4 એપ્રિલ, 2014

કચકડાંનાં ગતકડાં જ્યારે હકીકત બને છે.(Hollywood Cafe 21)



કચકડાંનાં ગતકડાં જ્યારે હકીકત બને છે.
બરાબર જતો હતો યાર..... એં.... અરે યાર મેં કીધું ચાર રસ્તેથી ડાબી બાજુ વળી જા. પછી જમણે. ફરી જમણે અને હજી એકવાર જમણે વળીને સીધા જઇશું એટલે શોવા ઊભી હશે. મોબાઇલ ફોન પર જીપીએસથી શોવાનું લોકેશન શોધીને આયામ કહેતો હતો. બલ્લવે એનું સાંભળ્યા વિના કાર સીધેસીધી જવા દીધી. પાંચ મિનિટ આગળ ગયા હશે ત્યાં દૂર શોવા દેખાઇ. એમની કાર જોઇને હાથથી વેવ કરી રહી હતી. બલ્લવે ડાબી બાજુ કાર ઊભી રાખી. યુઝલેસ, ઑલ યુઝલેસ. મોબાઇલવાળાને મારા જેવાં ઇનોસન્ટ લોકો જ મળે છે, દોસ્ત? આ જીપીએસના ભરોસે રહ્યા હોત તો ડાબે જમણે ટર્ન મારી મારીને દિમાગ ચકરાઇ ગયું હોત. બલ્લવ સાથે શોવા પાસે જતા આયામે પોતાની રીસ કાઢી.
અલ્યા અડબંગ, તારી અક્કલ ઘાસ ચરવા ગઇ છે. જીપીએસમાં કોઇ મિસ્ટેક નથી. આપણે જે રસ્તે આવ્યા એ રસ્તો જો. બલ્લવે પાછા વળીને બતાવતા કહ્યું. આખો ડાબી તરફનો લાંબો વળાંક છે. જ્યાં તેં ડાબે વળવાનું કીધું ત્યાંથી ત્રણવાર જમણે જઇને આપણે લાંબા રસ્તે અહીં આવ્યા હોત. બલ્લવે એના મોબાઇલમાં નક્શો દેખાડ્યો. આ મૅપ જો. તેં શોધેલા રસ્તાથી થોડે દૂર આ લોકેશન સુધી સીધો રસ્તો પણ આવે છે. અંહં.... હવે સમજાયું બૉસ. તારો મોબાઇલ વાઇડસ્ક્રીન છે. એમાં બાજુનો રસ્તો પણ દેખાય છે. મારે પાછા જઇને તરત નવો મોબાઇલ લેવો પડશે. આયામની દલીલ પર બલ્લવ ચીડાયો. હાથની ઝાપટથી એની કૅપ ઉડાવી દીધી. એ.... એ.... દીસ ઇઝ નોટ ફૅર. ડોન્ટ ઇન્સલ્ટ માય ઇનોસન્ટ કૅપ, યાર’.
અરે ઓય, ચલોને યાર હજી બીહુ, યતીશ રાહ જોતાં હશે, બંને ફરી કોઇ બબાલ કરે એ પહેલા શોવા બોલી, અંધારું થતા પહેલા તળેટીમાં પહોંચી જવું પડશે. નહીંતર પેલો લોકેશ તમારા બધાં લોકેશન ફેરવી કાઢશે, ચલો હવે. કેટલું સરળ અને સહજ થઇ ગયું છે, આજકાલ જગ્યા શોધવાનું, નહીં? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – GPS હવે દરેક કાર અને મોબાઇલમાં જોવા મળે છે. તમને ખ્યાલ છે, આ સિસ્ટમનો પહેલો વિચાર કોને આવ્યો હતો? ના, એ કોઇ વિજ્ઞાની નહોતો. એ હતો એક જાસૂસ. ઇન્ટરનેશનલ જાસૂસ. જેમ્સ બૉન્ડ 007. GPS જેવી જ સિસ્ટમ ધરાવતી કારની કલ્પના ૧૯૬૪માં બનેલી એક ફિલ્મ ગોલ્ડફિંગરમાં કરવામાં આવી હતી. સેટેલાઇટ નૅવિગેશન નામ હતું એનું. ત્યારે આ એક લેખકની કલ્પના માત્ર હતી. આજે આપણા હાથમાં રમતી હકીકત છે.
આપણે જેમ્સ બૉન્ડની હિરોઇન, એની સ્ટાઇલ કે ફાઇટમાં અટવાતા રહ્યા. ત્યાં યુ. એસ. ડિફેન્સના સંશોધકોએ આ વિચારને હકીકતમાં બદલી બતાવ્યો. આ મૂવિના લગભગ ૯ વર્ષ પછી ૧૯૭૩માં બ્રેડફોર્ડ પાર્કિન્સન, રોજર ઇસ્ટન અને ઇવાન ગૅટિંગ નામના ત્રણ સંશોધકોએ કામ શરુ કર્યું. ૧૯૯૫ સુધીમાં ૨૪ સેટેલાઇટ્સના કૉમ્બિનેશનથી આ સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત થઇ. આધુનિક જગતની ઘણીખરી ડિવાઇસ અને તેમની અસલ કલ્પના હકીકતમાં હૉલિવૂડના લેખક દિગ્દર્શકોનાં ભેજાંની ઉપજ છે.
