અત્ર-તત્ર-સર્વત્ર એકમાત્ર ષડયંત્ર
બાહોશ અને ડાયનેમિક નેતા હતો. કૉન્ફિડન્ટ અને નીડર લીડર. કાલે ઊઠીને પ્રદેશ જ
નહીં, દેશનું સર્વોપરી પદ સંભાળે એવી અટકળો ચાલતી. બસ, અમસ્તા જ ફરવા નીકળેલો. જાતે
કાર ચલાવીને. અચાનક સંતુલન ખોરવાયું. કાર ઢસડાઇને બાજુના વહેળામાં પડી. એક ધડાકો
થયો. અગણિત સ્વપ્નો રોળાઇ ગયાં. ગણતરીની મિનિટોમાં ગોઝારા અકસ્માતના સમાચાર વહેતા
થઇ ગયા. હા, માત્ર એક અકસ્માત. દુનિયાની નજરમાં. પરંતુ, એક વ્યક્તિ હતો જે આ
અકસ્માતનું રહસ્ય જાણતો હતો. આ અમસ્તી દુર્ઘટના હોય એવું માનવા એ તૈયાર નહોતો. એ
સમયે હાજર હતો જૅક ત્યાં. એના મતે આ ભયાનક ષડયંત્ર હતું. સબૂત પણ હતો એની પાસે.
થોડાં વર્ષો પહેલાં પણ કંઇક આવું જ બનેલું. એ પણ લીડર હતો. દેશના સર્વોચ્ચ પદ
માટે નામ બોલાતું હતું. એક ઊંચી ઐતિહાસિક ઇમારત પરથી સનસનતી ગોળી આવી. અને ભરબજારે
ખેલ ખતમ. શકમંદ હતો, ઘટના સ્થળે હાજર હૉટેલનો એક વેઇટર. એની પાસે રીવોલ્વર હતી. પોલિસ
એની પાછળ પડી. એ મળ્યો તો ખરો. પણ મૃત હાલતમાં. એ જ સ્થળે એક બીજો વેઇટર પણ હતો. તમંચો
એની પાસે પણ હતો. ધ્યાન ચૂકવીને સરકી ગયો એ. તપાસ સમિતિનો અહેવાલ આવ્યો. કોઇ શાર્પશૂટર
દ્વારા કરવામાં આવેલી હત્યા હતી. કોણ હતો એ ગનમૅન? બંદૂક તો એની પણ
ટ્રીગર પર આંગળી કોની? કોઇને ખબર નહોતી. વાત ત્યાં
અટકી નહોતી. એ પછીના ત્રણ વર્ષમાં વધુ છ જણ રહસ્યમય રીતે દુનિયામાંથી ગુમ થયા હતા.
ઘટનાના ચશ્મદીદ ગવાહ હતા બધા. હવે વારો હતો એક યુવતીનો. લી કાર્ટર. જાણીતી ન્યૂઝ
ચૅનલની પત્રકાર.
ત્રીજી ઘટના સાધારણ લાગતી હતી. કૉમ્પ્લેક્સની એક ઑફિસમાં ગેટના નકુચા ઉઘાડા
હતા. દિવસનો સમય હોય તો સમજી શકાય, પણ વહેલી સવારે? સીક્યુરિટી
ગાર્ડની નજર પડી. નકુચા પાસે વાયરિંગમાં વપરાય એવી ટેપ ચોંટેલી હતી. કોઇ ઑર્ડિનરી
ઑફિસ નહોતી. દેશના મોટા રાજકીય પક્ષની ઑફિસ હતી. તાબડતોબ પોલિસ પહોંચી.
કૉમ્પ્લેક્સ સીલ કરી દીધો. પાંચેય ઘૂસણખોરો ઝડપાઇ ગયા. પક્ષના મહત્ત્વના
દસ્તાવેજોની ચોરી કરવા આવેલા. પાર્ટીની ચર્ચાઓ અને ફોન કૉલ્સ રેકૉર્ડ કરવા છૂપાં
માઇક ગોઠવ્યાં હતાં. કોણ હતા આ લોકો? એ ભેદ ક્યારેય ન
ખૂલ્યો હોત. જાણો છો, દેશનું સૌથી મોટું સ્કેન્ડલ કઇ રીતે બહાર આવ્યું? કઇ રીતે હકીકતો સામે આવી? બડી રોચક વાત
છે.
