કરિયરમાં બબાલ? તો બબાલ જ કરિયર!
બળબળતા દઝાડતા ઉનાળે એ ઉતાવળે ચાલી રહ્યો હતો. તાપ્તિના એક ફોને ચારે જણને દોડતા કરી મૂક્યા હતા. આખી રાત ઑફિસમાં જ હતા. નવો પ્રોજેક્ટ તૈયાર થતા સવારે ૧૧ વાગી ગયા. બસ ઘરે પહોંચ્યા જ હશે, ત્યાં ફરી ઑફિસમાં જવાનું થયું. કાળઝાળ થતો સમર પાછલા ગેટ પર ગયો. ત્યાંથી સીધા પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં જવાતું હતું. પણ દરવાજો બંધ. ધૂંઆંફુઆં થતો આખું ચક્કર મારી સામેના મેઇન ગેટ પર ગયો. પ્રખર તો પરાણે બાકીના ત્રણથી છૂટ્યો હતો. દાઝ તો એવી ચઢેલી કે તાપ્તિને સણસણતી ચોપડાવી દઉં. પણ એમ.ડી.ની દીકરી હતી. બેઠો મન પર કાબુ રાખીને. સમીધ અને તપન સામે જોયું પણ નહીં. સમર પણ એ જ રીતે મોં ફેરવીને બેઠો.
'લૂક, મેં તો મારું કામ બરાબર કર્યું છે. તમારી સાથે મૅચ ન થાય તો, નન ઑફ માય બિઝનેસ. લોચો તમારા બધાના કામમાં છે', તડતડી ઊઠેલા સમરે માથેથી ગાળિયો કાઢ્યો. 'ઓ ભાઇ, લોચાની હોંશિયારી રહેવા દે. મારો પાર્ટ પણ પરફેક્ટ છે', સમીધ ભભૂકી ઊઠ્યો. બાકીના બે જણ પણ ધગધગીને એમ જ કહેતા હતા. ચારેય સૉફ્ટવૅર એન્જિનિયર્સ હતા. એક યુનિક મલ્ટિ પ્લેટફૉર્મ એપ્લિકેશન પર કામ કરતા હતા. દુનિયાની કોઇ પણ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે તેવી. કંપની માટે આ ગોલ્ડન બ્રેક થ્રૂ હતો. તાપ્તિએ સવારે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી તો સેલ્ફ સ્વિચિંગનો પ્રોબલેમ હતો. એકથી બીજા પ્લૅટફૉર્મમાં જતા એપ્લિકેશન બંધ થઇ જતી. ફરી ઇન્સ્ટૉલ કરવી પડતી. ક્લાયન્ટની ટીમ યુએસથી આવી પહોંચી હતી. એમડીની ઑફિસમાં બિઝનેસ પ્રેઝન્ટેશન ચાલતું હતું. અને પ્રોજેક્ટ લૅબમાં આ ચાર કોઇ વાતે માનવા તૈયાર નહોતા.
'ખબર છે મને આ પ્રોબલેમની'. 'ક્રોસ પ્લેટફૉર્મ લિંક મિસિંગ છે. 'કોઇએ મારી પાસે માગી જ નહીં, તો હું શું કરું'? 'મેં તો મારું કામ પતાવી દીધું'. 'હવે એ લોક જાણે'. 'હું જૂનિયર છું, પણ બુદ્ધુ તો નથી જ'. 'લેટ દેમ રિક્વેસ્ટ'. ઇગો પર વાત અટકી હતી. એક પછી એક ચારેય જણે પોતપાતાની ટણી પર આવીને તાપ્તિને વધુ કન્ફ્યુઝ કરી. દસ મિનિટમાં પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવાનો હતો. કહોને કે અલમોસ્ટ લૉન્ચ જ કરવાનો હતો. શું કરે તાપ્તિ? પેલા ચાર ધરાર ત્યાંથી નીકળી ગયા.
તાપ્તિએ ક્લાયન્ટને કૉન્ફિડન્ટ સ્માઇલ સાથે વૅલકમ કર્યા. પ્રોજેક્ટ લૅબની લાઇટ્સ ઑફ થઇ. સામે એક જાયન્ટ સ્ક્રીન ઑન થયો. તાપ્તિએ સેન્ટ્રલ સર્વર પર એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી. પછી શરૂ થયો કમાલ. દુનિયામાં ઉપલબ્ધ બધી જ ઑપરેટિંગ સિસ્ટમ એક પછી એક બદલાતી રહી. અને તાપ્તિની એપ્લિકેશન વિના અવરોધ ચાલતી રહી. પેલા અમેરિકન્સની આંખો પહોળી થઇ ગઇ. એકસાથે બધાએ ઊભા થઇને તાળીઓના ગડગડાટ વચ્ચે આ યુનિક એપ્લિકૅશન વધાવી લીધી.