શોવાને લઇને બંને આગળ ચાલ્યા. કાર સ્ટાર્ટ કરી. થોડા આગળ વધ્યા ત્યાં કારનો ફ્રન્ટ ગ્લાસ જાણે કોઇ વિશાળ સ્ક્રીનમાં ફરી ગયો. રસ્તો દેખાતો બંધ થઇ ગયો. આયામ તો બૂમ પાડી ઉઠ્યો. એક તો હાઇવે. સ્પીડમાં આવતી જતી ટ્રક્સનો ટ્રાફિક, ઉપરથી પહાડી વિસ્તાર. ત્યાં તો અંધારું પણ વહેલું થાય. આ.... આ.... શું થયું યાર. કાચ ક્યાં ગયો? જો યાર આવી ડેન્જરસ મસ્તી ના કર. ક્યાંક ટક્કર...., બસ ચક્રમ ચૂપ થઇ જા એકદમ, બલ્લવે બૂમાબૂમ કરતા આયામને રોકતા કીધું. આપણી નજર કામ ન આપે ત્યારે વિજ્ઞાન કામ આપે છે. સ્ક્રીન જરા ધ્યાનથી જો. આખો રસ્તો, વળાંકો, આજુબાજુ માઇલો સુધી જતો- આવતો ટ્રાફિક સ્પષ્ટ દેખાય છે. આપણી કારથી બીજાં વાહનો સુધીનું અંતર પણ એક્ઝેક્ટ દેખાય છે. આપણી નજર તો આગળનું દ્રશ્ય જોઇ શકે છે. રિયર વ્યૂ મિરરમાં પાછળનું વાહન જોવું પડે છે. અહીં જો. આ પાછળની કાર ઓવરટેક માટે સિગ્નલ આપતી દેખાય છે, કહેતા બલ્લવે કાર થોડી લેફ્ટમાં દબાવી પાછળવાળાને રસ્તો આપી દીધો.
એ.... એ.... આવું તો મેં હમણાં જ પેલા મૂવિમાં જોયું. પેલું.... મૂવિ યાર.... અરે.... જો આ તારી હોંશિયારીમાં નામ પણ ભૂલી ગયો, આયામ અકળાઇને કહેતો હતો. સ્ટાર વૉર્સ, ટ્વિન આયર્ન એન્જિન (TIE), રાઇટ’? પાછલી સીટમાં બેઠેલી શોવા બોલી. યસ, સ્ટાર વોર્સ સીરિઝના અવકાશી ફાઇટર પ્લેન્સ માટે કરવામાં આવેલી આ કલ્પના નાસા દ્વારા હકીકતમાં બદલાઇ રહી છે. આયન ડ્રાઇવ એનું નામ છે. કમ્પ્યુટર કંટ્રોલ્ડ ડીપ સ્પેસ વન સિસ્ટમ. થોડા જ સમયમાં આ ટેક્નોલૉજી દરેક સામાન્ય વાહનમાં જોવા મળશે. બલ્લવે સ્ક્રીન સામે હાથ ફેરવ્યો અને સામે માત્ર અંધારું દેખાયું. એ.... એ.... પેલું રાખને યાર, એ બરાબર હતું, આયામે ફરી બૂમ પાડી. શોવા અને બલ્લવ બંને હસી પડ્યા.
રસ્તામાં બિહુનું ઘર આવ્યું. ત્યાં રિફ્રેશમેન્ટ લઇને ચારેય જણ આગળ વધ્યા. આયામ આગલી સીટમાં નિરાંતે લાંબો થઇને સ્ક્રીનમાં મશગૂલ થયો. ત્યાં એનું ધ્યાન દૂર એકસાથે ચમકતી સંખ્યાબંધ લાઇટ્સ પર ગયું. શું હશે? એ વિચારતો રહ્યો અને ધીમેધીમે ચમકતી લાઇટ્સ સીટની નીચેથી પસાર થતી હોય તેમ જવા લાગી. ઓય..... ઓય.... આ શું થયું’? આયામ સીટમાં ઊભો થઇ ગયો. બેસી જા યાર, ટ્રાફિક જામ હતો એટલે હું ઍરડ્રાઇવ મોડ પર ચલાવું છું, બલ્લવ બોલ્યો. ઍરડ્રાઇવ? એઝ ઇન’? આયામ ચકિત હતો. ઍરડ્રાઇવ એટલે હવામાં ઉડવું. તારે જોવું છે’? બલ્લવે સ્ક્રીન ક્લિયર કર્યો. સામે આકાશ દેખાતું હતું. નીચે જોયું તો, હાઇવે ચૉકઅપ હતો. ચિક્કાર ટ્રાફિક જામ હતો. બે કલાકે પણ ક્લિયર થાય તેમ નહોતો. રસ્તો ક્લિયર થયો ત્યાં બલ્લવે કાર નીચે ઉતારી.
