9 મે, 2014

ઇન્ડિયાનો સિક્કો બોલે છે, સાહેબ! (Hollywood Cafe 26)


ઇન્ડિયાનો સિક્કો બોલે છે, સાહેબ!
બ્રિટિશ રાજ વખતનું ભારત. કંપની સરકારનું લશ્કર ત્રાહીમામ. કારણ મહંમદ ખાન. અમસ્તા જુઓ તો વિચાર સુદ્ધાં ન આવે કે આ કોઇ ખૂંખાર વિદ્રોહી હશે. ગોરો વાન. ઊંચી કદ કાઠી. ભપકાદાર છટા. શાનદાર રીતભાત. કોઇ ભૂલ વિનાનું ફાંકડું ઇંગ્લિશ. ઑક્સફર્ડમાં ભણેલો હતો ખાન. ખાતિરદારીમાં ખાનનો કોઇ જવાબ નહીં. અજબ અદબ. ગજબ રુઆબ. અન્ય વિદ્રોહીઓ કરતા અલાયદા કિસ્મનો ઇસમ હતો એ. એની ગિરફ્તમાં રહેલા ગોરાઓ તંગ કરતાં દંગ વધુ રહેતા. કેદ સજા હતી કે મજા એ કળવું મુશ્કેલ હતું. સુંવાળી બેડીમાં બંદીવાન રહેતા ગોરા અફસરો. સુરા, સુંદરી, મિજબાની, જયાફતોનો દોર ચાલતો. નશામાં ધૂર્ત ગોરા કર્નલો પાસેથી સુંદરીઓ બધી માહિતી કઢાવી લેતી. દારુગોળો, શસ્ત્ર-સરંજામની ગાડીઓ લશ્કર સુધી પહોંચતી જ નહીં. ખાન બધું લૂંટી જતો.
ખાન સામે કોઇ ચૂપ રહે એ અસંભવ હતું. વી હેવ વેઝ ઑફ મેકિંગ મેન ટૉક, એ કહેતો. ઇન્સાનની જિબાન ખોલાવવાના બધા રસ્તા ખાન જાણતો હતો. જો કોઇ આનાકાની કરે તો સુંવાળી કેદ કાંટાળી સેજ બની જતી. આંગળીના નખમાં લાકડાંની ધગધગતી ફાંસ ખોસવામાં આવતી. ને જીભ પરથી સરકારી વફાદારીના તમામ તાળાં ખૂલી જતાં. લેફ્ટનન્ટ મૅકગ્રેગરનું ધૈર્ય હવે જવાબ માગતું હતું. અફસરોના વધતા અપહરણો. લૂંટનો બેરોક સિલસિલો. ઉપરીઓએ પણ હવે ભંવાં તાણ્યાં હતાં. ખાનને ખતમ જ કરવો પડે. મૅકગ્રેગરે છાવણીમાં નવા બે અફસરો બોલાવ્યા હતા. જેમને કોઇ ઓળખતું નહોતું. છતાં લેફ્ટનન્ટ સ્ટોનનું અપહરણ થયું. આ હાલત હતી ઇંગ્લિશ આર્મી બેંગોલ લાન્સરની. ખાનને વશ થયા તો લશ્કરના દુશ્મન. ખાનની સામે પડ્યા તો જીવતું નરક.
