6 જૂન, 2014

સુપ્રસિદ્ધ ચક્રમો – અપ્રસિદ્ધ પરાક્રમો (Hollywood Cafe 30)



સુપ્રસિદ્ધ ચક્રમો – અપ્રસિદ્ધ પરાક્રમો
બંધ ઓરડામાં એકલા. કોઇ સાથે બોલ્યા ચાલ્યા વિના. દુનિયાની ફિકર, ઘરબાર, કામકાજ છોડીને તમે કેટલા દિવસ બેસી શકો­? તમે કહેશો દિવસો નહીં મિનિટોની વાત કરો. બહુ બહુ તો આંગળીને વેઢે ગણાય એટલા કલાક. એ પણ કોઇ ફરજ પાડે કે શરત મારે તો! બાકી, છટકી ગયું છે? યસ, દેટ્સ દ વર્ડ! છટકી ગયું હોય એને જ આવો વિચાર આવે. આપણને તો કલાક થાય ને ચાની કિટલી યાદ આવે. કૉલોનીના ગપાટા યાદ આવે. મોબાઇલ યાદ આવે. વૉટ્સએપ ને સોશિયલ સટાકા, ચેટના ચટાકાના પારકી પંચાતના સબડકા યાદ આવે. બૉસ કંઇ કર્યા વિના. બંધ રૂમમાં. એકલા. ના રેવાય. પણ એક પાર્ટી છે. બહુ જાણીતી હસ્તી. એની વાત કહીશ તો.... સડક થઇ જશો. આ બંધુની એકવાર ડાગળી ચસકી. બહુ મોટા પાયે ચસકી.
આ સુપ્રસિદ્ધ જેમ્ટલમૅન એકવાર સેટ પર સ્ક્રીનિંગ રૂમમાં જાતને બંધ કરીને બેસી ગયેલા. કેટલો સમય? ચાર કલાક, ચાર દિવસ, ચાર અઠવાડિયાં નહીં. ચાર મહિના. સ્ક્રીનિંગ રૂમમાં જમવાનું નહીં. કપડાં પણ નહીં. ટોઇલેટ તો હોય જ નહીં. બોલો શું કરતા હશે આ મહાશય અંદર? એ સતત ફિલ્મો જોતા હતા. રૂમમાં પહેલેથી પડેલી, જૂની નવી, સ્ક્રીન ટેસ્ટની રીલ્સ જે મળીએ જાતભાતની ફિલ્મો બસ જોયા કરતા. આખા હૉલમાં એકલા બેઠા બેઠા. પાછું ચાર મહિમમાં એક જ જોડ કપડાં હતા એમની પાસે. એનું એટલું તો ધ્યાન રાખેલું કે એક કરચલી પડવા નહોતી દીધી. પહેરેલા રાખે તો ચિંતાને? હા, ભૂખ તો લાગે જ વળી! તો સાહેબ ત્યાં રેફ્રીજરેટરમાં સ્ટોર કરેલી ચૉકલેટ્સ ખાતા રહેતા. દૂધ પણ બધું ગટકાવી ગયેલા. બાથરૂમ તો હતું જ નહીં. નહાવાનો પ્રોબલેમ જ નહોતો. ચાર મહીના વગર ન્હાયે રહ્યા હતા. કુદરતી ક્રિયાઓ માટે ખાલી બોટલ્સ અને ડબ્બાઓનો ઉપયોગ કરેલો. ફિલ્મો જોવા સિવાય એક બીજું પણ કામ એમણે ત્યાં કરેલું. પેપર નેપ્કિન્સ અને ટિશ્યુઝના બૉક્સ અલમારીમાંથી કાઢીને પોતાની બેઠકની આસપાસ ગોઠવવાનું. કોને ખબર ક્યારે કાગળની જરૂર પડે?
