30 મે, 2014

બહાર સોનુ, મોતી ને રાજા તમારી રાહ જુએ છે! (Hollywood Cafe 29)



બહાર સોનુ, મોતી ને રાજા તમારી રાહ જુએ છે!
બસ એ હજીય ઊભો છે. સ્ટેશન પર. મેલોઘેલો. કડકડતી બર્ફીલી ટાઢમાં ઠુઠવાતો. એના દોસ્તની રાહ જોતો. બંને દોસ્ત પણ અચાનક બનેલા. એકવાર કૉલેજથી પાછા ફરતા એ પ્રોફેસરને મળી ગયેલો. બન્યું એવું કે, પરદેશથી કોઇ ફેમિલી આ શહેરમાં શિફ્ટ થયેલું. એમનો સામાન અલગ આવ્યો હશે. હચિકો પણ એમાં હતો. અન્ય માલ-સામાનનું તો લિસ્ટ હતું. પણ હચિકોનું નામ નહોતું. સામાન ગયો. હચિકો રહી ગયો. સ્ટેશન પર. કોઇ પરિચિત નહીં. કોઇ બોલાવે નહીં. ક્યાં હશે પેલો પરિવાર? કંઇ ખબર નહીં. ને આ અજાણ્યો મુલક. બેઠોતો, એકલો અટુલો.
ત્યાં તો પ્રોફેસરની ટ્રેન આવી. કોણ જાણે કેમ હચિકોને આ માણસ ગમી ગયો. એમની સાથે થઇ ગયો. પ્રોફેસરને નવાઇ લાગી. કયો બેદરકાર આ નાના વફાદારને ભૂલી ગયો હશે? એ સ્ટેશન માસ્તરને સોંપવા ગયા. એણે રાખવાની ના કહી. એ દિવસે તો ઘરે લઇ આવ્યા. પછી રોજ સવારે એ હચિકોને સ્ટેશન લઇ જતા. રખેને એનો રખેવાળ મળે? પણ કોઇ લેવા આવ્યું નહીં. એ પ્રોફેસર સાથે જ રહેવા લાગ્યો. હવે બંને રોજ સાથે સ્ટેશન જતા. પ્રોફેસર ટ્રેનમાં બેસે. બાય બાય કહે. હચિકો ઘરે પાછો ફરે.
એક દિવસ સવારથી હચિકો પ્રોફેસરને રોકતો હતો. કૉલેજ ન જવા કહેતો હતો. પેલો દડો, જે પ્રોફેસર રોજ રમાડતા, પણ નહોતો રમતો, એ આજે સામેથી રમતો હતો. પ્રોફેસરને ગમ્યું. પણ એ તો સમયસર તૈયાર થઇને નીકળ્યા. બંને સાથે સ્ટેશન પહોંચ્યા. ટ્રેન આવી. પ્રોફેસરે ટાટા કહ્યું. હચિકો ઘરે આવ્યો. સાંજે ફરી સ્ટેશન પહોંચ્યો. ટ્રેન આવી. પણ પ્રોફેસર ન આવ્યા. માસૂમને ક્યાંથી ખબર કે એના દોસ્તનું અચાનક હાર્ટફેલ થઇ ગયું હશે? હચિકો રાહ જોતો રહ્યો. દિવસો સુધી. પછી એક દિવસ પ્રોફેસરના જમાઇ એને ઘરે લઇ ગયા. તોય હચિકો રોજ સ્ટેશન પહોંચી જતો. બેસી રહેતો. એ જ નક્કી કરેલી જગાએ. સાંજે નિરાશ પાછો ફરતો. પ્રોફેસરના ગયા પછી એમનું ફેમિલી પણ શિફ્ટ થયું. ત્યાંથી પણ હચિકો સવારે નીકળી પડતો. જૂના ઘરે જતો. ત્યાંથી સ્ટેશન પહોંચતો.
