11 એપ્રિલ, 2014

મૂવિ બનતાં પહેલાં હિટ કરવાનો અજબ-ગજબનો કસબ (Hollywood Cafe 22)



મૂવિ બનતાં પહેલાં હિટ કરવાનો અજબ-ગજબનો કસબ
બીજાં પેરેન્ટ્સની પણ ફરિયાદ હતી. બાનીને વાદે ચઢીને એમનાં બાળકો પણ અજબ ખેલ કરવા લાગ્યા હતા. ઘરમાં ખૂણેખાંચરે રમકડાં સંતાડીને રાખતાં. જ્યાં સાફસૂફ કરો ત્યાં ક્યાંક સસલું તો ક્યાંક બૅર કે ડૉગી કે પૅરટ કે ગનમૅન મળે. હઠે ચઢીને બધાએ બાની જેવું બૅર પણ લીધેલું. જમતા કોળિયો પણ એને પૂછીને ભરે. સ્કૂલે જતાં કયા કલરની બૅગ લેવી છે એ પણ બૅર નક્કી કરે. હોમવર્કના આન્સર પણ બૅરને પૂછીને લખે. એ તો ઠીક સ્કૂલમાં પણ બૅરને સાથે રાખે. રાતે એના વિના ઊંઘે પણ નહીં. હદ થઇ ગઇ હતી. શું કરવું આ છોકરીનું?
ડૅડીએ આજે ધમકાવી નાખી બાનીને. આ શું વળી? નહીં ચાલે આ બધું આ ઘરમાં. ફરી જો આ રમકડું હાથમાં લીધું છે તો ખેર નથી. એક ઝાટકે ડૅડીએ બૅર ખેંચી લીધું. કંઇ બોલ્યા વિના નાની બાનીએ ઓશિકાંમાં મોં સંતાડી દીધું. આગળના રૂમમાં ડૅડી ટીવી સામે ગોઠવાયા. એન્ટરટેનમેન્ટમાં કોઇ રસ નહોતો. ન્યૂઝમાં પણ કંઇ ભલીવાર નહોતો. કંટાળીને બાજુમાં પડેલું રિમોટ ઉપાડ્યું. જેવા ચેનલ બદલવા ગયા ત્યાં હાથ અટકી ગયો. વર્ષો પછી પેલી ઍડ આવી. બાળપણમાં જોયેલી ચોકલેટની ઍડ. નાનપણમાં એ ઍડ એમને બહુ ગમતી. આજે પણ એનું ગીત આખું યાદ હતું. એ જ ઍડમાં વળી પાછી એમના ગમતાં બિસ્કિટની ઍડ પણ આવી. યસ, એ જ પેલી છોકરી. દરેક જાહેરાતમાં આવતી. એમના જમાનાની સુપર હિટ ચાઇલ્ડ મૉડેલ. એમણે એનો ઑટોગ્રાફ પણ લીધો હતો. ધક્કામુક્કી કરીને. વર્ષો પછી એને જોઇને ડૅડીને બાળપણના એ દિવસો યાદ આવી ગયા.
ઍડ થોડી લાંબી ચાલી હતી. ઘરમાં પણ બધાને મજા આવી રહી હતી. એમાં અચાનક આ વળી શું આવ્યું? રાત પડી. છોકરી બૅડરૂમમાં ગઇ. બાની પાસે હતું એવું જ બૅર લીધું અને એને વળગીને ઊંઘી ગઇ. એ જ જાણીતાં સ્માઇલ સાથે ટાટા કરીને. સોફામાંથી અડધા ઊભા થઇ ગયા ડૅડી. ઘરના બધાની એ જ હાલત હતી. જાહેરાત પૂરી થઇ. બાનીનું બૅર ડૅડીના ખોળામાં જ હતું. લઇને સીધા ગયા દીકરી પાસે. એને વ્હાલથી ખોળામાં લીધી અને બૅર આપી દીધું. સૉરી તો એમની નજરનું હેત જ કહી રહ્યું હતું. બાનીએ ડૅડીને બૅરની ઓળખાણ કરાવી. એનું નામ હતું, લૉટ્સ-ઓ-હગિંસ. નવી ફિલ્મ ટૉય સ્ટોરી 3નું એક પાત્ર. ડૅડીએ પહેલા જ શોમાં એ મૂવિ બતાવવાનું બાનીને પ્રોમિસ કર્યું. આખા જગતના પેરેન્ટ્સની માફક. પિક્સર મૂવિઝ કંપનીનું ટૉય સ્ટોરી 3 રીલિઝ પહેલાં હિટ થઇ ગયું.
