5 મે, 2014

કરિયરમાં મૅજિકલ ડ્યુઅલ ફ્યુઅલ (Udaan 45)

કરિયરમાં મૅજિકલ ડ્યુઅલ ફ્યુઅલ
બૉસ આ વખતે જાતે ઇન્ટર્વ્યૂ લેવા બેઠા હતા. હજી સુધી કોઇની ઉપર ભરોસો નહોતો બેઠો. લગભગ પચાસેક જણના ઇન્ટર્વ્યૂ થયા હશે. કંટાળીને એમણે કૉફી ઑર્ડર કરી. રિલૅક્સ થવા કૅબિનમાં ફરતા હતા. ત્યાં દરવાજાની વ્યૂ સ્લીપમાંથી બહાર નજર પડી. એમને તો હતું કે હજુ વીસ પચીસ લોકો રાહ જોતા હશે. પણ આ શું? લૉબી ખાલી? બસ ત્રણેક જણ હતા. એ પણ સાવ ફ્રેશર જેવા. કૉલેજની મસ્તી હજી ઉતરી નહોતી. લૅપટોપ રમતા હતા. બૉસનો તો મૂડ સાવ ભાંગી પડ્યો. ઓપન ઇન્ટર્વ્યૂમાં એક પણ પસંદગીનો કેન્ડિડેટ નહીં? આ ત્રણ નમૂનાને મળીનેય શો ફાયદો? કોઇ સિનિયરને આ જફા સોંપવાનું વિચાતા હતા ત્યાં મોબાઇલ પર ઇ-મેલ એલર્ટ આવી.
'નમસ્તે સર! અમે ત્રણ તમારી કંપનીના શર્ટ, ટ્રાઉઝર પહેરીને આવ્યા છીએ. આપણે મળીએ તો શક્ય છે, આખી દુનિયા પહેરવા લાગે. આપની કૉફી પતે પછી આવીએ કે, અમારી સાથે પીશો'? એક ઝાટકે એમની નજર કૅબિનની બહાર ગઇ. પેલા ત્રણેયના ચહેરા પર સ્માઇલ હતું. 'ઇઝ દીસ સમ કાઇન્ડ ઑફ અ જોક'? સાહેબ બહાર આવીને ગરજ્યા. 'જોક હોત તો તમે હસીને બહાર આવ્યા હોત સર'! એક જણે ઊભા થઇને અદબથી જવાબ આપ્યો, 'આ જોક નથી. સિન્સીયર પ્રપોઝલ છે. તક આપો તો વાત કરીએ સર'? એની વાતમાં કોઇ તથ્ય હોય કે ન હોય, એક અજબ આત્મવિશ્વાસ હતો. ત્રણેયને અંદર બોલાવ્યા.
બોલવામાં ચબરાક લાગતા પેલા યુવાને લૅપટોપ પર પ્રેઝન્ટેશન શરૂ કર્યું. કંપનીના ફેક્ટસ-ફિગર્સ બતાવ્યા. સાહેબને નવાઇ લાગી કે આટલી સચોટ માહિતી કદાચ કોઇ સિનિયર સ્ટાફ પાસે પણ નહીં હોય. માર્કેટ સિનારિયો, ગ્રોથ, ફ્લક્ચ્યુએશન, કૉમ્પિટિશન, સેલ્સ ટાર્ગેટ, પબ્લિસિટી, પ્રોડક્ટ અવેરનેસ બધું જ વિગતવાર હતું. સીઇઓ તો ભૂલી જ ગયા કે પોતે ઇન્ટર્વ્યૂ લેવા બેઠા હતા. યુવાનો બરાબર હોમવર્ક કરીને આવેલા. હવે પેલાએ આગલા વર્ષનું પ્રોજેક્શન બતાવ્યું. હાલ તો કંપનીનું બજાર ગણતરીના શહેરોમાં હતું. પણ પ્રોજેક્શન પ્રમાણે એક જ વર્ષમાં આખા દેશનું માર્કેટ કવર થતું હતું. સીઇઓને એમાં થોડી ફેંકાફેંક લાગી. 'જો દોસ્ત, આપણે આટલો માર્કેટિંગ સ્ટાફ નથી. ડીલર નેટવર્ક નથી. હમણાં કોઇ એક્સપાન્શન પ્લાન નથી. બજેટ તો ભૂલી જ જાવ. માટે આ શક્ય નથી'? સાહેબે એની વાત કાપતા કૉફી સામે ઇશારો કર્યો.
