21 એપ્રિલ, 2014

ભૂલતાં શીખો તો નવું ભણી શકાય (Udaan 43)

ભૂલતાં શીખો તો નવું ભણી શકાય
બદામ ખાવાથી બુદ્ધિ વધે. દિમાગના ઘોડા દોડવા લાગે. વાંચેલું ફટાફટ યાદ રહે, વગેરે વગેરે.... જો આ સાચું હોય તો દુનિયામાં બદામ અને બે-બદામના માણસો શોધ્યાં ન જડે. આવી ઠોકી બેસાડેલી વાતોના ચક્રવાતમાં ફસાઇને જ આપણે આપણાં તોફાનમાં અટવાતા રહીએ છીએ. દુનિયાનો કોઇપણ સબ્જેક્ટ લઇ લો, મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી, ઇકોનોમિક્સ, એકાઉન્ટ્સ. આ બધામાં સૌથી અઘરો વિષય કયો? મારું માનો તો, એક પણ નહીં. અરે, ખરું કહું છું યાર. કોઇ વિષય અઘરો નથી. અઘરી છે, ભણવાની પ્રોસેસ. જેમાં લિમિટેડ ટાઇમ છે અને અનલિમિટેડ યાદ રાખવું ફરજિયાત છે. એટલે નવું શીખતા પહેલાં જૂનું ભૂલવું જ પડે.  
એક છોકરીની વાત કહું. કપરા વિષયો અને અઘરાં ભણતરથી કંટાળી હતી. બધાની લાડકી એટલે સ્વભાવે જિદ્દી પણ ખરી. 'જાવ મારે નથી ભણવું હવે આગળ', કહી દીધું ડૅડીને. અઢાર વર્ષની ઉંમર. હજી તો દુનિયામાં પહેલો પગ પણ ક્યાં મૂક્યો હતો? તોય આ નિર્ણય? ઘરમાં બધાના આશ્ચર્ય વચ્ચે ડૅડી તો ખુશખુશાલ થઇ ગયા. 'લેટ્સ સેલિબ્રેટ', કહીને એમણે એક ચેલેન્જ મૂકી. આ શહેર છોડીને ચાલ્યા જવાનું. એક બોટ આપી અને થોડી રકમ. બે વર્ષ સુધી એણે પોતાનો ખર્ચ ઉપાડવાનો. પાછી ફરે ત્યારે આપેલી રકમ કરતા વધુ એની પાસે હોવી જોઇએ.
છોકરી નીકળી પડી બોટ લઇને દરિયામાં. સ્કૂટર પણ આવડતું નહોતું એ હવે સાગરની લહેરો પર જિંદગીનું સૂકાન સંભાળી રહી હતી. જિંદગી, સર્વાઇવલ જ્યારે જાતે શિક્ષક બને, ત્યારે ભલભલા ભણવા માંડે છે. એ પહેલા કોઇનું નહોતી માનતી હવે એનામાં સ્થિરતા આવી હતી. સાગરમાં ભરતી ઓટનું ભાન થયું હતું. વિજ્ઞાન યાદ આવતું હતું. સામા પવનને પણ પોતાના ફાયદામાં કેઇ રીતે ફેરવવો એ શીખી રહી હતી. બજેટ પ્લાનિંગ પણ કરવું પડતું. ત્યારે સમજ પડી કે ધન સંઘરવાથી નહીં સાચા કામમાં ખર્ચ કરવાથી વધે. એક કિનારેથી સામાન ખરીદી બીજે ક્યાંક વેચવાની સૂઝ કેળવાઇ. ક્યાં, કોને, શાની જરૂર છે એ સમજવાની વૃત્તિ જાગી. એ માટે દરેક સ્થળનો ત્યાંના રહેવાસીઓનો ઇતિહાસ જાણવો જરૂરી લાગ્યો. એટલે જ ભૂગોળ જાણવી પણ જરૂરી બની. સ્કૂલ, કૉલેજમાં ન શીખી શકી એ બધું આ પ્રેક્ટિકલ લાઇફમાં શીખી ગઇ. બે વર્ષની ચેલેન્જમાં ક'દી ન ધાર્યું હોય એટલી ઝડપે.
