જવાની દીવાની કે 'દીવા'ની!
બેબ્સ એન બૉય્ઝ. યુ ગોન્ના રૉક. એપ્પી લેપ્પી મેક્સ મી હેપ્પી. ઓ વઆઆઆઉ! આઇ ગોચ્ચા ટેબ. ડીસ્સ મા' સ્વીટેસ્ટ પીક્ચા. ઓએમજી! ગાલ યુ લૂક ઓસ્સઅઅમ. જાતે ને જાતે જાતથી અંજાઇ જતા. ખોચ્ચું ખોચ્ચું ઇંગ્લિશ બોલતા. સેલ્ફી સેલ્ફી રમતા. સ્વીચ્ચીપાઇ, ક્યુચ્ચીપાઇ, કૂલ ડૂડ, હૉટ ગાય્ઝનો જમાનો છે. જો કે જાતે યંગ લાગવા ગામને તંગ કરતા કાકાઓ પણ ઓછા નથી. બાબો બાઇકર બની જાય તોય ડૅડી ઉછળી ઉછળીને ડૂડગીરી ને કૂલબાજી કરતા જ રહે. શું કરીએ ભાઇ, જોશે જવાની હેન્ડલ કરવું મોટું ટાસ્ક છે. એ માટે પાવરધા ટાસ્ક માસ્ટર બનવું પડે.
નિક દ'અલોઇસિયો બનવું પડે. સોળ વર્ષની ઉંમર. દુનિયાભરના કચ્ચા-બચ્ચા સ્વીટ સિક્સ્ટીનની કેક પરથી મીણબત્તી ઓલવતા હોય, ત્યારે આ છોકરડાએ જ્ઞાનની મીણબત્તી પ્રગટાવી. એણે ટેક્સ્ટ એડિંટિંગનો જમાનો બદલી કાઢ્યો. એક એપ્લિકેશન દ્વારા. લાંબી લચ્ચ ટેક્સ્ટની ૧૦૦૦, ૫૦૦ શબ્દોની સમરી બનાવવી હવે પળ-બે પળની વાત છે. એ પણ ટેક્સ્ટનું તથ્ય જાળવીને. એ તો ઠીક, હવે લાંબી ટેક્સ્ટ માત્ર ૧૪૦ અક્ષરોમાં પણ તબદીલ થઇ શકે છે. હા, એક મોબાઇલ મેસેજ જેટલી નાની. અખબારી આલમ, વાચકો, લેખકો, વેબ-કન્ટેન્ટ ડેવલપર્સમાં આ એપની ધૂમ છે. શરૂઆતમાં નિકે આ એપ્લિકેશન ટ્રીમઇટ નામથી એપલ આઇઓએસ માટે બનાવી હતી. એપ સ્ટોર પર ટ્રીમઇટની સફળતા જોઇ હૉંગ-કૉંગના એક બિલિયનર લી-કા-શિંગ પ્રભાવિત થયા. એમણે નિકને ૩૦૦,૦૦૦ યુએસ ડૉલર્સનું વેન્ચર કૅપિટલ ફંડ આપ્યું. એપ્લિકેશન યુઝર્સના સારા-ખોટા પ્રતિભાવો મેળવીને નિકે ટ્રીમઇટ સંપૂર્ણપણે રિ-સ્ટ્રક્ચર કરી. નવી એપ્લિકેશન સમ્લી નામથી રજૂ કરી. સમ્લીની ઉપયોગીતા અને લોકપ્રિયતા જોઇ ૨૦૧૨માં નિકને વધુ ૧,૦૦૦,૦૦૦ યુએસ ડૉલર્સનું ફંડિંગ મળ્યું. આજે નિક સૌથી નાની ઉંમરનો આન્ત્રપ્રેન્યોર છે. કોઇ પણ કોર્સ કે ડિગ્રી વિના પ્રોગ્રામિંગની દુનિયામાં નિકની હાક વાગે છે. સો, ડૂડ્ઝભાઇઓ ને બેબ્ઝબેનો આને કહેવાય 'લાઇફ રૉક્સ, યુ સી'!
ડિજિટલ વિશ્વના આધુનિક ઉદ્યોગપતિઓ યુવાનો હશે, દોસ્તો! આપણે ત્યાં લોકો યંગ યંગ ફીલ કરવા ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપમાં ઓળઘોળ છે. ત્યારે એક નાના ગામની નાની છોરી ઇન્ટરનેટના સાવ અલગ પ્લૅટફૉર્મ પર વિશાળ કરિયર બનાવી ચૂકી છે. આધુનિક જમાનાની સૌથી કાબેલ યુવા લેખિકા તરીકે. વૅમ્પાયર, હૅરીપોટર, વૅરવુલ્વ્ઝની વાતો વાંચીને છોકરી ખરેખર કંટાળી હતી. આ લેખક, લેખિકાઓ યુવાનોને નાના છોકરડાં સમજે છે? બહુ થયું અમારા વતી અમારી, અમને પરાણે ગમતી વાતો લખવાનું. અને બૅથ રીક્લાએ કલમ ઉપાડી. ડિજિટલ કલમ – કમ્પ્યુટરનું કી-પેડ! માત્ર ૧૫ વર્ષની ઉંમરે. વૉટ્ટાપેડ પ્લૅટફૉર્મ પર એક ટીન નવલકથા લખી. ટીનએજની ઊર્મીઓનો રણઝણાટ એક ટીનએજ લેખિકાની કલમે. કોઇ જ કિંમત વિના એક બેશકીમતી નવલકાથા. વોટ્ટાપેડ પર હજારો મિલિયન્સ લોકોએ 'ધ કિસિંગ બુથ' વાંચી. બૅથની ફૅન થઇ ગઇ દુનિયા. બ્યુટિફૂલ બૅથ હવે ૧૯ વર્ષની છે. રમતિયાળ અને હમસુખી છે. ફિઝિક્સની સ્ટુડન્ટ છે. પુસ્તકો અને ચા એના શોખ છે. વિશ્વના સૌથી મોટા પબ્લિશરે ત્રણ નવી નવલકથાઓ લખવા બૅથ સાથે કૉન્ટ્રાક્ટ કર્યો છે. ઇઝન્ટ ઇટ ઓરિજિનલી ઑસ્સ્સ્સમ, ઇન્ડિયન ક્યુચ્ચીપાઇઝ?
