28 માર્ચ, 2014

મૂવિ હૉલમાં ઑડિયન્સનો જ ખેલ પડી જાય તો? (Hollywood Café 20)


મૂવિ હૉલમાં ઑડિયન્સનો જ ખેલ પડી જાય તો?
બઉ ઉંસિયારી હોય તો જા જઇને બેસ એકલો પેલા હોરર મૂવિમાં. હુંહ્.... એમાં હું ધાડ મારવાની? લ્યા, બઉ જોયા આવા હોરર ને થ્રિલર. બેશ ને છોનુંમોનું અંધારાંમાં પાણી પીતાય ફફડે છે. તું ચેલેન્જ મારે છે? હેં, બોલ, એ પણ મને’? ‘અલ્યા રેવા દે. ના હવે તો માર, ચેલેન્જ માર. કઉં છું રેવા દે ફુસકી. પોપકોર્ન બકેટ પર દાઝ કાઢતા અલપ ને ઝલપ ચડસાચડસી પર ઉતરેલા. અલપે ફુસકી કીધું એટલે રીસમાં ને રીસમાં ઝલપ કોલ્ડ-ડ્રિંકની આખી બોટલ ગટગટાવી ગયો. ખાલી બોટલ ટેબલ પર મૂકી. અલપ સામે આંખો કાઢી, પોપકોર્નની મુઠ્ઠી ભરી ત્યાં કંઇક ધ્રૂજારી થઇ. બોટલ ગબડીને નીચે પડી. ટેબલને અડપલાં બંધ કર. ટાંટિયા સીધા રાખ. ચલેય મેં કંઇ નથી કર્યું? તું ચૂપચાપ પોપકોર્ન ખાને વાયડા. બંનેની તકરાર આગળ ચાલી ત્યાં બાજુની ખુરશી કંપન સાથે સરકતી એમની તરફ આવી. હવે બંને ગભરાયા. દોડીને કૅફેની બહાર આવી ગયા.
ગભરાટમાં કંઇ પૂછે તોય કોને? ત્યાં પાછળથી બંનેના ખભે કોઇએ હાથ મૂક્યો. વળીને જોયું તો લૉંગ કોટ, હૅટમાં એક માણસ હતો. ડિરેક્ટર માર્ક રૉબસન. એણે સામે કંઇક બતાવ્યું. અર્થક્વેકફિલ્મનું બોર્ડ હતું. ૧૯૭૪માં બનેલી ફિલ્મ હતી. એમાં પહેલી જ વાર એક અનોખી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થયો હતો. સીનસરાઉન્ડ સાઉન્ડ. આ સાઉન્ડ એટલો પાવરફૂલ હતો કે, સિનેમા હૉલમાં પ્લાસ્ટર ખરી પડતું. દર્શકોને નુકસાન ન થાય એટલે છત અને પિલર્સ પર નેટ બાંધવામાં આવતી. મારિયો પુઝો અને જ્યોર્જ ફૉક્સના સ્ક્રીનપ્લે પર બનેલી મૂવિમાં અવાજથી ખરેખરા ભૂકંપની ઇફેક્ટ જનરેટ કરાઇ હતી. અલપ ઝલપની માફક ઘણા દર્શકો સાચેસાચ ગભરાટના માર્યા મૂવિ છોડીને બહાર દોડી આવતા.
