14 એપ્રિલ, 2014

ક’દી સાંભળી ન હોય એવી કરિયરનાં વિશ્વમાં (Udaan 42)

'દી સાંભળી ન હોય એવી કરિયરનાં વિશ્વમાં
બધા કરતા લાઇફમાં કંઇક અલગ કરવાનો વિભિન્નનો ઇરાદો પાકો થઇ રહ્યો હતો. ફૂડ ટેસ્ટર, ઑનલાઇન નોલેજ ફેસિલિટેટર અને ડૉ. ક્વિકને મળ્યા પછી હવે એને સમજાયું હતું કે કરિયર એટલે લાઇફ. ઝિંદાદિલીની લાઇફ. પોતાની આવક કમાઇ લેનારા. અઢળક ધન ભેગું કરી લેનારા. મોટાં પદ, પ્રતિષ્ઠા હાંસલ કરી સતત ટેન્શનમાં ફરનારા કરતા, આ સાવ અલગ લોકો હતા. એમને ફેમસ થવાનો કોઇ ક્રેઝ નહોતો. સ્ટેટસ, સ્ટેટમેન્ટ, લાઇક, કમેન્ટના ચકરાવામાં ફેરવતા સોશિયલ નેટવર્કની જફામારીમાં એ નહોતા પડ્યા. એવાંતેવાં તકલાદી, તકવાદી તિકડમ માટે સમય ક્યાં હતો?
ખરેખર બિઝી છતાં ઇઝી, ખુશમિજાજ લાઇફની મજા લેતા હતા. સૌથી મહત્ત્વનું કામ કરતા તોય એનો કોઇ ભાર નહીં. મેં આઇસ ક્રીમની બૅચ પાસ કરી. આપણે આજે બૉસને ઇન્ફોર્મેશન આપી બૉસ. મેં કોઇની સારવાર કરી. એવી હું, મેં, મારું જેવી આછકલાઇ એમનાથી દૂર રહેતી. કોઇની સાપેક્ષે, કોઇની અપ્રૂવલ કે પ્રસંશાની એમને ક્યાં જરૂર હતી? કોઇ અવૉર્ડ, ખિતાબના તલસાટમાં પણ એ નહોતા. એમને કામ કરવું હતું. પોતાને ગમતું કામ. પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને. લોકોના ઉપયોગમાં આવવાનું કામ. એટલે જ એ આટલા ખુશ હતા.
બાગની બાજુમાંથી પસાર થતી ફૂટપાથ પર વિભિન્ન ચાલી રહ્યો હતો. સામે લાલ રુંવાંદાર ફૂલોથી લચી રહેલાં વૃક્ષ નીચે બેન્ચ પર નજર પડી. ઓહ! મુમુક્ષુ. રસપૂર્વક કોઇ પુસ્તક વાંચી રહેલો. 'ક્યાં છે, શું કરે છે, યાર'? ઘણા વખતે મળ્યાનો આનંદ ઉમળકો ઠાલવતાં મુમુક્ષુને પૂછ્યું. 'બસ, જલસા યાર! લોકોને મજા કરાવું છું અને હું પણ કરું છું'. હસમુખા ચહેરે પોતાના કામકાજ કરિયર વિશે મુમુક્ષુએ વિગતે વાત કરી ત્યારે વિભિન્નના આશ્ચર્યનો પાર ન રહ્યો. શહેરની જાણીતી હૉસ્પિટલમાં એ પેલિએટિવ કૅર ટેક્નિશિયન હતો.
પહેલી જ વાર આવી જૉબ વિશે એણે સાંભળ્યું હતું. આધુનિક મૅડિકલ સાયન્સમાં આ અત્યંત મહત્ત્વની જૉબ ગણાય છે. એમ. ડી., હોસ્પિટલ કર્મચારીઓને જોડવાનું કામ. પેશન્ટને જિંદગીની ધગશ આપવાનું કામ. દર્દનો ઉપચાર ભલે ન કરી શકે પણ દર્દમાં રાહત અને જિંદગીની હિંમત બેશક આપી શકે એવું કામ. પેલિએટિવ ટેક્નિશિયન એટલે સારી હૉસ્પિટલની પહેલી ઓળખાણ. મોટા ઑપરેશન્સ હોય કે અસાધ્ય દર્દ, પેશન્ટ્સ અને એમના પરિવારની પડખે રહીને સાયકોલૉજિકલ સથવારો, સાંત્વના આ ટેક્નિશિયન્સ આપે છે. ફાર્મસી ભણ્યા પછી મુમુક્ષુએ આનો કોર્સ કર્યો હતો. આજે અનેક લોકોની લાઇફમાં એના એક સ્માઇલ સાથે થોડા ધબકાર ઉમેરાઇ જાય છે. કામનો સંતોષ મુમુક્ષુના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