ધ લાઇવ્સ ઑફ અ બેંગોલ લાન્સર. બ્રિટિશ રસાલાના ઑફિસર ફ્રાન્સિસ યેટ-બ્રાઉનની આત્મકથા પર આધારિત. ૧૯૩૫ની સુપર હિટ એડવેન્ચર ફિલ્મ. સુપ્રસિદ્ધ સ્ટાર ગેરી કૂપરને ચમકાવતી આ ફિલ્મ એકેડેમી અવૉર્ડ માટે સાત કૅટેગરીમાં નૉમિનેટ થઇ હતી. બેસ્ટ આર્ટ ડિરેક્શનનો અવૉર્ડ મળ્યો હતો. ડિરેક્ટર હેન્રી હેથવેને ટપી જઇને બંને આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ક્લેમ બ્યુચેમ્પ અને પૉલ વિંગ અવૉર્ડ જીતી ગયા હતા. ફિલ્મની કથા અને ઘટનાઓ ભારતની પૃષ્ઠભૂમિ પર ચાલે છે. ભારતના નિર્માતા નિર્દેશકો છોને વિદેશી લોકેશન, કથા પાછળ આંધળી દોટ મૂકે, હૉલિવૂડમાં તો ઇન્ડિયાનો સિક્કો ચાલે છે, સાહેબ. ટૉમ ક્રૂઝ હોય કે જેમ્સ બૉન્ડ. વિલ સ્મીથ કે લીઝ હર્લી કે એન્જલિના જૉલી ને સ્ટીવન સ્પીલબર્ગ. ભારત વિદેશી ફિલ્મકારો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કોઇ જાહેરમાં કબૂલે કે ન કબૂલે, ફિલ્મમાં ભારતનું એકાદ એલિમેન્ટ હૉલિવૂડ માટે શુકનવંતું સાબિત થાય છે. ફિલ્મ સુપર-ડુપર હિટ થઇ જાય છે.
જરા વિચારો સ્ક્રીન પર કેટ વિન્સલેટ અને જિમ કૅરી હાથમાં જામ ભરીને પ્રણયની સંતલસ કરતા હોય અને બૅકગ્રાઉન્ડમાં મહંમદ રફીનું ગીત વાગે, મેરા મન તેરા પ્યાસા. બૉક્સ ઑફિસના રેકૉર્ડ તૂટી જાય. ઇટરનલ સનશાઇન ઑફ અ સ્પૉટલેસ માઇન્ડ સુપર હિટ થઇ જાય. છૈયા છૈયા ગીત વાગે તો નેચરલી લાલ જૅકેટ પહેરીને ટ્રેનના છાપરે નાચતો શાહરૂખ દેખાય. મલાઇકા યાદ આવે. કદી વિચાર્યું આ મૂવિમાં ડેન્ઝલ વૉશિંગ્ટન અને જોડી ફોસ્ટર પણ હોય? હા, છે. બોલો! ઇનસાઇડ મેન ફિલ્મમાં. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટ આ ગીત પર રચાઇ હતી. ફિલ્મ એ વર્ષની નંબર વન બૉક્સ ઑફિસ હિટ હતી. બાઝ લ્હૉર્મેનની મુલા રુશ મૂવિએ તો રેકૉર્ડ્સ અને અવૉર્ડ્સની કતાર લગાડી હતી. એમાં ચાયના ગેટ ફિલ્મનું છમ્મા છમ્મા વાગ્યું હતું. અનુ મલિક પણ કંઇ ગાંજ્યો જાય એવો નથી. ઘોસ્ટ વર્લ્ડની વાત કહું. ના, ના કોઇ હૉરર ફિલ્મ નથી. ટેરી ઝ્વિગોફની કૉમેડી ડ્રામા ફિલ્મ છે. કલ્પના કરો એમાં કયું ગીત હશે? મહંમદ રફીનું જાન પહેચાન હો, જીના આસાન હો. એ પણ ઓપનિંગ ક્રેડિટમાં. સ્કાર્લેટ જેવી સ્ટારલેટની ફિલ્મમાં આ જૂનું જાણીતું હિન્દુસ્તાની ગીત. પછી ફિલ્મ હિટ થાય એમાં નવાઇ નહીં.