આજના સરાઉન્ડ સાઉન્ડ કરતાં આ સીનસરાઉન્ડ ગજબની ઇફેક્ટિવ સિસ્ટમ હતી. આશ્ચર્યની વાત એ છે કે, અર્થક્વેક પછી માત્ર ત્રણ જ ફિલ્મોમાં તેનો ઉપયોગ થયો હતો. મીડવે, રોલરકોસ્ટર અને છેલ્લે સાગા ઑફ અ સ્ટાર વર્લ્ડ પછી સીમસરાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ બંધ થઇ ગયો. મોટાભાગના સિનેમા હૉલમાં આ ટેક્નોલૉજી લગાવવી શક્ય નહોતી. સાઉન્ડનો પાવર એટલો જબરદસ્ત હતો કે, બિલ્ડિંગ ધ્રૂજી જતાં. સીનસરાઉન્ડ ઇફેક્ટ જોખમી હતી. એટલે મૂવિ રસિકોમાં પોપ્યુલર હોવા છતાં તેનો ઉપયોગ બંધ કરવો પડ્યો. અલપ ઝલપ ખરેખર ચકિત હતા. છાનામાના મૂવિ હૉલમાં જઇને બેસી ગયા.
થ્રીલર શરૂ થયું. ઝલપ આમેય દાઝે ભરાયો હતો. ઉપરથી આ બ્લેક-એન્ડ-વ્હાઇટ મૂવિ. ચીડથી અલપને ટપલી મારી. આ જોવા લાવ્યો છું? ઉપરથી ચેલેન્જ મારે છે? જોઇ લઇશ તને. પહેલાં આખું મૂવિ તો જો, અલપે ચૂપ રહેવાનો ઇશારો કરતા કહ્યું. ફિલ્મમાં એક વિજ્ઞાનીએ શોધેલા જીવલેણ પેરાસાઇટની વાત હતી. એની લૅબમાંથી પેરાસાઇટ બહાર આવ્યો હતો. આખું શહેર ખતરનાક ઇન્ફેક્શનના ભરડામાં હતું. મૂવિમાં બાથટબનો સીન આવ્યો. ધીમેધીમે તેમાંનું પાણી લોહી જેવું લાલ થવા લાગ્યું. બહાર વહેવા લાગ્યું. આખા હૉલમાં લાલ રંગ છવાઇ ગયો. દરેક જણ સ્તબ્ધ હતું. કોઇને યાદ પણ ન રહ્યું કે આ બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ હતી. અલપે ઝલપ સામે જોયું. એણે તો પગ જ ઉપર લઇ લીધા હતા.
મૂવિ ક્લાયમેક્સ તરફ જતું હતું. ત્યાં પરદો જાણે વચ્ચેથી ચીરાવા લાગ્યો. ત્યાંથી તીવ્ર પ્રકાશ ફેંકાયો. આંખ અંજાઇ ગઇ. અચાનક એક મોટો પડછાયો સ્ક્રીનમાંથી ઑડિયન્સમાં આવ્યો અને અંધારું છવાઇ ગયું. એક એનાઉન્સમેન્ટ થયું. પેરાસાઇટ મૂવિમાંથી નીકળી આ હૉલમાં ક્યાંક ભરાયો છે. ઊભા થશો તો ઝડપાઇ જશો. બચવાનો એક જ ઉપાય છે, પૂરી તાકાતથી ચીસ પાડો. કોઇની રાહ ક્યાં જોવાની હતી. આખા હૉલમાં ચીસાચીસ શરૂ થઇ ગઇ. વૉર્નિંગ બેલ વાગતા હતા. અમૂક દર્શકો તો ગભરાટના માર્યા ફેઇન્ટ થઇ ગયા. તાબડતોબ સ્ટ્રેચર સાથે દોડતાં નર્સ, ડૉક્ટર્સ આવી પહોંચ્યા. બેહોશ લોકોને હૉસ્પિટલ ભેગા કરવા લાગ્યા. ઝલપનો તો ચહેરો સફેદ થઇ ગયો.
