અજાણ્યા અનોખા અંતના અનંત આટાપાટા
બાલ્કનીમાં ચારેય જણ મોં ફેરવીને બેઠેલા. એ જ જૂની જાણીતી તકરાર. મૂવિ બફ
મિત્રોના મત-મતાંતર. હકીકત તમને કહીશ તો તમે પણ આ વિવાદમાં જોડાઇ જશો. નવાં મૂવિ
વિષે ઓપિનિયનમાં કોઇ ફેરફાર હોય તો સમજ્યા. આ તો બધાએ જોયેલી સુપ્રસિદ્ધ ટાઇટેનિક
ફિલ્મની વાત પર વિવાદ થયો હતો. મામલો ત્રણ વિરૂદ્ધ એકનો હતો. સ્વર્ણિમા, દ્વારિકા
અને રીત એક તરફ હતા. ક્ષમતા બધા કરતા અલગ વાત કરતી હતી. લોકશાહીમાં તો ભાઇ
મૅજોરિટીનો જ વિજય થાય ને? ક્ષમતાની વાત દબાવી એને
કોઇ સ્વીકારવા તૈયાર નહોતું અને ક્ષમતાને એ સ્વીકાર્ય નહોતું.
વાત એમ હતી કે, ક્ષમતાએ ગઇકાલે ડીવીડી પર ટાઇટેનિક ફરી જોયું હતું. ટાઇટેનિક
તો જળસમાધિ લઇ ચૂક્યું હતું. પરંતુ, રોઝ હયાત હતી. એ ઐતિકાસિક જહાજમાં પાંગરેલી
એની એને જૅકની પ્રણયકથા કહેવા. રોઝ પાસે જૅકે આપેલી એક સોગાત પણ હતી. ડૂબેલાં
ટાઇટેનિકની એકમાત્ર જીવતી નિશાની. એક મૂલ્યવાન નેકલેસ. બેશકીમતી ‘હાર્ટ ઑફ ઓશન’ ડાયમન્ડ જડેલો હતો એમાં.
મૂવિના અંતમાં રોઝ સમુદ્રની એ નિશાની સમુદ્રને પાછી આપે છે. નેકલેસ સાગરમાં સરકાવી
દે છે. બસ, અહીં સુધી ચારેય જણ એક બીજા સાથે સંમત હતા. મમ્મત ત્યાર બાદ ક્ષમતાએ જે
કહ્યું એની ઉપર હતી. ક્ષમતાનું કહેવું હતું, છેલ્લી રાતે રોઝ, એની ગ્રાન્ડ ડૉટર
ગ્લોરિયા અને એના બૉય ફ્રેન્ડ બિલની નજર સામે એ મૂલ્યવાન નેકલેસ સમુદ્રમાં વહેતો
મૂકે છે. ‘જિંદગીથી મૂલ્યવાન કંઇ જ નથી’, એમ કહીને. બોટ પર હાજર ક્રૂ મેમ્બર્સ જોતા રહી જાય છે.
ગ્લોરિયા અને બિલ હસીને ડાન્સ કરવામાં પરોવાય છે.
તમારી જેમ જ ક્ષમતાની આ વાત માનવા કોઇ તૈયાર નહોતું. ટાઇટેનિક જોઇ હોય એ બધાને
ખબર હશે કે, અંતમાં રોઝ મીઠી યાદોમાં સરી જાય છે. સમુદ્ર પર ઝૂલતા એના હાથમાંથી
નેકલેસ આપોઆપ સરકી સાગરમાં ડૂબી જાય છે. રોઝ અંતિમ શ્વાસ લે છે. જૂના ટાઇટેનિક
જહાજમાં એ યુવાન રોઝ બની પગથિયાં પર રાહ જોતા જૅકને મળે છે. બંને નૃત્ય કરે છે. ફિલ્મ
અહીં પૂરી થાય છે. આ હતું ચારે સખીઓમાં વિવાદનું મૂળ કારણ. ટાઇટેનિકના અંતના
આટાપાટામાં અટવાઇ હતી. વિવાદની આ તપન અગ્નિ સિવાય ઠંડી પડે તેમ નહોતી. અને અગ્નિ
પ્રગટ થઇ. કોઇ મોટી અદાલતના ન્યાયાધિશની માફક. બધાનો પક્ષ વિપક્ષ સાંભળી ઐતિહાસિક
ચૂકાદો આપ્યો કે બંને પક્ષ સાચા છે. બોલો, હવે?
