એકલાં જ આવ્યા મનવા.... મન સાથેના મૉનોલૉગ!
‘બેશક એક બેનમૂન શહેર, જે મેં વસાવ્યું કર્યું. જ્યાં હું વસ્યો અને જ્યાં મારાં
વંશજો રાજ કરશે’, અલમન્સૂર ખલિફા એમ
કહીને ગૌરવ લેતો. આ શહેર ક્યારેક મોટું વિદ્યાધામ હતું. અહીં પેલી આલિશાન ઇમારતો મબલખ
ઠાઠમાઠ, ધીકતા વેપાર અને ધમધમતા કારોબારની બાતમી આપે છે. કોઇ જમાનામાં અહીં ઉડનખટોલાની
કલ્પનાઓ હતી. અલાદીન અને ચાલીસ ચોર, અરેબિયન નાઇટ્સની વાતો આ શહેરના કૅનવાસ પર
રંગીન અને ભવ્ય લાગે છે. શહેર બગદાદ. રાઉન્ડ સિટી તરીકે પ્રસિદ્ધ. ઇરાકનું પાટનગર.
ઇરાક એવો એક દેશ જ્યાં દજલા – ટાઇગ્રીસ અને મહાનદ – યુફ્રેટીસ નદીઓ બરાબર
મધ્યમાંથી વહે. એટલે જ ગ્રીકો એને મેસોપોટેમિયા કહેતા. બે નદીઓનો દેશ. તમને ખ્યાલ
હોય તો લિપિ, લેખનની પહેલ-વહેલી શરૂઆત અહીંથી થઇ. ભવ્ય ઇતિહાસના સાક્ષી ઇરાકમાં કોને
ખબર હતી કે આજે આવું થશે? ભોંયમાં ખૂબ નીચે કોઇ
ભેદી રહસ્ય દટાઇ જશે? કણસતા, તરસતા
મનેખરૂપે....
બે ઘડી કલ્પના કરી જુઓ! રાતે હાઇ-વેની
લાંબી મુસાફરી કરીને ઘરે પહોંચો. શરીર પલંગ પર ફંગોળતાં બીજી જ ક્ષણે ઘસઘસાટ ઊંઘ
ઘેરી વળે. પછી, સવાર થાય જ નહીં. હા, આંખ ખૂલે. ત્યારે હાથ પગ બાંધેલા હોય. મોં કપડું
ઠાંસીને બંધ કરેલું હોય. આ હાલતમાં પલંગ પર નહીં, એક કૅફિનમાં પુરાયા હો. જમીનમાં
દાટેલા કૅફિનમાં. શું કરો? પૉલ કોનરૉય પણ શું કરે? આંખ ઉઘડતા જ અંધારી કેદ. હાથ પગ છોડાવવા કેટલાંય વલખાં
માર્યાં. બધું જ વ્યર્થ. કૅફિનમાં ચસકવાની પણ જગા ક્યાં હતી? કંઇ કરી શકે તેમ નહોતો. પત્ની અને બાળકો મિશિગનમાં અને પોતે
ઇરાકની ધરતીમાં. કોણ જાણે કેટલાંય ફીટ નીચે.
થોડી વારે કળ વળી. હાથમાં કંઇક અડ્યું. એક લાઇટર હતું. અને એક મોબાઇલ ફોન. એમાં
રિંગ વાગી. એને પણ ત્યારે જ ખબર પડી કે આવું કેમ થયું? એ આતંકવાદનો
શિકાર બન્યો હતો. ટ્રક ડ્રાઇવર હતો પૉલ. મૂળ એમેરિકાનો પણ નોકરી ઇરાકમાં. થોડાં
મહિના પહેલાં એક આતંકવાદી હુમલામાં સાથેના ડ્રાઇવર્સ જાન ગુમાવી ચૂક્યા હતા. ભાગવા
જતા પૉલનું માથું પટકાયું હતું. બેહોશ થઇ ગયેલો. એટલે બચી ગયેલો. હવે આતંકવાદીઓ પાંચ
મિલિયન ડૉલર્સની રેન્સમ માગતા હતા. નહીંતર એના પરિવારને મિશિગનમાં ખતમ કરવાની ધમકી
હતી. ક્યાંથી લાવે પૉલ? એ પણ અહીં? ઇરાકમાં એક તરફ યુદ્ધ ચાલે. ચારેબાજુ બૉમ્બ બ્લાસ્ટ થતા
હોય. ધરતી ધ્રૂજી ઊઠે. કૅફિન ભોંયમાં વધુને વધુ ખૂંપતું જાય. રખેને કોઇ મોટો ધમાકો
થયો, કૅફિનમાં માટી ધસી આવી.... તો ખેલ ખતમ? શું કરશે પૉલ?
૨૦૧૦ની એક બહેતરીન ફિલ્મ ‘બરીડ’. મૂવિ હૉલમાં બેઠેલા દરેકને કૅફિનમાં હોવાનો અનુભવ કરાવતી.
