16 મે, 2014

રીલ.... રિયલ.... અને રૉયલ રિયાલ્ટી (Hollywood Cafe 27)



રીલ.... રિયલ.... અને રૉયલ રિયાલ્ટી
બેવ્યુ એવન્યુ અને વુડબાઇન એવન્યુની લગભગ વચ્ચે. લેસ્લી સ્ટ્રીટ અને મુલૉક ડ્રાઇવ પાસેથી એક ઝરણું વહે છે. બોગર્ટ ક્રીક. ઝરણું આગળ જઇને હૉલેન્ડ નદીમાં સમાય. નદીનાળાં, તળાવોને કારણે અહીં ઘેઘૂર વનરાજી પણ ખરી. કોઇ જમાનામાં લેક ઑન્ટારિયો અને લેક સિમ્કો વચ્ચે પ્રવાસનો આ કાયમી કુદરતી રસ્તો હતો. હવે એ ન્યૂમાર્કેટ શહેર કહેવાય છે. કૅનેડામાં ૧૦મા ક્રમનું શહેર. ગરમમાં ગરમ મોસમ હોય ત્યારે પારો ૨૧ ડિગ્રી પહોંચે. અહીં ઍરકંડિશનર ૨૧ પર હોય તો આપણે જૅકેટ પહેરી લઇએ. હરિયાળાં વાતાવરણની ખુશનુમા અસર આ શહેરના બાશિંદાઓમાં પણ ખરી. પ્રેસી અને કેથલીનની માફક. સાવ ભોળું, સાલસ, શાંત યુગલ. પ્રેસી સંગીતકાર હતો. કોઇ કંપનીમાં અકાઉન્ટન્ટની નોકરી હતી. કૅથલીન સીધીસાદી સ્ત્રી. બે દીકરા અને બે દીકરીઓને ઉછેરતાં દિવસ, રાત અને જિંદગી પસાર થતાં. પૈસે ટકે ત્રેવડ જો કે મધ્યમ વર્ગ કરતાં ઘણી ઓછી. ટૂંકી આવક. ભણતાં સંતાનો. મહિનો પરાણે નીકળે. મોંઘવારી તો કૅનેડામાં પણ નડેને ભાઇ! બચત તો ક્યાંથી હોય? તોય કુટુંબ નભતું હતું. વિના કોઇ ફરિયાદ.
પણ કિસ્મત.... અરે કઠોર.... પ્રેસીની જૉબ ગઇ. સ્વમાન અને ગરીબી એક જ જગાએ ભેગા થાય ત્યારે વિધાતા પણ શતરંજનો ખેલ જ જુએ. છેવાડાના ચોકઠાંમાં ઊભેલો સ્વમાન નામનો રાજા પ્યાદું બની જાય. ને ગરીબી ચાલે ઘોડાની ચાલ. પછી જોઇ લો ગજબ તમાશો. તમાચ મારીને ગાલ લાલ રાખવાનો શો. તમાશો. કૅથલીનને રસોડે અક્ષયપાત્ર ક્યાં હતાં. ઠામડાં તો ખાલી જ થવાનાં! પ્રેસીના ઘરની હાલત બદતર થતી ચાલી. ઘર ખાલી કરવું પડ્યું. કડકડતી ટાઢમાં. કોઇ જૂની વૅનમાં છ જણનો પરિવાર રાત કાઢતો. હવે તો કૅથલીનની તબિયત પણ કથળી હતી. જિમ સૌથી નાનો હતો. ૧૫ વર્ષનો. કિસ્મતના આ ખેલ સામે મનમાં આક્રોશની આગ ભભકતી હતી. મોટા ભાઇ, બે બહેનોનો અભ્યાસ ચાલુ રહે તે જરૂરી હતું. ઘરનો વ્યવહાર, બિમાર માની સારવાર જરૂરી હતાં. જિમે પોતાનો આભ્યાસ પડતો મૂક્યો. જોડાઇ ગયો કોઇ ફેક્ટરીના દરવાન તરીકે. તોય અઢિયાં મારતી ગરીબી કેડો નહોતી મૂકતી. નસીબના બેદર્દ હડસેલામાં આખો પરિવાર ફંગોળાઇ રહેલો. મને-કમને ખૂબસૂરત શહેર ન્યૂમાર્કેટ છોડવું પડ્યું.