જાણવું છે, આ દોસ્તાર કોણ? હૉવર્ડ હ્યુઝ. હા, એ જ પેલા સુપ્રસિદ્ધ ઍરોસ્પેસ એન્જિનિયર, એવિએટર, બિઝનેસ મેગ્નેટ અને ગ્રેટ ફિલ્મમેકર હૉવર્ડ હ્યુઝ. બેસ્ટ ડિરેક્ટર માટે એમને એકેડેમી અવૉર્ડ પણ મળેલો. એમની સુપર હિટ ફિલ્મો એવરીબડી ઇઝ ઍક્ટિંગ, ટુ એરેબિયન નાઇટ્સ, હૅલ્સ એન્જલ્સ, સ્કારફેસ, ધ આઉટલૉ. હૉવર્ડ એક કાબેલ વિમાની પણ હતા. વિમાન ઉડાડવાના સંખ્યાબંધ રેકૉર્ડઝ આજેય એમના નામે કાયમ છે. એમણે ટ્રાન્સ વર્લ્ડ ઍરલાઇન ખરીદી હતી. જે હવે અમેરિકન ઍરલાઇન સાથે જોડાઇ ગઇ છે. આ જનાબને એકની એક ફિલ્મ વારંવાર જોયા કરવાનું વળગણ હતું. એમના ઘરમાં એક મોટો સ્કીન લાગેલો રહેતો. એમાં એક ફિલ્મ લૂપ કરીને રાખેલી. એ સતત ચાલતી રહેતી. ફિલ્મનું નામ છે, આઇસ સ્ટેશન ઝેબ્રા. કહેવાય છે, આ ફિલ્મ એમણે ઓછામાં ઓછી દોઢસો વખત જોઇ હશે. બોલો! કંઇ બોલવા જેવું છે ખરું? હા, હૉવર્ડ સામાન્ય જીવનમાં ખૂબ ડિસન્ટ, હસમુખા, નિખાલસ વ્યક્તિ હતા.
હૉલિવુડની હસ્તીઓની કમાલની ક્રેઝી હેબિટ્સ છે. એમાંથી એક છે ધનનો ધનધનાઇને ધૂમાડો કરવાની. એક હૉલિવૂડ સુપર સ્ટારને પૈસા વાપરવાની કોઇ તમા નથી. મન થાય ત્યારે રાજ મહેલ ખરીદી લે. મોંઘીદાટ કાર તો આપણે ઘરવખરી લાવીએ એમ ખરીદી લે. વિમાનો તો એક ઍરલાઇન ખોલી શકાય એટલા ભેગા કર્યા છે એણે. દુનિયાના કોઇ પણ દરિયાકાંઠે પડેલા જહાજમાં એકાદ-બે એના હોય જ. જર-ઝવેરાત તો કેટલાં હશે એની ગણતરી જ નથી. આ બધું ઓછું હોય તેમ આ ખોપડીને ખોપડીઓ ભેગી કરવાનો વિચિત્ર શોખ છે. દુનિયાભરના જાતજાતના જાનવરોની ખોપડીનું એની પાસે બહુ મોટું કલેક્શન છે. ડાયનોસોરની ખોપડીના ફોસિલનો તો ઢગલો ખડક્યો છે એણે. આ ખોપડીઓ પાછળ જ એણે ૨૦૦, ૦૦૦ પાઉન્ડ ખર્ચ્યા છે. એક ફિલ્મના ૧૦ મિલિયન પાઉન્ડ કમાતો હોય પછી પૈસાની છનમછના જ હોયને?
આ હૉલિવૂડ શહેનશાહ છે, ફાયરબર્ડ, ઘોસ્ટ રાઇડર, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કૉન ઍર, સિટી ઑફ એન્જલ્સ જેવી એનેક સુપર હિટ ફિલ્મો આપનાર એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર. નિકૉલસ કેજ. હમણાં થોડા વખત પહેલા ટેક્સ ચૂકવવાની રામાયણમાં કેજને બે આલિશાન મકાનો ૪ મિલિયન પાઉન્ડમાં વેચવા પડેલા.
સુપ્રસિદ્ધ ગાયક માઇકલ જૅક્સન પણ પૈસા ઉડાડવા માટે વિખ્યાત હતો. નેવરલૅન્ડ રેન્ચ પાછળ એણે ૧૭ મિલિયન પાઉન્ડ ખર્ચેલા. આ વાડાના સ્ટાફના વાર્ષિક પગાર માટે જૅક્સન ૨. ૫ મિલિયન પાઉન્ડ ચૂકવતો હતો. જૅક્સનને પ્રવાસ અને શૉપિંગનો ભારે શોખ હતો. લંડનના મોંઘાદાટ હૅરૉલ્ડ સ્ટોરની એક જ વિઝિટમાં એણે ૧૦૦, ૦૦૦ પાઉન્ડનો ધૂમાડો કરેલો.
