Date: 2014-03-25 3:26 GMT+05:30
પબ્લિકને છળવાનો ઓફિશિયલ બિઝનેસ
પબ્લિકને છળવાનો ઓફિશિયલ બિઝનેસ
બેલેન્સ ન જાળવ્યું હોત તો પડી જ હોત બિલ્વા. રસ્તાની ભીડ અને એક્ઝામના વિચારોમાં અટવાતી ફ્રેન્ડને મળવા જતી હતી. ત્યાં તો અચાનક એની બંને બાજુથી, મોં પર બુકાની બાંધેલા બે ઊંચા માણસો હડસેલો મારીને દોડાતા આગળ નીકળ્યા. બિલ્વાની નજર સામે આગળ ચાલતી એક છોકરીને બંને તરફથી પકડી લીધી. ઉપાડીને નજીકમાં પાર્ક કરેલી એક કારની ડીકીમાં બંધ કરી દીધી. ચારે બાજુ બૂમરાણ મચી ગઇ. કિડનેપર્સ પાસે હથિયારની હોવાની બીકે કોઇ નજીક જવાની હિંમત કરતું નહોતું.
બંને તરફ પૂર જોશમાં જતી આવતી મોટરકારો. સાંજનો સમય. ઑફિસથી ઘરે જતા સ્ત્રી-પરુષો. બસમાં બેસવા જતા લોકો. ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ. બધું જાણે થંભી ગયું. પણ આ તો બિલ્વા હતી. કૉલેજની વૉલિબૉલ ટીમની કૅપ્ટન. સશક્ત અને ચપળ. એનાથી તો શહેરની બૉય્ઝ ટીમ્સ પણ દૂર રહેતી. એકાદવાર સર્વિસ કરતી જોઇ હોય પછી અમસ્તા પણ એની સામે કોઇ જાય નહીં. ખભા પરથી બેગ બાજુની લારી પર મૂકી, કારમાં બેસીને નાસવા જતા પેલા બે સામે સિંહણની જેમ ઊભી રહી. એકસાથે બંને કિડનેપર્સના ગળે મજબૂત પંજા ભીડાવ્યા.
બિલ્વાને જોઇને બીજાંઓની પણ હિંમત ખૂલી. હે હે હે કરતું ટોળું આજુબાજુ ગોઠવાઇ ગયું. બાઇક પર પસાર થતા બે કોન્સ્ટેબલ પણ આવી ગયા. હવે પેલાઓની ખેર નહોતી. સૌથી પહેલાં પેલી છોકરીને બચાવવી જરૂરી હતી. કોન્સ્ટેબલે ડીકી ખોલવા આદેશ કર્યો. થથરતા હાથે એક જણે ડીકી ખોલી. અને બધાની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઇ. ડીકીમાં છોકરી હતી જ નહીં. છોકરી જેવાં જ કપડાં પહેરેલું એક પૂતળું પડ્યું હતું. ધ્રાસકો, અચંબો, ભય બધું એકસાથે લોકો અનુભવી રહ્યા. પેલા બંને જણે બિલ્વાને બોલાવી. ડીકીની અંદર લગાવેલું એપ્રિલ ફૂલનું મોટું બેનર બતાવ્યું. ચહેરા પરથી બુકાની હટાવી સ્માઇલ કરતા ઊભા રહ્યા. રોમન એટવર્ડ અને એનો જોડીદાર હતા. અમેરિકાના મશહૂર ગૅગ અને પ્રેન્ક માસ્ટર્સ. પહેલી એપ્રિલની આગલી સાંજે લોકોને મૂર્ખ બનાવી રહ્યા હતા. બિલ્વાને દૂર ઊભેલી કૅમેરા ક્રૂ બતાવી ત્યારે એ પણ હસી પડી.
દસેક સેકન્ડ્સ સુધી ચાલી શકે એવું એક પૂતળું એમણે બનાવેલું. દોડતા આવીને એને ઉપાડી લેતા અને કારમાં નાખી કિડનેપર હોવાનો ડોળ કરતા. પબ્લિકને મૂર્ખ બનાવાનો એમનો બિઝનેસ છે. એમનો આ કિડનેપર્સ પ્રેન્ક સૌથી જાણીતો છે. યુ-ટ્યૂબ પર એમની ચેનલના 3, ૨૦૦, ૦૦૦ કરતાંય વધુ સબસ્ક્રાઇબર્સ છે. અમેરિકાના ઉભરતા મિલિયનર્સમાં એમનું નામ ગાજી રહ્યું છે.