એક બીજી પણ ઑસ્સમ છોકરી છે. માયા. માયા વાન વેજ્નન. માયાની માયાજાળમાં દુનિયા કેદ થઇ ત્યારે એની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. માયાને એક સવાલ થયો. શું આ ક્રીમ, લોશન, હીરા-મોતી, પરિધાનથી કોઇ શરમાળ છોકરી પૉપ્યુલર બની જાય? એણે એક નવલકથા લખી. 'પૉપ્યુલરઃ વિન્ટેજ વિઝડમ ફૉર અ મૉડર્ન ગીક'. પછી? પછી શું થયું? હૉલિવૂડની ડ્રીમ વર્ક્સ કંપનીએ એની ઉપરથી ફિલ્મ બનાવી. એટલું જ નહીં, પ્રસિદ્ધ પૅંગ્વિન પબ્લિકેશને બુક ખરીદી લીધી. છ આંકડામાં પેમેન્ટ ચૂકવીને. હવે માયા ૧૫ વર્ષની છે. ઘરમાં હજી પણ ભાઇ સાથે રૂમ શૅર કરે છે. અને બંને તબિયતથી ઝગડે છે. કેમ બોલોને 'ચોઓઓ ચ્વીઇઇટ'!
તમને ખબર છે, દુનિયાનો સૌથી પ્રોમિસિંગ સંશોધક કેટલા વર્ષનો છે? હજી તો એ પૂરા ૧૬ વર્ષનો પણ નથી થયો. જૅકબ બર્નેટ. માત્ર આઠ વર્ષની ઊંમરે એ યુનિવર્સિટીમાં ક્લાસ લેતો થઇ ગયો હતો. એણે આઇન્સ્ટાઇનની થિયરી ઑફ રિલેટીવિટી 'સાપેક્ષતાવાદ' એક્સપાન્ડ કરી છે. જૅકબ ૨ વર્ષનો હતો ત્યારે દાક્તરોએ કહ્યું એને આસ્પબર્ગર સિન્ડ્રોમ છે. ઑટિઝમ જેવો. એ ક્યારેય બોલી નહીં શકે. આજે જૅકબ આઇક્યુ ટેસ્ટમાં આઇન્સ્ટાઇન કરતા પણ આગળ છે. ઓટિસ્ટિક બાળકો માટે એણે 'જૅકબ્સ હોમ' શરુ કર્યું છે. 'બ્રાવો'!
બોલો એક ઇન્ડિયન ટીનએજરની વાત કહું હવે? અપના મુંબઇ કા છોકરા. અંગદ દર્યાની. એની શોધ છે, શાર્કબોટ. ભારતનું પહેલું સૌથી સસ્તું 3D પ્રિન્ટર. કંઇ કમાલનો છોકરો છે અંગદ. દેશનો યંગેસ્ટ હાર્ડવૅર, સૉફ્ટવૅર જાયન્ટ. એણે હ્યુમનોઇડ રૉબોટ, પીનહોલ કૅમેરા, વૉટર રૉકેટ્સ, ઑડિયો સેન્સિટિવ એલઇડી સ્ક્રીન જેવાં અનેક ઉપકરણો બનાવ્યાં છે. અંગદના સંશોધનોની એક વિશેષતા છે. એના પાર્ટ્સ મેળવી કોઇ પણ વ્યક્તિ એ જાતે એસેમ્બલ કરી શકે છે. 'ડુ ઇટ યૉરસેલ્ફ' એની થીમ છે. અંગદને ટેડએકેસ ગેટવેમાં સ્પીકર તરીકે આમંત્રણ મળ્યું હતું. ઇન્ડિયા ઇઝ રીયઅઅઅલી સુપ્પબ્બ, નહીં?
દોસ્તો, આ જવાનીયાઓની વાતમાં એક વાત ખાસ છે. આમાંથી કોઇ 'સ્ટડી કમ્પલિટ' કરવાનું બહાનું શોધવા નથી ગયા. પોતાની પેશન માટે ભણવાની ફેશન છોડી પણ દીધી હશે. ડિગ્રી પછી જૉબનું શું એવી જફામાં મગજ પણ બગાડ્યું નથી. અમારું તો નાનું ગામ કે આ શહેર, દેશમાંમાં કંઇ પોસિબલ નથી એવાં કકળાટ કર્યા નથી. જે નક્કી કર્યું એ કરીને જંપ્યા છે. આ જવાની 'દીવા'ની કહેવાય. જે જ્ઞાનના દીપથી જગત ઝળહળતું કરે. પ્રકાશ હોય ત્યાં દુનિયા આપોઆપ ખેંચાઇ આવે! વૉટ સે?
Viral Mehta