ગાયક એલ્ટન જ્હૉન પણ કંઇ ઓછો ઉડાઉ નથી. એણે ત્રણ જ મહિનામાં ૨૫૦, ૦૦૦ મિલિયન પાઉન્ડ ઉડાવેલા. શેના માટે જાણો છો? ફૂલો ખરીદવા. છેને ગજબનો ભેજાંબાજ! સ્ટારલેટ કીમ બસિંગરને પણ પોતાના હોમ ટાઉન બ્રાસેલટાઉન, જ્યોર્જિયામાં બધી જમીન ખરીદી લેવાની ધૂણકી ચઢેલી. ૧૭ મિલિયન પાઉન્ડની જમીનો એણે ખરીદી લીધી હતી. પછી એકવાર બૉક્સિંગ હેલેને મૂવિનો કોન્ટ્રાક્ટ તોડ્યો. પ્રોડ્યુસરે કોરટ કચેરી કર્યાં. એટલે મૅડમે ૭૫૦, ૦૦૦ પાઉન્ડમાં જમીનો વેચવી પડેલી. બ્રિટની સ્પીયર્સની મહિનાની આવક આશરે ૩૬૮, ૦૦૦ પાઉન્ડ કહેવાય. એમાંથી એ ૮૦૦૦ પાઉન્ડના કપડાં ખરીદે, ૫૧, ૦૦૦ પાઉન્ડ મોજશોખ, ગિફ્ટ્સ, પ્રવાસમાં ખર્ચે. જો કે ઇટ આઉટ પાછળ એ સૌથી ઓછો ખર્ચ કરે છે. મહિને માત્ર ૨૩૭૯ પાઉન્ડ! પેલી લિન્ડ્સી લોહાનના પણ ત્રાગડધિન્ના કમ નથી. ન્યૂ યૉર્કમાં પોતાનાં આલિશાન મકાનો હોવા છતાં એકવાર હૉલિવૂડની ધરખમ ભાડું લેતી હૉટેલમાં રહેવા એણે ખાલી ૧ મિલિયન પાઉન્ડ ચૂકવેલા. એક શીશીના ૪૦૦ પાઉન્ડની કિંમતનો શેમ્પેઇન માણેલો. પછી એની આદત પડી ગઇ. એટલે રી-હૅબમાં જવું પડેલું. એની પાછળ ૧૫૦, ૦૦૦ પાઉન્ડ ખર્ચેલા. એટલે કૅશ પ્રોબલેમ ઊભો થયો. તો કંઇ નહીં! લિન્ડ્સીએ લૉસ એન્જલિસ અને ન્યૂ યૉર્કનાં મકાનો 3 મિલિયન પાઉન્ડમાં વેચી માર્યાં. ભૈ હૉટેલમાં રહેવા પોતાનું ઘર વેચે એવી આના સિવાય બીજી કોઇ સાંભળી નથી.
હૉલિવૂડના ક્રેઝી ડિરેક્ટર્સ ફિલ્મોમાં રિયાલિટી લાવવા પાગલપનની હદ વટાવી જતા હોય છે. સુવિખ્યાત હૅર્નર હેર્ઝોગની વાત કરું. એની બે સુપર હિટ મૂવીઝ ધ એનિગ્મા ઑફ કૅસ્પર હાઉસર અને સ્ટ્રોઝજેક. આ ફિલ્મના લીડ રોલમાં એણે ખરેખર એક ગાંડા માણસને કાસ્ટ કરેલો. બ્રુનો એનું નામ. આ વ્યક્તિ અનેકવાર ગાંડાની હૉસ્પિટલમાં સારવાર લઇ આવેલો. હેર્ઝોગે કાસ્ટ કર્યો તે પહેલા બ્રુનો સડક પર ગીત ગાઇને પૈસા કમાતો હતો. ફિલ્મના સેટ પર ડિરેક્ટર હેર્ઝોગ સાથે એ કલાકો સુધી લમણાં ફોડતો. આખી ક્રૂ કંટાળી બેસી જતી ત્યારે આ પાગલ શૉટ આપવા તૈયાર થતો. હેર્ઝોગને ગાંડા માણસો સાથે ફિલ્મો કરવાનું ગાંડપણ ચઢેલું. ક્લાઉસ કિન્સકી નામના એક પાગલ સાથે એણે પાંચ સુપરહિટ ફિલ્મો આપી. એક ફિલ્મના શૂટિંગમાં તો કિન્સકી બિલકુલ કન્ટ્રોલ બહાર થઇ ગયો. એણે તો હેર્ઝોગનું ગળું જ પકડી લીધું હતું. માંડ છોડાવેલો લોકોએ. એની ફિટ્ઝકરાલ્ડો જેવી ફિલ્મો જોઇએ ત્યારે માન્યામાં ન આવે કે, એક પાગલ પાસે આ પરફોર્મન્સ એણે કરાવ્યું કઇ રીતે? ડિરેક્ટર જ્હૉન ફૉર્ડને પણ રિયાલિટીનો ગજબ ક્રેઝ હતો. એક ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો એણે રણ મેદાનની વચ્ચોવચ જઇને શૂટ કરેલા. કોઇ કૅમેરામૅન તૈયાર નહોતો થયો. તો એ જાતે કૅમેરા લઇને ફિલ્મ ઉતારી આવ્યો. અને ગોળીઓ પણ ખાઇ આવ્યો. શૂટિંગ પત્યું, ગોલીઓનું અને ફિલ્મનું ત્યારે જ્હૉન ઘવાયેલી હાલતમાં પડ્યો હતો.