હકીકતમાં આ તકરારનું મૂળ કારણ ડિરેક્ટર જેમ્સ કૅમેરોન હતો. એણે ટાઇટેનિકના બે
અંત રાખ્યા હતા. એક જે થિયેટરમાં રીલિઝ થયું તે વર્ઝનમાં આપણે બધાએ જોયો. અને બીજો
માત્ર ક્ષમતા જેવાં થોડા ઘણાએ માત્ર ડીવીડી પર જોયો. એક કરતા વધુ અંત ધરાવતાં
મૂવિઝ બનાવવા એ હૉલિવૂડનો જૂનો ખેલ છે. યાર-દોસ્તો, સખી-સહેલીઓમાં તકરાર કરાવવાના
આશયથી નહીં. ફિલ્મને એક નવો વળાંક આપવાના પ્રયત્ન રૂપે.
ઓરિજિનલી આ ધમાલ શરૂ કરનાર એક સ્પેનિશ નવલકથાકાર જુલિયો કોર્ટ્ઝર હતો. રેયુએલા
નામની એની એક નવલકથા એટલે ક્રિએટિવિટીનો માસ્ટર પીસ. રેયુએલા એટલે આપણે બાળપણમાં
રમેલાં એ રમત હૉપસ્કૉચ. જેને ગુજરાતીમાં પગથિયાં કહેવાય. નવલ કથાનું અંગ્રેજી
રૂપાંતર પણ હૉપસ્કૉચ તરીકે પ્રસિદ્ધ છે. સૌથી ઇન્ટરેક્ટિવ ગણાતી આ નૉવેલમાં ૧૫૫
ચેપ્ટર્સ છે. વાચકોને પગથિયાંની જેમ જ્યાં કુકરી નાખી કૂદવું હોય તેની છૂટ છે. વાચકની
ચૉઇસ મુજબ વાર્તાકથનમાં પણ વૅરિએશન છે. જે ક્રમ પસંદ કરો તે મુજબ વાર્તા અને અંત
બદલાતા રહે છે. આખું પુસ્તક વાંચો તો વાત વળી કોઇ નવા જ અંત તરફ જાય. અનંત અંત
સાથેનું આ પુસ્તક લેખકની તાકાત દર્શાવે છે. વૅકેશનમાં ક્રિએટિવ વાંચવું હોય તો
આવું કંઇક જીવંત લેખન વાંચજો. બાકી, આચર-કુચર પડીકાં પિરસીને વાચનની રૂચિ અને ભૂખ
કાયમી ભાંગી કાઢે એવાં અચેતન લખાણોના ભગત થવામાં કોઇ માલ નથી.
વૅલ, આપણે હૉલિવૂડની વાત કરીએ. અહીં એક કરતા વધુ અંત ધરાવતી અનેક ફિલ્મો છે. સ્ટિફન
કિંગની શૉર્ટ સ્ટોરી પરથી બનેલું એક સાયકો થ્રિલર છે. 1408. એના ચાર અંત હતા.