સ્કારબરો જઇને જિમ ફરી ભણવા તો ગયો. પણ ભણી ન શક્યો. હાઇસ્કૂલમાં જાય કે કારખાનામાં ફૂલ ટાઇમ ડ્યૂટી કરે? એ બર્લિંગટન આવી ગયો. સ્ટીલ મિલમાં નોકરી કરવા. ઉંમર સાથે જિમ ઘડાયો હતો. હાલતની બરછટતા પર ઘસાઇને જિગરનાં તળ ફ્લેક્સિબલ થયાં હતાં. પોતાના જ આક્રોશનો ઉપહાસ કરી શકતો. ઊભા ઊભા સામેનાને હસાવી શકતો. યુનિક બૉડી મૂવમેન્ટથી. સંગીતકાર પિતા પ્રેસીને ટોરેન્ટોની યક યક કૉમેડી ક્લબમાં પરિચય હતો. ત્યાં જિમને સ્ટેન્ડિંગ કૉમેડિયન તરીકે પહેલો બ્રેક મળ્યો. પણ જિમ નિષ્ફળ રહ્યો. રૂઢીગત કૉમેડી સિવાયની રમૂજ કોઇને રમૂજ ન લાગી. બસ એ જ હવે જિમ માટે પડકાર હતો. કિસ્મત, સ્થિતિ તો સાથ ન આપે પણ પોતાની જાત? ક્ષમતા? આવડત? એ શેના મોં ફેરવે? જિમ જિંદગીને સામો પડકાર બની ઊભો થયો. જેને લોકો રિજૅક્ટ કરતા હતા એ સ્ટાઇલ વધુ પૉલિશ કરી. બર્થડે, પાર્ટી, નાના મોટા શો કરતાં કરતાં જિમ આગળ વધ્યો. જિમની રમૂજમાં ખાસ વાત એ હતી કે એના પર્ફોર્મન્સનું વર્ણન શક્ય જ નહોતું. હી ઇઝ ઇન્ક્રેડિબલ, શો જોનાર બસ એટલું જ કહી શકતા. જિમ ઠાલી જોક મારતો હાસ્યકાર નહોતો. એને પર્ફોર્મ કરતો જુઓ એ જ એની મજા. એના તોફાનમાં લોકો લોટપોટ થઇ જતા. પછી એક દિવસ આવ્યો. ટૉરેન્ટોના અખબારોએ જિમની નોંધ લેવી પડી. છવાઇ ગયો જિમ. જિમ કૅરી. સુપર સ્ટાર. કિસ્મતે અવળચંડાઇ કરી તો એણે અવળચંડાઇને જ કિસ્મત બનાવી.
એક જમાનામાં જિમને રહેવા ઘર નહોતું. હમણાં જ એણે ભવ્ય મલિબુ મેન્શન સાડા તેર મિલિયન ડૉલર્સમાં વેચ્યું. ન્યૂ યૉર્કના ફેમસ ક્લૉક ટાવરમાં ત્રણ માળનું પેન્ટહાઉસ ખરીદ્યું. જિમની દીકરી એટલે સુપ્રસિદ્ધ સિંગર જેન કૅરી. અમેરિકન આઇડલની જજ. જેનને પણ એક દીકરી છે. બે વાર પરણેલો જિમ આમ તો દાદા છે. છતાંય, ન્યૂ યૉર્કનો મોસ્ટ એલિજિબલ બૅચલર છે. એની સંપત્તિ ૧૫૦ મિલિયન ડૉલર્સ હોવાનો અંદાજ છે.
આ છે, કિસ્મત ફેરવી જિંદગીને પોતાનું નામ આપનાર, રીલ સ્ટાર્સની રિયલ લાઇફ અને રૉયલ રિયાલ્ટી. જે હિંમત અને પ્રેરણા આપે છે. વિશ્વાસ પણ. એક વાર પાતાળમાં પછડાયા પછી વ્યક્તિ પાસે એક જ વિકલ્પ રહે છે. ધૂળ ખંખેરીને ઊભા થવાનો. કેમ કે, પાતાળથી નીચે કંઇ છે જ નહીં. ત્યાંથી બધા જ રસ્તા ટોચ તરફ જાય છે. તળ તોડીને ઉપર આવેલાંનું પછી તકદીર પણ કંઇ બગાડી શકતી નથી.
