બોલો, કરવી છે કોઇ અલગ જૉબ?
'બે યાર, આવી બધી જૉબ તો બધા કરે. પૉપ્યુલર જૉબ યુ સી? પણ પૉપ્યુલર જૉબ કરીને કોઇ પૉપ્યુલર થયું? તમે બધા બનો, ઑફિસ સુપરવાઇઝર ને ટૅક્નિકલ આસિસ્ટન્ટ ને માર્કેટિંગ રિપ્રેઝન્ટેટિવ ને એવું તેવું. આપણે તો કંઇક અલગ કરવાના'. એગ્ઝામ પછી રીલૅક્સ થઇને વિભિન્ન એના મિત્રો સાથે તડાકા મારતો હતો. એના લહેરી સ્વભાવ અને ઊટપટાંગ વાતોની બધાને ખબર હતી. 'ચલ આ ચા પી લે બકા ને ઘરે જઇને ઊંઘી જા. તારા દિમાગ પર એગ્ઝામની આડ અસર થઇ લાગે છે'. નિત્ય બોલ્યો અને હંમેશની જેમ બધાએ વિભિન્નની મજાક પર તાળીઓ લીધી. 'તમે લોકો આમાં જ રહી જવાના. તમારે જે કરવું હોય તે કરો. હું કોઇ રૂટિન જૉબ નહીં કરું. તમે જૉબની કતારમાં ઊભા રહેશો ને મારે ત્યાં જૉબ આપનારની લાઇન લાગશે, જોઇ લેજો'. અકળાઇને વિભિન્ન ત્યાંથી નીકળી ગયો.
'ખરેખર કંઇ અલગ કરવું છે કે, મિત્રોમાં છવાઇ જવા ખાલી ખાલી ડાયલોગબાજી'? બસ સ્ટેન્ડ પર વિચારોમાં અટવાયેલા વિભિન્નને કોઇએ કીધું. પેલા બધામાંથી જ કોઇ પાછળ આવ્યું હશે એ માનીને આમ તો ધ્યાન ન આપ્યું હોત, પણ વાતમાં એના વિચાર સાથે જોડાતી હતી. એણે જોયું. 'હલો ફ્રેન્ડ, સત્વ. મારું નામ'. પેલાએ પરિચય આપી વાત વધારી. 'જીભના જોરે રાજ કરવાની જૉબ કરવી છે'? 'અરે ના યાર, સેલ્સ, માર્કેટિંગ, પી. આર. એવું તેવું બોરિંગ કામ મારે નથી કરવું', વિભિન્ન બોલ્યો. 'એની વાત કોણે કરી? હું તો જીભની ખરી તાકાતની વાત કરું છું. સ્વાદ પારખવાની શક્તિ', સ્વાદે કહ્યું, 'હું ટેસ્ટર છું. આઇસક્રીમ ટેસ્ટર. દિવસની ત્રણ ફ્લેવરની એક-એક બૅચ મારે ચાખીને મંજૂર કરવાની. પછી જ એ બજારમાં આવે'. વિભિન્ન સાંભળતો જ રહી ગયો. આ તો ખરેખર ડિલિશિયસ જૉબ હતી. વાતમાં વિભિન્નને રસ પડ્યો. 'કોઇ કોર્સ, ક્વૉલિફિકેશન?' એણે પૂછ્યું. 'લૂલીને વશમાં રાખવાની તાકાત', સ્વાદ હસીને બોલ્યો, 'સ્પાઇસી ફૂડ નહીં ખાવાનું અને બરાબર ભૂખ લાગે ત્યારે ત્યાં હાજર રહેવાનું'.
વિજ્ઞાન કહે છે, જમવાના સમયે સ્વાદ ગ્રંથીઓ એકદમ એલર્ટ હોય છે. એ સમયે કાબેલ ટેસ્ટર ઉત્તમ રિઝલ્ટ આપે છે. આઇસક્રીમમાં ક્રીમ, થિકનેસ, સુગર, ફ્લેવર, સ્મેલ, કલર હંમેશા એકસમાન રહે એ સારા ઉત્પાદકોનો પ્રયત્ન હોય છે. એ માટે આપણી જીભ કરતા મોટી કોઇ લૅબ નથી. સારા ફૂડ-પ્રોડક્ટ સૉફ્ટ ડ્રિંક, ચા ઉત્પાદકોના ક્વૉલિટી કન્ટ્રોલ વિભાગમાં ટેસ્ટર સૌથી મહત્ત્વની પોસ્ટ ગણાય છે. કોઇ ટેસ્ટર મળે, તો એનું પૅકેજ પણ પૂછી જોજો. આંખને ચમકી જવાનું મોટું કારણ મળી જશે.