વાત એવા લેખકની છે જેને સુપરનેચલર-પ્રેત સૃષ્ટિ પર વિશ્વાસ નથી. એકની એક
વ્હાલી દીકરી ગુમાવ્યા પછી માઇક આવી જગ્યાઓ શોધી ત્યાં રાત રહી પોતાની નવલકથા રચે
છે. ન્યૂ યૉર્કની ડૉલ્ફિન હૉટેલ વિશે ખબર પડે છે. 1408 રૂમમાંથી કોઇ જીવતું બહાર
આવ્યું નથી એવી વાયકા છે. મૅનેજરની ના છતાં માઇક એ રૂમમાં રોકાય છે. અને ત્યાં ખૂલે
છે, આખું પ્રેત વિશ્વ. રાતભર એક પછી એક ભયાનક અનુભવો. પોતે સપનામાં છે કે જાગે છે
એનો પણ ઇલમ નહીં. સ્વર્ગસ્થ પિતા મળે છે. દીકરી મળે છે. અનુભવો રેકોર્ડ કરતો જાય
છે. અચાનક વરસાદ. દરિયાનું તોફાન. વળી કોઇ વંટોળ. અચાનક ઓરડામાં પાણી. પાણીનું બરફ
થઇ જવું. રૂમમાંથી બહાર આવવાનો કોઇ રસ્તો નહીં. લગભગ મૃત અવસ્થા. પત્ની લીલીનો વિડિયો
ચૅટ પર સંપર્કનો પ્રયત્ન. અસહ્ય ઠંડી. માઇક ટાઢથી બચવા આગ ચાંપે છે. બેહોશ થઇ જાય
છે. લીલી ચૅટ પર જોડાય છે. રૂમની હાલત જુએ છે. ફાયર ફાઇટર્સને ફોન કરે છે. માઇક બચે
છે. હૉસ્પિટલમાં જાગે છે. લીલીને દીકરીની વાત કરે છે. એ માનવા તૈયાર નથી. ઘરે
પહોંચીને પેલી કૅસેટમાં રેકોર્ડ થયેલી વાત સંભળાવે છે. પત્ની દંગ રહી જાય છે. ધી
એન્ડ નંબર એક.
બીજાં વર્ઝનમાં ડિરેક્ટર માઇકલ હાફસ્ટૉર્મ વાત બદલે છે. માઇક આગમાં ભસ્મ થાય
છે. અંતિમ વિધિમાં મૅનેજર ઑલિવ માઇકની બૅગ લીલીને સોંપવા જાય છે. લીલી ઇનકાર કરે
છે. ઑલિવ કારમાં પાછા ફરતા માઇકની કૅસેટ સાંભળે છે. અચાનક કારના મિરરમાં માઇકનો
ભયાનક ચહેરો દેખાય છે. પાછળ જુએ છે. કોઇ નથી. ફરી રૂમનું દ્રશ્ય. માઇકનું પ્રેત
જાગે છે. બારીમાંથી નીકળતા રસ્તા પર દીકરી સાથે હસીને ચાલ્યો જાય છે. ધી એન્ડ નંબર
બે.
ત્રીજા કટમાં માઇકની અંતિમ વિધિ પછી એનો બુક પબ્લિશર લીલીને ઘરે ડ્રોપ કરે છે.
હૅલ્પ ઑફર કરે છે. લીલી ઇનકાર કરે છે. પબ્લિશર ઑફિસમાં પાછો ફરે છે. પોસ્ટ તપાસે
છે. એમાંથી એને એક ધ્રૂજાવી મૂકતી હકીકત મળે છે. માઇકની મેન્યુસ્ક્રીપ્ટ. 1408ના
અનુભવો સાથેની. થોડી ક્ષણો સપનામાંથી હોશમાં આવેલા માઇકે મોકલી હતી. એમાં ખોવાયેલા
પબ્લિશર પર ફિલ્મનો ફ્લેશબૅક રન થાય છે. માઇકના પિતાનો અવાજ સંભળાય છે. ‘જે હું હતો એ તું છે, જે હું છું એ તું થઇશ’. ધી એન્ડ નંબર ત્રણ.
ચોથો અંત પહેલા અંતની નજીક છે. સાજો થયેલો માઇક ઘરે પહોંચે છે. પત્ની કામમાં
પરોવાય છે. માઇક કૅસેટ પ્લે કરે છે. પરંતુ, એમાં દીકરીનો અવાજ માત્ર માઇકને જ
સંભળાય છે. લીલીનું એ તરફ કોઇ ધ્યાન જતું નથી. માઇક કૅસેટને પોતાની અંગત પ્રોપર્ટી
ગણી સાચવીને ડ્રોઅરમાં મૂકે છે. ધી એન્ડ નંબર ચાર. બોલો છક્ક થઇ જવાયને?