'ઇવનિંગ બૉય્ઝ'. એક અવાજ તરફ બંનેનું ધ્યાન ગયું. પરિચિત ચિપ્સનું પૅકેટ ધરીને ઊભો હતો. 'ઓહો, એનિમેશન એક્સપર્ટ, ક્યાં છો આજકાલ'? મુમુક્ષુએ પૂછ્યું. 'બસ, યાર સુંદરીઓના કેશ સજાવું છું'. એણે કીધું. 'પણ તેં તો એનિમેશનનો કોર્સ કરેલોને'? વિભિન્નને આશ્ચર્ય થયું. 'હા, યાર પછી હૅર સિમ્યુલેશન સુપરવાઇઝર બની ગયો'. પોતાના જવાબથી બંનેના ચહેરા જોઇને પરિચિતને મજા પડી રહી હતી. ચિપ્સ ખાતાં ખાતાં એ ધીમું ધીમું હસી રહ્યો હતો. 'ઓકે, રિલેક્સ યાર', ચિપ્સ મોંમાં મૂકતા એણે કીધું, 'આ એનિમેશનનો જ એક પ્રકાર છે. મેકઅપ આર્ટિસ્ટ, હૅર એક્સપર્ટ, કૅમેરા, બધું જ કરી છૂટે તોય પેલી શેમ્પુની ઍડમાં દેખાય એવા લીસાં, ચમકદાર વાળ સ્ક્રીન પર ન દેખાય. એ માટે CGI – કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરીનો ઉપયોગ કરવો પડે. હું એ જ તો કરું છું, તમે શું સમજ્યા, મેં કોઇ બ્યૂટિ પાર્લર ખોલ્યું છે'? પરિચિત હસ્યો.
આજકાલ લગભગ દરેક ફિલ્મો અને ઍડમાં હિરોઇન, મૉડેલના હૅર ડ્રેસિંગ કમ્પ્યુટર પર થાય છે. પરિચિતના ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે એ પોતાનું કામ એન્જોય કરી રહ્યો છે. દુનિયામાં આવી જૉબ્સ પણ હોય છે, એવી આજે વિભિન્નને પહેલી વાર ખબર પડી હતી. કંઇક અલગ કરવા આખો ફલક પડ્યો છે, એવો એને વિશ્વાસ બેઠો હતો. ખુશખુશાલ મને ત્રણે છૂટા પડ્યા. વિભિન્ન હળવા ફૂલ ચિત્તે ઘર તરફ આગળ વધ્યો.
કૉલોનીમાં સુવેગના કમરાની બારી ખુલ્લી હતી. એણે ડોકિયું કર્યું. સુવેગની નજર પણ વિભિન્ન પર પડી. 'હે, વિભિન્ન, આવ અંદર આવ'. લૅપટોપ પર કંઇક ગડમથલ કરતા સુવેગે વિભિન્નને બોલાવ્યો. 'શું કરે છે? નેટવર્કિંગ કે....', 'અરે ના યાર, હાઉ બોરિંગ? હું તો એક્ઝામ આપી રહ્યો છું. ઑનલાઇન એક્ઝામ'. 'શાની એક્ઝામ? હજી હમણાં જ તો પરીક્ષાઓ પતી'? વિભિન્નએ પૂછ્યું. 'એ તો આપણી યુનિવર્સિટીની. મેં મૅરીલેન્ડની યુનિવર્સિટીનો કોર્સ લીધો છે. ફાયર સાયન્ટિસ્ટનો'. 'એટલે પેલો ફાયર ફાઇટર બનવાનો કોર્સ'? અધિરાઇથી વિભિન્ન વચ્ચે બોલી ઉઠ્યો.
'હા અને ના બંને', સુવેગ હસીને બોલ્યો. 'ફાયરના કેટલા પ્રકાર હોય છે તને ખબર છે? વિજ્ઞાનની રીતે જોઇએ તો અસંખ્ય. કોઇ બ્લૂ ફ્લેમ, કોઇ ઓરેન્જ, કોઇ યલો, કોઇ રેડ એના ટેમ્પરેચર, એની દહનશીલતા બધું અલગ હોય. એનું અલગ સાયન્સ છે. રૉકેટથી માંડીને કીચન સુધી ફાયરનો ઉપયોગ કરતી દરેક ઇન્ડસ્ટ્રીનીમાં એનો ઉપયોગ થાય'. સુવેગે કીધું પછી આ જૉબના ઓપનિંગ અને કરિયર વિષે કોઇ સવાલ પૂછવાનું રહેતું નહોતું.
દોસ્તો, નજર સામેના પાંચ-પચીસ કોર્સ અને એટલી જ જૉબ ઓપર્ચ્યુનિટીમાં અટવાયા કરતાં થોડો વિચાર કરીને, આપણા ઇન્ટરેસ્ટની કરિયર પસંદ કરવામાં ખરી મજા છે. તમે પણ વિભિન્નની માફક કંઇક અલગ કરવાનું વિચારો. આખી દુનિયા તમારી રાહ જુએ છે.

Viral Mehta