આ તો થઇ સંગીતની વાત. ભારતનો એક એવો કિમિયાગર છે જેને હૉલિવૂડનો દરેક કસબી સલામ મારે. સત્યજીત રે! રે બાબુ એટલે વિશ્વને સૌથી પહેલી એલિયનની કલ્પના આપનાર મહાન સર્જક. સ્પીલબર્ગ તો ઢોલ વગાડીને કહે, હું હંમેશા એમના અતિશય પ્રભાવમાં રહ્યો છું. વાત ચાલી છે, તો ચલો રે બાબુની ફિલ્મ કરિયરની વાત કરીએ. સત્યજીત ડી. જે. કેમેર નામની એક બ્રિટિશ ઍડ એજન્સીમાં વિઝ્યુઅલાઇઝર હતા. ટાઇપોગ્રાફી અને ઇલસ્ટ્રેશન એમનું કામ. એક વાર કોઇ ઇંગ્લિશ ફિલ્મનું શૂટિંગ જોવા ગયા. બ્રેક ટાઇમ હતો. ડિરેક્ટર જીન રેનોઇર સાથે પરિચય થયો. રે બાબુથી રેનોઇર જબદસ્ત પ્રભાવિત થયો. બંને પાક્કા દોસ્ત બન્યા. એટલું જ નહીં, રેનોઇરે રે બાબુને સહાયક દિગ્દર્શક તરીકે મદદમાં રાખ્યા. ફિલ્મના લીડ રોલ્સમાં બધા જ નવોદિત કલાકારો હતા. છતાંય ગંગા ઘાટે બનેલી ધ રિવર ૧૯૫૧ની સૌથી મોટી સુપર હિટ બની. સત્યજીતે ટેક્નિકલર ફિલ્મ ભારતીયતાના જાદૂથી ભરી દીધી હતી.
વર્ષો બાદ માર્ટિન સ્કોર્સેઝીએ આ ફિલ્મ એના દોસ્ત વેઝ એન્ડરસનને બતાવી. રે બાબુની ઇન્ડિયન ઇન્ફ્લુઅન્સ જોઇ એન્ડરસન પણ સત્યજીતના કસબનો કાયલ થઇ ગયો. આ ફિલ્મથી પ્રેરાઇને એન્ડરસને ૨૦૦૭માં ધ દાર્જિલિંગ લિમિટેડ બનાવી. બાળપણમાં પિતા ગુમાવ્યા પછી વિખુટા પડેલા ત્રણ વ્હાઇટમેન ભાઇઓની આ વાત છે. પોતપોતાની દુનિયામાં મસ્ત અને વ્યસ્ત ત્રણેય એકવાર રીયુનિયન પ્લાન કરે છે. એક આલિશાન ટ્રેન ધ દાર્જિલિંગ લિમિટેડમાં ટિકિટ બુક કરાવે છે. આખા ભારતનો પ્રવાસ શરુ થાય છે. અને સાથે જ શરૂ થાય છે, એકબીજા સાથે નાની-મોટી રમૂજી તકરારો, તોફાન અને ધિંગામસ્તી. ફિલ્મનું શૂટિંગ જોધપુર અને ઉદેપુરમાં થયું હતું. મ્યૂઝિક સ્કોરમાં સત્યજીત રેના કમ્પોઝિશન હતા. હા, આ ફિલ્મે પણ અવૉર્ડ્સના ઢગ ખડકેલા.
રુડયાર્ડ કિપલિંગની લધુ કથા ધ મૅન હુ વુડ બી કિંગ પરથી જ્હોન હ્યુસ્ટને એક ફિલ્મ ૧૯૭૫માં બનાવી. એમાં પણ બ્રિટિશ રાજ વખતના ઇન્ડિયન આર્મીના બે સોલ્જર્સની વાત છે. ફિલ્માં જેમ્સ બૉન્ડ શૉન કોનેરી, માઇકલ કેઇન અને ક્રિસ્ટોફર પ્લુમર જેવા સુપર સ્ટાર્સ સાથે સઇદ જાફરી પણ છે. કથાની પૃષ્ઠભૂમિ ભારત અને અફગાનિસ્તાન છે. આ મૂવિ પણ સુપર હિટ હતું. મિડિયા જગતમાં એના ભારોભાર વખાણ થયા હતા અને ચાર એકેડેમી અવૉર્ડ્સ માટે નોમિનેટ થયું હતું.
