છોડો હસલિંગ કરો બ્રેન રેસલિંગ
બૌધિકના ડૅડી વિદિત કુમારને પહોંચતા મોડું થયું. કૉલેજમાં પ્રિન્સિપાલ હાથમાં કાગળ સાથે રાહ જોતા હતા. ડૅડીના મનમાં ભણકારા વાગી ગયા. નક્કી આજે બૌધિકને કૉલેજમાંથી કાઢી મૂકશે. એમને બેસાડી પ્રિન્સિપાલે બૌધિકનું પરિણામ સામે ધર્યું....
'આઇ નો સર. મને ખબર જ હતી. હું વધુ....', 'આનાથી કેટલું વધુ વિદિતભાઇ'? 'સ....સર, આ વખતે મારે ટૂરિંગ હતું. ધ્યાન ન અપાયું. પણ ફાઇનલમાં હું પૂરતું....' વિદિત કુમાર બોલતા રહ્યા. 'વિદિતભાઇ તમે એના માર્કસ્ તો જુઓ', સાહેબ બોલ્યા. 'યસ સર, આઇ નો સર, આઇ....' સાહેબને ઠંડા પાડવાના પ્રયત્નમાં વિદિતે માર્કશીટ જોઇ, 'મેથ્સમાં હેં.... ૧૦૦.... હેં....'? ડૅડી એક પછી એક બધા સબજેક્ટ્સના માર્ક્સ જોતા ગયા અને આંખો પહોળી થતી ગઇ. 'હાઉ ઇઝ ઇટ પોસિબલ'? એમનાથી બોલી જવાયું. 'હુંય એમ જ કહું છું. હાઉ ઇટ ઇઝ પોસિબલ'? સાહેબે સૂર પુરાવ્યો. આ પહેલાની બધી મુલાકાતોમાં સાહેબ કહેતા, 'હી ઇઝ ઇમ્પોસિબલ'. વાત આજે પણ એ જ હતી. બસ, એક્સપ્રેશન્સ બદલાયા હતા. રિગ્રેટને બદલે બંનેના ચહેરે સ્માઇલ અને સરપ્રાઇઝ હતા.
ડૅડી ઘરે આવ્યા ત્યારે બૌધિક ફ્રેન્ડને મળવા ગયો હતો. તકનો લાભ લઇ એમણે એનું ડ્રોઅર ખોલ્યું. અને આ શું? મહેંકે દુનિયા છાંટો જો અત્તર. આઠ ને નવનો સરવાળો સત્તર. ૬૦ સેકન્ડમાં મીટર ૫૦ તો ૬૦ મિનિટમાં 3 કિમીનું અંતર. છોને પરીક્ષાના ટકોરા વાગ્યા. ૧૦૦માંથી ૧૦૦ લાગ્યા, જ્યારે ૨૫૦૦ જોડે ૨૫ ભાગ્યા. કંઇક અગડમ્ બગડમ્ લખેલા કાગળો હતા. 'કસરત ડૅડી કસરત, કસરત મિનિંગ એક્સરસાઇઝ. પાઇ ઇક્વલ ટુ સરક્મફરન્સ અપોન ડાયામીટરની સાઇઝ'. બોલતો બૌધિક પાછળ આવીને ઊભો હતો. 'ડૅડી આ મારી યાદ રાખવાની રીત છે'. ડૅડી કંઇ પૂછે તે પહેલાં જ એણે કીધું. મેથ્સ જ નહીં, બધા સબ્જેક્ટ્સમાં હું આવું કરું છું. અમુક ચેપ્ટર્સ હું ગમતા ગીતોની ધૂનમાં યાદ રાખું છું. અમુક સ્ટોરીમાં કન્વર્ટ કર્યાં છે. મને મજા આવે છે અને બધું યાદ પણ રહી જાય છે'.
ડૅડીની જેમ બૌધિકનો આ પ્રયોગ તમને અજબ ભલે લાગે પણ સાયન્ટિફિક છે. અભ્યાસ સ્વાભાવિક છે બોરિંગ લાગે. એને રસપ્રદ બનાવવાના અવનવાં પ્રયોગો વિદેશની યુનિવર્સિટીઝમાં ચાલી રહ્યા છે. વિદ્યાર્થીની રૂચિ જાણીને, કોઇ ગીતમાં કે કથામાં વિષયોનું રૂપાંતર વિદ્યાર્થી પાસે જ કરાવવામાં આવે છે. એ થયા પછી એક કે બે વાર વાંચે એટલે સબજેક્ટ્સ શીરાની જેમ ગળે ઉતરી જાય. કોઇ વિદ્યાર્થી પોતાને ગમતા ચિત્રમાં પણ કોઇ ચેપ્ટર યાદ રાખતા હોય છે.