ડિરેક્ટર સિસિલ ડિમિલે તો એના બધા એક્ટર્સ પાસેથી અનોખું કમિટમેન્ટ માગતો. એની બહુ ચર્ચિત ફિલ્મ કિંગ ઑફ કિંગ્સનું શૂટિંગ ચાલ્યું એટલો સમય એણે બધા કલાકારો પાસેથી બાઇબલ વિરુદ્ધનું કોઇ પણ કામ ન કરવાનું વચન લીધેલું. પાંચ વર્ષ સુધી આ કલાકારો માટે નાઇટ ક્લબ, બૉલ ગેમ્સ પર પ્રતિબંધ હતો. એને ખબર હતી કે પોતાની આ આદતથી લોકો ગભરાય છે. એટલે એકવાર મજાક પણ કરેલી. એક ફિલ્મમાં ફાયરિંગના શૂટિંગમાં ડુપ્લિકેટ કે એક્સટ્રાને બદલે અસલ કલાકારો એકબીજા પર અસલી બુલેટ ફાયર કરશે એમ જાહેર કરેલું. આખી કાસ્ટ થથરતી જોઇ એને મજા પડેલી.
ડિરેક્ટર સ્ટેનલી ક્યુબ્રિક તો હકીકતમાં ઓબ્સેસિવ કમ્પલ્સીવ પરફેક્શનિસ્ટ હતો. એકનો એક શૉટ વારંવાર શૂટ કરાવતો. શાઇનિંગ ફિલ્મમાં એક સીધા સાદા સિંગલ શૉટના એણે ૧૨૭ રીટેક કરેલા. આ જ ફિલ્મમાં એક વયોવૃદ્ધ એક્ટર પાસે એક જ શૉટના ૧૪૭ રીટેક કરાવેલા. પેલો એક્ટર એટલો સ્ટ્રેસમાં આવી ગયેલો કે એના વાળ ખરેખર ખરવા લાગ્યા હતા. ડિરેક્ટર જ્હૉન વૉટર્સે એની પિંગ ફ્લેમિંગોની હિરોઇનને ખરેખર છાણ ખવડાવેલું. કપરી સ્થિતિના સાચા એક્સપ્રેશન ચહેરા પર લાવવા માટે. લાર્સ વૉન ટ્રિએલ પણ અસલિયતનો ચુસ્ત આગ્રહી છે. એણે ક્યારેય કૅમેરા સ્ટેન્ડ પર ચઢાવ્યા નથી. એ હેન્ડ હેલ્ડ શૉટ્સનો ચાહક છે. યુરોપા ફિલ્મનું શૂટિંગ જ એણે સેપિયા ટોનમાં કરેલું. ડૉગ્સવિલે ફિલ્મ આખેઆખી સંગીતના પરફૉર્મન્સ માટે બનાવેલા સેટ પર બનાવી હતી. કોઇ સેટના ઉપયોગ વિના. એ માત્ર ડિજિટલ કૅમેરા વાપરે છે. ડાન્સર ઇન ધ ડાર્ક ફિલ્મના શૂટિંગમાં એક પરફૉર્મન્સના શૂટિંગ માટે એણે એકસાથે ૧૦૦ કૅમેરા ગોઠવેલા.
હૉલિવૂડની આ જ તો મજા છે સાહેબ! એમાં ફિલ્મોના પ્લૉટ, કથાવસ્તુ, દ્રશ્યનિરૂપણ, ડિરેક્શન તો ઓરિજિનલ હોય છે જ સાથેસાથે ત્યાંના ચક્રમોના પરાક્રમો પણ યુનિક હોય છે. આપણે ત્યાં તો અસલ ચક્રમગીરી પણ શોધવી અઘરી છે. જવા દોને યાર, આ હૂડ હૂડ ને દબંગ દબંગ ને સંગે.... મર.... મર.... ને ધૂમ.... ધૂમ.... ની ખોખલી નકલી બૂમાબૂમ....
Viral Mehta