અમેરિકન્સ તો ચકિત થયા જ. કંપનીના જૂનિયર એન્જિનિયર્સ પણ આશ્ચર્યમાં હતા. પેલા ચાર તો કોઇનું માને તેમ નહોતા. તો એપ્લિકેશનની મિસિંગ લિંક્સ બની ક્યાંથી? તાપ્તિ તો સોફ્ટવૅર એન્જિનિયર હતી જ નહીં? દસ મિનિટમાં એવું તો શું કર્યું તાપ્તિએ? જાદૂ? હા, જાદૂ! એના મૅનેજમેન્ટ એજ્યુકેશનનો જાદૂ. તાપ્તિ મૅનેજમેન્ટ ભણી હતી. બિલકુલ અલગ પ્રકારનું મૅનેજમેન્ટ. વિવાદોને કાબુમાં રાખવાનું મૅનેજમેન્ટ. કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટ.
દોસ્તો, દુનિયા વિવાદો, મત-મતાંતરો, ઇગો, અદેખાઇ, ઘમંડથી ભરપૂર છે. રાજકારણ હોય કે સરકારી બિન-સરકારી કચેરીઓ કે ઘર-પરિવાર યા મિત્ર મંડળ, દરેક અને કોઇ પણ સ્થળે વિવાદ સતત અને અનંત છે. એ ચાલતા જ રહેવાના. એ પણ એવા લોકોમાં જે એક યા બીજી રીતે ઑફિસ, દેશ, દુનિયા, સમાજ માટે અનિવાર્ય હોય. તો શું વિવાદ દૂર કરવા વ્યક્તિને દૂર કરવી? એમ કરવાથી તો એ વ્યક્તિની કાબેલિયત પણ આપણે ગુમાવી દઇએ. એ વળી પાછો નવો વિવાદ. બસ, ત્યારે જ જરૂર પડે કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટની. એક એવા તાર્કિક આયોજનની જેમાં વ્યક્તિઓ વચ્ચે વિવાદ છતાં કામ અટકે નહીં. બધા એક સમથલ પર આવી કાર્યને ન્યાય આપે. પ્રગતિની પ્રક્રિયા આગળ વધે.
આ જ વિચારને વધુ સ્પષ્ટ કરવા અમદાવાદમાં દેશનું સૌથી પહેલું અને અનોખું મ્યૂઝિયમ બન્યું છે, 'કૉન્ફ્લિક્ટોરિયમ'. શહેરના સૌથી ભરચક વિસ્તાર મિર્ઝાપુરમાં. આર. સી. કૉમર્સ કૉલેજની સામે. ગુજરાતના પહેલા સુપ્રસિદ્ધ હૅર સ્ટાઇલિસ્ટ બચુબેન નગરવાલાના જૂનાં ભવ્ય મકાનમાં. ત્યાંનો દરેક ખંડ જાણે કહી રહ્યો છે કે વિવાદો આ ઉખડેલા પ્લાસ્ટર, પોપડા, ઉતરેલા રંગ અને તિરાડોવાળી દીવાલોની માફક છે. આપણી અંદર જ.
આપણા દેશમાં પણ મહાન નેતાઓ વચ્ચે અગણિત મત-મતાંતરો હતા. તોય એકમેકની શક્તિઓનું એમણે સન્માન કર્યું. એકમેકના વિવાદનો પણ આદર કર્યો. આઝાદીની લડતમાં આંતરિક વાદ-વિવાદ છતાં એકબીજાના પૂરક બન્યા. વિચારભેદને મિત્રતાની આડે ન લાવ્યા. વિરોધી છતાં શ્રેષ્ઠ મિત્ર રહ્યા. જાહેરમાં ક્યાંય કોઇને ગંધ સુદ્ધાં ન આવે એ રીતે વિવાદનો મરતબો જાળવ્યો. વેરઝેર, દુશ્મનાવટ સભ્ય સમાજનું લક્ષણ નથી. મત-મતાંતર ભલે હોય. એ સાથે પણ મિત્ર રહી શકાય.
દોસ્તો, બોલીને ધમાલ મચાવવી એ તો બહુ હાથવગી વાત છે. કાબેલિયત વગર બોલ્યે દિલ જીતવામાં છે. તાપ્તિએ એ જ કર્યું. ચાર એક્સપર્ટ્સને એક સમથલ પર લાવી. મલ્ટિ પ્લૅટફૉર્મ એપ્લિકેશન માટે સુમેળનું પ્લૅટફૉર્મ તૈયાર કર્યું. કોઇ વિદેશી નહીં, આપણા ભારતની જ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણીને. માસ્ટર્સ ઇન કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટ. ત્યાં એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પણ છે. આ મૅનેજમેન્ટનું સાવ નવું ક્ષેત્ર છે. એની વિશ્વભરમાં ડિમાન્ડ છે. તો તમે પણ ભરો એક નવી ઉડાન. દેશ-વિદેશમાં નિર્વિવાદ કરિયરની....
Viral Mehta