સમય જતાં હચિકો સ્ટેશન પર જ રહેવા લાગ્યો. હવે તો પ્રોફેસર આવે પછી જ ઘરે જઇશ એમ વિચારીને. દિવસો, મહિના, વર્ષો વીત્યાં. મોસમ બદલાયા. હચિકો હવે વૃદ્ધ થયો હતો. શરીર નબળું પડ્યું. તોય સ્ટેશન ન છોડ્યું. આજે કડકડતી ટાઢમાં આખો દિવસ આકળ-વીકળ, આંટાફેરા કરીને એ થાક્યો હતો. બેઠા બેઠા જ આંખ મીંચાઇ ગઇ. ઊંઘી ગયો. જિંદગી આખી પ્રોફેસરની રાહ જોઇને. બંને મળ્યા પણ ખરા. કેવી રીતે?  હચીઃ અ ડૉગ્સ ટેલ. મૂવી છે. અચૂક જોવા જેવું. એક સત્ય ઘટના પર આધારિત. હા, આ ઘટના જાપાનમાં બનેલી. હચિકો ૧૯૨૩માં જન્મ્યો હતો. ૧૯૩૫ સુધી એણે સદેહે દોસ્તી નિભાવી. હવે જાપાનના શિબુયા ટ્રેન સ્ટેશન પર સ્ટેચ્યુ બનીને પ્રોફેસરની રાહ જુએ છે. હચિકો આજે પણ હયાત છે. બધાના દિલમાં. સાચા દોસ્તનું પ્રતીક બનીને.... આંખ ભીંજાય તો એ દિલ સાફ થવાનો ઉત્સવ છે સાહેબ! ઉજવી લેજો બેધડક.
હચિકો અકિતા કેન પ્રકારનો જાપાનીઝ ડૉગ છે. એનું પાત્ર ફિલ્માં ચીકો, લાયલા અને ફૉરેસ્ટ નામના ત્રણ ડૉગે ભજવેલું. પ્રોફેસરના પાત્રમાં રિચર્ડ ગેર હતો.
યૉર્કશાયર ઇંગ્લૅન્ડની વાત કહું. ત્યાં એક લેસ્સી છે. ઘરમાં મમ્મી ડૅડીની વ્હાલી. નાનો જો તો એના વિના જમે નહીં. રમતાં, ભણતાં, સાયકલ ચલાવતા દરેક ક્ષણે લેસ્સી સાથે હોય. એક દિવસ જો એકલો પડી ગયો. લેસ્સી અચાનક ગુમ થઇ ગઇ. કારણ, આ ખતરનાક મોંઘવારી. ત્યાંના એક ધનવાન ડ્યૂકને લેસ્સી ખૂબ ગમતી હતી. માતા-પિતાએ મજબૂરીમાં લેસ્સીને વેચી દીધી હતી. જોને કીધા વિના. જો તો ખાવા-પીવાનું છોડી ચૂપચાપ બેસી રહેતો. ડ્યૂકને ત્યાં લેસ્સીને પણ જો યાદ આવતો. એની વેદનાનો પણ પાર નહોતો. બંને વ્યાકુળ હતા. ત્યાં એક દિવસ મોકો મળ્યો. લેસ્સી ડ્યુકનો મહેલ છોડીને નાસી છૂટી. પરંતુ એ હવે રજવાડાંની મિલ્કત હતી. અણમોલના મોલ, દિલદારીની હેસિયત ડ્યૂકના સિપાહીઓ શું સમજે? એની મૂંગી વેદનાનો મરમ કોણ જાણે? એવામાં એને મોકો મળી ગયો. લપાતી-સંતાતી લેસ્સી જતી હતી પણ ડ્યૂકના સિપાહીઓ જોઇ ગયા. પકડાઇ ગઇ લેસ્સી.