એક રેસ્તરાંની વાત કરું. એકવાર સોફ્ટ ડ્રિંકનું ટીન મોઢે માંડતા એક ટીનએજ છોકરીની જીભ એમાં ફસાઇ ગઇ. આમ તો નીકળી જાત પણ એણે ફેશન મારવા જીભ પર કડી પહેરી હતી. ટીનના હોલમાં કડી એવી અટવાઇ કે છોકરી બિચારી હેરાન પરેશાન થઇ ગઇ. એક મહિલાની નજર પડી. એ મદદ કરવા દોડી. આસ્તે આસ્તે એણે ટીન ફેરવીને ખેંચવાનું શરુ કર્યું. અચાનક છોકરીની આખી જીભ ટીન સાથે ખેંચાઇ આવી. છોકરી મોં દબાવીને બેસી પડી. આ ઘટના જોતા આજુબાજુના લોકો સડક થઇ ગયા. મહિલાનો તો ચહેરો ફિક્કો પડી ગયો. મોટો અપરાધ કર્યાની ભાવના એના મોં પર સ્પષ્ટ દેખાતી હતી. થોડી વારે પેલી છોકરીનો ફ્રેન્ડ આવ્યો. મહિલાને સવાલો કરી ગભરાવી મૂકી. પછી હસવા લાગ્યો. એણે મહિલાને કૅમેરા બતાવ્યો. એપ્રિલ ફૂલ બની હતી! વિતાલી ઝ્ડોરોવેત્સ્કીના પ્રેન્કની શિકાર બની હતી. વિતાલી રશિયન અમેરિકન છે. એના પ્રેન્કની પણ ચેનલ્સ છે. કરોડોની સંખ્યામાં લોકો સબસ્ક્રાઇબ કરે છે. વિતાલી પણ મિલિયનર છે.
દોસ્તો, લોકોને મૂર્ખ બનાવીને, ચકિત કરીને, ક્ષોભમાં ડૂબાડીને અને પછી તરત જ એમની મૂર્ખતા પર હસાવવાનો આમનો બિઝનેસ છે. યુ-ટ્યૂબ પર એમની ચેન્લ્સ છે. તમને થશે આમાં કમાણી શું? આવો જાણીએ. તમને ખ્યાલ હશે, યુ-ટ્યૂબ પર કોઇ વિડિયો પ્લે કરો ત્યારે પહેલાં એડ આવે છે. આ જાહેરાતના દરેક ૧૦૦૦ વ્યૂ પર યુ-ટ્યૂબને ઓછાંમાં ઓછાં ૨૦થી ૨૫ ડૉલર્સ મળે. એમાંથી વિડિયો મૂકનારને એ ૫થી ૭ ડૉલર્સ આપે. આ તો ઓછાંમાં ઓછી કિંમતોની વાત છે. ચેનલની લોકપ્રિયતા મુજબ એડના ભાવ પણ વધારે મળે છે. એટલે કરોડોની સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ હોય એવી વિડિયો ચેનલ્સ માટે તો આ ટંકશાળ જ બની જાયને!
કમ્યુનિકેશનનો યુગ હવે ઝડપથી સ્વરૂપ બદલી રહ્યો છે. ટીવીની ચેનલોના રેઢિયાળ, ચીલાચાલુ, ઠોકી બેસાડેલા મનોરંજન કે માહિતીની કોને પડી છે? જમાનાના હાથમાં હવે ટેબ, મોબાઇલ ને લેપટોપ છે. દરેક જણ પોતાના આગવા સ્ક્રીન પર, અનુકૂળ સમયે, મનગમતું જોવા ઇચ્છે છે. એટલે જ યુ-ટ્યૂબ જેવી ડિજિટલ ચેનલ્સ આધુનિકતાની ઉપજ અને માંગ બંને છે.
નેટ-વર્થનો તો અર્થ જ બદલાઇ ગયો છે. 'ઇન્ટરનેટ' પર જે વર્થ છે એવા લોકોનું ભાવિ ઉજ્જ્વળ છે. તમારું સોશિયલ નેટવર્કનું ફ્રી પેજ એના માલિકોને ડૉલર્સ કમાઇ આપે છે. ફેસબુક અકાઉન્ટથી તમને ઠાલું ઠાલું મોડર્ન ફીલ કરાવી એનો માલિક કડકડતા ડૉલર્સ છાપે છે. ટ્વિટર ને ગૂગલના માલિકો પણ ખરા. એમના ફ્રી કન્ટેન્ટ અપલોડર્સ પણ મિલિયનર છે. અહીં હજી જૉબ, પૅકેજની જૂનવાણી વાતો કરતા યુવાનો ટાઇ પહેરીને ઇન્ટર્વ્યૂ આપતા ફરે છે. ત્યાં દુનિયા બદલાઇ રહી છે.... બદલાઇ ગઇ છે! જૉબર્સનો નહીં સ્વતંત્ર બિઝનેસ ઓનર્સનો યુગ શરૂ થઇ ચૂક્યો છે. જૉબમાં દરરોજ એપ્રિલ ફૂલ બનવા કરતા આગવી ટેલેન્ટથી દુનિયા પર રાજ કરવાનું તમે પણ કંઇક વિચારો.
Viral Mehta