મૅરી સ્પેશ્યલ એજ્યુકેશન શિક્ષિકા. એનો પતિ થોમસ ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર. તોય નોકરીમાં ક્યાંય ઠરીઠામ નહોતો થતો. ક્યાંથી થાય? નર્યો તુંડમિજાજી માણસ. અણધાર્યો બાખડી પડે. ગમે તેને ગમે સંભળાવી દે. હોંશિયાર હોય તોય આવાને વેંઢાળે કોણ? મૅરીની આવકથી ચાલે એટલું જ. આર્થિક અસ્થિરતાને લીધે ઘરની હાલત સાવ નબળી. પાકું મકાન તો ન જ હોય? ન્યૂ યૉર્કના ભાડાં પોસાય? કોઇ ભંગાર કારમાં પડ્યા રહેતા બધા. એનો ગુસ્સો થોમસ સંતાનો પર કાઢતો. ત્રણ દીકરી તો બચી જતી. દીકરો જોખાઇ જતો. ભયાનક વ્યક્તિ હતો થોમસ. પહેલાં તો વ્હાલથી પાસે બોલાવતો. રમાડતો. ને પછી નરાધમની માફક ઢીબી કાઢતો. દીકરો સતત થથરતો. સંકોચાતો. બાપ ઉપર રતીભાર ભરોસો નહોતો એને. દૂર ભાગતો રહેતો. સ્કૂલની ઇતર પ્રવૃત્તિઓમાં જોડાતો. નાટક, ગેમ્સમાં ભાગ લેતો. બાપથી દૂર રહેવાના બહાને.
આ છે કરમ કહાણી ટૉમની. ટૉમ ક્રૂઝની. ત્રણ વાર પરણ્યો છે. હવે બેચલર છે. પણ ત્રણેય પૂર્વ પત્નીઓ એને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. ત્રણે કહે છે, ટૉમ જિગરજાન, દિલદાર અને ભવ્ય વ્યક્તિ છે. ટૉમને ત્રણ સંતાનો છે. બે દત્તક અને એક બાયોલૉજિકલ. દીકરી સૂરી હવે આઠ વર્ષની થઇ. સૌથી સ્ટાઇલિશ સેલિબ્રિટી કીડ છે. ટૉમનો આવાસ રાજમહેલોને આંટી મારે એવો છે. બેવરલી હિલ્સ મેન્શન. ૩૫ મિલિયન ડૉલર્સમાં કૅટી હૉમ્સ અને ટૉમે ખરીદેલું. ન્યૂ યૉર્કમાં કૉન્ડો અપાર્ટમેન્ટ પણ છે. કૅટીને એણે ગલ્ફ સ્ટ્રીમ વિમાન ભેટ આપેલું. એ સિવાય પણ એની પાસે બે વિમાન છે. કાર અને બાઇકની તો કતારો છે. ટૉમની સંપત્તિ અંદાજે ૨૭૫ મિલિયન ડૉલર્સ ગણાય છે.
હવે આ છોકરીની વાત સાંભળો. ગૉસિપ તો જનમથી એના નામ સાથે જોડાઇ ગઇ છે. એની મમ્મી કોઇ ડ્રગ રેકેટમાં ઝડપાઇ હતી. જેલની સજા થઇ ત્યારે પ્રેગ્નેન્ટ હતી. છોકરી જેલમાં જ જન્મી. દાદીએ મોટી કરી. કઇ સ્થિતિમાં મોટી થઇ હશે એ વિચારવું સહજ છે. પણ હતી રૂપનો કટકો. નક્શીદાર નાક નક્શ. રમતીયાળ આંખો. સ્માઇલ પર તો દુનિયાભરના ટીનએજર્સ પાગલ. એની દરેક વાત ચર્ચા બને. ૨૫ વર્ષની ગૉસિપ ગર્લ સિંગર અને એક્ટ્રેસ લેઇટન મીસ્ટર. એની ઉંમર કરતાં ડબલ મિલિયન ડૉલર્સની આસામી છે. હમણાંથી એનો નવો વિશાળ આલિશાન બંગલો ચર્ચામાં છે. ૧૯૪૮માં બનેલો ફ્રેન્ચ સ્ટાઇલ આવાસ લેઇટને દોઢ મિલિયનમાં ખરીદ્યો છે. પિતાને કમ્પ્યુટરનું કામ છે. માતા હવે લેખિકા બની ગઇ છે.