ડ્યૂક એને લઇને હવે બીજા પ્રાંતમાં ચાલ્યો ગયો. લેસ્સી વધુ મોટા મહેલમાં બંદીવાન હતી. ગળે પટ્ટો અને મજબૂત ચેઇન. મજબૂર લેસ્સી ખાવા, પીવાનું ભૂલીને બેસી રહેતી. દોસ્તની યાદમાં ઝૂરતી. એની આ હાલત જોઇ ડ્યૂકની પૌત્રી રાજકુમારી પ્રિસિલા દુઃખી હતી. એક દિવસ મોકો જોઇ એણે લેસ્સીને બંધનમુક્ત કરી. લેસ્સી મહેલ છોડીને ભાગી છૂટી. અજાણ્યા રસ્તે. અંતરના અજવાળે અંતર માપતી હતી. રસ્તામાં જંગલો. જંગલમાં ઝરખ, શિયાળ, દીપડા, ભાલુ. બરફનાં સૂસવાટા. રહેવા કોઇ આશરો નહીં. પેલી તરફ જો બધી આશા છોડી ચૂક્યો હતો. ઉદાસી ઘેરી વળી હતી. એક જ રટણ રટતો, લેસ્સી કમ હોમ. લેસ્સી જો પાસે પહોંચી? દિલદારી દોસ્તીની આ યાદગાર ફિલ્મ છે. લેસ્સીની ભૂમિકા પૅલ નામના અદાકારે ભજવી હતી. પૅલ, દુનિયાનો પ્રથમ શ્વાન-સ્ટાર. રફ કૉલી પ્રકારના આ ડૉગ હતો. લેસ્સીનું પાત્ર એટલું પ્રસિદ્ધ થયું કે એની કૉમિક બુક્સ અને ટીવી શો પણ બનવા લાગ્યા. આજે પણ બને છે. એમાં હવે પૅલના વંશજો એ પાત્ર ભજવે છે.
૧૦ વર્ષની ઇન્ડિયા ઓપેલ બુલોની સાથે પણ એક ઘટના બની હતી. મા તો પિતા, પુત્રીને મૂકીને જતી રહી. પિતા દુનિયાદારીમાં પરોવાયા. નાની ઓપેલ એકલી પડી ગઇ. ફુરસદમાં પિતા એને એકવાર વિન-ડિક્સી મૉલમાં શોપિંગ કરવા લઇ ગયા. ત્યાં એક એક ભૂખી, તરસી, લઘર-વઘર દોસ્ત તોફાને ચઢી હતી. સિક્યુરિટીવાળા એને ભગાડવાના જ હતા ત્યાં ઓપેલની નજર પડી. મારી દોસ્ત છે, કહીને એને સાથે લઇ આવી. વિન-ડિક્સી પરથી મળેલી એટલે એ જ નામ રાખ્યું.
પછી એકલી અટુલી ઓપેલની લાઇફ બદલાઇ ગઇ. નવા દોસ્તો મળ્યા. મ્યૂઝિક ક્લબમાં જવા લાગી. ત્યાં એક દિવસ ગાજવીજ સાથે વંટોળ ફૂંકાયો. બારેમેઘ ખાંગા થયા. ઓપેલ ક્લબમાં હતી. વિન-ડિક્સી એકલી હતી. ગભરાઇ ગઇ. ઘરમાંથી બહાર આવી. દોડતા ભાગતા દૂર નીકળી ગઇ. ઓપેલ ઘરે આવી. વિન-ડિક્સી ન મળી. માયૂસ થઇ ગઇ એ. વિન-ડિક્સી કદી પાછી ફરી? હા, એક અનોખી રીતે. ફરી ઓપેલની દુનિયા બદલવા. બિકૉઝ ઑફ વિન-ડિક્સી. ૨૦૦૫ની એક મજાની ફિલ્મ. બે પિકાર્ડી શેફર્ડ્ઝે એમાં વિન-ડિક્સીનું પાત્ર ભજવ્યું છે. આ ફ્રેન્ચ શ્વાન રૅર કહેવાય છે. ફિલ્મ જોશો તો જિંદગી તરફ જોવાની તમારી નજર બદલાઇ જશે.