1408નો એક સરપ્રાઇઝ કટ પણ છે. એ હું તમને નહીં કહું. આટલું તો કહી દીધું. સરપ્રાઇઝ
કટનું સરપ્રાઇઝ તમે ખોળી કાઢજો હવે.
એન્જેલિના જૉલીની તમે જોયેલી ફિલ્મ સૉલ્ટની વાત કરીએ. આપણે જાણીએ છીએ
તેમ જૉલીની ફિંગરપ્રિંટ મૅચ થતા એને જવાની પરમિશન મળે છે. જૉલી સ્લિપર સેલની
શોધમાં નીકળી જાય છે. ફિલ્મ પૂરી થાય છે. સૉલ્ટની સફળતા પછી ફ્યુચરમાં એની સિક્વલ
બને એ માટે ડિરેક્ટરે બે વધુ એન્ડ શૂટ કરેલા. ડિરેક્ટર્સ કટમાં યુએસ પ્રેસિડેન્ટની
હત્યા થાય છે. નવો પ્રેસિડેન્ટ પોતે જ સ્લિપર સેલ ચલાવે છે એવા એહેવાલો સૉલ્ટને
મળે છે. ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મના એક્સટેન્ડેડ કટમાં સૉલ્ટ CIAની પકડમાંથી છટકીને ભાગે છે. રશિયા પહોંચી સ્લિપર સેલ બ્લાસ્ટ
કરે છે. જો કે ઘણા બાળકોની હત્યાનું દ્રશ્ય હોવાથી આ અંત કોઇએ સ્વીકાર્યો નહોતો.
આઇ એમ લિજેન્ડ. વિલ સ્મિથની એક સાયન્સ ફિક્શન હૉરર. જોઇ હશે તેમને ખબર હશે.
વિલ સ્મિથ હિરોને છાજે તેવી કુરબાની આપે છે. વાયરસના હુમલાથી બચી ગયેલા બે દોસ્તોને
બચાવવા વિલ સ્મિથ જાન આપે છે. એક વાયલમાં લાઇફલાઇન જેવું બ્લડ સેમ્પલ આપી
પ્રાણત્યાગ કરે છે. બીજા કટમાં એ વાયરસ ગ્રસ્ત હુમલાખોરને ખતમ કરે છે. એના અને ઇથન
સાથે પાછો ફરે છે.
‘ટર્મિનેટર 2, ધ જજમેન્ટ
ડે’માં તમે શું જોયું હતું? T-800 એક ગરમ ટેન્કમાં સેક્રિફાઇસ આપી સ્કાયનેટ
ક્રિએશન બચાવે છે. એનો તમે ન જોયેલો એન્ડ પણ છે. T-800નું સેક્રિફાઇસ તો યથાવત્ છે, પણ છેલ્લે સારા કોનરનો વૉઇસ ઓવર સંભળાય છે. એ
કહે છે, ‘જજમેન્ટ ડે ક્યારેય આવ્યો જ નહીં’.
ઇ. ટી. માં સ્પીલબર્ગે એલિયટને એલિયન્સના વિશ્વમાં પાછો મોકલી આપ્યો. પછી એને
થયું ના યાર, કંઇક બીજું કરીએ. એણે પણ એક વૈકલ્પિક અંત બનાવ્યો. જેમાં એલિયટ ધરતી
પર જ વસી જાય છે. અને બાળકો સાથે રમતો દેખાય છે. જો કે, આમાં પણ પહેલો અંત અને
એમાં જીવંત કરાયેલી એલિયટના વિરહની સંવેદના જ લોકોએ પસંદ કરેલી.
જોયું, આજે કેટલી બધી ફિલ્મોના એન્ડ તમને કહી દીધા? તોય મને ખબર છે,
તમે આ બધા મૂવિઝ ફરી જોશો. કારણ કે, મૂવિ એટલે સંપૂર્ણ પ્રોડક્ટના મેકિંગની મજા
અને મસ્તી. આરંભ, અંતના સસ્પેન્સ ભલે કોઇ કહી દે, ઉમદા પ્રોડક્શન જ્યારે જુઓ
ત્યારે લાજવાબ જ લાગશે.
Viral Mehta