બાળકોને સ્વાભાવિક રીતે એનો ક્રેઝ હોય. આ ઍડ કેમ્પેનથી પેરેન્ટ્સને પણ બાળપણ સાંભરેલું. આ છે, કમાલ હૉલિવૂડની હિટ ફિલ્મોનાં હિટ કેમ્પેનની. ત્યાં નિર્માતાઓ મનોરંજનનું મેનુ બદલી રહ્યા છે. પોસ્ટર, ટ્રેલર, બેનર, સ્ટાર્સ વિઝિટ, એમના ઠીકઠાક ઇન્ટર્વ્યૂઝ હવે જૂનાં થયાં. આજે ઑડિયન્સ બે-અઢી કલાકના મૂવિ કરતાં ઘણું વધુ માગે છે. મૂવિ આવતાં પહેલાં અને જોયાં પછી પણ. સતત ચાલતું મનોરંજન. એ પણ દિલના આંગણે. લાગણીઓ અને ઉમળકાના દ્વારે. મનના કોઇ ખાસ કમરામાં. રાતે તમે ઊંધી જાવ પછી જાગતાં રમકડાંની કલ્પના જેવું જ ઇનોવેટિવ કેમ્પેન.
એન્ડ્રોઇડ તો જાણો છોને? લગભગ બધાના મોબાઇલની ઑપરેટિંગ સિસ્ટમ. થોડા સમયમાં કમ્પ્યુટર્સમાં પણ છવાશે. હવે જરા વિચારો. તમે સવારની ચાની મજા સાથે હૉલિવૂડ કૅફેમાં પરોવાયા છો. સામે ટેબલ પર લેટેસ્ટ મોબાઇલ છે. મોબાઇલમાં રિંગ વાગે છે. અખબાર બાજુ પર મૂકી તમે હાથ લંબાવો છો. ત્યાં સામે એક વ્યક્તિ દેખાય છે. ડૅવિડ. એ કંઇ પણ કરી શકે છે. હા, કંઇ પણ. સૌથી ફાસ્ટ દોડી શકે. સૌથી એક્યુરેટ વિચારી શકે. ઝડપથી મૅસેજ પહોંચાડી શકે. મોટાંમાં મોટું મશીન બનાવી શકે. ઑપરેટ કરી શકે. એ હ્યુમન નથી. રોબૉટ છે. અસલ ડૅવિડનો સાતમો અવતાર, ડૅવિડ 7. જે હવે લાગણીશીલ પણ થઇ શકે છે.
માનવ સહજ લાક્ષણિકતા અને સુપર હ્યુમનથી વિશેષ ક્ષમતા ધરાવતો રોબૉટ. હ્યુમન એન્ડ્રોઇડ, હ્યુમનોઇડ. એના માટેની ઑપરેટિંગ સિસ્ટમ એટલે એન્ડ્રોઇડ. ૧૯૯૦માં એની શોધ થઇ. આપણા ફોન માટે નહીં. એક શક્તિશાળી રોબૉટ માટે. એન્ડ્રોઇડ માટે ફોન તો રમકડું છે. એક અમસ્તો સ્માર્ટ ફોન તમને ૨૪ કલાક રમતા કરી શકે તો, અસલ એન્ડ્રોઇડની ક્ષમતા કલ્પનાનો વિષય છે. ૨૦૦૨માં પહેલા હ્યુમનોઇડનો જન્મ થયો. તમને ખ્યાલ નહીં હોય પણ એન્ડ્રોઇડ મેલ (પુરૂષ) છે. એનું ફીમેલ (નારી) વર્ઝન ગાયનોઇડ છે. આ રસપ્રદ હકીકત પરથી બન્યું છે, એક સાયન્સ ફિક્શન, પ્રોમિથિયસ. ૨૦૧૨માં બનેલી આ ફિલ્મનું ઍડ કેમ્પેન પણ એવું જ અસરકારક હતું. ફિલ્મની વૅબસાઇટ પર નંબર રજિસ્ટર કરાવ્યા પછી મોબાઇલ પર રિંગ વાગતી. ડૅવિડ આવતો. અવનવી વાતો કરતો. ફિલ્મની રજૂઆત પહેલાં ડૅવિડે જબરદસ્ત ચકચાર ઊભી કરી હતી. પ્રોમિથિયસ પણ રીલિઝ પહેલા સુપર હિટ હતી. પ્રોમિથિયસ 2 ૨૦૧૬માં રજૂ થશે. એનું પ્રમોશન કેમ્પેન પણ ખરેખર અજબ હશે. જોતા રહેજો.