ગોખેલું હોય તો ભૂલી જવાય. મગજમાં જે છપાય એ ક'દી ન ભૂંસાય. જેમ કે કોઇ મૂવિની સ્ટોરી. કોઇ ગમતું ગીત. જીવનભર યાદ રહેતી બાળપણમાં સાંભળેલી વાર્તાઓ. ગમતી વ્યક્તિ સાથે પહેલી મુલાકાત. બસ એ રીતે અભ્યાસક્રમો પણ યાદ રાખી શકાય. માનવીનું બ્રેન જે સ્લોટમાં ઇમોશન્સ અને એક્સપિરિયન્સ સંઘરે ત્યાં જો અભ્યાસના સબ્જેક્ટ્સ ગોઠવી શકાય તો યાદશક્તિ વધી જાય. બજારુ યાદશક્તિના ટૉનિકની માયાજાળમાં ફસાવા કરતા આ રીત વધુ સરળ અને સફળ છે.
તમને નંબર્સ યાદ રાખવા સૌથી મુશ્કેલ લાગે છે? તો બ્રેન ફીટનેસ એક્સપર્ટ ડૉ. ગ્રે સ્મોલ એક નવી જ ટ્રીક સજેસ્ટ કરે છે. આખું ગણિત શૂન્યથી નવમાં સમાયું છે. આ દરેક અંક સાથે તમને ગમતી તમારા ઘરની જ કોઇ ચીજ સાંકળી દો. જેમ કે, પેલા શો-કેસનું સ્ટેચ્યુ એ નંબર વન. મમ્મી ડૅડીનો ફોટો નંબર ટુ. બસ, આ જ રીતે ૦થી ૯ના અંકો કોઇ ઓબ્જેક્ટ સાથે જોડી દો. સમય જતાં દિવસભર જોયેલી તમામ કારના નંબર્સ યાદ રાખી શકશો. હા, શરૂઆતમાં પ્રેક્ટિસ, કોન્સન્ટ્રેશન, સ્પીડ ઓછાં હશે પણ જોતજોતાંમાં મગજની ફીટનેસ પરફેક્ટ થઇ જશે. યાદશક્તિ આશ્ચર્યજનક રીતે વધતી જશે.
દોસ્તો, વાંચવામાં સૌથી જરૂરી છે કોન્સન્ટ્રેશન. એ વધારવા રોજબરોજના કામોમાં થોડી રમતો ઉમેરો. આપણાં મગજમાં ગોઠવાઇ ગયેલાં રુટિન તોડો. કેમ કે, રુટિન કામમાં મગજનો કોઇ ઉપયોગ જ નથી. એટલે મગજની ક્ષમતા ઘટે, જેથી એટલે યાદશક્તિ ઘટે. એક કામ કરો. જે હાથે બ્રશ નથી કરતા એ હાથે બ્રશ કરો. જે હાથે જમો છો, એ સિવાયના હાથે જમો. કોઇ વાર આંખ બંધ રાખીને કોળિયો મોંમાં મૂકવા પ્રયત્ન કરો. થોડા સિક્કા લો. આંખ બંધ કરીને પારખવા પ્રયત્ન કરો. કમ્પ્યુટરના માઉસની કી-બદલ્યા વિના બીજા હાથે વાપરવાનું શરૂ કરો. જે રુટિન હતું એ બ્રેક થતાં મગજની રિસ્પોન્સ સિસ્ટમ તરત એલર્ટ થશે. કોન્સન્ટ્રેશન વધશે. વિચારશક્તિ અને યાદશક્તિમાં કલ્પના બહારનો વધારો થશે. અજમાવી જુઓ.
વધુ એક સફળ પ્રયોગ કરવા જેવો છે. ભણનારની રીતે નહીં, ભણાવનારની રીતે ભણો. કોઇ પ્રોફેસરની જેમ જાતે જ લેક્ચર આપો. કૉન્ફિડન્સ લેવલ વધી જશે. તમે તમને શીખવેલું ક્યારેય નહીં ભૂલાય. બાળપણમાં ૬૦ સેકન્ડમાં ૧૦૦ નાના દાખલા ગણતા હતા યાદ છે? 3+3, 0-0, 5x10, 2-1 આવાં નાના ૧૦૦ સરળ દાખલા માટે રોજ માત્ર ૬૦ સેકન્ડ્ઝ આપો. મગજ દિવસભર એલર્ટ અને ફ્રેશ રહેશે. સ્ટડી કે બિઝનેસ કે જૉબ દરેકમાં ઝડપ અને એક્યુરસી વધતી જશે.
બાકી, પરીક્ષાઓ તો કેટલીય આવી ને કેટલીય જશે. સાવ જુદી અને તમારી પોતાની બનાવેલી રીતે બૌધિકની જેમ તમે પણ ફક્ત બે ત્રણ વાર વાંચીને ગોખણિયાઓ કરતા વધુ સારું રિઝલ્ટ લાવી શકશો. બેસ્ટ ઑફ લક!
Viral Mehta