દુનિયાની સૌથી વિખ્યાત સ્ટાઇલ સુંદરી સારા જૅસિકા પાર્કર પાસે પણ ક્યાં કશુંય હતું. ખાવાના સાંસા હતાં. પત્રકાર પિતા સાથે ડિવૉર્સ લઇને મા ટ્રક ડ્રાઇવરને પરણી હતી. બધી જ તકલીફો છતાં માતા અને નવા પિતાએ સારાને એક્ટિંગ ડાન્સિંગ માટે તાલીમ આપી. સિનસિનાટી ઓહાયોની આ છોકરીએ પછી ટીવી અને સિલ્વર સ્ક્રીન પર સનસનાટી બોલાવી દીધી. સેક્સ એન્ડ સિટી ફેમ સારા ફેશનની દુનિયામાં પણ સૌથી ગાજતું નામ છે. એનું ન્યૂ યૉર્કનું ઘર તો સ્ટાઇલનો પર્યાય કહેવાય છે.
યુવા જગતનો હાર્ટથ્રોબ જસ્ટિન બાઇબર પણ એક ખોલીમાં જન્મેલો. જેમાં કોઇ સગવડ નહોતી. પલંગ હતો, પણ તૂટેલો. ખાવાનું પણ નહોતું મળતું. ઉંદરો સાથે રાત વિતાવી પડતી. આજે એની સંપત્તિ ૬૫ મિલિયન ડૉલર્સ છે. લિયોનાર્ડો દ કેપ્રિકો અઠંગ, ખતરનાક અપરાધીઓના વિસ્તારમાં જન્મેલો. આંખ ઊઠાવો તો ચાકુ ઉછળે ને ગોળીઓ ફૂટવા માંડે. આજે એની સંપદા ૨૦૦ મિલિયન ડૉલર્સની છે. ૧૬૫ મિલિયનનો માલિક માર્ક વ્હેલબર્ગ ૧૪ વર્ષની ઉંમરે સડકછાપ મવાલીઓની ગૅંગમાં હતો. જેલની હવા પણ ખાધી હતી. સમય જતા એણે રેપર તરીકે કરિયર અપનાવી. હવે ફિલ્મ સ્ટાર પણ છે. ૧૫૦ મિલિયનની માલિકણ ડેમી મૂર પણ અત્યાચારી પિતાને ત્યાં કારમી ગરીબીમાં મોટી થઇ હતી. હિલેરી સ્વૉન્ક પણ લૉસ એન્જલિસ આવી ત્યારે જૂની કારમાં રહેતી હતી. એમેરિકન આઇડલ કૅલી ક્લર્કસન ટેક્સાસની ગરીબીમાંથી ન્યૂ યૉર્ક આવીને વસી. નવો અપાર્ટમેન્ટ લીધો. તો એમાં પણ આગ લાગી. કૅલી હિંમતથી ઝઝૂમી અને રાખમાંથી બેઠી થઇ. આજે ૨૫ મિલિયન ડૉલર્સની માલિક છે.
અસલ વાત ડૉલર્સ, ડ્વેલિંગની નથી. મજા ત્યાં સુધીના પ્રવાસની છે. આત્મવિશ્વાસની છે. પાતાળ ફોડીને આસમાન પર નામ લખવાની ખુમારીની છે. હકીકત – રિયાલિટી હંમેશા કલ્પનાઓ કરતા રોમાંચક હોય છે. કારણ કે, એ મિજાજ બદલીને સામે આવતું સત્ય છે. સ્થિતિની કઠોરતામાં જ માણસ ઘડાય છે. બાકી ગરીબી, તવંગરી એક જ સમજફેરના બે અલગ નામ છે, સાહેબ!
Viral Mehta