પળેપળે રહસ્યોની જાળમાં ફસાવતી. રૉડ્રીગો કોર્ટેસની ફિલ્મ. બરીડની એક વધુ વિશેષતા
છે. આખી ફિલ્મમાં એક કૅફિનમાં શૂટ થઇ છે. સ્ક્રીન પર એક જ પાત્ર દેખાય છે. બાકી
પાત્રોનો માત્ર અવાજ છે. પૉલનું પાત્ર ભજવનાર કેનેડિયન એક્ટર રાયન રેનોલ્ડની ખૂબ
પ્રશંસા થઇ હતી. રાયન એટલે સ્કાર્લેટ જોહેન્સનનો એક્સ હસબંડ. હવે ગ્લૅમર ક્વિન
બ્લૅક લાઇવલીનો પતિ. બરીડને સંખ્યાબંધ અવૉર્ડ્સ મળેલા અને ક્રિટિક્સમાં પણ
પૉપ્યુલર બની હતી.
મલ્ટિ સ્ટારર, હાઇ વૉલ્ટેજ, હાઇ બજેટ ફિલ્મો તો ખાન, ચોપરા, કપૂર, ઘાઇ ને
કુમાર બધા બનાવે. પરંતુ, એક જ પાત્ર સાથે આખી ફિલ્મમાં દર્શકોને જકડી રાખવા, એ
કાચાંપોચાંનું કામ નહીં. એક જ પાત્રવાળી ફૂલ લૅન્થ ફિલ્મમાં ડિરેક્ટર, કૅમેરા મૅન
અને એક્ટરના કસબની ખરી કસોટી છે. એક ફ્રેન્ચ ફિલ્મ પણ બની હતી. ‘અન હોમ ક્વિ દોર્ત’. જ્યોર્જ
પેરેકની નવલકથા પરથી. એમાં દુનિયાના સૌથી ભવ્ય રૂપનગર પૅરિસની સડકો પર ફરતા એક
યુવાનની વાત છે. એક દિવસ આ રંગબેરંગી જાહોજલાલી અને ચમક દમકથી છલોછલ દુનિયા એને ખાલીખમ,
બેમતલબ લાગે છે. એને બસ હવે આ દુનિયાનો ત્યાગ કરવો છે. શહેરમાં હરતા ફરતા એ પોતાની
જાત સાથે વાત કરે છે. સંવાદ રચાય છે. ક્યારેય લખાઇ નથી એવી એક ડાયરી સાથે. સ્ત્રીના
અવાજમાં ડાયરી વાત કરે છે. યુવાન વિષે કહે છે. ફિલ્મમાં એ સિવાય કોઇ ડાયલૉગ નથી. સીટ
પર જકડી રાખતી જબરદસ્ત કથા છે. બર્નાડ ક્વિઝેનનું કાબેલ દિગ્દર્શન છે. જૅક
સ્પિઝરનો બેજોડ અભિનય છે. આ ફિલ્મ ઇંગ્લિશમાં પણ બનેલી. ‘ધ મૅન હુ સ્લીપ્સ’ નામ હતું. નવલકથા જેટલી જ વખણાઇ હતી.
હવે આપણા ઘરની એક વાત કહું. એક સાંજે કોઇ ઘરે પહોંચે. એ આશા સાથે કે ઘરમાં
પત્ની અને બાળકો રાહ જોતા હશે. ઘણા વખતે મળીશ તો કેવા ખુશખુશાલ થઇ જશે. દોડતા
ભાગતા એક જ શ્વાસે પગથિયાં કૂદીને પત્ની બાળકોનું નામ બોલતો બારણું ખોલે. સામે કોઇ
જવાબ ન મળે. ઘર આખું ફેંદી વળે પણ કોઇ દેખાય નહીં. બહાર કમ્પાઉન્ડમાં પણ કોઇ નહીં.
ન કોઇ સંદેશો. ન ચિઠ્ઠી. ક્યાં ગયાં હશે? મન માનવા તૈયાર ન થાય પણ
દહેશત કેડો ન મૂકે. અસ્તિત્વમાં ગભરાટ વ્યાપી જાય. પોતાની ભૂલો, ઝગડા, બેદરકારી,
અણબનાવો, બેહૂદું વર્તન મનમાં પડઘાયા કરે. પત્ની બાળકોને લઇને ક્યાંક ચાલી ગયાનો
ભ્રમ હકીકત બનતો લાગે. હવે આ એકલી ગોઝારી જિંદગી કઇ રીતે જશે? માત્ર એમની મીઠી યાદોના સહારે? ‘યાદેં’. સો એ સો ટકા આપણી ભારતીય ફિલ્મ. નિર્માતા, નિર્દેશક, અભિનેતા
સુનિલ દત્તની એક જ પાત્રવાળી ફિલ્મ. જેમાં કથા અખ્તર ઉલ ઇમાનની છે. બહુ ઓછાને
ખ્યાલ હશે, આ ફિલ્મ માટે સુનિલ દત્તનું નામ ‘ગિનેસ બુક ઑફ
વર્લ્ડ રેકૉર્ડ્સ’માં ગાજે છે. સલામ તો
મારવી જ પડેને! ફિલ્મમાં છેલ્લે એક
સરપ્રાઇઝ છે. હું તો નહીં જ કહું? તમને ખબર તો છે! જોશો તો જ ખબર પડશે.
