂછો. એના અંગત ધબકારને પૂછો. ક્યાંક એક સુપરસ્ટાર તો સંતાઇને નથી પડ્યોને? ડૉક્ટરીમાં ઍડમિશનની રાહ જોતી દીકરીમાં દબાઇ ચંપાઇને, દુનિયાની કોઇ મહાન લેખિકા ક્યારેય કલમ ન ઊપાડી શકે એવું તો નથી થઇ રહ્યુંને? સ્પર્ધાના યુગમાં તમે જ એની ઇચ્છાના સ્પર્ધક ન બનો. આવવા દો એના પોતાનાં મનને આત્મમંથનના ફલક પર. ચીંધવા દો આંગળી એને જ એના મંતવ્ય ભણી. ચાલવા દો પોતાના માર્ગ પર.
દોસ્તો, સફળતા, નિષ્ફળતા તો મુકામ માત્ર. એ કોઇ સ્થળ કે મંઝિલ નથી. એને જિંદગીમાં બનતાં ઘણાં પ્રસંગો જેવો એક પ્રસંગ સમજો. કરિયરની કોઇ અંતિમ મંઝિલ નથી. માર્ગમાં ગમતા પડાવ પર રોકાઇ જવું કે ત્યાંથી આગળ જવું, જાતે નક્કી કરો. લાઇફમાં બે રીતે આગળ વધાય છે. સ્પર્ધાની ભીડમાં શક્તિ બતાવીને. અથવા જ્યાં કોઇ ન ગયું હોય એવો માર્ગ જાતે બનાવીને. બંન્ને રસ્તા તમારી પોતાની બુદ્ધિ અને શક્તિનું કૌવત માગે છે. તો બતાવો કૌવત. પછી જુઓ તમારાં જ અમાપ પરિમાણ ક્યાં ક્યાં વિસ્તરે છે. ઑલ દ બૅસ્ટ!

Viral Mehta