એ પહેલાં બીજા એક શખસની વાત કહું. એકદમ સચેત રહેનારો માણસ. એકલો રહેતો. એના
અપાર્ટમેન્ટમાં ગજબ સુરક્ષા બંદોબસ્ત ગોઠવેલો. ત્રણ ત્રણ દરવાજા ખૂલે ત્યારે ઘરમાં
દાખલ થવાય. અજાણી વ્યક્તિ શંકાસ્પદ એન્ટ્રી મારે તો અલાર્મ ધણધણી ઊઠતું. એના ઘરમાં
પેસવું અસંભવ હતું. ફોન તો એ રાખતો જ નહોતો. એટલે ટેપિંગનો કોઇ સવાલ જ નહોતો. જરૂર
પડે તો પબ્લિક ફોનનો ઉપયોગ કરી લેતો. એની એક વધારે વિચિત્રતા હતી. વરસાદ હોય કે ન
હોય, એ રેઇનકોટ જેવું જૅકેટ પહેરી રાખતો. જાસૂસી એનું કામ હતું. પ્રાઇવેટ જાસૂસ. એક્સપર્ટ
હતો કામમાં. ભલભલા લોકોની વાતચીત રેકૉર્ડ કરી જાણતો. ગમે તેવી ખલેલ સાથેનું
રેકૉર્ડિંગ પણ ઉકેલી શકતો. હમણાં એક નવું અસાઇનમેન્ટ મળ્યું હતું. એક કપલની નાની
વાત. ભારે ભીડ વચ્ચે રેકૉર્ડ થયેલી. એ આખો દિવસ સાંભળતો રહેતો. ટેપમાં કંઇ સ્પષ્ટ
સમજાતું નહોતું. સમય વધારે લાગી રહ્યો હતો. ક્લાયન્ટનું પ્રેશર વધતું હતું. ઘણા
પ્રયત્ને એ તારવી શક્યો કે, બંને કોઇ ભય વિષે વાત કરતા હતા. ‘એને મોકો મળ્યો તો એ આપણને પતાવી દેશે’, એટલું સમજાયું હતું. કપલ ભાગી જવાનો પ્લાન કરી રહેલું. કોઇ
હૉટેલમાં જઇને રહેવાની યોજના હતી. રહસ્ય વધારે ઘેરાયું હતું. ક્લાયન્ટના સતત દબાણ
અને ભેદ-ભરમ વચ્ચે ટેપ ચોરાઇ ગઇ. હૅરી કૉલના જડબેસલાખ એપાર્ટમેન્ટમાંથી.
કૅફેમાં સૌના હાથમાં કપ સ્થિર હતા. કૉન્સ્પિરસી – ષડયંત્રોની વાત નીકળી હતી. સુપાશ
વાતમાં વાત ગૂંથીને જાળ ઊભી કરતો હતો.
જૅક પાસે એક ટેપ હતી. એ રેકૉર્ડિસ્ટ હતો. ડિરેક્ટરના આદેશથી રાતે પાર્કમાં બેસીને
નૅચરલ સાઉન્ડ રેકૉર્ડ કરતો હતો. ત્યાં ધડાકા સાથે એક કાર ખાડીમાં પડી. એક ચીસ
સંભળાઇ. જૅકે પાણીમાં ઝંપલાવ્યું. કારચાલક સ્ટેટ ગવર્નર પોતે હતો. પ્રેસિડેન્ટ માટેનો
આશાસ્પદ ઉમેદવાર. અકસ્માતમાં જેણે જાન ગુમાવી. કારમાં એક સ્ત્રી પણ હતી. એ બચી ગઇ
હતી. જૅક ઘરે પહોંચ્યો. એનું રેકૉર્ડિંગ સાંભળ્યું તો હબક ખાઇ ગયો. કારમાં ધડાકો
થયો એ પહેલાં કોઇ ગન શૉટનો અવાજ સંભળાતો હતો. ટીવી ઑન કર્યું. એ જ હાદસો અનાયાસ કોઇના
મૂવિ કૅમેરામાં પણ રેકૉર્ડ થયો હતો. પછીના દિવસોમાં જૅકે પેલી વિડિયો મેળવી પોતાના
રેકૉર્ડિંગ સાથે સીંક કરી જોઇ. યસ, પહેલાં ગવર્નરને કોઇએ ગોળી મારી. પછી કારમાં
ધડાકો થયો. એનો તર્ક પાકો થયો. પણ કોણ માને? કોણ હતો એ
હત્યારો? કોનું ષડયંત્ર હતું? ૧૯૮૧ની થ્રીલર ‘બ્લો આઉટ’ જોઇ કાઢો. કૉફીનો મગ
હવામાં ઉપર કરી સુપાશે સ્માઇલ સાથે કીધું.
પછી પેલા પાંચ પકડાયા એમનું શું થયું? કોઇ બોલ્યું. ઉલટ
તપાસ, સુપાશે કીધું. એમાં જ તો અમેરિકાનું સૌથી મોટું સ્કેન્ડલ બહાર આવ્યું. વૉટરગેટ
બિલ્ડિંગમાં થયેલું કાવતરું. વૉટરગેટ સ્કૅન્ડલ. એ પછી તો આપણે ત્યાં ટીવીવાળા જ્યાં
ત્યાં ગેટ લગાડી સ્કેન્ડલ સ્ટાઇલુ બને છે. ‘બળ્યું એમાંય કંઇ
ઓરિજિનલ નહીં’? આદિમની કમેન્ટ પર બધા હસી
પડ્યા. પેલા પાંચેય પ્રેસિડેન્ટના માણસો હતા, સુપાશે કીધું. ‘ઑલ ધ પ્રેસિડેન્ટ્સ મૅન’. ૧૯૭૬ની
પૉલિટિકલ થ્રીલર. ષડયંત્ર જાહેર થયા બાદ પ્રેસિડેન્ટ નિક્સને પદ છોડવું પડેલું.