વિભિન્નની બસ આવી. એક ખાલી સીટ પર બેઠો. થોડીવારે એક ટીનએજ છોકરી આવીને બાજુમાં બેઠી. હાથમાં ટેબ, હેડફોન હતા. હશે કોઇ ફેસબુક, ટ્વિટર જનરેશનની ફેન, વિભિન્નને થયું. એ સતત ટેબમાં કંઇક કર્યા કરતી હતી. વારેવારે ફોન આવતા. ટૂંકા જવાબો આપી ફરી પાછી ટેબ રમવા લાગતી. જો કે, હતી થોડી રમતિયાળ એટલે વિભિન્નનું ધ્યાન ફરી એની ઉપર ગયું. છોકરીએ પણ મસ્તીમાં હસીને સામે જોયું. 'જો, તું હોંશિયાર છોકરી લાગે છે. તારે ભણવું જોઇએ. આ ટેબ અને ફોન કોલ્સમાં ટાઇમ ન બગાડ'. વિભિન્નએ વણમાગી સલાહ આપી દીધી. 'તમને કોણે કહ્યું, હું ટાઇમ બગાડું છું'? છોકરી બોલી. 'તમે લોકો સાચી વાત નહીં માનો કેમ? કંઇ નહીં, તારી મરજી'. કહી વિભિન્ન બારીની બહાર જોવા લાગ્યો. 'અરે તમે તો નારાજ થઇ ગયા. આ મારી જૉબ છે. રમત કે ટાઇમપાસ નહીં', એ બોલી. બસમાં બેસીને ટેબ રમવાની અને વાતો કરવાની જૉબ? વિભિન્નને આશ્ચર્ય થયું.
'હું એક જાણીતા કૉર્પોરેટ હાઉસમાં ઑનલાઇન નૉલેજ ફેસિલિટેટર છું. કંપનીના દરેક ડિવિઝનના કર્મચારીઓને વારંવાર ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી, ફંડ, મૅનેજમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન તાત્કાલિક જોઇએ તો શું કરે? ચાલુ મિટિંગમાં કે પ્રોડક્શન અવર્સમાં એ જાતે તો સર્ફિંગ કરી શોધી ન જ શકે? એટલે હું એમની હરતી-ફરતી લાયબ્રેરી છું. શ્રુંખલા મારું નામ છે'. હજી તો સાવ નાની, કૅફે રેસ્તરાંમાં પાર્ટી પિકનિકની, ઉંમરે આ છોકરીએ ગજબનું કામ શોધી કાઢ્યું હતું. હા, આધુનિક જગતના પ્રોગ્રેસિવ કૉર્પોરેટ્સમાં આ એક મહત્ત્વની પોસ્ટ છે. ઑન-લાઇન નૉલેજ ફેસિલિટેટર. યુવા જગત માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ ઓપનિંગ. વિભિન્ન તો શ્રુંખલાનો ફેન થઇ ગયો.
બસમાંથી ઉતરતાં જ ડૉક્ટર ક્વિક મળી ગયા. ડૉક્ટર તો એમનું હુલામણું નામ હતું. એ પહેલાં કોઇ લશ્કરમાં હતા. વગર ડિર્ગીએ સારવાર કરી શકતા હતા. હા, લશ્કરમાં ઇજાગ્રસ્ત સૈનિક ડૉક્ટર સુધી પહોંચે યા કોઇ ડૉક્ટર એની સંભાળ લેવા આવે ત્યાં સુધી, ડૉક્ટર ક્વિક એમની સાથે રહેતા. તાત્કાલિક લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટની એમણે ટ્રેઇનિંગ લીધી હતી. એ ઇન્ડિપેન્ડન્ટ ડ્યૂટી કોર્પસમૅન IDC હતા. IDCની જૉબ ખરેખર ચેલેન્જિંગ હોય છે. ચારેબાજુ જોખમ હોય ત્યારે મન પર બરફ મૂકીને એકલા હાથે સોલ્જરને સાચવવાના. એમને હિંમત આપવાની. એક્સ રે અથવા લૅબોરેટરી જેટલી જ એક્યુરસીથી ડૉક્ટરને રેડિયો પર સોલ્જરની સ્થિતિ સમજાવવાની. સંપૂર્ણ મૅડિકલ એઇડ મળે ત્યાં સુધી સોલ્જરને પોતાના જ્ઞાન અને આવડતને આધારે લાઇફ સાથે જોડી રાખવાનો. મોટાં લશ્કરોમાં ડ્યૂટિ ડૉક્ટર્સનો સૌથી પહેલો અને સાચો સાથી એટલે IDC.
ડૉક્ટર ક્વિકને જોઇને સલામ મારવી જ પડે. વિભિન્નને આજે ખરેખર અલગ પ્રકારના લોકો મળ્યા હતા. હજી ઘણાં આશ્ચર્યો એની રાહ જોતાં હતાં. આપણે પણ આવતા અંકે એમને મળીશું.
Viral Mehta