વાત મોનોલૉગ ફિલ્મોની નીકળી છે તો, ઇન્ગ્રીડ બર્ગમૅનને યાદ કરવી જ પડે. ઇટાલિયન
કવિ, કથાકાર, નાટ્યકાર જૉન કોક્ટુની એક સુપ્રસિદ્ધ વાર્તા છે, ‘લા વૉઇક્સ હ્યુમાઇને’ એટલે ‘ધ હ્યુમન વૉઇસ’. એક નારીની વાત છે. વર્ષોથી
તે એક વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં છે. બંને કોઇ દિવસ લગ્ન પણ કરી જ લેશે. બસ પ્રપોઝ
કરે એટલી જ વાર. અત્યારે બંને પ્રેમના પલાશવનમાં વિહરે છે. પ્રેમ જેને આપણે
સ્વર્ગે સર્જેલો સંબંધ, અતૂટ બંધન, જનમ જનમનો સાથ, ઊર્મિનો મહાસાગર, રંગીન સપનાં
કહેતા આવ્યા હતા. એ સપનાં ચકનાચૂર થાય ત્યારે? સુંવાળી લાગણીઓની
વેરવિખેર તીક્ષ્ણ કરચો શૂળ બની ભોંકાય ત્યારે? આંખમાંથી ટશર
ફૂટે. સ્ત્રીને બહારથી ખબર પડે છે કે એનો પ્રેમી કોઇ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો
છે. આખી ફિલ્મમાં ઇન્ગ્રીડ એના પ્રેમી સાથે ફોન પર વાત કરે છે. રીઝવવા, મનાવવા
આજીજી કરે છે. રોષ ઠાલવે છે. બંનેએ સાથે વિતાવેલી ક્ષણો, મસ્તીની વાતો, પ્રસંગો
યાદ કરાવે છે. ધ હ્યુમન વૉઇસમાં ફોન પર સામેની વ્યક્તિનો અવાજ સુદ્ધાં સંભળાતો નથી.
ટેડ કૉટ્શેફના ડિરેક્શનમાં ઇન્ગ્રીડનો અભિનય ઝળહળી ઊઠે છે. એક પ્રેમભગ્ન નારીની
વેદના, આર્તનાદ જોનારના દિલનાં અતલ-વિતલ હલબલાવી મૂકે છે.
એનોટોમી પર રિસર્ચ કરનાર વિજ્ઞાની હેન્રી ગ્રેને સપનુંય નહીં આવ્યું હોય કે ભવિષ્યમાં
સ્ટીવન એની ટેક્સ્ટ બુક ‘ગ્રેઝ એનોટોમી’ની ફિલમ ઉતારશે. હા, આપણો સ્ટીવન. સ્ટીવન સોડેનબર્ગ. ઓશન્સ
11, 12, 13 જેવી મલ્ટિસ્ટારર સીરિઝ આપનાર ડિરેક્ટર. એની આ સુપ્રસિદ્ધ મોનોલૉગ. આંખમાં
મેક્યુલર પકરનો એક પેશન્ટ છે. ઓપરેશનથી એની તકલીફ મટી શકે તેમ છે. પણ ભાઇ થોડા
જૂનવાણી વિચારના છે. ધર્મ તો સર્જરીનો વિરોધ કરે છે. એટલે ઇલાજ માટે વૈકલ્પિક દવાઓ
શોધવા દુનિયાનો પ્રવાસ કરે છે. ઇલાજ મળે છે? એક પછી એક
હસાવતા, ડોલાવતા, રડાવતા પ્રસંગો આ મૉનોલોગમાં સોડેનબર્ગે મજેદાર રીતે રજૂ કર્યા
છે. ફિલ્મનો કથાકાર અને અભિનેતા સ્પૅલ્ડિંગ ગ્રે છે. મોનોલૉગના બાદશાહ કહેવાતા
ગ્રેની ઑનસ્ક્રીન રજૂ થયેલી આ છેલ્લી મૉનોલૉગ હતી. આ પહેલાં સ્વિમિંગ ટુ
કમ્બોડિયા, મોન્સ્ટર ઇન અ બૉક્સ, ટોરર્સ ઑફ પ્લેઝર જેવાં મોનોલૉગ દ્વારા ગ્રે
જબરદસ્ત લોકચાહના મેળવી ચૂક્યો હતો.
માનવીનું મન સતત એની મેળે પોતાની સાથે વાતો કરતું રહે છે. કોઇક વાર પોતાની મંજૂરી સાથે પણ મોટાભાગે એની જાણ બહાર. શબ્દ કે અવાજ વિના સતત ચાલતી આ અનકહી પરદા પર જોઇને આપણે પણ ‘બેફામ’ બની બોલી ઊઠીએ, ‘કાળજાની કેડીએ કાયા ના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે, કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે, પોતાના જ પંથે, પોતાના વિનાના, એકલાં જવાના....’
Viral Mehta