મારું માનો તો, કોઇનું ન માનો!
બિન્દાસ અને બેધડક લોકોનો જમાનો છે. મેનેજમેન્ટના ખાંટુએના બધા લૉજિક ખોટા પાડતા મૅજિક થવા લાગ્યા છે. તમામ વાસ્તવવાદ, પ્રેક્ટિકાલિટીઝ, નિષ્ફળ જાય છે. કેમ કે, એ બધી નિરાશાવાદની ઉપજ છે. હવે જમાનો ઓપ્ટિમિઝમનો છે. લક્ષ જાતે નક્કી કરવાનો. એ સિદ્ધ કરવા માર્ગ પણ જાતે જ બનાવવાનો. સાવ નવો ચીલો ચાતરવાનો. જરૂર છે બસ એક નિશ્ચયની. દ્રઢ નિશ્ચયની. આશાવાદી ફેંસલાની.
પ્રેક્ટિકલ લોકો કંઇ જ કરી શકતા નથી. બહુ બહુ તો કોઇ કંપનીના મૅનેજર હોય, એક-બે ગાડી રાખે, શૉપિંગ કરે, વગેરે વગેરે.... પણ પાંચમાં પૂછાતા, પૂજાતા લોકો સચોટ નિર્ણયશક્તિ ધરાવતા હોય છે. ડિસિઝન મેકિંગ! કોઇના દોરવાયા દોરવાતા નથી. મન માની કરે છે. એમની મંઝિલ નક્કી હોય છે. માર્ગ સામેથી મળે છે. નિર્ણયશક્તિ એટલે સફળતાનું પહેલું પગથિયું. આવો એક મજાની વાતથી નિર્ણયશક્તિ વિશે સમજીએ.
એક ગામ હતું. ગામમાં ગોરી હતી. એક શાહૂકાર હતો. ગોરીનો પિતા શાહૂકારનો દેવાદાર. શાહૂકાર દેવાદાર બાપ પર ધોંસ જમાવે. ગોરી સાથે લગ્ન કરવા પેંતરા કરે. પણ ગોરી માને નહીં. એક દિવસ કપટી શાહૂકારે ફરી નવો પેંતરો કર્યો. ગોરી ખેતરમાં મજૂરી કરતી હતી, ત્યાં જઇને ઉભો રહ્યો. 'જા આજથી તારા બાપનું બધું દેવું માફ', એ બોલ્યો. ગોરી સમજી ગઇ કે બુઢ્ઢો કોઇ નવી ચાલ રમે છે. એણે ધ્યાન ન આપ્યું. 'વચન આપું છું ગોરી, આજ પછી તારા બાપને માથે કોઇ દેવું નહીં રહે', પેલો ફરી બોલ્યો. ગોરીને બાપની હાલત ખબર હતી. દેવું માફ થઇ જાય તો, કેવું સારું? એણે શાહૂકાર સામે જોયું. પેલાની આંખો કપટથી ચમકતી હતી. તોય ગોરીને થયું શું કહે છે, સાંભળું તો ખરી!
'જો છોરી, એક રમત રમીએ આપણે. આ થેલીમાં હું બે પથરા મૂકીશ', શાહૂકારે વાત આગળ ચલાવી. 'એક સફેદ પથ્થર ને એક કાળો પથ્થર. તારે થેલીમાં હાથ નાખવાનો. કાળો પથ્થર હાથમાં આવે તો આપણે લગ્ન કરીશું અને હું તારા બાપનું બધું દેવું માફ કરીશ. જો સફેદ પથ્થર મળે તો, તને લગ્ન કરવાની ફરજ પાડ્યા વિના દેવું માફ કરી દઇશ'. છોકરીને થયું આમાં ચાન્સ લેવા જેવો તો ખરો. બંને તરફ પચાસ ટકા છે. નસીબ જોર કરે ને સફેદ પથ્થર મળી જાય તો, હા....શ! કાયમની બબાલ પતે. ગરીબ, વૃદ્ધ બાપને યાતના, પીડામાંથી ઉગારવા એ તૈયાર થઇ ગઇ. એણે હિંમત કરી હા પાડી દીધી. બંને તરફ શરતને વળગી રહેવાના વચન અપાયાં. પાંચ સાક્ષી હાજર થયા. રમત શરૂ થઇ. શાહૂકારે એમાં પણ કપટ કર્યું. જમીન પર પથ્થરોના ઢગલામાંથી બે પથ્થર લીધા. બંને કાળા પથ્થર. થેલીમાં મૂક્યા. વાંકા મોંએ હસતાં થેલી ગોરી સામે ધરી. ગોરીને આ છળની ખબર હતી. હવે એણે શું કરવું જોઇએ?