ફોન કૉલનો આવો જ એક ગજબ કિસ્સો ૨૦૦૬માં પણ બન્યો હતો. ઑફિસમાં, કૉલેજમાં, શૉપિંગ કરતા, લંચ વખતે, મિટિંગમાં, સેલફોનની રિંગ વાગતી. ફોન ઉપાડો એટલે એક ધમકી મળતી. જો દોસ્ત, મારી સાથે બબાલ કરવામાં માલ નથી. જો એવું કંઇ પણ કર્યું તો પછી તું છે ને હું છું. હું પાછળ પડીશ તો પીછો છોડાવવો અઘરો પડશે. એટલે ધ્યાન રાખજે. ભયાનક ઘોઘરા અવાજમાં કડક શબ્દોમાં લોકોને ધમકીના કૉલ આવતા. કોઇ નંબર દેખાતો નહીં. બધા ચિંતામાં હતા. ન્યૂ યૉર્કના પોલિસ અધિકારીને પણ એકવાર કૉલ આવ્યો. તાબડતોબ પગલાં લેવાયાં. તપાસને અંતે પેલા કૉલરનો ભેદ ખૂલ્યો. ત્યારે અધિકારી સહિત આખું અમેરિકા ખડખડાટ હસતું હતું. કૉલર બીજું કોઇ નહીં, પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સેમ્યુઅલ જેક્સન હતો. એક વૅબસાઇટ પરથી કૉલ્સ આવતા. સ્નેક્સ ઑન અ પ્લેન ફિલ્મની વૅબ સાઇટ. ધમાલ મચી હતી. ફેમિલી, કલિગ્સ, ફ્રેન્ડ્ઝ, બૉસ, પેરેન્ટ્સના નંબર લોકો સાઇટ પર રજિસ્ટર કરાવી દેતા. ને એમના ગભરાટની મજા લેતા. આખા યુએસમાં તોફાન ચાલ્યું હતું. જબરદસ્ત ફિલ્મની રીલિઝ પહેલાંનું એક વધુ સુપર હિટ તોફાન.
તમારા કોઇ ફ્રેન્ડ ગયા જાન્યુઆરી દરમ્યાન ન્યૂ યૉર્કમાં હોય તો એમને પૂછી જોજો. વિશ્વના આ સૌથી લાજવાબ શહેરે પહેલી જ વાર આકાશમાં ઉડતા માનવો જોયા હતા. યસ, આવું થયું હતું. યુ-ટ્યુબ પર એના વિડિયોને થોડા જ કલાકોમાં આઠ મિલિયન વ્યૂઝ મળ્યા હતા. અખબારોની હેડલાઇન્સ પણ ઉડતા માનવોની વાતોથી છલાકાઇ ગઇ હતી. તપાસમાં શું ખબર પડી જાણો છો? ક્રોનિકલ મૂવિનું પ્રમોશન હતું. એના માટે માણસો ઉડતા હતા. રિમોટથી. હકીકતમાં એ માનવ કદ, આકારના રિમોટ પ્લેન્સ હતાં. આ માટે ફૉક્સ ફિલ્મ્સ અને થિંકોમોડો વચ્ચે કરાર થયો હતો. થિંકોમોડો એટલે તમારા આઇપેડની એપ્લિકેશન બનાવતી આઇટી ફર્મ.
એ તરફ જમાનો બદલતી દુનિયા છે, ને આ તરફ? ઠાલી હવા હવા ને ખાલી વાહ વાહ. જવા દો, મારે વધારે કંઇ બોલવું નથી. બાકી લાઇફની ખરી મજા તો એલિયન્સ સાથે રહેવામાં છે. એલિયન્સ હકીકત છે. એક ૧૪ વર્ષનો બાળક કહે છે. એનું નામ કોઇને ખબર નથી. એના ઘરનો કોઇ અતોપતો નથી. બગઆઇઝ નામથી બ્લૉગ લખે છે. હું એલિયન નથી, એમ કહેતી અરિયાના હફિંગ્ટનનો લાઇવ ઇન્ટર્વ્યૂ એના બ્લૉગ પર મૂક્યો છે. એના ફેસબુક પેજને ૧૨૯ હજારથી વધુ લાઇક્સ મળી છે. એની વાતોથી મૅન ઇન બ્લૅક 3ની ટીમ આકર્ષાઇ હતી. આ બાળક ફિલ્મનો આઇડિયોલોજિસ્ટ બન્યો હતો. MIB3નો આ કિમિયો ફિલ્મ કરતાંય વધુ કામયાબ થયો હતો. ઑનલાઇન એપ્લિકેશન્સના આધારે એમણે બગઆઇઝ નામનો એક કાલ્પનિક બ્લૉગર બનાવ્યો હતો. એની તોફાની વાતોથી આખું વિશ્વ ઘેલું થયું હતું. નાના-મોટાં બધા જ એના ફૅન થઇ ગયા હતા.
કોણ જાણે બૉલિવૂડ ક્યારે ઓરિજિનલ ફિલ્મો બનાવશે? ક્યારે આવાં ધમાકેદાર, ઓરિજિનલ આઇડિયા ધરાવતા પ્રમોશન કેમ્પેન્સ પર આપણે ગૌરવ લઇશું?
Viral Mehta