સાથે જ એમનું ધ્યાન પેલાના શર્ટ પર પડ્યું. 'તમે ભલે કહો પણ આ શર્ટ આપણી કંપનીનું નથી લાગતું', એમણે પૂછ્યું. 'ઇગ્ઝેક્ટલી સર', બીજા યુવાને જવાબ આપ્યો, 'કોઇ એંગલથી નથી લાગતું. કારણ કે, આ શર્ટની કોઇ ઓળખ નથી. બ્રાન્ડ આઇડેન્ટિટી નથી'. એણે ખરી ખરી દીધી. 'આપણી પ્રોડક્ટ આપણે ન ઓખળી શકીએ તો કન્ઝ્યુમરને શી ગરજ'? એની વાત સાચી હતી. હવે એનું પ્રેઝન્ટેશન શરૂ થયું. કંપનીનો મૉનોગ્રામ વિશ્વાસ અને સ્ટાઇલનો પર્યાય બની જાય એનો સુયોજિત પ્લાન હતો. શર્ટ પર ક્યાં એ એમ્બોસ થાય એના વિકલ્પો હતા. 'એ તો ઠીક પણ આ ઇમેજ બિલ્ડિંગ કરશે કોણ'? સાહેબ ફરી અધવચ્ચે બોલ્યા. 'કમ્પ્યુટર અને મોબાઇલ એપ્સ વાપરતા દરેક જણ. એ બધા જ જેમને પોતાની અલગ ઇમેજ છે અથવા તો બનાવવાની તમન્ના છે. એ આ ઇન્ટરેક્ટિવ સાઇટ પર પોતાની પસંદ-નાપસંદ કહેશે. એ મુજબ પ્રોડક્ટ બનશે. એ જ આપણા બ્રાન્ડ એમ્બેસેડર્સ બનશે'. યુવાને પછી જે પ્લાનિંગ બતાવ્યું એમાં સાહેબને લાગ્યું કે, એક વર્ષમાં ખરેખર આ પ્લાન સફળ થઇ શકે. એક સુયોજિત વૅબ સાઇટ હતી. બ્રાન્ડ ફોરમ હતું. નેટવર્ક પણ હતું. કોઇ જ વધારાના બજેટ વિના આ શક્ય હતું. 'વાહ, આ ખરેખર જબરદસ્ત છે. લેટ્સ ગો ફૉર ઇટ', બૉસ ઉત્સાહમાં હતા. 'પહેલાં પ્રોડક્ટ સુધારી લઇએ પછી', હવે ત્રીજો યુવાન બોલ્યો.
'આપણા શર્ટનું મટિરિયલ સૉફ્ટ છે. થોડા જ કલાકમાં ક્રીઝ પડી જાય છે'. એણે પોતાની સ્લીવનો ફોલ્ડ બતાવ્યો. 'કારણ કે, વણાટમાં જે થ્રેડ છે તે એકસરખો છે. જો નિશ્ચિત અંતરે થોડા વધુ ગ્રેડના થ્રેડનો વણાટ હોય તો ક્રીઝિંગ પ્રોબલેમ ન રહે. સૉફ્ટનેસ પણ જળવાય'. 'કોણ છો, તમે લોકો'? હવે બૉસથી રહેવાયું નહીં. 'તમને પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની ખબર છે. માર્કેટિંગ, પ્લાનિંગ, બજેટિંગ જાણો છો. આઇટી એક્સપર્ટ છો. કન્ઝ્યુમર સાયકોલૉજીની પરખ છે. ક્વૉલિફ્કેશન શું છે તમારું'? એમનો જવાબ સાંભળીને તમે પણ કરિયરમાં મૅજિકલ ડ્યુઅલ ફ્યુઅલ માટે તૈયાર થઇ જશો દોસ્તો!
પહેલો હતો એણે બી. કૉમ/બી. કમ્યુનિકેશન કર્યું હતું. બીજો બેચલર ઇન ઇલૅક્ટ્રોનિક્સ/કૉમર્સ હતો. ત્રીજો બી. એસસી/બી. કૉમ હતો. હા, સાવ વિપરિત પ્રકારના અભ્યાસ પ્રવાહોની એક જ ડબલ ડિગ્રી. એ પણ સિંગલ ગ્રેજ્યુએશનના સમયગાળામાં. જેની હવે ભરપૂર ડિમાન્ડ છે. ભારત કરતા ક્યાંય આગળ ચાલતી દુનિયા એને કન્જોઇન્ટ સ્ટડી કહે છે. વિજ્ઞાનનો સ્નાતક કૉમર્સ નિષ્ણાત હોય. કૉમર્સ ગ્રેજ્યુએટ ઇલૅક્ટ્રોનિક્સનો પણ જ્ઞાની હોય. વિદેશોમાં આ પ્રકારના કરિયરલક્ષી કૉમ્બિનેશન ઑફર થાય છે. જ્યારે અહીં તો દસમાથી વિજ્ઞાનના જ બે પ્રવાહોને પરસ્પર તોડી નાખતી ભયજનક દીવાલો છે. અફસોસ દુનિયા ઘણી આગળ નીકળી ગઇ.
આ ઇન્ટિગ્રેશનનો જમાનો છે. આપણું શિક્ષણ તંત્ર વહેલું જાગે તો સારી વાત છે. ભારતના હોનહાર વિદ્યાર્થીને ભારતમાં જ પોતાની ચૉઇસના કન્જોઇન્ટ સ્ટડી અને કરિયરનો અવસર મળવો જરૂરી છે. નહીંતર, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, યુએસ, યુકે, ન્યૂઝિલૅન્ડ જેવા દેશો આપણાં યુવા ધનને ખેંચી જશે.

Viral Mehta