ગોરીએ પથ્થર ન ઉપાડવો જોઇએ. અન્યાયનો પર્દાફાશ કરવા પાંચ સાક્ષીઓને થેલી તપાસવા કહેવું જોઇએ. અથવા ન છૂટકે પથ્થર ઉપાડી શાહૂકાર સાથે લગ્ન કરી બાપને દેવામાંથી મુક્ત કરવો જોઇએ. લૉજિકલી, પ્રેક્ટિકલી, દુનિયાદારીના સ્થાપિત સિદ્ધાંતોની રીતે વિચારો તો આવા જ જવાબ સૂઝે. પરંતુ, આ તો ગોરી હતી. ચબરાક અને ખેપાની શાહૂકાર કરતા સો ગણી ચતુર. આજના જમાનાની છોરી. એ કંઇ થોડું લૉજિકમાં માને?
ગોરીએ તો થેલીમાં હાથ નાખ્યો. શાહૂકારને થયું આપણે મેદાન મારી લીધું. પણ ગોરીએ એનું કપટ ખેદાન-મેદાન કરી દીધું. હાથમાં પથ્થર લીધો. જેવો હાથ બહાર કાઢ્યો કે પથ્થર સરકી ગયો. જમીન પરના પથ્થરોમાં ભળી ગયો. ગોરીએ કયા રંગનો પથ્થર લીધેલો એ તપાસવા હવે એક જ રસ્તો બાકી હતો. થેલી તપાસવાનો. પાંચ સાક્ષીઓએ થેલી તપાસી. કાળો પથ્થર મળ્યો. બસ, સાબિત થઇ ગયું કે ગોરીના હાથમાં સફેદ પથ્થર આવ્યો હતો. શાહૂકારે દેવું માફ કરવું પડ્યું અને ગોરી એની સાથે લગ્ન કરવાના દોઝખમાંથી પણ ઉગરી ગઇ.
દોસ્તો, લૉજિક જ્યાં ખતમ થાય ત્યાંથી મૅજિક શરૂ થાય છે. ગોરી દુનિયાની રીતે ચાલી હોત તો દુઃખી હોત. એણે કોઇનું ન માન્યું. પોતાના મનની વાત માની. તમે પણ દુનિયાના સ્થાપિત લૉજિક ખતમ કરો. લૉજિકથી એક કદમ આગળ જ ચમત્કાર છે. કરી બતાવો. કરિયરનો પ્રશ્ન પણ તમારી સામે બે કાળા પથ્થરનું કન્ફ્યુઝન બનીને આવશે. એ પૂછશે. જૉબ કે વર્ક? એનો અર્થ સમજો. જૉબ એટલે એક ઑફિસ. એમાં રોજ જવાનું. સ્થાપિત સિદ્ધાંતો અનુસાર પગાર મળે. માલિકોની ઇચ્છાને આધારે પ્રમોશન કે ડિમોશન થાય. જૉબ એટલે એ જ ખેલ. કાળો પથ્થર પકડીને બતાવવાનો. સરેન્ડર થવાનું. વર્ક એટલે, કર્મ. કર્મ એટલે પરિશ્રમ. પરિશ્રમ એટલે સિદ્ધિ. જૉબના લૉજિકથી આગળનો મૅજિક એટલે કર્મ. હવે કોઇનું માન્યા વિના તમારા દિલની વાત માનો. જાતે જ નક્કી કરો. જૉબ કે કર્મ?
છેલ્લે એક ઉખાણું પૂછું? એક તાર પર ત્રણ પંખી બેઠા છે. બે પંખીએ ઉડી જવા વિચાર્યું. બોલો તાર પર કેટલા પંખી રહ્યા? કોઇ કહેશે એક. કોઇ કહેશે તાર હાલ્યો ને ત્રીજું પણ ઉડી ગયું. એટલે એક પણ નહીં. મારા સાહેબ! તમે સવાલ તો બરાબર સાંભળો? બે પંખીએ ઉડવાનું વિચાર્યું જ છે. ઉડ્યા નથી. તાર પર હજી ત્રણેય બેઠા છે! નિર્ણયશક્તિ માટે સચોટ વિચારશક્તિ જોઇએ. તો કેળવો.... અને ભરો નવી ઉડાન!
Viral Mehta