બંને હૉલની બહાર આવ્યા. ટાઇ-સૂટમાં સજ્જ એક સ્માર્ટ વ્યક્તિ મળ્યો. હાથમિલાવી મૂવિનું બોર્ડ બતાવ્યું. ધ ટિંગલર. વિલિયમ કૅસલની ૧૯૫૯માં બનેલી હૉરર મૂવિ. એમાં પરસેપ્ટોનો ઉપયોગ થયેલો. સ્ક્રીન ચીરાવો. અંધારું થવું. ચીસાચીસ. નર્સીસ અને સ્ટ્રેચર્સ. બધું જ એરેન્જ કરવામાં આવેલું. દરેક સિનેમા હૉલ પર. આ કિમિયો સુપર હિટ હતો. અને એટલે જ ફિલ્મ પણ સુપર હિટ થઇ. વિલિયમ કૅસલ હૉરર કલ્ટ મૂવીઝનો બાદશાહ કહેવાય છે. ઑડિયન્સ સાથે આવી ઇન્ટરેક્ટિવ ઇફેક્ટ્સ માટે એ પ્રસિદ્ધ છે. ચાલુ મૂવિમાં તમારા માથાં પર હાડપિંજર ઝૂલવા લાગે અને સ્ક્રીન પરના એક્ટર્સ જોરથી ચીસ પાડે તો તમારી શી હાલત થાય? કૅસલે આવી ઇમર્ગો ઇફેક્ટ એની ઘણી ફિલ્મોમાં વાપરી હતી.
હૉલિવૂડના ભેજાંબાજ ડિરેક્ટરો ઑડિયન્સને વશ કરવા જાતજાતના નુસ્ખા અજમાવતા રહ્યા છે. માઇકલ જેક્સનની ડેબ્યૂ ફિલ્મ વિષે સાંભળ્યું છે? ફોર્ડ કોપોલા ડિરેક્ટેડ કૅપ્ટન ઇઓ. ૧૯૮૬માં બનેલી પહેલી 4D ફિલ્મ. એમાં વૉટર સ્પ્રે, ઍર જેટ, સ્ટ્રૉબ લાઇટ્સ અને વાઇબ્રેટિંગ સીટ વાળા ખાસ થિયેટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એક તો જેક્સન 3D સ્ક્રીન પર. ઉપરથી દિલધડક 4D અનુભવ. ફિલ્મનું વર્લ્ડવાઇડ ઓપનિંગ ધમાકેદાર હતું. ઑડિયન્સને ફિલ્મ સાથે જોડી દેવાની ટેક્નિક્સના એક યાદગાર કિસ્સામાં ૧૯૮૧ની કૉમેડી ફિલ્મ પૉલિએસ્ટર યાદ આવે છે. ડિરેક્ટર જ્હોન વોટર્સે એમાં ધમાલ કરી હતી. ફિલ્મની ટિકિટ સાથે એકથી દસ લખેલા સ્ક્રેચ સ્ટીકર્સ આપવામાં આવતાં. સ્ક્રીન પર ચાલતા દ્રશ્યમાં કોઇ ખૂણે જે નંબર ફ્લેશ થાય એ સ્ટીકર સ્ક્રેચ કરીને આપણે સુંઘવાનું. દ્રશ્ય પ્રમાણે ફૂલો, પીઝ્ઝા, ઘાસ, ભીની માટી જેવી ફ્રેગરન્સનો અનુભવ બધાને થતો. એમાં એક કૉમેડી ટ્વિસ્ટ પણ હતો. છેલ્લે ક્લાયમેક્સ તરફ જતાં રેન્ડમ નંબર ફ્લેશ થતા. લોકો બાગની સુગંધ માટે સ્ક્રેચ કરતા તો પેલી મોં બગડે એવી ગંધ આવતી. બધા હસી પડતા. આ ટેક્નિક પણ હિટ હતી. એને ઓડોરામા કહેવાય છે.
લહેરાતી સુગંધની એક ટેક્નિક સ્મેલ-ઓ-વિઝન પણ છે. ૧૯૬૦માં સેન્ટ ઑફ મિસ્ટ્રીમાં એનો પ્રયોગ થયો હતો. સીટ નીચે અલગ અલગ સ્મેલ ધરાવતા સ્પ્રે લગાવાયાં હતાં. જો કે, આ ટેક્નિક બહુ પસંદગી નહોતી પામી. વારંવાર સ્પ્રેનો અવાજ મૂવિમાં ધ્યાનભંગ કરતો. ઉપરાંત, સતત સ્પ્રેના કારણે ઑક્સિજનની અછત થતાં ઘણા લોકોને તકલીફ થતી હતી.