અમેરિકન ફિલ્મ ડિરેક્ટર્સ પહેલેથી જ આપણી આઝાદીની લડતથી પ્રભાવિત રહ્યા છે. એ સમયનું બ્રિટિશ ઇન્ડિયન આર્મી. તેની સાથે જોડાયેલા પ્રસંગો અને પાત્રો વિશે શોધ એમના રસનો વિષય છે. ગંગા દીન નામ સાંભળો તો આપણી કોઇ હિન્દી ફિલ્મ હશે એમ લાગે. ફિલ્મ હકીકતમાં હૉલિવૂડ ડિરેક્ટર જ્યૉર્જ સ્ટીવન્સની છે. ગંગા દીન એક ભિશ્તી છે. એની સાથે ત્રણ બ્રિટિશ સોલ્જર્સની ધિંગામસ્તી છે. આ સુપર હિટ મૂવિ પણ અમેરિકન ફિલ્મ સોસાયટીના ૧૦૦ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની અનેક કેટેગરીમાં સ્થાન ધરાવે છે.
સ્લમ ડૉગ મિલિયનર­અને ગાંધી તો બધા ઓસ્કર લૂંટી ગયેલા. એ દુનિયા જાણે છે. ઇ. એમ. ફોસ્ટરની મૂળ કથા અને સાન્થા રામરાવના નાટક પરથી બનેલી અ પેસેજ ટુ ઇન્ડિયા પણ ૧૧ એકેડેમી નૉમિનેશન મેળવી ચૂકેલી ફિલ્મ છે. લેખક દિગ્દર્શક ડેવિડ લેનની આ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. બ્રિટિશ રાજ સામે ઝઝૂમી રહેલા ભારતની ચળવળનો સમયગાળો છે. ઇંગ્લેન્ડથી એક મહિલા ભારત જોવા આવે છે. એક સ્થાનિક ગાઇડ સાથે રાખે છે. અને ગાઇડ પર અંગ્રેજ મહિલા પર અત્યાચારનું આળ ચઢે છે. બોલો હવે જોવી છેને આ ડ્રામા ફિલ્મ!
એક વધુ ફિલ્મ પણ જોઇ કાઢજો. ધ પૂલ. કોઇ છોકરો છોકરી પાછળ ઘેલો થઇ જાય એ તો સમજ્યા. એક છોકરો સ્વિમિંગ પૂલનો આશિક થઇ ગયો છે. એમાં તરવાનો એને ચસ્કો લાગ્યો છે. એટલે પૂલના માલિકને મસ્કો મારવા જાય છે. સફળ હૉલિવૂડ ડિરેક્ટર ક્રિસ સ્મીથની આ હિન્દી ફિલ્મ છે. એમાં ભારતીય નવોદિત કલાકારો છે. અને છે, નાના પાટેકર. ફિલ્મ હિન્દી હોવા છતાં ૨૦૦૭ના બધા જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જબરદસ્ત લોકપ્રિય થઇ હતી.
બોલો ઇન્ડિયા છેને કમાલનો દેશ! તોય ફોરેનથી કોઇ પીઠ થાબડે યા પડોશી પીઠ આમળે ત્યારે જ ભારતીય હોવાનું ગૌરવ જાગે? એવું કેમ? જરા ધ્યાનથી વિચારજો. દેશ માટે મનમાં રોજ સવારથી ચાલતી બધી ફરિયાદો શમી જશે. દેશને ભવ્ય બનાવવા દેશના લોકોમાં ભવ્યતા જોઇએ. દેશ આપણા ખપનું કંઇ કરે એ મહત્ત્વનું નથી. આપણે દેશના ખપનું શું કર્યું? અગત્યનું એ છે. જય ભારત!  
 Viral Mehta