પ્રેસિડેન્ટ કેન્ડિડેટ ચાર્લ્સ કૅરોલને ગોળી વાગી ત્યારે પત્રકાર લી કાર્ટર
ત્યાં હાજર હતી. બૉય ફ્રેન્ડ ફ્રેડી સામે કાર્ટરે પોતાનો ભય છતો કર્યો. એ પણ
રિપૉર્ટર હતો. એણે વાત હસી કાઢી. તોય, જે થવાનું હતું એ થઇને રહ્યું. પ્રેમિકા
ગુમાવ્યા પછી ફ્રેડીએ જાતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. તો એની ઉપર અટેક્સ થયા. એક
બોટ પર કોઇના ઇન્ટર્વ્યૂ માટે ગયો હતો એ બોટ જ બ્લાસ્ટ થઇ. ફ્રેડીનો પણ કિસ્સો
સમેટાઇ ગયો. એવું હુમલાખોરો માની બેઠા. ફ્રેડી જીવતો હતો. ઓળખ બદલીને એમની જ
ટોળીમાં જોડાઇ ગયો. ને પછી જે સામે આવ્યું તે ખતરનાક હતું. ક્યાંક પોતે પણ એ
ષડયંત્રનો ભાગ કે ભોગ તો નહીં બને? એવું ફિલ્મ
જોનારને લાગતું. એલન જે. પકુલાની ‘ધ પેરેલેક્સ વ્યૂ’માં સિનેમા હૉલની સીટ પરથી ચસકવાની કોઇની મજાલ નહોતી.
ટેપ ચોરાયા પછી હૅરી કૉલ વધુ સાવચેત થઇ ગયો. કપલ એ માટે ખતરાની ઘંટી હતી. ક્યાંક
એનો ક્લાયન્ટ જ ષડયંત્ર રચી રહ્યો હતો. કપલ એ વાતથી અજાણ હતું. એમને બચાવવા હૅરી પણ
હૉટેલમાં ગયો. બાજુમાં જ રૂમ રાખી. રાતે યુગલમાં મોટી તકરાર થઇ. હૅરી એ સાંભળતો જ
હતો ત્યાં બેહોશ થઇ ગયો. ભાન આવ્યું ત્યારે બાજુના કમરામાં શાંતિ હતી. ગૅલેરીમાંથી
એણે ડોકિયું કર્યું અને ચક્કર આવી ગયા. બાથરૂમમાંથી રક્તનો રેલો વહી રહ્યો હતો.
કંઇક અજુગતું બન્યું હતું. એ સીધો ક્લાયન્ટની ઑફિસ પહોંચ્યો. ત્યાં વધુ એક આઘાત! પેલું યુગલ ત્યાં હાજર હતું. ક્લાયન્ટ પોતે જ ગુમ હતો.
ઘરે જઇને માથા પર હાથ મૂકીને બેઠો હતો ત્યાં ફોનની રિંગ વાગી. હા, ફોન વિનાના
ઘરમાં ફોનની રિંગ. એણે ફોન ઉપાડ્યો તો પેલી ટેપનો જ અવાજ! હૅરીની ક્લાયન્ટ
સાથેની ચર્ચા પણ હતી એમાં. જાસૂસની જ કોઇએ જાસૂસી કરી હતી. ‘ધ કન્વર્સેશન’, ફ્રાન્સિસ ફોર્ડ
કોપોલાનું પળેપળે કંપાવી મૂકતું થ્રીલર. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પામ
ડી 'ઓર (ગોલ્ડન પામ) અવૉર્ડ
વિજેતા ફિલ્મ.
ક્રેઝીને પણ પોતાનું નૉલેજ બતાડવું હતું, ‘આપણે ત્યાં પણ કૉન્સ્પિરસી
સ્કેન્ડલ ખાસ્સા બન્યા નહીં’? ‘અરે ના યાર, અહીં ષડયંત્ર છે જ ક્યાં? સત્તા, મત્તા, કટ્ટાના
જોરે ઢાંકપિછોડા તો ગભરાટ કહેવાય’, સુપાશે સમજાવ્યું. ‘અબે હેન્ડલ, સ્કેન્ડલ
માટે અક્કલ જોઇએ. આપણે ત્યાં કૉન્સ્પિરસીમાં પણ દાંડાઇ છે. અહીં ભેજાંબાજો નહીં,
કૉપીબાજોના દંભનું રાજ છે’. ડેઝીએ પણ ક્રેઝીની વાત તોડતાં કીધું. સસ્પેન્સના
તાણેવાણે કથા ગૂંથવામાં હૉલિવૂડના રાઇટર્સ, ડિરેક્ટર્સનો ખરેખર કોઇ મુકાબલો નથી. જો
કે, મહાસત્તા હોય ત્યાં જ અરિજિનલ મહાષડયંત્રો મળી રહે એ પણ સમજી શકાય તેમ છે.
Viral Mehta