હવે એ પેલા ક્લાસરૂમ, ટેક્સટ બુકના બૉક્સની બહાર હતી. એ કંટાળો, નૅગેટિવિટી ભૂલતાં શીખી હતી. કોઇ પરીક્ષા નહોતી છતાં મન સવાલ પૂછતું અને જવાબ જાતે શોધતી. જ્ઞાન અનિવાર્ય હતું પણ વિષયો એની પસંદગીના હતા. ડૅડીને સાહસિક દીકરી પર ગૌરવ હતું. આ છોકરી બીજું કોઇ નહીં પણ તાન્યા એબી. સુપ્રસિદ્ધ અમેરિકન સાગર પ્રવાસી. નૅવિગેશનથી નૉલેજ પ્રત્યે નૅગેટિવિટીનો પ્રવાહ ચીરનાર બાહોશ છોકરી. સૌથી ઓછી વયે એકલા સાગર પ્રવાસ કરનાર એકમાત્ર મહિલાનો રેકૉર્ડ એના નામે છે. એનું 'મેઇડન વૉયેજ' પુસ્તક અચૂક વાંચજો. દિમાગના બલ્બ ઝળહળી ઉઠશે. કંઇક ભૂલીને ઘણું બધું શીખવાની વૃત્તી જાગશે. બદામ વિના.
દોસ્તો, કંઇક નવું શીખવા મગજમાં જગ્યા કરવી પડે. બિન જરૂરી ગોખાઇ ગયેલું ભૂલી જવું પડે. એક દોસ્ત છે, બહુ કુશળ પાયલટ. મોટાં મોટાં વિમાનો ઉડાડી જાણે. એમના પત્નીને પણ ઇચ્છા થઇ. બંને સાથે શીખવા ગયાં. ગ્લાઇડર પ્લેન હતું. પાયલટને એમ કે આ તો રમકડું છે, હમણાં ઊડવા લાગશે. પરંતુ, એવું ન થયું. ગ્લાઇડર વિમાન એ ઉડાડી ન શક્યા. બીજી તરફ એમનાં પત્ની ગ્લાઇડર શીખી ગયાં. હકીકત એવી હતી કે, પાયલટના પત્ની માટે આખો સબ્જેક્ટ નવો હતો. એ કંઇ પણ શીખવા તૈયાર હતા. જ્યારે પાઇલટ ગ્લાઇડરમાં પેલા હાઇટેક વિમાન જેવાં કન્ટ્રોલ્સ શોધતા હતા. જેની એમાં જરૂર જ નહોતી. એક સીધું સાદું વિમાન હતું. સીધી સાદી પ્રોસેસથી ઊડતું હતું. જે આપણા પાયલટ મિત્રને અઘરું લાગ્યું હતું. એમનો પહેલાંનો અનુભવ ચેલેન્જ બની રહ્યો હતો.
દોસ્તો, ઘણીવાર મનમાં અડ્ડો જમાવી ચૂકેલી વાતો આપણી સામે પડકાર બને છે. એ ભૂલીને જ નવું ભણી શકાય.
અવકાશ યાત્રી કાર્લ સેગનનું એક કથન છે, 'ઉપસ્થિતિનો અભાવ, ઉપસ્થિતિ ન હોવાનું પ્રમાણ નથી'. આપણે ન જાણીએ તે હોય જ નહીં એ માનવું ભૂલ ભરેલું છે. ખરેખર, અવકાશનો સાક્ષી જ આ વાત કહી શકે.
પત્નીને કોઇ જરૂરિયાત જ નથી એમ માનતા પતિદેવની વાત કહું. એક ભાઇએ વડીલને કીધું, બધી ઇચ્છાઓ પૂરી કરું તોય પત્ની ઝગડો કરે છે. વડીલે કહ્યું, તું પત્ની જે કહે તે સાંભળતા શીખ. ભાઇએ એમ કરી જોયું, તોય એનું એ. ફરી વડીલ પાસે ગયા. વડીલે કહ્યું, હવે એ જે નથી કહેતી તે સાંભળતા શીખ. ઘણા લાંબા સમય સુધી ભાઇ દેખાયા નહીં. વડીલે તપાસ કરી. ખબર પડી કે બંને ખુશખુશાલ હતા. કોણે કીધું કાનથી જ સંભળાય? આંખ પણ ઇરાદા સમજી શકે. આંખ આડેથી કાન દૂર થયા હતા. એ કાનથી જોતાં અને આંખથી સાંભળતા શીખ્યા હતા. પત્નીના કહ્યા વિના મરજી સમજી શકતા હતા.
વૅકેશન આ માટે મળે છે. જે શીખ્યા તે જ્ઞાન કે પદ્ધતિ અવરોધ રૂપ બને, બિનજરૂરી લાગે તો બેધડક ભૂલી જાવ. મગજમાં નવી જગા થશે તો જ નવું શીખી શકાશે. અનલર્નિંગ પણ લર્નિંગ માટે જરૂરી છે. 

Viral Mehta