એક રિયાલિટી ટેક્નિક પણ છે. અત્યાર સુધી એક જ થ્રીલરમાં એનો ઉપયોગ થયો છે. ૧૯૫૯માં બનેલી આર્થર ક્રેબટ્રીની ફિલ્મ હૉરર્સ ઑફ ધ બ્લૅક મ્યૂઝિયમ માટે. તેમાં એક અનોખો પ્રયોગ કરાયો હતો. હૉલમાં દર્શકો ગોઠવાઇ જાય પછી એક એક્સપર્ટ હિપ્નોટિસ્ટ આવતો. આખા સભાગારને હિપ્નોટાઇઝ કરતો. અને પછી દર્શકો એ બધું જ અનુભવતા જે ડિરેક્ટર અને રાઇટર ઇચ્છતા હતા. મૃત્યુનો અનુભવ, ઠંડા બરફ જેવા હાથ, બાયનોક્યુલરથી દેખાતું મર્ડરનું દ્રશ્ય. ક્ષોભ, ગ્લાની, ભયની લાગણીઓ, નજર સામે લટકતો ફાંસીનો ફંદો. બધું પરદા પર નહીં, ઑડિયન્સના મનમાં ભજવાતું.
આ હિપ્નોવિઝન અથવા હિપ્નોવિસ્ટા ટેક્નિક હતી. દરેક દેશ કે સિનેમાઘર માટે એક્સપર્ટ હિપ્નોટિસ્ટ મળવા અશક્ય હતા. એટલે જ આ ખર્ચાળ ટેક્નિક એકમાત્ર મૂવિમાં વપરાઇ. વૉર્નર હેર્ઝોંગ નામના એક ડિરેક્ટરે આ ટેક્નિકનો અલગ રીતે ઉપયોગ કરેલો. ફિલ્મ હાર્ટ ઑફ ગ્લાસના શૂટિંગ પહેલાં એણે એક્ટર્સને હિપ્નોટાઇઝ કર્યા હતા. 
ખરાં ભેજાં પડ્યા છે હૉલિવૂડમાં, નહીં’? નવું મૂવિ શરૂ થતાં અલપ બોલ્યો. હા યાર, સૉરી મેં ઝગડો કર્યો, કહેતા ઝલપે અલપના હાથ પર હાથ મૂક્યો. હાથમાં અજબનો કંપ અનુભવ્યો. એણે તરત અલપ તરફ જોયું. અને જે જોયું તે પછી બૂમ ન પાડી શક્યો. અલપ ત્યાં હતો જ નહીં. સફેદ વસ્ત્રમાં એક છોકરી બેઠી હતી. ચહેરા પર ન સમજાય તેવા ભાવ હતા. ક્યારેક હસતી ને તરત ગંભીર થઇ જતી. ઝલપે આસપાસ નજર ફેરવી. એ અલપથી ક્યાંય દૂર આવી ગયો હતો. મૂવિ હૉલમાં ઝલપને કંઇ દેખાતું નહોતું. બસ, હવે એ હતો અને પેલી બિહામણી છોકરી. બાકી આખો હૉલ ખાલી. વિલિયમ કૅસલની જ કોઇ હૉરર ફિલ્મ હતી. એમાં મૂવિંગ સીટનો પ્રયોગ કરવામાં આવ્યો હતો!
ખરેખર હૉલિવૂડના કિમિયાગરોની દાદાગીરી છે. ખેલ માણવા આવેલા ઑડિયન્સનો ક્યારે ખેલ પડી જાય કહેવાય નહીં. હવે ઝલપનું શું થશે? એ વાત જવા દો. બોલો, એ જગ્યાએ તમે હો, તો તમારું શું થાય?
Viral Mehta