માઉન્ટ મેલબર્ન પર અમસ્તાય બરફ રહે. એમાં જાન્યુઆરી મહિનો. ને આ વિજ્ઞાનીઓ ઉપડ્યા હતા આકાશમાંથી પડેલી ઉલ્કા શોધવા. બરફના પહાડ પર માનવીએ બનાવેલી કોઇ કાર પહોંચી શકે તેમ નહોતી. ડૉગ સ્લૅડ સિવાય છૂટકો જ નહોતો. આઠ સખલીન હસ્કી ડૉગની ગાડીમાં ઉપર પહોંચી તો ગયા. પણ ત્યાં શરૂ થયું બરફનું તોફાન. ગરમમાં ગરમ કોટ ઠરી જાય. આંખના ચશ્મા ઉપર પણ બરફ જામી જાય. જાડાં મોજાંમાં પણ હાથ પગ ઠરી જાય. ચામડીના તો લીરાં ઊડી જાય. વિજ્ઞાનીઓએ તો રેસ્ક્યુ હૅલિકૉપ્ટર બોલવી લીધું. નાસી છૂટ્યા ત્યાંથી. પેલા આઠને એમની કિસ્મતને હવાલે મૂકીને. માણસની જાતને? પોતાના સ્વાર્થમાં ઉપયોગ કરીને તરછોડી દેવાનો કસબ આબાદ રીતે જાણે. પાંચ મહિના નીકળી ગયા એ વાતને. એ આઠ જિગરજાનોનું શું થયું બરફના પહાડોમાં? ‘એઇટ બિલો. ફ્રેન્ક માર્શલની એડવેન્ચર ડ્રામા ફિલ્મ. આઠ વફાદાર શ્વાનની સાચી વેદનાની કથની છે. આ પણ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે.
દિલ દ્રવી ઊઠે એવી આ મૂંગી વ્યથાની કથાઓ છે. વફાદારીના દેવદૂતોની વાત છે. દુનિયાદારીની જફામાં આ વફા જોવા મળે? હા, ત્યાં આપણી બેજવાબદારીએ ખડકેલા કચરાના ઢગમાં. અથવા કોઇ ફૂટપાથના કિનારે બે ઇંચ છાંયડાની શોધમાં. કે પછી કોઇ નાસમજે વીંઝેલી લાકડી કે ઝીંકેલા પથ્થરના નિશાન પર ઠેબાય છે વફાદારી. તમારી અંદર રહેલા તમને સાદ કરે છે. ભૂખ્યાં પેટમાં પોતાના હોવાનું દુઃખ દબાવીને. એકવાર બુચકારીને માથે હાથ તો ફેરવો જનાબ! કોદી ન મળ્યો હોય એવા દોસ્ત મળી જશે. એકવાર પહેલાં પણ કીધેલું. આજે ફરી કહું છું.... આ પથ્થર ઇંટની દુનિયામાં કંઇ ઘર વગરનું વસવા દો, કોઇ હોઠ વગરના સ્મીત મળે તો હૃદયભરીને હસવા દો’!
આ હોઠના નકલી નહીં, દિલનાં અસલી સ્મીત છે. સડક પર ઘર વિના જીવતી જિંદાદિલી છે. જિંદગી હસતી રાખવા આવું એકાદ ખરું સ્મીત મળે તો કાફી છે. જુઓ ત્યાં બહાર પેલા સોનુ, રાજા, મોતીની ખુદ્દારી તમારી રાહ જુએ છે. રોટી, બિસ્કિટમાં બને તો સ્નેહ, દુલાર મેળવીને આપજો. માણસ હોવાની મગરૂરીમાં લપેટેલાં ઉપકાર, દયા, કરૂણાની એમને જરૂર નથી. એ નિઃસ્વાર્થ પ્રેમના ભૂખ્યાં છે. એકવારના વ્હાલનું નમક જિંદગીભર અદા કરશે. ક્ષેમ અને ક્ષમા હંમેશા તમારી સાથે રહેશે. પછી ગજું છે, કોઇ આફતનું કે તમારો રસ્તો રોકે? ખરા વફાદારની એક દુઆ પણ જિંદગી ઉગારવા કાફી છે. જો તમારો પ્રેમ અનકંડિશનલ હોય તો....
 Viral Mehta