ઉડતી કાર? તમારી, મારી જેમ કારમાં બેઠેલા દરેકના મનમાં આ જ સવાલ હતો. જવાબ હતો, હા! જે વિચારીને આપણને આજે પણ નવાઇ લાગે છે તેવી ઍરકાર મિલનેર મોટર્સ કંપનીએ ૨૦૦૮માં બનાવી દીધી છે. ન્યૂ યૉર્ક ઑટો શોમાં પહેલી જ વાર રજૂ કરી ત્યારે લોકોને એચ. જી. વેલ્સનાં સાયન્સ ફિક્શન્સ યાદ આવી ગયા. મિલનેર મોટર્સે હૉન્ડા સિવિકને ૨૮ ફીટનો વિંગ સ્પાન આપીને ઉડતી કાર બનાવી છે. કલાકના ૨૦૦થી ૧૦૦૦ માઇલની સ્પીડથી એ ઊડી શકે છે. ચેમ્બર ઑફ સિક્રેટ્સ, ધ જેટસન્સ, બૅક ટુ ધ ફ્યુચર પાર્ટ 2, બ્લેડ રનર, ધ ફિફ્થ એલિમેન્ટ જેવી સુપર હિટ ફિલ્મોની કલ્પના બસ આવતા ત્રણેક વર્ષમાં હકીકત બનીને આપણી સામે આવશે. કદાચ આપણી અગાશીમાં કે બારી પાસેની દીવાલ પર પાર્ક થશે. જો કે, એની અંદાજિત કિંમત ફક્ત ૪૫૦, ૦૦૦ ડૉલર્સ જ હશે.
કોણે કીધું, કચકડાં પર જોયેલાં ગતકડાં હંમેશાં હંબક હોય છે? આજકાલ જોરશોરથી પોપ્યુલર થયેલા વૉચ ફોનની કલ્પના પહેલીવાર ૧૯૪૬ની કૉમિક સ્ટ્રીપ ડીક ટ્રેસીમાં કરાઇ હતી. ટુ વે રેડિયો ડિવાઇસ સ્વરૂપે. જેમ્સ બૉન્ડની અંડર વૉટર કાર રિનસ્પીડ એસક્યૂબાની કલ્પના રિનસ્પીડ નામથી જ રજૂ થઇ છે. મૂવિ રેડ પ્લેનેટમાં દેખાતો ફ્લેક્સિબલ ડિસ્પ્લે હવે કૉર્નિંગ વિલો ગ્લાસ તરીકે પ્રસિદ્ધ છે. ટૂંક સમયમાં તમારા ખિસ્સામાં હાથરૂમાલની જેમ ફોલ્ડ કરાય એવું ટેબ પણ આવશે. સ્ટાર ટ્રેક સીરિઝમાં કાગળમાં 3D પોસ્ટની માફક આવતી ચાનો કપ તો કોણ જાણે ક્યારે આવશે પણ. જાણીતી પ્રિન્ટર કંપનીના 3D પ્રિન્ટર્સ તો ક્યારના બજારમાં આવી ગયાં.
થોડા જ સમયમાં આયર્ન મૅનની જેમ તમે પણ એક્ઝોસ્કૅલિટનથી ૨૦૦ પાઉન્ડનું વજન આરામથી ઉપાડી શકશો. અમેરિકન મિલિટરીએ સૈનિકો માટે શોધેલી RB3D હરક્યુલ પગમાં પહેરીને ભારે વજન આસાનીથી ઉપાડી શકાશે. આ ડિવાઇસ પણ આ વર્ષે સામાન્ય માનવીના ઉપયોગ માટે રજૂ થશે.
બધાને પિકઅપ કરતા કરતા કૅફે ક્લબના દોસ્તો વિશાળ પર્વતોની તળેટીમાં આવી પહોંચ્યા હતા. કલ્પનાઓને હકીકતમાં બદતલી કારમાંથી ઉતરીને જોયું તો હવે હકીકતનું ચઢાણ કપરું હતું. હા, જો પેલા બૅટમેન જેવું પાવર રોપ એક્સેન્ડર હોય તો ફટાફટ ઉપર પહોંચી જવાય. બિહુ એ બૅગ ખોલી ખરેખર એક દોરડું કાઢ્યું. બૅટમેનથી પ્રેરિત થઇને MITના સ્ટૂડન્ટ્સ દ્વારા બનાવાયેલી ATLAS ડિવાઇસ હતી. એક સેકન્ડમાં ૧૦ ફીટ ઉપર જઇ શકાતું હતું. એની વજન ઉપાડવાની ક્ષમતા ૧૦૦૦ પાઉન્ડ સુધીની હતી.
બોલો હવે કંઇ કહેવું છે? કાલે ઊઠીને સુપર મૅન કે હૅનકૉકની જેમ તમે પણ ઊડી શકો તો એમાં નવાઇ પામવા જેવું કંઇ નથી.
Viral Mehta